રવિવાર, 31 માર્ચ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૫


| ડીસેમ્બર ૨, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
હું હંમેશં માનતો આવ્યો છું, અને માનતો રહીશ કે જીવનના કોઇ પણ તબક્કામાં આપણને જેટલી મદદની જરૂર હોય છે, તેનાથી વધારે મદદ મળી રહેતી હોય છે. જ્યારે પણ હું કોઇ પણ વ્યકત્વ્યમાં આ વાત કરૂં છું, ત્યારે અડધાં તો સંમતિસૂચક ડોકું ધુણાવે છે અને બાકીનાં અડધાં શંકાશીલ નજરે તાકી રહે છે.હું જે કંઈ કહું છું, તેમાં મને તો પૂરેપૂરો વિશ્વાસ તો છે જ, પણ હું એટલું જરૂર ઉમેરીશ કે મદદ મેળવવામાટે તમારી પાસે ક્ષમતા હોવી પણ જરૂરી છે.
આપણે એક ઉદાહરણ લઈએ. તમે તમારાં કામના સારાં એવાં જાણકાર સૉફ્ટ્વૅર વ્યાવસાયિક છો. તદુપરાંત તમને  જાહેરમાં વ્યકત્વ્ય આપવાનો અને શતરંજ  રમવાનો, એવા બે શોખ પણ છે. તમને આ બન્ને શોખ માટે ખાસી લગન પણ છે. તમારી ઑફિસ અને તમારાં કુટુંબમાં બધાંને આ વિશે ખબર પણ છે.એક વાર તમારાં એક સહ-કર્મચારીએ એક પુસ્તક મેળામાં શતરંજ  વિશે એક બહુ જ સરસ પુસ્તક , સાવ ઓછી કિંમતે, મળતું જોયું. તેને તમે યાદ આવી ગયાં અને તેણે એ પુસ્તક તમારા માટે, એક મનનીય ભેટ સ્વરૂપે, ખરીદી લીધું. તમને ઘણી ખુશી થઇ અને તમે એ મિત્રનો ખરાં દિલથી આભાર પણ માન્યો. બહુ સીધી વાત છે કે જો તમને શતરંજનો શોખ હોય નહીં, અને તમારાં સહ-કર્મચારીને એની જાણ ન હોય, તો આ ઘટના થઈ જ ન હોત.
આ ઉદાહરણનો દેખીતો શાબ્દિક અર્થ કાઢવાનું આકર્ષણ જો રોકી શકશો, તો જરૂર જોઇ શકાશે કે આપણાં જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવે છે જેમાં આપણને લોકો મદદ કરી શકે તેમ હોય છે, પણ આપણે તે મદદ  લઇ શકીએ તેમ નથી બનતું.બાલદી અને પ્યાલાવાળો નિયમ* યાદ છે ને?
લોકો સ્વાર્થી છે, કોઇ આપણને મદદ નથી કરતું એવી ફરિયાદોનાં ગાણાં ગાવાને બદલે, આપણે આપણી મદદ મેળવી શકવાની ક્ષમતા વધારવામાં ધ્યાન આપીએ તે વધારે સારૂં નહીં?




| ડીસેમ્બર ૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
જો આગળ ધપવું હોય, તો સમજીને જ એક કદમ પાછળ હટવાની તૈયારી રાખવી એ બાબતનો જાત અનુભવ પહેલી વાર વ્યાપાર સાહસિક બન્યાં હોય, તેમાં પણ ખાસ કરીને જેમણે પેટે પાટા બાંધીને ઝંપલાવ્યું હોય, તેમને હોય છે. મને પણ આ વિશેનો જાત અનુભવ છે. મને બરાબર યાદ છે - જ્યારે મેં, પાંચ વર્ષ પહેલાં, સિગ્નેક્ષ શરૂ કર્યું - પગારમાં ૬૬% ઘટાડો, જીવન શૈલીમાં ધરખમ ફેર, નાની-સી ઑફિસ અને ઢગલા ગમે અનિશ્ચિતતા - ત્યારે બધાનું કહેવુ હતું કે આ બહુ ખોટા સમયનું, જોખમી પગલું છે. તેઓ બન્ને બાબતે સાચાં હતાં - મારી બધીજ બચત જોતરી દેવી તે જાણે ઓછું જોખમ હોય, તેમ એ સમય મંદીનો હતો (જો કે મને તેની ખબર નહોતી). આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, અને સવાલ થાય છે કે, શું એ જોખમ વ્યાજબી હતું? એક પલવારના વિલંબ વિના, મારો જવાબ "હા" જ હોય છે. જો હું મારી પહેલાંની નોકરીમાં ચાલુ રહ્યો હોત, તો મને વ્યાપાર સાહસિક તરીકે જે અનુભવો મળ્યા અને જે કંઇ હું ઊભું કરી શક્યો તેમાંનું કશું બન્યું ન હોત.
જીવનમાં એવી તક આવતી રહેતી જ હોય છે જે ટુંકા ગાળામાં આકર્ષક ન જણાય , પણ લાંબે ગાળે તે અત્યંત ફાયદાકારક પરવડી શકે છે. એવી તકોને પારખીને ટુંકા ગાળાંમાં થોડો ભોગ આપીને લાંબે ગાળે મીઠાં ફળ ચાખવામાં જ ખરૂં ડહાપણ છે.
મારા મિત્ર અને માર્ગદર્શક, ટીમ સૅન્ડર્સ, તેમનાં પુસ્તક "Love is the killer app"માં આવા જ એક અનુભવની વાત કરે છે. માર્ક ક્યુબને તેમની નવી કંપની, બ્રૉડકાસ્ટ.કૉમ, માટે, હતો તેનાથી ઘણા ઓછા પગારે, ટીમની નિમણૂક કરી. સૅન્ડર્સે માત્ર ક્યુબન સાથે કામ કરવાના લાંબા ગાળાના ફાયદા અને પ્રગતિને નજરમાં રાખ્યા હતા. લાંબી વાતને ટુંકમાં કરીએ તો, તે પછી થોડાં વર્ષમાં બ્રોડકાસ્ટ.કૉમ યાહુ!ને પાંચ બિલિયન ડૉલરમાં વેંચાઇ ગઇ, અને મને ખાતરી છે કે સૅન્ડર્સપણ તેના નિર્ણયથી ખુશ હશે.  
જેમણે જીવનમાં કંઇક કરી બાતાવ્યું છે તેમને જો પૂછીએ કે શું તેમને જીવનમાં, ફરણફાળ સમી પ્રગતિ પામતાં પહેલાં, ક્યારેય એક કદમ પાછળ હટવાનો પ્રસંગ આવ્યો છે, તો આપણને નવાઇ લાગે તેટલાં લોકોનો જવાબ હકારમાં હશે.
શુભેચ્છાઓ!



| ડીસેમ્બર ૫, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
ઘણા સમય પહેલાં મેં ડૅવિડ સ્વાર્ત્સ્‍નું પુસ્તક "મસમોટું વિચારવાની જાદુઈ કળા"\The Magic of Thinking Big વાંચ્યું હતું. તેનાં એક પ્રકરણમાં સ્વાર્ત્સ્‍  આપણાં કામને મહત્વનું ગણવાનાં મૂલ્ય વિશે વાત કરે છે. આ વાતને તેઓએ ત્રણ ઈંટ ચણનારા કડિયાઓની વાર્તાની મદદથી સમજાવી છે. વાત બહુ સીધી સાદી છે.
પહેલા કડીયાને જ્યારે પૂછ્યું કે 'શું કરી રહ્યા છો?' ત્યારે તેણે જવાબમાં કહ્યું કે" ઈંટ ચણું છું."
બીજાનો જવાબ હતો કે, " કલાકના ૪૫૦ રૂપિયા કમાઉં છું".
અને ત્રીજા કડિયાનો જવાબ હતો કે, " કોણ હું? હું તો વિશ્વનાં  સહુથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યો છું."
આ વાર્તા વાંચવામાં બહુ રસ પડે એમ છે. આપણે બધાં જ કલ્પી શકીએ છીએ કે ત્રણેય કડિયાની જીંદગીએ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લીધું હશે. 
આ વાર્તા આપણને બધાંને બહુ મહત્વનો પાઠ શીખવી જાય છે, અને આપણને વિચાર કરતાં કરી દે છે કે કોઇ નવી વ્યક્તિને મળીએ ત્યારે સામાન્ય રીતે પૂછાતા 'શું કરો છો?" સવાલનો જવાબ કેમ અને શું આપવો જોઇએ.
કામ માટે સાચો અભિગમ અને ગર્વ ન હોય, તો આપણા જવાબી પ્રતિભાવ મદદ પણ ન કરે, કે ન તો કોઇ નુકસાન કરે. કદાચ એવું પણ બને કે સામેની વ્યક્તિ આપણને વિશિષ્ઠ બનવાથી સાવ ઊંધા છેડાની મુક્કાબાજીની રમતમાં ચીત કરી નાખે *
એટલે, આપણા માટે સવાલ તો છે" તમે શું કરો છો?", પણ તેનો જવાબનો અધાર તો રહેશે - આપણે તેના વિશે કેમ, અને શું, પ્રતિભાવ આપીએ છીએ તેના પર.
* સંદર્ભઃ મૂળ અંગ્રેજી લેખ - #53 Always be ready to win the boxing game અને તેનો ગુજરાતી અનુવાદ #53 મુક્કાબાજીનો મુકાબલો, હંમેશાં, જીતતા રહેવા તૈયાર રહીએ



| ડીસેમ્બર ૬, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણે એવી કેટલીક પરિસ્થિતિઓને ઉદાહરણ સ્વરૂપે જોઇએ જેમાં આપણે કોઈની સામે ખેલ માંડ્યો હોય:
૧. આપણાથી ઘણી ઓછી પ્રતિભાવાન વ્યક્તિની સામે વિજયી બનીએ. મોટે ભાગે, તો એ વિજયમાં કોઇ આનંદ નહીં હોય, અને કદાચ એવું પણ બને કે એ વ્યક્તિ સાથે આપણે બીજી વાર ખેલ પાડીએ જ નહીં.
૨. આપણાથી ઘણી વધારે પ્રતિભાવાન વ્યક્તિની સામે હાર ખમવી પડે. મોટે ભાગે તો, એ હારનો કોઇ અફસોસ નહીં રહે, અને એવું પણ બને કે એમાંથી કોઇ પદાર્થપાઠ પણ શીખવા મળે.
૩. આપણાથી જરાક જ ચડીયાતી પ્રતિભાવાન વ્યક્તિની સામે વિજય મળે. કસોકસની સ્પર્ધા બની રહી હોય, પણ આખરે વિજય તો મળ્યો જ હોય. ખરો અનુભવ!
આ છેલ્લા કિસ્સમાં શું ફરક જણાય છે?
તમને એવો કોઇ છેલ્લો કિસ્સો યાદ આવે છે જ્યારે હારમાં પણ જીત અનુભવાઈ હોય? - આવું ત્યારે ખાસ બને છે જ્યારે આપણે આપણું પૂરેપૂરૂં જોર અજમાવી લીધું હોય, કે બીજા શબ્દોમાં, જ્યારે આપણે પૂરેપૂરી તીવ્રતાથી ભાગ લીધો હોય. મારાં સર્વકાલીન પસંદ પુસ્તક "નવીનીકરણનો વિરોધાભાસ\The Innovation Paradoxhttp://www.assoc-amazon.com/e/ir?t=lifebeyondcod-20&l=ur2&o=1  માં રીચર્ડ ફર્સને આ પરિસ્થિતિને બખૂબી સમજાવી છે.
ટેડી રૂઝવૅલ્ટનાં આ કથન પર પણ ધ્યાન આપવા જેવું છેઃ ન તો પેટ ભરીને માણતાં કે ન તો દિલ ખોલીને ગમ કરતાં પેલાં, હતાશ મનોદશાવાળાંઓની પંગતમાં બેસવા કરતાં, ભલે નાની મોટી હારથી રંગાયેલ હોય, પણ  કામ તો ગજાં બહારનાં જ કરીએ અને મસમોટા વિજયોને વરીએ, કારણકે એ લોકો તો હારની પરવા કે જીતની ખુશી વચ્ચેના સંધ્યાકાળમાં ભટક્યે રાખે છે.
આ નાનું સરખું અવતરણ આપણને તીવ્રતાથી ભાગ લેનાર વ્યક્તિ, અને તેટલાજ તીવ્ર વાળાઢાળા,નાં અગત્યની એક બાજુનો ચિતાર આપે છે.
રમત ગમતની જેમ જ, જીવનમાં કે કામમાં તીવ્રતાથી કરાતું કંઇ પણ બહુ મોટો ફરક પાડી દઇ શકે છે. અને એ તીવ્રતાને જો એક તસુ ઊંચી કક્ષાએ લઇ જઇએ, તો આપણી ઉત્પાદકતામાં પણ બહુ મોટો તફાવત પડી જતો અનુભવાશે. આપણે સુપેરે જાણીએ છીએ કે ઢીલાશ તો આપણી કારકીર્દીને ક્યાંય નહીં લઇ જાય. પણ જે જીંદગી કે કામમાં જોશ છે, તીવ્રતા છે, ત્યાં ઢીલાશ માટે તો જગ્યા રહે જ નહીં.
સારાંશ : ઢીલાશ પ્રગતિને મારે, તીવ્રતા જીવંત રાખે!


| ડીસેમ્બર ૯, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
અગ્રણીઓમાટે સહુથી મોટો માથાનો દુખાવો એ વાતનો છે કે કોઇપણ પરિયોજના છૂપાયેલ નકારાત્મક કે ખરાબ સમાચારની ખબર તેમને સહુથી છેલ્લે- ક્યારેક તો જ્યારે પરિયોજના સાવ ખરાબે ચડી જાય ત્યારે - થતી હોય છે. ખરાબ સમાચાર જલ્દીથી ન જણાવવા પાછળ ઘણાં કારણો હોઇ શકે છે. મારાં ધ્યાન પર આવતાં, તે પૈકી કેટલાંક, કારણો(?) અહીં રજૂ કર્યાં છે:
* સમસ્યા છે તે ખબર તો છે, પણ તે ચિંતાજનક કક્ષાએ પહોંચે, તે પહેલાં તેને પહોંચી વળવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
* બધું વિગતે સમજાવવા જેટલો સમય નથી.
* બૉસને સમસ્યા વિશે સમજાવવા બેસવાને બદલે, તેના ઉપાય કરવાની પાછળ સમય આપવો વધારે યોગ્ય જણાય છે.
* હાથ પરની સમસ્યાનો ઉપાય આપણાં ઉપરી પાસે પણ હોવાની શક્યતા નથી. તેથી આખરે તો તેનું સમાધાન જાતે જ કરવાનું છે. એટલે ઉપરીને જાણ કરવાથી શું ફાયદો?
* જો સમસ્યાઓની જાણ થાય, તો આપણાં ઉપરી, તેના ઉપાય શોધવાની આપણી ક્ષમતા વિશે જ શંકા કરે તેમ છે.
* આપણા માનવા મુજબ, અત્યારમાં તેમને કહેવું તે, તે તેમને વધારે પડતી વિગતોથી પરેશાન કરવા જેવું જણાય છે.આમ પણ, તેમની પાસે બીજી સમસ્યાઓનો ક્યાં તોટો છે, કે વળી એક વધારે સમસ્યાનો ઉમેરો કરવો.
આવાં તો કેટલાંય 'કારણો(?)’આપી તો શકાય, પણ આમાનું એક પણ કારણ, સમયસર ચેતવણી ન આપવા માટે સબળ, કે પૂરતું, કારણ નથી. પરિયોજનાનાં પરિણામોના અધાર પર કંઇ કેટલું ય થશે તેવાં વચનો અપાયાં હોઇ શકે. આ પરિયોજનામાં થનારી ઢીલ બીજી અન્ય પરિયોજનાઓને પણ અસર કરે તેમ પણ હોઇ શકે. કમ સે કમ સમયસર ચેતવી આપવાથી, અને તે સાથે સંભવીત જોખમને ટાળી શકવા માટે તમે વિચારેલા શક્ય ઉપાયો જણાવવાથી એટલું તો થાય કે સમસ્યા અંગે આપણે કંઇક અર્થપૂર્ણ કરી રહ્યાં છીએ. 
અને  આ વાત સંસ્થાનાં દરેક સ્તરે કામ કરતી વ્યક્તિને લાગુ પડે છે - તમે કદાચ મુખ્ય પ્રબંધક અધિકારી હો, તો તમારે પણ કોઇક તો એવું હશે - વરીષ્ઠ સંચાલક મંડળ, કે આપણી સંસ્થા સથે સંકળાયેલ કોઇ બહારની મહત્વની વ્યક્તિ કે પરિયોજના - કે જેમને માટે માથા પર તોળાઇ રહેલ જોખમની સમયસરની ચેતાવણી, તેમના નિર્ણયો માટે, બહુ જ મહતવની પરવડી શકે.


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૩૧, ૨૦૧૩




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો