રવિવાર, 21 ઑક્ટોબર, 2012

સ્વપ્નાંને માલિકીભાવ સેવવા દીધા સિવાય સ્વપ્નાં કેમ સેવવાં - ઑલિન મૉરૅલ્સ

કેટલાંય લોકો નવલકથા લખવાનું સ્વપ્ન સેવે છે, પરંતુ કોઇ દિવસ કશું લખી નથી શકતાં.
મારાં મંતવ્ય પ્રમાણે, એ લોકો આળસુ, બેજવાદાર,ઢીલાં કે ડરપોક નથી. મારી દ્રષ્ટિએ,  સ્વપ્નાંને માલિકી ભાવ સેવવા દીધા સિવાય સ્વપ્નાં કેમ સેવવાં તે આ લોકોએ હજૂ શીખવાનું બાકી છે.
સ્વપ્નને જીવી જાણવાને બદલે આપણે સ્વપ્નનાં સ્વપ્નમાં જ શા માટે  રાચીએ છીએ
રૂડયાર્ડ કિપ્લીંગ તેમની પ્રખ્યાત કવિતા, 'જો' / “Ifમાં એવા ઘણા પદાર્થપાઠની વાત કરે છે જે તેમના દીકરાને પણ જીવનમાં સફળ થવામાં ઉપયોગી નીવડી શકે તેમ છે. કાવ્યનો સહુથી રસપ્રદ ભાગ એ છે જ્યાં કિપ્લીંગ તેમના દીકરાને સ્વપ્ન સેવવાનું, પણ "સ્વપ્નને [પોતાનાં] માલિક ન બનવા દેવા"નું, કહે છે. 
મેં જ્યારે પહેલી વાર આ વાક્ય વાંચ્યું ત્યારે કિપ્લીંગ શું કહેવા માગે છે તે જરા પણ સમજાયું નહોતું. પરંતુ, બે વર્ષ પહેલાં,મેં જેનું સ્વ્પ્ન સેવ્યું હતું તે, નવલકથા, લખવાની શરૂઆત કરી, ત્યારે કિપ્લીંગ શું કહેવા માગે છે તે મને સમજાઇ ગયું. 
મેં જ્યારે સ્વપ્નને સ્વપ્ન જ રહેવા દેવાને બદલે તેનો અમલ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે શા માટે આટલા બધા લેખકો તેમનાં સ્વપ્નની નવલકથા લખવાની શરૂઆત પણ કેમ નથી કરતાં.
આ બધાંમાં સાચી વાત તો એ છે કે સ્વપ્નના અમલના ખરા અનુભવોની ઊંચ-નીચની અફરાતફરીમાં ફંગોળાવાને બદલે આપણને સ્વપ્નનાં સ્વપ્નમાં જ રાચતાં રહેવાનું વધારે માફક આવે છે.
આપણે, જાણ્યે (કે અજાણ્યે), સમજીએ તો છીએ જ  આપણાં સ્વપ્નને જીવનમાં ઢાળવું એટલે અસ્વિકૃતિ, નિષ્ફળતા, કંટાળો, નિરાશા, હતાશાનો તો સામનો કરવો એ તો છે જ તો સાથે સાથે સ્વિકૃતિ, સફળતા, ઉત્સાહ,પ્રોત્સાહન અને આનંદ પણ છે.
જ્યારે સ્વપ્નની દુનિયામાં તો સ્વપ્ન સાકાર કરવાની પ્રક્રિયાનાં માત્ર સકારાત્મક પાસાં જ અનુભવવા અને તે મંઝિલનાં નકારાત્મક પાસાંઓને નકારી કાઢવાની સગવડ રહેલી છે.
સ્વપ્નમાં રાચવું એ માલિકી શી રીતે જમાવી દે છે
હું કંઇ સ્વપ્નાં સેવવાની બુરાઇ નથી કરતો. હું પણ માનું છું કે સ્વપ્નાં સેવવાં જોઇએ. એમ કરવું અતિ આવશ્યક પણ છે. ભવિષ્ય અંગે આપણી એક પરિકલ્પના પણ હોવી જોઇએ. જીવનમાં જે કંઇ મેળવવું છે તે માટે નક્કર ધ્યેય પણ હોવું જોઇએ.
એટલે, શરૂઆત કરવા માટે હંમેશાં બહુ સ્વપ્ન એ બહુ યોગ્ય મંચ છે.
પણ, જ્યારે આપણે આપણી પરિકલ્પનાઓ કે ધ્યેયમાં અટવાઇ જઇએ છીએ, અને આકસ્મિક સુધારણા કે અનુકુલનમાટે બાંધછોડનો અવકાશ નથી રાખતાં, ત્યારે સ્વપ્ન સેવનની મુશ્કેલીઓ શરૂ થાય છે.
જ્યારે આપણે આપણને સ્વપ્ન સાકાર કરવાનું પહેલું કદમ નથી ઉઠાવવા દેતાં, ત્યારે સ્વપ્નનાં માલિકીપણાની શરૂઆત થઇ જાય છે, કારણ કે આપણે માનવા લાગીએ છીએ કે કંઇ પણ શરૂઆત કરતાં પહેલી બધી ગ્રહદશા સાનુકુળ હોવી જોઇએ. 
જીવન જ્યારે સફરની મંઝિલમાં આડેધડ વળાંકો લાવવાનું શરૂ કરે, ત્યારે જો આપણે આપણાં સ્વપ્નને સફર પ્રમાણે ગોઠવીએ નહી કે તેનું પુનઃમુલ્યાકંન ન કરીએ તો સ્વપ્ન સેવન માલિક બનવા માંડે છે.
આપણાં શુધ્ધ, અક્ષુણ્ણ સ્વરૂપ અને આપણી કલ્પનાથી રતિભાર પણ જૂદાં ન હોય એવાં સ્વપ્નથી ઓછું કંઇ પણ આપણને સ્વિકાર્ય ન હોય,ત્યારે સ્વપ્ન આપણું સ્વામી બની જાય છે. 
લાંબા ગાળે ભલે તે આપણને આપણા સ્વપ્નની સિધ્ધિમાં ઉપયોગી હોય, પણ કારણ કે એ આપણાં આદર્શ 'આયોજન'માં નથી આવરી લેવાઇ, એટલે એવી તકને આવકારવાની જ્યારે આપણે તૈયારી નથી બતાવતાં, ત્યારે સ્વપ્ન સેવન આપણું માલિક બની જાય છે.
જ્યારે 'અશુધ્ધ' કે 'આદર્શથી એક આંગળ પણ કમ' સજોગો આપણા સ્વપ્નને 'મેલું' કરી નાખે નહીં, તે માટે જ્યારે આપણે આપણાં સ્વપ્નને 'છાતીએ વળગાડીને પંપાળીએ' છીએ, ત્યારે સ્વપ્ન સેવન આપણું માલિક બની જાય છે.
આદર્શ સંજોગોની રાહ જોવામાં કે આદર્શ સંજોગો ગોઠવવાની તૈયારીમાં આપણાં સ્વપ્નનું અમલીકરણ ઢીલમાં પડે છે.
સ્વપ્નાંને માલિકીભાવ સેવવા દીધા સિવાય સ્વપ્નાં કેમ સેવવાં
જો તમારે તમારાં સ્વપ્નને સાકાર કરવાનું, હંમેશાં, આજથી કાલ પર, ઠેલતાં ન રહેવું હોય, તો આટલું જરૂરથી કરોઃ
સ્વિકારી લો.તમે તમારાં સ્વપ્નને તમારા પર હાવી થઇ જવા દીધાં છે.
હવે,તમારાં પોતના જ હિતમાં, આ બંધન તોડો અને મુક્તિ મેળવવા માટે આ પગલાં લોઃ
નિર્ણય લો. (યાદ રહેઃ નિર્ણય = અમલ)
નાટ્યશાસ્ત્રનાં શિક્ષકે મને એક વખતે આ મહત્વની વાત શીખવી હતીઃ તેમણે સમજાવ્યું કે "નિર્ણય = અમલ".
આપણાંમાંના ઘણાં માટે અનિર્ણય હંમેશ સ્વપ્નને સાકાર ન થવા દેવા માટે કારણભૂત હોય છે.
સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરવાની સહુથી સારી રીત બાબતે આપણે નિર્ણય નથી લઇ શકતાં, કારણ કે આપણને આપણા નિર્ણયો મોટી મુશકેલીઓ તરફ ધકેલી દેશે તે માટેના કેટલાય માર્ગ તેમાં દેખાય છે.
આમ, જો તમે અનિર્ણાયક સ્થિતિમાં અટવાયાં હો, તો એટલું જરૂર યાદ રાખજો કે સ્વપ્ન સાકાર થવા દેવાના તમારા માર્ગમાં એ અનિર્ણય  એક અવરોધ છે.
પરંતુ, જો તમારે આગળ અવધવું છે, તો, બસ, નિર્ણય લઇ લો. કોઇ પણ નિર્ણય. કોઇ પણ નિર્ણય તમને, હંમેશ, કાર્યવાહી તરફ ધકેલશે, અને તમને ખબર પડશે તે પહેલાં, તમે,સાચા અર્થમા, સ્વપ્ન સાકાર કરવા ભણી કદમ ઉઠાવી ચૂક્યાં હશો.
(તમારા નિર્ણયથી કોઇ મોટી મુશ્કેલી આવી પણ પડે, તો પણ મુંઝાશો નહીં. જો, કદાચ, તમારા નિર્ણયનાં અવળાં પરિણામ આવે, તો કોઇ અન્ય રાહ લેવાનો વિકલ્પ પણ તમારી પાસે છે.)
વિશ્લેષણ કરવાનું બંધ કરી, માત્ર અનુભવ કરો.
સ્વપ્નને આપણાં સ્વામી થઇ  જવા દેવાનો બીજો રસ્તો છે, સ્વપ્નનું વધારે પડતું વિશ્લેષણ.
આપણે સફળ થવાની શક્યતાઓ ગણતાં રહીએ છીએ, કે કેટલા પૈસા કમાઇ શકશું તેનો હિસાબ માંડતાં રહીએ છીએ, કે પછી કેટલા પુરસ્કારો મળશે, કે નહીં મળે, તેની ગણત્રીઓ કરતાં રહીએ છીએ. આપણે આંકડાઓના અભ્યાસ કે ટકાવારીઓની તપાસ કરતાં, કે પછી,આપણે જે સિધ્ધ કરવા માગીએ છે તે કરી બતાવનાર લોકોની વાતો ઉથલાવતાં રહીએ છીએ. આપણે ત્યાંથી શરૂઆત તો કરીએ છીએ, પણ ત્યાં પૂરૂં નથી કરતાં. આપણાં સ્વપ્નનાં બધાં જ પાસાંઓને સરખાવવામાં, તફાવતો શોધવામાં, તેના પર મનન કરવામાં, અટકળો કરવામાં, તે અંગેના નિયમો વિચારવામાં, અંદાજો લગાવવામાં અને અનુભવોને પેલે પારનાં અનુમાનો કરવામાં કલાકોના કલાકો વિતાવી દઇએ છીએ.
જો આપણે સ્વપ્નને આપણા ઉપર હાવી થતાં રોકવાં હોય, તો સ્વપ્ન સાકાર થવાની "શક્યતાઓ" ગણવાનું બંધ કરી દઇએ, અને તેની જગ્યાએ, તેના અમલને અનુભવવાનું પસંદ કરીએ.
યાદ રહે કે, વિશ્લેષણ એ માત્ર વિચાર છે, અને સ્વપ્ન અંગેના આપણા વિચાર માત્ર, આપણને ક્યાંય પણ નહીં લઇ જઇ શકે. એટલે, આજે જ, વિચાર કરતા રહેવાને બદલે, અમલ કરવા ભણી કદમ ઉઠાવીએ.
એટલું સમજી લઇએ કે સ્વપ્નની બહારની દુનિયાની સફરમાં ખાઇઓની ઊંડાઇઓ અને પર્વતોનાં શિખરોના અનુભવ તો થશે જ. એ બધું તો પ્રક્રિયાનો જ ભાગ છે.
કોઇની સફર આસાન નથી હોતી.
હં.., કદાચ કિમ કાર્દશીઅન કે સ્નૂકી કે તવંગરોનાં પળેલાં પ્રાણીઓ સિવાય...પણ, આપણે  નથી તો કિમ કાર્દશીઅન કે સ્નૂકી કે કોઇ માલેતુજાર બંગલાનાં યૉર્કશાયર ટૅરીયર. એટલે આપણે તો કંઇક પ્રવૃતિએ વળગવું જ રહ્યું, પછી ભલે ને સફરમાં કંઇ કેટલાયે વાંધાવચકા કેમ ન હોય.
આપણી જાતને બીજાં સાથે સરખાવવાનું બંધ કરી દઇએ. આપણી સફર આપણી આગવી છે. અને તે આપણે જ પાર કરવાની છે.
ખરાબ સમાચાર એ છે કે બીજાંએ મેળવેલ સફળતા જેટલી સફળતા આપણે ક્યારે પણ મેળવી નહીં શકીએ. પરંતુ આનંદની વાત એ છે કે જેટલી સફળતા આપણે મેળવી શકશું, તેટલી સફળતા બીજું કોઇ પણ નહીં મેળવી શકે.
તેથી, જે આપણા દ્વારા જ શક્ય છે એ સફળતાની પ્રપ્તિ પર આપણું ધ્યાન કેન્દ્રીત કરીએ. જે મંઝિલ પર જ આપણી સફળતા છે, તેના પર જ નજર રાખીએ.બીજું બધું ભૂલી જઇએ.
આપણી જાતને પરિણામોથી વિમુખ કરી લઇએ.
આપણી જાતને ધ્યેયસિધ્ધિની પ્રક્રિયામાં ભળી જવામાટે સફળ થવા કહો, નહીં કે ફળની પ્રાપ્તિમાટે.
હકીકત તો એ છે કે,આપણાં સ્વપ્નને સાકાર કરવાના આપણા પ્રયત્નોનું પરિણામ શું આવશે, તે માત્ર આપણા હાથમાં નથી. આપણા હાથમાં તો એટલું જ છે કે સ્વપ્નને હકીકતમાં ફેરવવામાટે જરૂરી સમય આજે ફાળવીએ.
એટલે, એવી માગણી કરીએ કે મહત્વની સિધ્ધિ મેળવવા માટે કટીબધ્ધ થઇએ, નહીં કે મહત્વનાં પરિણામો પ્રાપ્ત થાય જ તે માટે.
સમધારણ સ્વપ્ન સેવો
સ્વપ્નાં સેવવાં એ સારી વાત તો છે, પણ જેમ अति सर्वत्र वर्जयेत  દરેક વાત માટે લાગુ પડે છે તેમ, અતિ, એ સ્વપ્ન સેવવા અને તેમની સિધ્ધિ, એમ બન્ને માટે જોખમી નીવડી શકે છે.
એટલે, સ્વપ્ન સમધારણ રહે તેનું ખાસ ધ્યાન રાખીએ. સ્વપ્ન સેવીએ જરૂર પણ તે સ્વપ્નનું સેવન તેની સિધ્ધિના માર્ગમાં અવરોધ ન બને તેની તકેદારી રાખીએ. સ્વપને સેવીએ જરૂર, પણ સ્વપ્નને આપણા ઉપર હાવી ન થવા દઇએ.  
તેને બદલે આપણે સ્વપ્ન પર હાવી થઇ જઇએ. સ્વિકારીએ કે સ્વપ્નની બહાર નીકળી, અને તેને સિધ્ધ કરવાની પ્રક્રિયાના મંદ અને તિવ્ર સ્વરોના આરોહઅવરોહનો અનુભવ, એક જ સુરમાં આલાપાતાં લાંબાંલચક ગાયન જેવાં સ્વપ્નની તરંગી દુનિયામાં જ પડ્યા રહેવા કરતાં, એ ઘણો સારો અનુભવ છે.
તમે તમારાં સ્વપ્નને તમારાં માલિક બની જતાં કઇ રીતે રોક્યાં છે? નીચે 'ટીપ્પણી'માં તમારા અનુભવ બીજાં સાથે વહેંચો.

*      ઑલિન મૉરૅલ્સદ્વારા લખાયેલ રાઇટ ટુ ડન/ Write To Done  પરનો મૂળ મહેમાન લેખ, How To Dream Without Making Dreams Your Master   , ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ છે.

α α ઑલીન મૉરૅલ્સનું પુસ્તક 'સર્જન માટેની હિંમત' / Courage 2 Create  એ તેમની પહેલી નવલકથા લખવાની મંઝિલની દાસ્તાન છે. આ બ્લૉગ, લેખનમાટેનાં માર્ગદર્શન ઉપરાંત જીવનના કપરા પડકારોનો સામનો કરવાની વ્યૂહરચનાઓની  પણ વાત કરે છે.તેમનો બ્લૉગ રાઇટ ટુ ડન/ Write To Doneની "લેખકો માટેના દસ સર્વોત્તમ બ્લૉગ્સ" શ્રેણીમાં ૨૦૧૧ અને ૨૦૧૨ એમ બે વર્ષથી સળંગ સ્થાન પામતો રહ્યો છે. તેમ જ ધ હફ્ફીન્ગસ્ટન પૉસ્ટ અને કલરલાઇન્સ.કોમ પર પણ તેની નોંધ લેવાઇ છે. α α

રાઇટ ટુ ડન/ Write to Done એ એવી જ્ગ્યા છે જ્યાં કોઇપણને લેખક તરીકે વિકસવાની તક મળે છે. લેખકની સફરના માર્ગ પરની એ સરાય છે જ્યાં અંદર સંતાયેલા તેજસ્વી લેખકના જીવને સંગત,પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે છે!
વર્ષ ૨૦૦૮થી ગુડલાઇફ ઝૅન/Goodlife Zen બ્લૉગનાં લેખીકા,મૅરી જેક્સ્ચ, રાઇટ ટુ ડન/ Write to Doneના પ્રેમમાં પડી, મુખ્ય તંત્રી તરીકે તેનું ઘડતર કરતાં રહ્યાં છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, તારીખઃ ૨૧ ઑક્ટૉબર,૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો