શુક્રવાર, 16 નવેમ્બર, 2012

નિયમોથી રામ નથી બનતા - દેવદત્ત પટ્ટનાઇક


જો નિયમો ન હોય, તો શું આપણે ભ્રષ્ટાચારી બનીએ ખરાં?  આપણને નિયમો જ ભ્રષ્ટ કરે છે?  આખરે તો, નિયમો હોય તો જ તેમને તોડી કે મરોડી શકાય ને!  નિયમો છે માટે આપણને સમાજ પર નજર રાખવા માટે નિયંત્રકો જોઇએ, અને અદાલતો અને હિસાબ તપાસનીશો પણ જોઇએ. કાયદા વગરની દુનિયા કેવી હોય? કાયદા વિનાની દુનિયા જંગલ રાજ પરવડી શકે - જ્યાં બળિયાના બે ભાગ હોય અને માત્ર સશક્ત જ ટકી રહી શકે. માનવીએ કાયદા એટલા સારૂ બનાવ્યા કે નબળો માણસ પણ ધરતીના ટુકડાનો આસામી થઇ શકે અને અક્ષમ પણ ખીલી ઉઠી શકે. માટે જ કાયદાઓ છે. અને તેથી જ માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો છે.
રામાયણ અને મહાભારત એ બન્ને માનવ સમાજ અને કાયદાઓ વિષેના ગ્રંથો છે.રામાયણમાં રામ કાયદાને અનુસરે છે, તો મહાભારતમાં કૃષ્ણ કાયદાઓને તોડે છે. બન્નેને પોતપોતાની જગ્યાએ સાચા ગણાવાયા છે. બન્ને ધર્મના અનુચર છે. બન્ને ઈશ્વરનાં સ્વરૂપ છે. બન્ને ભ્રષ્ટાચારની સામે લડે છે. આમ શી રીતે બની શકે?
રામાયણમાં ખલનાયક કાયદો તોડે છે.સુપર્ણખા કે રાવણને લગ્નને લગતા નિયમોમાટે કોઇ માન નહોતું. સુપર્ણખા બળના ઉપયોગથી સ્પર્ધા ખતમ કરી અને પોતાની ચાહત મેળવવા મથે છે, તો રાવણે કુટીલ પધ્ધતિઓની મદદથી, પોતાની અસંખ્ય રાણીઓએ હોવા છતાં, બીજાની એક માત્ર પત્નીને ઝૂંટવી લેવાના તાગડા રચ્યા હતા. તેનાથી વિરૂધ્ધ, મહાભારતમાં ખલનાયક એક પણ કાયદો તોડતો નથી. એક સ્ત્રીને ભર્યા દરબારમાં ઘસડી લાવવા કે જાહેરમાં તેનાં વસ્ત્રહરણ જેવી ઘટના સમયે પણ ન તો ભિષ્મ કે ન તો દ્રોણ કે કર્ણ કે પાંડવો વિરોધનો સૂર કાઢે છે, કારણ કે તકનીકી દ્રષ્ટિએ દુર્યોધને દ્યુતસભાનો કોઇ જ નિયમ ઉવેખ્યો નથી. કાયદાના પાલક રામ, કાયદો તોડાનાર રાવણ સામે યુધ્ધ કરી શક્યા ખરા, પરંતુ શું તેઓ કાયદાની સીમાની અંદર રહીને વર્તન કરનાર દુર્યોધનની સામે યુધ્ધ કરી શક્યા હોત?  અને તેથી જ ખુદ ઈશ્વરે પણ નવો અવતાર ધારણ કરવો પડ્યો અને એવા કૃષ્ણ બનવું પડ્યું, જેમણે કુદરતના નિયમોને વાળીમરોડીને દ્રૌપદીની શરમની ઘડીમાં તેને ચીર પૂરવા, અદ્રષ્ય સ્વરૂપે, પણ મદદ કરવી પડી.
ભ્રષ્ટાચાર એ કાયદાનું ઉલ્લંઘન માત્ર નથી, પરંતુ માનવીય બાજૂને બદલે પાશવી દ્રષ્ટિકોણ અપનાવીને સમાજના નબળા વર્ગમાટેનાં સંસાધનો સમાજના બળિયા વર્ગમાટે હડપી લેવું તે છે. લુખ્ખી ગુંડાગીરીથી સ્પર્ધાને ખતમ કરી પોતાના હજૂરિયાંઓને જ છાવરવાની કોશીશ એ ભ્રષ્ટાચાર છે.
ભારતમાં દરેક રાજકારણી કે દરેક અમલદાર કે દરેક ન્યાયધીશ કાયદાનું પાલન તો કરે છે જ. અને પાળવા માટેના કાયદાઓની ખોટ પણ ક્યાં છે! અને તેમ છતાં, કોઇની જમીન ઝૂંટવાઇ જાય છે, પણ કોઇની ધરપકડ નથી થતી. કેટલાંય હુલ્લડો થાય છે, હજારો નિર્દોષો માર્યાં પણ જાય છે, કંઇ કેટલાંય તપાસ પંચો તલસ્પર્શી તપાસ પણ કરે છે, પરંતુ સજા કોઇને થતી જાણી નથી.બળાત્કાર કરનાર વ્યક્તિઓ તકનીકી છીંડાઓના લાભ લઇને ઠાઠથી સમાજમાં ફરતા રહે છે, અને જેના પર બળાત્કાર ગુજારાયો છે તે બદનામ થાય છે. કદીપણ પૂરતા સાક્ષીઓ કે પુરાવા જ નથી મળી શકતા. ચાલુ વીડીયો કેમેરાઓની સામે ખૂનામરકી કરનાર આતંકવાદી તથાકથિત  શકમંદ આરોપી જ કહેવાતો રહે અને, મહિનાઓ અને વર્ષોના લાંબા સમય સુધી, રાજકારણની રમતનું  એક પ્યાદું બની રહે છે. 
તેથી આમ-આદમીનો ગુસ્સો સમજી શકાય તેમ છે. અણ્ણાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારે ભભુકી ઊઠેલો સાર્વત્રિક રોષ પણ સમજમાં આવે છે.ભારતનું વસ્ત્રાહરણ થઇ રહ્યું હોય ત્યારે કાયદાનાં પાલનથી નિષ્ક્રીય બની બેઠેલા ભિષ્મો કે કર્ણો કે પાંડવોથી સરકાર ભરી પડી છે. પણ તમારા રોષનું પ્રદર્શન તમને તિહાડ જેલના સળીયા જરૂર ગણાવી દે!
તિહાડ જેલમાં આપણને કૉર્ટની ભાષામાં કહેવાતા 'શકમંદ આરોપી' ગુન્હેગારો ભર્યા પડ્યા જોવા મળે છે,જેમાં કાયદો તોડવાના આક્ષેપના દાયરામાં હોય તેવા નામી રાજકારણીઓ જોવા મળશેઃ જે હકીકતે તો 'નાની માછલીઓ છે જે સમય આવ્યે માનભેર છૂટી જશે, કારણકે ન તો પૂરતા સાક્ષીઓ કે પૂરતા પુરાવો એકઠા થઇ શક્શે,અને વળી આપણા બાહોશ વકીલો પહેલેથી જ જટીલ કાયદાઓનાં અવનવાં અર્થઘટનોથી ન્યાયદેવીને ખરેખર અંધ બનાવી દે છે.
આ પરિપ્રેક્ષ્યમાં,લોકપાલ ખરડો એ એક વધારાનો કાયદો જ જણાઇ રહ્યો છે જેના વડે દેશનાં તંત્રની સફાઇ થઇ શકશે તેમ માનવામાં આવે છે. એનાથી રાવણો પેદા થતા અટકી શકશે? કે થશે પેદા વધારે ચલાક દુર્યોધનો? તેના વડે રામને મદદ મળશે કે કૃષ્ણને અડચણ વધશે?
આપણે જોઇ શકીએ છીએ કે અહીં મુદ્દો, યોગ્ય કાયદા નથી તે નથી; મુખ્ય મુદ્દો છે નિરપેક્ષ નીતિમત્તાના અભાવનો. આપણે રખે ભૂલીએ કે, આપણી પાસે વિશ્વનું શ્રેષ્ઠ પૈકી એક બંધારણ છે, જેને આપણે ૬૦ વર્ષમાં ૮૦ વખત બદલી ચૂક્યાં છીએ. આપણા વિષે હજૂ કંઇ કહેવાપણું રહે છે ખરૂં?
કાયદાને અનુસરતી દરેક વ્યક્તિ પોતાને રામ તરીકે જ જૂએ છે, પણ તેના વિરોધીઓ તેને દુર્યોધનના વેશમાં જૂએ છે. કાયદાનું દરેક તોડનાર પોતાને કૄષ્ણ જ માને છે, તો તેનાં પ્રતિસ્પર્ધીઓને તેમાં રાવણ જ દેખાયા કરે છે. સરકારની દ્રષ્ટિએ ટીમ અણ્ણા કાયદાનો ભંગ કરે છે, જ્યારે ટીમ અણ્ણાને સરકાર કાયદો તોડતી દેખાય છે. ટીમ અણ્ણા પોતાને કાયદાના રખેવાળ તરીકે જૂએ છે તો સરકાર પોતાને. મારા માટે નવાઇનો સવાલ એ છે કે, ખરેખર બન્નેમાંથી કોઇ પણ હેતુલક્ષી છે ખરૂં?
અદાલતો તો આપણને એટલું જ કહી શકે કે કાયદાનો ભંગ થયો છે કે નહીં. પરંતુ આજ તો સવાલ છે આશયનો, જે અદ્રશ્ય, અપ્રત્યક્ષ અને વસ્તુલક્ષી છે. હા, માનવ તરીકે આપણે જંગલમાથી બહાર આવી ચૂક્યાં છીએ, પરંતુ, જંગલ આપણામાંથી બહાર નથી નીકળ્યું. તેથી જ આપણે આપણી શેરીઓ કે જેલો કે સરકારોમાં હઠીલા દાદાગીરી કરતાં લોકો છવાયેલાં દેખાય છે -પોતપોતાની રીતે પોતે જ સાચાં છે તેમ માનનારાં અને બીજાં ને વશમાં કરીને પોતાનાં ભૌમત્વ અંગે અતિઆગ્રહી. એક બાજૂ, જુગારના અડ્ડામાં , દેશનાં ચીરનાં ચીથરાં ઉડી રહ્યા છે, તો બીજી બાજૂ રમતનાં મેદાનમાં એકબીજાંને આંગળી ચીંધતાં છોકરાંઓની જેમ દેશનાં વયસ્કો દેશની બેહાલી અને બેબસીનાં આંસુઓને જોતાં બેસી રહ્યાં છે.

*       મુંબઈ મિરરમાં ઑગસ્ટ ૧૮, ૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ.

અસલ અંગ્રેજી લેખ, RULES DO NOT MAKE RAM , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓક્ટૉબર ૬,૨૦૧૧ના  રોજ Mahabharata, Modern Mythmaking, Ramayana  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો