શુક્રવાર, 6 જુલાઈ, 2012

બે શકુંતલાની કથા - દેવદત્ત પટ્ટનાઇક


તપસ્વી ઋષિ વિશ્વામિત્રને મોહપાશિત કર્યાનાં ફળ સ્વરૂપ નવજાત બાળકીને સ્વર્ગની અપ્સરા, મેનકા,એ વનમાં ત્યજી દીધેલ.નિશ્ચિત કાર્ય પૂર્ણ થયે જળસુંદરી તો ઇન્દ્રનાં સ્વર્ગમાં પાછી જતી રહી. પોતાનાં બ્રહ્મચર્યના ભંગથી શરમીંદા થયેલ તામસી ઋષિ પણ તેમની ઇન્દ્રિયોના નિગ્રહને ફરીથી સિધ્ધ કરવા તપ કરવા જતા રહ્યા. આમ જંગલમાં ઉપર મંડરાઇ રહેલાં ગીધોના ભક્ષ્ય સમી, અપ્સરાના વિજય ને ઋષિના પરાજયનું પ્રતિક, એવી આ એક્લી અટૂલી નવજાત બાળકી પોતાના રૂદનથી પોતાનું અસ્તિત્વ જાહેર કરી હતી.
કણ્વ ઋષિને તે પક્ષીઓ(શકુંત)ની છાયા હેઠળ મળી આવી હતી.આથી ઋષિએ તેને શકુંતલા નામ આપીને પોતાની નિશ્રામાં ઉછેરવાનું શરૂ કર્યું.
જ્યારે તે એક સૌંદર્યવાન યુવાન કુમારિકા બની ચૂકી હતી અને તેના પાલક પિતા બહાર ગયા હતા,તેવા એક દિવસે એક ફૂટડો રાજકુમાર આશ્રમમાં આવી ચડ્યો.તે હતો હસ્તિનાપુરનો રાજકુંવર, દુષ્યંત. તેણે આવી ગભરૂ પારેવડી જેવી નાજૂક, નમણી, નિર્દોષ યુવતી આનાથી પહેલાં કદાપિ જોઇ જ નહોતી. અને ન તો શકુંતલાએ આવો દેખાવડો,મર્દાનગીપૂર્ણ પુરૂષ કદિ પણ જોયો હતો.  પ્રણય ફાગ ખેલતાં ખેલતાં તેઓ ક્યારે પ્રેમમાં પડી ગયાં અને ક્યારે - જંગલનાં પશુઓની જેમ, અફાટ આકાશ તળે, સમાજની મંજૂરી વિના,પિતાની પણ રજામંદી વિના - એક્દેહ થઇ ગયાં તેનું તેમને ભાન જ ન રહ્યું. પછીથી, શકુંતલાને અહીં એકલી છોડી દુષ્યંત પોતાના દેશ તરફ રવાના થયો.તે કણ્વ ૠષિના આવવા સુધી રોકાઇ શકે તેમ નહોતો અને કણ્વની મંજૂરી વગર શકુંતલાને લ ઇ જવું ઉચિત નહોતું.પણ તેણે પાછા આવી, કણ્વને મળવાનું અને શકુંતલાની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને કહ્યુંઃ " તું મારી રાણી થશે."
કથા અહીથી નવો વળાંક લે છે.
આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે, મહાકાવ્ય મહાભારતના ભાગ રૂપે, મહા કવિ વ્યાસ લખે છે કે, કણ્વ પાછા આવે છે ત્યારે તેમની પૂત્રીને ગર્ભવતી જૂએ છે. તેઓ પરિસ્થિતિને હળવાશથી લે છે. સમય થયે બાળકનો જન્મ થાય છે. બાળકને કણ્વ અને શકુંતલા જંગલમાં ઉછેરે છે.સિંહના મોમાં હાથ નાખી અને તેના દાંત ગણી શકે તેવી બહાદુરી તે છોકરામાં બાળપણમાં જ જોવા મળે છે. મોટા થઇ ને તેને તેના પિતા કોણ છે તે વિષે સવાલ થાય છે. તેથી શકુંતલા તેને દુષ્યંતને મળવા લઇ જાય છે. દુષ્યંત શકુંતલાને ઓળખતો નથી. તેને બદચલન સ્ત્રી તરીકે તુચ્છકારી કાઢે છે અને તેના પર પોતાનાં રાજ્યપર ડૉળો હોવાનો આક્ષેપ કરે છે. શકુંતલા તેની સામે જરા પણ વિચલિત થતી નથી. તે બાળકને કહે છે,"આ જ તારા પિતા છે." દેવતાઓ પણ શકુંતલાની તરફેણ કરે છે અને દુષ્યંતને માફી માંગવાની અને તેના શબ્દો પાછા લેવાની ફરજ પડે છે.તે એવું કહે છે કે તેણે આમ એટલા માટે કર્યું હતું કે પાછળથી બાળકની કાયદેસરતા પર કોઇ આંગળી ન ઉઠાવે અને તેની પ્રજાનો પણ તેને આ બાબતે ટેકો રહે. શકુંતલા તો હસી રહે છેઃ તે તો જંગલની એક સીધી સાદી છોકરી છે, તેને વળી સામાજીક સ્વિકૃતિ કે કાયદાકીય કે નૈતિક હક દાવાની ક્યાંથી ખબર હોય.
તે પછીથી ૫૦૦ વર્ષ બાદ લખાયેલ કાલિદાસનાં વૃતાંત પ્રમાણે, ગુપ્ત સામ્રાજ્યની પરાકાષ્ટાના સમયે, જ્યારે દુષ્યંત પાછો નથી આવતો , ત્યારે કણ્વ એવું ભારપૂર્વક ઠરાવે છે કે એક પત્નીને છાજે તે રીતે ગર્ભવતી શકુંતલાએ તેની સાથે દુષ્યંતને મળવા આવવું.પરંતુ રાજ્યસભામાં દુષ્યંત તો શકુંતલાને ઓળખતો નથી. કેમ કે શકુંતલા એ તેના પ્રેમની ઘેલછામાં ક્રોધી ઋષિ દુર્વાસાનો શ્રાપ વહોરી લીધો હતો. જેના પ્રતાપ રૂપે શકુંતલા દુષ્યંતે યાદગીરી રુપે આપેલી વીંટી ખોઇ નાખી છે. હૃદયભંગ શકુંતલા રાજાના મહેલમાંથી ચાલી જાય છે, એક મત પ્રમાણે જંગલમાં, જ્યારે બીજા એક મત મુજબ તેનાં પિયર.તેના ચાલ્યા ગયા પછી એક માછીમારને એ વીંટી મળે છે,જે તે રાજાને પહોંચાડે છે.દુષ્યંતની યાદ પુનઃચેતના પામે છે. ત્રસ્ત દુષ્યંત શકુંતલાને ઠેર ઠેર નિષ્ફળતા મેળવતો શોધતો ફરે છે.વર્ષો પછી અસુરો સામેનાં એક યુધ્ધમાં દેવોને વિજય મેળવવામાં મદદ કરવા બદલ ઇન્દ્ર તેને એક ઘાસનાં બીડ પાસે લઇ જાય છે, જ્યાં તે કે બાળકને સિંહના દાંત ગણવાની રમત રમતો જૂએ છે.બાળકનો બાજૂબંધ સરી જાય છે, જે દુષ્યંત ફરીથી બાંધી આપે છે.દેવો તેને કહે છે કે,"માત્ર માતા કે પિતા જ આ કામ કરી શકે". આમ દુષ્યંતને ખબર પડે છે કે એ બાળકનો તે પિતા છે. આમ શકુંતલા અને દુષ્યંતનું મિલન થાય છે અને વર્ષોના વિરહ અને જૂદાઇ પછીથી તેઓ એક થાય છે.
કાલિદાસની શકુંતલા તેના પતિને શોધે છે , જ્યારે વ્યાસની શકુંતલા તેના પુત્રના પિતાને શોધે છે. કાલિદાસની શકુંતલા સામાજીક લાંછનથી ભલી ભાંતિ વાકેફ છે, જ્યારે વ્યાસની શકુંતલાને તેની કોઇ તમા નથી.કાલિદાસની શકુંતલા એક પ્રેમદિવાની અબળા નારી છે જ્યારે વ્યાસની શકુંતલા આત્મનિર્ભર અને સ્વાભિમાની છે. સમયના પસાર થતાં બદલાતાં સામજીક મૂલ્યો અને જાતિભેદને કારણે આવો ભેદ કદાચ આવ્યો હોય તેવું પણ બને.

v   સ્પીકીંગ ટ્રીમાં માર્ચ ૨૫,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો