રવિવાર, 17 જૂન, 2012

મગજને ફળદાયક રીતે આરામ આપવાના ત્રણ ઉપાય - મૅથ્યુ ઈ. મૅ/Matthew E. May

ચેતાવિજ્ઞાનનાં સંશોધનો  એ વિચાર પર ભાર આપે છે કે વધારે ઉત્પાદક અને સર્જનાત્મક રહેવામાટે થોડા વિરામની નિયમીત ટેવ પાડવાની જરૂર છે.તેમનાં તાજેતરમાં ખુબ જ વેંચાતાં પુસ્તક, અનુમાન કરોઃ સર્જનાત્મકતા કઇ રીતે કામ કરે છે/ Imagine: How Creativity Works, માં જૉનાહ લૅહરર લખે છેઃ

સામાન્ય રીતે, એવું મનાય છે કે, કોઇપણ જટિલ પ્રશ્નનો ઉપાય ખોળી કાઢવામાટે, કઠોર એકાગ્રતા સહુથી ઉત્તમ રીત છે. પણ મગજને આમ જકડી રાખવાની, અંદરખાને, કિંમત ચૂકવવી પડે છે. તેમ કરવાથી સર્જનાત્મક જોડાણોને રોકતો એક પ્રકારનો અવરોધ, અવનવા ઉપાયોની ખોજમાં નડતર પરવડી શકે છે. આપણે એવા પ્રકારની જ મગજની પ્રવૃતિને દબાવી દઇએ છીએ જેને ખરેખર પ્રોત્સાહીત કરવી જોઇએ.
જો કે,ખરી કસોટી તો એ છે કે આપણે જ આપણાં કામની કે વ્યવસાયની વાત આવે ત્યારે આ રીતના વિરામ લેતાં, સામાન્યતઃ કતરાતાં હોઇએ છીએ.પરતુ એ પણ શક્ય છે કે દેખીતી (ઉંડા શ્વાસ લેવા, આંખો બંધ કરવી)અને સમય માંગી લેતી (કલાકો સુધી ધ્યાન ધરવાનો કે અઠવાડીયાંના ત્રણ દિવસ યોગના વર્ગ ભરવાનો સમય કોની પાસે છે?)રીતો સિવાય મગજને આરામ આપવાની અસરકારક રીતની આપણને ખબર જ ન હોય. તેથી આપણે અહીં મગજને આરામ આપતી અને ઉત્પાદકતા વધારતી એવી ત્રણ અતિ જાણીતી,ઝડપી અને સરળ રીતો જોઇશું:
ત્વરીત ઘ્યાન
વધારે ને વધારે લોકો કામનાં સ્થળે ધ્યાન તરફ વળી રહ્યાં છે.હાર્વર્ડના નેતૃત્વના પ્રૉફૅસર અને જાણીતા લેખક, બીલ જ્યૉર્જ,નું કહેવું છે કે ધ્યાન તેમની કારકીર્દીનું અવિભાજ્ય અંગ છે.ગુગલે  ૨૦૦૭માં, ગુગલ યુનીવર્સીટીમાં માનસિક જતન અને ધ્યાનનો કૉર્સ શરૂ કર્યો હતો અને તેના કર્મચારીઓને તેનો ઉપયોગ - સ્વ-જાણકારી,મનને કેન્દ્રિત કરવામાં અને એકાગ્રતા કેળવવામાં  - કરવા પ્રોત્સાહીત કરે છે. જ્ઞાનતંત્રનાં છબીકરણની યુઍલસીઍની પ્રયોગશાળા/UCLA Laboratory of Neuro Imagingનાં નવાં સંશોધનો સૂચવે છે કે જે લોકો ધ્યાનનો અભ્યાસ કરતાં હોય છે તેઓનાં મગજના અમુક ભાગમાં ભૂખરૂં સત્વ વધારે હોય છે, મગજના ભાગોનાં આંતર-જોડાણ વધુ મજબુત હોય છે અને તેઓમાં ઉમરને કારણે જોવા મળતી કૃશતા ઓછી હોય છે.બીજા શબ્દોમાં ધ્યાનને કારણે તમારૂં મગજ વધારે વિકસીત, ઝડપી અને યુવાન બની શકે છે.
તમે જો જાહેર વાહનવ્યવહારનો વાપરતાં હો (કે સહિયારી કાર વ્યવસ્થા વાપરતાં હો), તો તે સમયનો ઉપયોગ કરી તમારી આંખો ૧૦ મિનિટમાટે બંધ કરો. જો તમે જાતે કાર ચલાવતા હો, તો દશેક મિનિટ વહેલા નીકળી અને પહોંચ્યા પછી કારમાં બેસી રહીને આંખો બંધ કરો. કોઇ એક નિશ્ચિત ચિત્ર (જેમ કે ધોધ, સમુદ્રતટ, હરીયાળું ઝાડ વિગેરે)ની કલ્પના કરો અને માત્ર તેના પર મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો.જો કોઇ બીજા વિચારોમાં ચડી જવાય, તો તેને હળવેથી ખસેડી કાઢો. આ રીતે દિવસમાં એક કે બે વાર કરો.આપણો ધ્યેય ઉંઘે ચડી જવાનો નહીં, પણ વિશ્રાંત અવસ્થામાં રહી મગજને એકાગ્ર કરીને તાણમુક્ત કરવાનો છે.
ભાવ સ્પંદન
ઉંઘમાં આંખનાં ત્વરીત ઝપકવા/rapid eye movement (REM)ની શોધ કરી અને તેને સ્વપ્ન અને મગજની પ્રવૃતિઓ સાથે સાંકળી બતાવનાર માનસશાસ્ત્રી સ્વ. નાથનીયલ ક્લીટ્મૅને બતાવ્યું કે આપણે પ્રત્યેક ૯૦ મિનિટના અંતરાલમાં હળવી-થી-ગાઢ નિદ્રાના પાંચ તબક્કામાંથી પસાર થતાં હોઇએ છીએ. આ "અતિવૈચારિક" ઘટનાચક્ર છે અને આપણી જાગૃત અવસ્થામાં પણ હોય છે. જ્યારે આપણે જાગતા હોઇએ ત્યારે દર ૯૦ મિનિટે આપણે વધારે-થી-ઓછી  સતર્કતાની અવસ્થામાં રહેતાં હોઇએ છીએ. ૯૦ મિનિટ પછી,આપણું મગજ બંધ પડતું હોય છે.આપણે વધારે પ્રતિક્રિયાશીલ થઇ જઇએ છીએ અને ઓછું સ્પષ્ટ વિચારી શકીએ છીએ, તેમ જ બૃહદ ચિત્ર ઓછું જોઇએ શકીએ છીએ. આપણું શરીર બેચેની, ભૂખ,સુસ્તી અને એકાગ્રતા ભંગના સદેશાઓ મોકલવાનું શરૂ કરી દે છે.બીજું ઘણું કરવાનું હોય તેથી આપણે આ સંદેશાઓને ક્યાં તો અવગણીએ છીએ અથવા તો જુદા જુદા પ્રકારનાં શક્તિ પુરકોની મદદથી તેમને બિનઅસરકારક બનાવતાં હોઇએ છીએ.
વિરામ-યાદ-દાયક ઉપયોગી સામગ્રીઓ - જેવી કે સાયરૉકૉ/Scirocco કે તંદુરસ્તી ઇશારા/Healthy Hints - ઉતારી લો અને તેને દરેક ૯૦ મિનિટે વિરામની યાદ અપાવે તેવી રીતે ગોઠવો. જેવી તે યાદ અપાવે, કે ઉભા થઇ જાઓ, આળસ મરડો, ઑફિસમાં થોડું ચાલી આવો કે એક ગ્લાસ પાણી પી આવો. પાંચ મિનિટ પછી ફરીથી કામ પર આવી જાઓ.
દિવાસ્વપ્ન લટાર
કૅલિફૉર્નીઆ યુનીવર્સીટી, સાન્ટા બાર્બરા,ના સંશોધક જોનાથન સ્કુલર દિવાસ્વપનો અને દિમાગી તરંગીપણાના વિષયના અગ્રગામી છે. તેઓ એ પ્રતિપાદીત કર્યું છે કે જે લોકો દિવાસ્વપ્નો જોતા હોય છે તેઓ સર્જનાત્મકતાની કસોટીમાં વધારે ગુણ મેળવતા હોય છે. તેઓ ખુદ દરરોજ એક વાર સમર્પિત દિવાસ્વપ્નમય લટાર મારવા જાય છે.
અઠવાડીયામાં બે દિવસ, બપોરના જમવાના સમયે ૨૦ મિનિટ, લટાર મારવા માટે ફાળવો અને તે સમયે દિવાસ્વપ્ન જૂઓ. કામ સિવાય કોઇ પણ વિષય પર વિચાર કરો , જેમ કે સમુદ્રતટ પર રજાઓ ગાળવી, તમારૂ સ્વપ્ન સમું ઘર બાંધવું, તમારી ગમતી રમત રમવી કે એવું કંઇ પણ. ધીમે ઘીમે હવે અઠવાડીયાના ત્રણ અને પછીથી ચાર દિવસ એમ આ પ્રવૃત્તિ વધારતા જાઓ.  તે માટે કરીને તમારે તમારાં ટેબલ પર જ જમી લેવું પડે તો તેમ કરો.
તમને આ ત્રણમાંથી કઇ રીત તમારી જીવન પધ્ધતિની દ્ર્ષ્ટિએ સહુથી વધારે અપનાવવા લાયક જણાય છે?

v  મૂળ લેખ 3 Ways To Productively Rest Your Brain, લેખકની વૅબસાઇટ Matthew E. May    પર જૂન ૮, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
Ø  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ /// તારીખઃ જૂન ૧૭,૨૦૧૨

મૅથ્યુ ઇ.મૅ નો સંક્ષિપ્ત સ્વપરિચય
પાર્શ્વ કથા
વ્હાર્ટ્ન બીઝનૅસ સ્કૂલમાંથી સંસ્થાની રૂપરેખા/Organization Designના વિષય પર એમબીઍ કર્યા પછીથી, ૧૯૮૫થી હું સ્વતંત્ર સલાહકાર તરીકે વ્યસ્ત હતો. પરંતુ ૧૯૯૮માં, બધું જ બદલી ગયું.
તે સમયે એક સદઅકસ્માતથી મારૉ પરિચય 'ટૉયૉટા' સાથે થયો. તેઓએ મને એક નવાં વ્યવસાય એકમ, ટૉયૉટા યુનીવર્સીટી,માટે ત્રણ દિવસનું સત્ર આયોજન કરવા મદદ કરવા કહ્યું. શરૂઆતનું જે કામ સોપાયું હતું તે ૮ વર્ષનું પૂર્ણ સમયનું સલાહકારત્વનું મજાનું કામ થઇ રહ્યું.
એ આઠ વર્ષમાટે મારૂં આખું વ્યાવસાયિક જીવન, ટૉયૉટાને માટે પ્રબંધન શિક્ષણ વ્યૂહ શરૂ કરવા અને ઘડી કાઢવાની આસપાસ, ઘુમતું રહ્યું.
જપાનમાં ૮ એ શુકનિયાળ આંકડો છે, તેમાં પણ મારા માટે તો મારાં નામે લખાયેલાં એ ૮ વર્ષ એ સદનસીબનો સમય બની રહ્યો. હું પ્રશ્નોનો વૈજ્ઞાનિક ઢબે ઉપાય કરવાની કળા અને તાલિમ મેળવી શક્યો....હું કઇ રીતે શીખવું તે શીખ્યો; વધારે ચોકકસપણે કહીએ તો,સદા તત્પર અને રમતિયાળ બાળકની સ્વાભાવિક રીત, ફરીથી શીખ્યો. હું પ્રયોગાત્મક પ્રકૃતિ અને સતત નવું કરવાને પોષે તેવી સંસ્કૃતિ અને વાતાવરણ પણ કેમ સર્જી શકાય એ પણ શીખ્યો.
આ આઠ વર્ષોમાં મારી વિચારશક્તિ એ બાદબાકીની શક્તિને ઓળખી. તેમ જ જપાનીસમાં જેને 'શિબુમી' કહે છે અને ઝેન આદર્શમાં જેને 'સંયમિત ભવ્યતા' કહી શકાય તેવી, ઓછાં સાધનોથી મહત્તમ પરિણામો સિધ્ધ કરવાની કળા અને વિજ્ઞાન હું શીખી શક્યો. 

મારી આજ
હાલમાં હું થોડો કૉર્પૉરૅટ ચિંતક, થોડો સર્જનાત્મકતા અનુશિક્ષક, થોડો નાવીન્ય ઉદ્દીપક છું અને લોકોને તેમને જે મહ્ત્વના જણાય તે પ્રશ્નોનું સમાધાન કરવામાં સહાય કરૂં છું તેમ જ પૂરી દુનિયામાં જટીલ સમસ્યાઓના સુરૂચિપૂરણ ઉપાયોની ખોજમા વ્યસ્ત વ્યક્તિઓ અને ટીમોને મદદ,અનુશિક્ષણ અને દોરવણી પૂરી પાડું છું.  તે અંગે હું વ્યાખ્યાનો અને પરિસંવાદોમાં સક્રિય છું. હું અમૅરીકન ઍક્ષપ્રૅસ મુક્તમંચ મંતવ્યકેન્દ્ર પર અઠવાડીક સ્તંભ, મારા બ્લોગ પર, તેમ જ રૉટમૅન મૅગૅઝીન, ડીઝાઇન માઇન્ડ, એમઆઇટી/સ્લૉન મૅનૅજમૅન્ટ રીવ્યુ જેવાં સામયિકોમાં પણ લખું છું. મેં ત્રણ પુસ્તકો પણ લખ્યાં છે.
મારૂં નવું પુસ્તક, બાદબાકીના નિયમો |The Laws of Subtraction, મૅક્ગ્રૉ હીલ દ્વારા ઑક્ટૉબર,૨૦૧૨માં પ્રસિધ્ધ થશે.
બાદબાકીના આ ૬ નિયમો  દરેક વાતની અતિ આજના સમયમાં જીતવામાટેના સરળ નિયમો છેઃ
#1: જે નથી તે જે છે તેનાં કરતાં ગણી વાર વધારે મહત્વનું બની જતું હોય છે. 
#2: સહુથી સરળ નિયમો સહુથી વધારે અસરકારક અનુભવો કરાવે છે.
#3: નિયંત્રિત માહિતિ કલ્પનાને કુંઠીત કરે છે.
#4: બુધ્ધિમતાપૂર્ણ આડશો સર્જનાત્મકતાને પોષે છે.
#5: કંઇક નવું કરવામાટે 'જૂનું' ભુલવું મહત્વનું બની શકે છે.
#6: કંઇક કરવું જ એ કંઇ ન કરવા કરતાં હંમેશ વધારે ઇચ્છનીય ન પણ હોય.

અનુવાદકની પાદ નોંધઃ
આ લેખના સંદર્ભમાં જૉનાહ લૅહરર વિષે થોડું વધારે જાણવા તેમની વૅબ સાઇટ પર થોડી શોધખોળ કરી, તો 'વિશ્રાંત સર્જનાત્મકતા'/Relaxed Creativity ઉપર નીચે વર્ણવેલ વિડીયૉ ક્લીપ્સ મળી. મેં તેને અહીં,'સર્જનાત્મકતા કઇ રીતે કામ કરે છે'’ તે વિષે, ત્વરીત અને વધારે, પ્રાથમિક માહિતિ મળી રહે તે હેતુથી સમાવેલ છે.
જૉનાહ લેહરરઃ એકાગ્ર ન થાઓ,આરામ કરો - કૉલૅજનાં છોકરાંઓ અહા! પળો ક ઇ રીતે માણી શકે
કૉલૅજકાળમાં સહુથી જટિલ કોયડાનું સમાધાન કરવાના ઉત્તમ ઉપાય કયા? આપણા પહેલા જવાબ -- એકાગ્ર થાઓ,એકાદ વધારે કૉફી કે રૅડ બુલ પી નાખો -- દર વખતે સાચા નથી હોતા.જૉનાહ લૅહરર આપણને સમજાવે છે કે થોડો આરામ મગજને ગુથ્થી સુલઝાવવામાં કઇ રીતે મદદરૂપ થઇ શકે છે અને શા માટે આપણે તે કૌશલ્યનો અભ્યાસ કરવો જોઇએ અને તેમાં પારંગત થવું જોઇએ. --- http://youtu.be/pQNoqrlWkrY

જૉનાહ લૅહરરઃ સર્જનાત્મકતા કઇ રીતે કામ કરે છે -- જૉનાહ લેહરરનું કહેવું છે કે આપણા દરેકમાં એક સર્જક તો છૂપાયેલો હોય જ છે.તેમણે સ્ટીવ પૈકિન સાથે બેસીને આપણા સર્જનાત્મક વિચારો પાછળનાં ચેતાવિજ્ઞાનની વિગતો આલેખી છે. -- http://youtu.be/jkzOlG3YT_M

અનુમાન કરોઃ સર્જનાત્મકતા કઇ રીતે કામ કરે છે -- સહુથી વધારે વંચાતા પત્રકાર અને લેખક જૉનાહ લૅહરર આ ક્લિપમાં નવાં સંશોધનો કઇ રીતે આપણી માનવીય કલ્પના વિષેની સમજનાં ઉંડાણને વિસ્તારે છે અને આ વિજ્ઞાન આપણને કેમ વધારે ખુશ રાખી શકે છે તે બતાવે છે. -- http://youtu.be/Ufnp89NOreI
સમગ્ર કાર્યક્રમ અને શ્રોતાઓના સવાલ - જવાબ આ પૉડ્કાસ્ટમાં સાંભળોઃ http://www.thersa.org/events/audio-and-past-events/2012/imagine-how-creativit...

જૉનાહ લૅહરરઃ આપણે કઇ રીતે નિર્ણય કરીએ છીએ -- છેલ્લાં ૨૦ વર્ષનાં ચેતાવિજ્ઞાનનાં સંશોધનોએ આપણી નિર્ણય પધ્ધતિની સમજણને ધરમૂળથી બદલી નાંખેલ છે.
'અગ્ર મસ્તિષ્ક" માટે વિવેચનાત્મક સરાહના પ્રાપ્ત વિજ્ઞાન લેખક અને પ્રખ્યાત બ્લૉગર લૅહરર, 'મગજ કઇ રીતે કામ કરે છે','આપણે કઇ રીતે નિર્ણયો લઇએ છીએ?','અને આપણે કઇ રીતે સારા નિર્ણયો લઇ શકીએ?' તે વિષે નવાં વેધક સંશોધનો આપણને શું કહે છે તે આ [પાંચ ટુકડાઓમાં વહેંચાયેલી] વિડિયો ક્લિપમાં સમજાવે છે. ?  -- [1/5] http://youtu.be/Xllxee8ZnkE // [2/5]  http: //youtu.be/gWoX0Td4IBg //  [3/5]  http://youtu.be/qw7-UJUPSF0 // [4/5]  http://youtu.be/uf_Ahb929rQ // [5/5] http://youtu.be/Oli5TR2BfT8

2 ટિપ્પણીઓ:

  1. Here is one more article on postive effect of mediation on the power of brain - Meditation found to increase brain size, http://news.harvard.edu/gazette/story/2006/02/meditation-found-to-increase-brain-size/.

    જવાબ આપોકાઢી નાખો