બુધવાર, 8 ફેબ્રુઆરી, 2012

નાગની નિશાની - દેવદત્ત પટ્ટનાઇક


આ કથા સાંભળો. કાલિય નામે એક નાગ હતો, યમુના પાણીને જેણે એવાં તો ઝેરી બનાવી દીધાં હતાં કે ગાયો અને તેના ગોવાળો તેમાં ડુબકી મારતાં જ મૃત્યુ પામતા હતા. ગાયો અને ગોવાળો એ કૃષ્ણને ફરીયાદ કરી એટલે કૃષ્ણએ નદીપાસે જઇને કાલિયને દ્વંદ્વયુધ્ધ માટે લલકાર્યો.ધમાસાણ યુધ્ધને અંતે કૃષ્ણે કાલિયને હરાવ્યો અને વિજયની નિશાની રૂપે તેના મસ્તક પર, ગાયો અને ગોવાળોના હર્ષોલ્લાસ સાથે, નૃત્ય કર્યું. પરાજીત કાલિય નદી છોડીને ચાલ્યો ગયો અને બધાં ફરીથી ઝેરના ભયથી મુક્ત થઇને યમુનાનાં પાણી પીવા લાગ્યાં.
હવે આ કથા સાંભળો.કૃષ્ણએ કાલિયને યમુના છોડી જવાનું કહ્યું કારણ કે તેનાં ઝેરથી દુષિત થયેલ પાણીને કારણે ગાયો અને ગોવાળો મરી જતા હતા. કાલિયએ ના પાડી દીધી. પૂછ્તાં તેણે કહ્યુંઃ"હું આ જગ્યાએ જ સલામત છું. જો હું આ ધરો છોડીને બીજે જાઉં તો મને ગરૂડ મારી નાખશે.એટલે મને અહીં જ રહેવા દો. મારે પાણીને ઝેરી કરવું નથી, પરંતુ હું બીજું કરીયે શું શકું? હું ક્યાં જાઉં?"

પહેલી કથામાં તે એક વીલન છે, જ્યારે બીજી કથામાં તે એક પિડીત છે. પહેલી કથા સાંભળીને આપણને ગુસ્સો અને જોમ ચડી આવે, તો બીજી કથા સાભળીને દુઃખ થાય અને અનુકંપા જાગે. આપણે બાળકોને કઇ કથા કહીશું?

હા, દરેક વાતમાં એક નાયક અને એક ખલનાયક હોય છે.પણ, આપણે ખલનાયકની ઉત્પત્તિવિષે ભાગ્યેજ વિચાર કરીએ છીએ. જન્મથી જ કોઇ  ગુનેગાર નથી હોતું. જરૂરીયાત તેને ગુનેગાર બનાવે છે.જરૂરીયાતમાંથી લોભ જન્મે છે અને જોત જોતાંમાં, તેને સમજ પણ પડે, તે પહેલાં ગુનાખોરી તેની આદત બની જાય છે. જો કે ગુનાખોરીનાં બીજ તો પિડીત દશામાં રહેલાં હોય છે.આપણને દમનકારી લાગે તે કાયદો તોડીએ છીએ. કાયદાને તોડવાથી આપણે મુક્તિ અનુભવીએ છીએ. કાયદાઓ જ્યારે આપણને અસલામતી જનક અને પીડાદાયક લાએ છે ત્યારે આપણે કાયદો તોડ્નાર, એટલે કે, ગુન્હેગાર બની જઇએ છીએ. કાલિય ને ગરૂડનો ભય હતો એટલે તો તે યમુનામાં રહી પડ્યો હતો.તેને સ્થાનાંતર માટે ભરોસો નહોતો.તેના ભયને કારણે યમુનાનું પાણી ઝેરી બની ગયું હતું અને તે એક ખલનાયક. કૃષ્ણ આ સમજતા હતા.એટલે તેમણે પોતાનાં પગલાંની છાપ કાલિયનાં માથાંપર મુકી દીધેલ. આમ નાગની આ નિશાની ગરૂડ્માટે તેને હેરાન ન કરવાનો સંદેશ- સુરક્ષાની નિશાની- હતો.

એટલે જ હિંદુ પુરાણોમાં ખલનાયકોનો નાશ ન કરાતો, તેમનો 'ઉધ્ધાર' કરવામાં આવે છે. ગુનેગારને મુક્તિ આપવામાં આવે છે. આનો શું અર્થ કરીશું? એનો અર્થ એ કે કૃષ્ણ કાલિયના ભયની મૂળભૂત કડી સમજવાની તસ્દી લે છે જેને કારણે તે વીલન બનવા તરફ ધકેલાયો છે. આમ ગાય અને ગોવાળોના પ્રશ્નનું સમાધાન કરતી વખતે તેમણે કાલિયના પ્રશ્નોને પણ નજર અંદાજ નથી કર્યા. દરેક પીડિતને તો બચાવવો જોઇએ,તેમ જ વીલનને પણ બચાવવો જોઇએ.

આજે આપણે લોકોને - તેમને મારીકૂટીને, તેમને સજા કરીને, તેમને શિક્ષા કરીને,તેમને બાધી મૂકીને,તેમને જેલમાંનાંખી દઇને - વીલન બનાવવામાટે ઉત્સુક જણાઇએ છીએ. તેમને શિક્ષા કરવાની સાથે સાથે તેમના 'ઉધ્ધાર'અંગે પણ વિચારવું જોઇએ અને માત્ર પોતાના માની લીધેલા આક્રમક અનુગ્રહોને બદલે પરીપક્વ શાણપણથી પેશ આવવું જોઇએ. માનવજાત પાસેથી આટલું માગવું તે વધારે પડતું તો ન જ કહેવાય ને?
-     દેવલોક, સન ડૅ મિડ ડેમાં ૧૧ ડીસેમ્બર,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ.

-       મૂળ લેખ  Mark of the Cobra નો અશોક વૈષ્ણવ, અમદાવાદ દ્વારા કરાયેલો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો