શનિવાર, 24 નવેમ્બર, 2012

મોહિની નૃત્ય - દેવદત્ત પટ્ટનાઇક

'અપ્સરાશબ્દની વ્યુત્પત્તિ, પાણી અર્થાત શબ્દ, 'અપ્સમાંથી થઇ છે. અપ્સરાઓ, બંધ મુઠ્ઠીમાંથી જેમ પાણી સરી જાય તેમ, માનવીની પકડમાંથી સરી જતી  સ્વર્ગની સુંદરીઓ છે. પોતાનાં આકરાં 'તપ' દ્વારા આધ્યાત્મિક અગ્નિ પ્રજ્વલિત રાખતા તપસ્વીઓને મોહપાશમાં પળોટીને તેમની તપસ્યા-ભંગ કરવા સારૂ દેવો તેમને મોકલતા રહે છે.  તપસ્યા -ભંગ કરવાનો હેતુ તપસ્વીઓને સંસારની માયાનાં પાંજરામાં કેદ કરી લેવાનો રહેતો હતો. મેનકા એ આવી એક અપ્સરા હતી, જેને સંસારની બધી જ માયાનાં બંધન ફેંકી દઇ સાધુ બની જવા માગતા રાજા, કૌશિક,ને મોહજાળમાં ફસાવી દેવા મોકલવામાં આવી હતી.

તે જ રીતે મોહિની એ વિષ્ણુનું મોહમય સ્ત્રી સ્વરૂપ છે. દેખાવમાં તો તે પણ અપ્સરાઓ જેમ જ મોહક અને ચિત્તાકર્ષક છે. એ તો મહાનતમ તપસ્વી, શિવ,ને પણ પોતાની જાળમાં ફાંસી લે છે. પણ તેમનો મુખ્ય હેતુ જૂદો છેઃ તે આધ્યાત્મિક જીવનમાં ભૌતિક વસ્તુઓનાં તાત્વિક મહત્વ પ્રત્યે ધ્યાન દોરવા માગે છે. તે વિમુખ સંન્યાસી, શિવ,ને લોકહિતેચ્છુ સાંસારી ગૃહસ્થ, શંકર,માં પરિવર્તિત થવામાં મદદરૂપ થાય છે.
મેનકા અને મોહિની દેખાવમાં તો એક સરખાં છે, પરંતુ મેનકા તપસ્વીઓને વશ કરે છે અને મોહિની સંન્યાસીઓને પ્રબુધ્ધ કરે છે.મેનકાને તપસ્વીઓના તપોભંગની કંઇ પડી નથી, જ્યારે મોહિની ભૌતિક વિકાસને અધ્યાત્મિક વિકાસ સાથે સંતુલિત કરે છે.
ગ્રાહકનાં હિતને અવગણીને માત્ર વેચાણના આંકડાઓમાં જ રસ ધરાવતી સંસ્થાઓ એ માલિકી-અંશધારકોનાં જ હિતમાં કાર્યરત, મોહક દેવકન્યાઓ, મેનકાઓ, જ કહી શકાય. પરંતુ જો વેચાણના આંકડાઓ એ ગ્રાહકનાં હિતની દરકારના પરિપાકરૂપ હોય તો સંસ્થાઓ મોહિની સ્વરૂપે વર્તી રહી છે તેમ કહી શકાય. 
ઉચ્ચ-સંપત્તિ ધારક, સુરેશને એક પ્રસિધ્ધ બેંકના સંપત્તિ વ્યવસ્થાપક સાથે મળવાનું થયું.આવા કેટલાય 'સંપત્તિ વ્યવસ્થાપકો' સુરેશને ફોન કરતા જ રહેતા હતા, તેથી પહેલાં તો સુરેશ પણ એ વ્યવસ્થાપકને ટાળતો રહ્યો.પણ આ ભાઇશ્રીનો ખંત-ઉદ્યમી અભિગમ સુરેશને પસંદ પડ્યો, તેથી આખરે તેણે એ વ્યવસ્થાપકને શુક્રવારે , બપોર પછી, મળવાનું ઠરાવ્યું.
ચંદ્રહાસ એક સાલસ યુવાન હતો અને તેની શૈલિ અને નિષ્ઠાથી તેને સુરેશ પર સાનુકુળ અસર પાડી. તેણે ગ્રાહકનાં નાણાનું ઇક્વીટી અને ઋણ મ્યુચ્યુઅલ ફંડોમાં અસરકારક રોકાણમાટેની બેંકની સેવાઓ અંગે સુરેશ પાસે રજૂઆત કરી.  સુરેશને આ પ્રસ્તાવ પસંદ પડ્યો,અને તે સેવા-કરાર પર દસ્તખત કરવા તૈયાર થઇ ગયો હતો. તેણે છેલ્લે એક સવાલ ચંદ્રહાસને પૂછ્યો, "તમે મારી સંપત્તિની વ્યવસ્થા કરશો કે બેંકનાં લક્ષ્યાંક પૂરાં કરશો?" ચંદ્રહાસની બોલતી બંધ થઇ ગઇ. શું જવાબ આપવો એ વિષે તે ગુંચવાઇ ગયો.આમ તો બન્ને હેતુઓ એક સરખા જ ન કહેવાય? એવું હોવું તો જોઇએ, પણ ચંદ્રહાસને સાવે સાવ ખાત્રી નહોતી.
સુરેશને એક વ્યક્તિ તરીકે ચંદ્રહાસ જરૂર પસંદ પડ્યો, પણ તે સમજી શક્યો કે ચંદ્રહાસ બેંકનાં લક્ષ્યાકોની ચીઠ્ઠીનો ચાકર, તેને રીજવવા અને બેંકના ગ્રાહકોને આકર્ષી લેવા માટે મોકલાયેલ મેનકા, માત્ર છે. બેંકનાં માળખાંમા તેણે કોઇ પણ અન્ય કર્મચારીની માફક બેંકના કાયદા-કાનુન અને નીતિઓનું જ પાલન કરવું રહ્યું. કરાર કરતાં પહેલાં પોતાને અપાઇ રહેલું વિશેષ ધ્યાન પછીથી જોવા નહીં મળે, પછીથી તે બની રહેશે એક ગ્રાહક સંખ્યા જેને સ્વયંસંચાલિત ટૅલીફૉન પ્રતિસાદ વ્યવસ્થાનો પનારો પડી રહેશે. ચંદ્રહાસ તો માત્ર નવા ગ્રાહકોને કરારબધ્ધ કરવાની તેની જવાબદારી અદા કરી રહ્યો હતો.તે હતો એક વ્યાપક ખેલનું એક પ્યાદું, જેમાં સુરેશનું કોઇ મહત્વ નહોતું , હતું તો પણ માત્ર તેની સંપત્તિનું મહત્વ.
સુરેશને તો ખોજ હતી એવી કોઇ 'મોહિની'ની, જે માત્ર કોઇ બેંક કે નાણાં સંસ્થના વેચાણના લક્ષ્યાંકના આંકડાને જ નહીં પણ  તેની સંપત્તિની પણ દરકાર કરે, જે તેની સંપત્તિ વ્યવસ્થાપનનાં નામે બેંકની સેવાઓને ન ભળાવી દે, જે માત્ર તેનાં કમીશન માટે કરીને પોતાના ગળામાં વીમાની કોઇ પણ પૉલીસી ન પહેરાવી દે.
મેનકાની કાર્યસૂચિનું કેન્દ્ર દેવો હોય છે; તે તેના માલિકોને ખુશ રાખવા કામ કરે છે, જ્યારે મોહિનીની કાર્યસૂચિનું કેન્દ્ર એ તપસ્વી જ છે; જેના વિકાસ માટે તે કામ કરે છે. ચંદ્રહાસને પણ, તેના ગ્રાહકોની સંપત્તિમાં વધારો કરીને પોતાની કારકિર્દી અને તેના નિયોક્તાના વ્યવસાયનો વિકાસની 'મોહિની" ભૂમિકા જ પસંદ છે,પણ તેના નિયોક્તાઓ તેને, તેમના ગ્રાહકોની સંપત્તિપર જ નજર રાખતી, 'મેનકા'નો પાઠ  ભજવવાની ફરજ પડતા દેખાઇ રહ્યા છે.
*       ETનાં કૉર્પૉરેટ ડૉસ્સીયરના, જૂલાઇ ૨૫, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, DANCE OF ENCHANTRESS, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર,૨૦૧૧ના  રોજ Indian Mythology, Leadership  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો