મંગળવાર, 10 જુલાઈ, 2012

રાજેશ સેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ - ગુચ્છ ૧


તેનો ઇન્ટરવ્યુ સારોરહ્યો હતો.તેણે નોકરી સ્વિકારવી કે નહિ?
તેનો ઇન્ટરવ્યુ એ દિવસનો છેલ્લો ઇન્ટરવ્યુ હતો. તેણે તેમાં સારૂં કર્યું પણ હતું. નોકરી તો પાકી જ જણાતી હતી. પગાર અને મોભો પણ સારાં હતાં, પણ તેને એક વાતે ગોઠતું નહોતું.તેને એમ જણાતું હતું કે અહિ તેના ભાવિ ઉપરી તેને તેની કારકીર્દીમાં આગળ નહિ ધપાવી શકે. તેણે શાંતિથી ચાલતી પકડી.
 કોઇ કોઇ વાર ફરી ફરીને પ્રયત્નો કરાવા માત્રથી સફળ નથી થવાતું!
તેણે ફરીથી નંબર જોડ્યો. ફરીથી  ખોટો નંબર ખોટો હતો.. આવું લાગલગાટ ત્રીજી વાર થયું હતું! કંઇક ખોટું હતું. નંબર તો બરાબર જણાતો હતો. હવે જ્યારે તે પ્રયત્ન છોડી દેવા પર હતો, ત્યારે તેણે ભૂલ પકડી પાડી. તેણે નોંધેલ નંબરમાં છેલ્લા બે આંકડા અવળા સવળા થઇ ગયા હતા. હવે બધું સમજાઇ ગયું!
વાત તો પૂરી જાણવી જોઇએ!
જયેશને પુસ્તકાલય ગમતું. તે દિવસે, તે પુસ્તકમાં મગ્ન હતો. આજે  તેને પૂરૂ કરવા માગતો હતો. તે છેક અંત પર  જ હતો, તેવામાં  ...એક આશ્ચર્ય આવી પડ્યું - છેલ્લું પ્રકરણ જ ગૂમ હતું. "અરે રે" જયેશે વિચાર્યું," આ પુસ્તક પણ વાસ્તવિક જીંદગી જેવું છે. હવે પછી શું થશે તે જાણવા નથી મળતું."
"આંધળુકિયાં" ભારે પડી શકે છે!       
સદનસીબે, અકસ્માત જીવલેણ નહોતો. તે તરત જ સાજો થઇ ગયો. જો કે તેનામાટે નવાઇ તો જે રીતે અકસ્માત થયો તે હતી. તેને બરાબર યાદ હતું કે તેણે રસ્તો પાર કરતી વખતે ચારેબાજૂ બરાબર જોયું હતું. જે તે ચૂકી ગયો હતો તે એ કે કોઇ બીજાએ તો "આંધળુંકિયાં" કર્યાં હોય ને!
ઍરપૉર્ટ મોડા પહોંચવું હિતાવહ ન કહેવાય!
તે મોડો પડ્યો હતો. ખાસ્સો મોડો! એ છેલ્લી ફ્લાઇટ હતી અને રાત ઍરપૉર્ટ પર વિતાવવાની તેની કોઇ તૈયારી પણ નહોતી.બને એટલી ઝડપથી તે દોડી રહ્યો હતો.ત્રીસ મિનિટ જ બાકી હતી. જ્યારે તે દરવાજા પાસે પહોચ્યો, ત્યારે .. હાશ.. તેનો ડર સ્મિતમાં ફેરવાઇ ગયો - તેની ફ્લાઇટ પણ મોડી પડી હતી.
 સારૂ, પછી શું?
જયેશ એ ટ્રેનનો નિયમિત મુસાફર હતો. પરંતુ આજે, કદાચ મુંબઇમાં કામ કરતી સરિતા સાથે હતી, એટલે કંઇક જૂદું લાગતું હતું. તેમની ઔપચારિક વાતો ૩૦ જ મિનિટમાં આત્મીય બની ગઇ. તેમણે એક બીજાના ફૉન નંબરની પણ આપલે કરી લીધી. જયેશે, ચોકસાઇપૂર્વક તે પછીના દિવસે ફૉન કર્યો – તો જવાબ મળ્યોઃ "રોંગ નંબર"!"
 સોદો થઇ ગયો? લગભગ.
એક નવી શરૂ થયેલી કંપનીની વેચાણ ટીમ તેમની તેમના ગ્રાહકને જબર્દસ્ત રજૂઆત કરી શક્યા તેથી ખૂબ ખુશ હતી. તેમના નાણાકીય મૂડીસહાયક તે ગ્રાહકને સારી રીતે ઓળખતા હતા.તેમણે ગ્રાહકને ફૉન કરીને પૂછ્યું કે શું તેઓ આમની પાસેથી સીસ્ટમ ખરીદશે? ગ્રાહકે નમ્રતાપૂર્વક કહ્યું," કોઇ હિસાબે નહીં.આ મિટિંગ તો વેચાણ સંશોધન માટે હતી."
પસંદગીના વધારે પડતા  વિકલ્પની સમસ્યા!
સ્ટૉરના સૅલ્સમૅને મને દુનિયાભરના ફૉન બતાવી દીધા - સરકતા,ખુલતા,PDA ફૉન,કૅમૅરા ફૉન, પાતળા ફૉન અને એવા બીજા કૅટલાય. એક જૂઓ ને બીજો ભૂલો. બધા જ એકબીજાથી ચડીયાતા દેખાતા હતા.હવે મારે ખરીદતાં પહેલાં થોડું સંશોધન કરવું પડે તેમ હતું. એ વાતને બે મહિના થયા પછી પણ હું હજૂ નિર્ણય કરી નથી શક્યો.
યોગ્ય કિંમત ચૂકવવી એ મહત્વનું છે.
એ પુસ્તકે તો તેની દુનિયા ધરમૂળથી બદલી નાખી હતી.તેણે તેની કિંમતની ફરી વાર ખાત્રી કરી લીધી. ૧૫૦૦ રૂપિયા!  તેની દ્રષ્ટિએ તો "બહુ જ વ્યાજબી" લાગતી હતી. તેને થયું કે તેણે લેખકને કંઇક પાછું વાળી આપવું જોઇએ. થોડી વાર વિચાર્યા પછી, તેણે દસ નકલ તેના મિત્રોને મોકલી આપવાનું નક્કી કરી લીધું.
ધ્યેય હોવાં જોઇએ, પરંતુ, તે સાચાં હોવાં જોઇએ.
તે ૬૦નો થયો. નિરાંતે વિચાર કરવાનો સમય પાકી ચૂક્યો છે. છેલ્લાં પાંત્રીસ વર્ષથી તે અતિ વ્યસ્ત હતો. કારકીર્દીનાં લગભગ બધાં જ લક્ષ્ય તેણે પાર કર્યાં હતાં.તે સફળ, સમૃધ્ધ અને પ્રખ્યાત હતો. એક જ મેખ હતી - તે જાણે છે કે તેની એકલતાને ભરી શકે તેવા સંબંધો પૈસાથી નથી ખરીદી શકાતા.
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // જૂલાઇ ૧૦,૨૦૧૨

[[[[૫૦, અને માત્ર ૫૦, શબ્દોમાં કહેવાયેલ ગાથાઓઃ
એવું લાગે કે કોઇ પણ વાત કહેવામાટે ૫૦ શબ્દોની મર્યાદા બહુ આકરી કહેવાય. પરંતુ,થોડી શિસ્ત અને થોડી સર્જનાત્મકતાનું યોગ્ય મિશ્રણ કરાય, તો ૫૦ શબ્દોમાં ઘણું કહી શકાય. આ લઘુ ગાથાઓ એ ૫૦ જ શબ્દોમાં કહેવાયેલ વાત છે - નહિ ૪૯ કે નહિ ૫૧, પરંતુ બરાબર ૫૦ જ.
લઘુ ગાથાના વિચારસાથેનો મારો પરિચય ડૅનીયલ પિંકનાં પુસ્તક "ઍ હૉલ ન્યુ માઇન્ડ /"A Whole New Mind"દ્વારા થયો હતો. મેં પહેલી લઘુ ગાથા એ વર્ષે જ લખી, અને તે પછી પાછું વાળીને નથી જોયું.દરેક લઘુ ગાથા પોતાનો એક આગવો સંદેશ પ્રસ્તુત કરે છે.
લઘુ ગાથાના ફાયદાઓઃ
#૧- લઘુ ગાથા લેખન તમારી સર્જનાત્મકતાને વિકસાવે છે. કોઇ પણ નિગ્રહ સામાન્યતઃ ક્યાંતો સર્જનાત્મક્તાને વિકસાવે અથવા તો સામી લડત આપવા પ્રેરે છે.૫૦ શબ્દોમાં બધું જ કહેવા માટે ઘણું 'પાછળ' છોડી પણ દેવું પડે.બસ,આ જ તો છે સર્જનાત્મક્તાનાં ઝરણાં વહેતાં કરવાનો મોકો.
#૨ - લઘુ ગાથા લેખન તમારી વિચાર શક્તિને તેની પરાકાષ્ઠાએ લઇ જવામાં મદદ કરે છે. શું લખવું? ૫૦ શબ્દોમાં જેને સમાવી શકાય તેવો વિષય પહેલાં તો વિચારી રાખવો પડે કે જે વિચાર્યું છે તેન ૫૦ શબ્દોમાં ઠાંસવું પડે. આ કરવામાટે વિચાર શક્તિને તેની કાબેલિયતનાં સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યે જ છૂટકો થાય.
#૩ - લઘુ ગાથા લેખન તમને શિસ્તબધ્ધ કરે છે. ૫૦ શબ્દોમાં શું લખવું, શું છોડી દેવું તે સખત અભ્યાસ માંગી લે છે.]]]]
અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો