બુધવાર, 12 જૂન, 2013

સત્તા, શક્તિ, સામર્થ્યનો વિનિમય - દેવદત્ત પટ્ટનાઇક

જ્યાં સુધી ડરનો વિકલ્પ નથી હોતો, ત્યાં સુધી જ ડર અસરકારક નીવડે છે.

હું અમારો કૌટુંબીક વ્યવસાય સંભાળું છું, જે લગભગ ૫૦૦ કરોડનો વકરો કરતા ભિન્ન ભિન્ન વ્યવસાયોને આવરી લે છે. મને કામ માટે બહુ ઉત્સાહ રહે છે, અને મારૂં ધ્યાન પરિણામો તરફ જ લાગેલું રહે છે. જો કે તેને કારણે જ્યારે કોઇ ભૂલ કરે, કે કામ કરવામાં ઢીલ કરે, છે ત્યારે હું તરત જ ગુસ્સે થઇ જાઉં છું. આ બાબતે મેં બહુ તટસ્થપણે વિચાર કર્યો છે. મારા ગુસ્સાવાળા સ્વભાવની નકારાત્મક અસરને કારણે મારે ત્યાંથી લોકો ક્યાં તો નોકરી છોડી દે છે અથવા તો હતોત્સાહીત રહે છે એ વાત કદાચ ખરી કહી શકાય, પણ મારૂં એમ ચોક્કસ માનવું છે કે લોકો પાસેથી કામ ખેંચવામાટે તે કામ પણ બહુ આવે છે. ઉત્સાહ પ્રેરતી વાતો કે ઉપજાવી કાઢેલ 'મહત્વનાં કામો'ની સરખામણીમાં ડરને કારણે લોકો વધારે સારૂં કામ કરતાં જણાય છે. આ બાબતે તમારૂં શું માનવુ છે?

તમે હેતુલક્ષી છો તે તો દેખાય જ છે. સાથે સાથે એક-ધ્યાન દ્રષ્ટિ પણ કેળવવાની પણ જરૂર છે. એટલે કે આજુબાજુની વસ્તુતઃ વાસ્તવિકતાઓને પણ ધ્યાન પર લાવવા માટે સભાન પ્રયત્ન કરવા જોઇએ. તે માટે બાહ્ય શક્તિ, દુર્ગા,ને પણ સમજવાની જરૂર છે.

'દુર્ગા', બાહ્ય શક્તિ ને 'શક્તિ', આંતર્‍શક્તિથી અલગ રાખવાની જરૂર છે. દેવોએ મહિષ નામના દૈત્યને હરાવવાનો હતો, અને તેમ કરવા માટે તેમની આંતર્‍શક્તિને મુક્ત કરીને બહારનાં પરીબળોસાથે સાયુજ્ય સાધીને બાહ્યશક્તિનાં દેવી 'દુર્ગા'નું સર્જન કરવા નું હતું, જે દૈત્યનો નાશ કરી શકે. શક્તિ આપણી આંતરીક તાકાત છે, જ્યારે દુર્ગા બહારથી મળતી તાકાત છે. જેમ કે, પ્રશંસાથી આપણને પોરસ ચડે છે કારણકે આપણને તેનાથી બાહ્ય ‘દુર્ગા’ પ્રાપ્ત થાય છે. આપણા ટીકાકારો દ્વારા થતાં અપમાનો આપણી 'દુર્ગા'ને ઘટાડે છે, અને તેથી આપણે હતાશા અનુભવીએ છીએ. આમ, દુર્ગા એ, સંપત્તિની દેવી લક્ષ્મીની જેમ, વિનિમયનું માધ્યમ બની રહે છે. દરેક માનવીય વ્યવહારમાં દુર્ગાનો વિનિમય જોવા મળે છે.આપણી પાસે આપવા માટે બહુ ઘણી માત્રામાં દુર્ગા છે, પણ આપણે ભાગ્યે જ તેનો પૂરો લાભ લઇ શકીએ છીએ. તેને બદલે આપણે શક્તિ મેળવવામાં વધારે વ્યસ્ત થઇ જઇએ છીએ.

તમારા ધ્યેયની સિધ્ધિ વિશે કાર્ય કરતાં કરતાં, તમે તમારાં ધ્યેય વિશે જ એટલી હદ સુધી ધ્યાન આપો છો કે, તમારી આસપાસનાં લોકોનું એ ધ્યેય નથી, તે તમને નજરે જ નથી ચડતું. હકીકતે, તમને તેમનાં ધ્યેય વિશે કશી જ ખબર નથી, જેમ કે, તેમનાં ધ્યેય તમારાં ધ્યેય સાથે એક રાગ છે, કે નહીં.તમે તેમને માત્ર "સાધનો' તરીકે જ જૂઓ છો - એવાં પાળેલાં પ્રાણીઓ જે માત્ર આપણું જ કહ્યું કરે. ગધેડો, કે ઘોડો કે બળદ, કદાચ, આપણે નક્કી કરેલ માત્રામાં વળતર કે શિક્ષાને જોરે, આપણે જેટલું કહીએ તેટલું જ, કરે છે. પણ આ તો જીવતાં જાગતાં મનુષ્યો છે, તે પાળેલાં, ખેતરમાંનાં પ્રાણીઓ જેમ વર્તે એવી આશા તો કેમ કરાય? જેમ તેમ ઇચ્છો તેમ તે ન વર્તે, એટલે તમને હતાશા થાય છે. પણ તમારી વર્તણૂંકને કારણે તેઓને પણ હતાશા થાય જ છે. તેમને દુર્ગા આપવાની વાત તો એક બાજૂએ રાખીને, તેમે તો તેમની પાસેથી દુર્ગા લીધે જ રાખો છો. કોઇને પણ પોતાનાં કામ માટે અંદરથી લગન નથી રહી. સ્વપ્રેરીત ન હોય એવી ટીમ પોતાનાં ધ્યેય સિધ્ધ નથી કરી શકતી. તેને પરિણામે તમે હજૂ વધારે ગુસ્સો કરો છો, અને બીજાંને પણ જરૂરી સત્તા ન આપવા પ્રેરાઓ છો. આ વ્યવહારમાં, જીત કોઇની પણ નથી થતી. સમસ્યા એ છે કે, જે લોકોને તમે જરૂરી સત્તા કે સામર્થ્ય વિનાનાં કરી નાખ્યાં છે, એ લોકો જ તમારી નજરમાં સમસ્યા છે.

તમે જેને બનાવટી 'મહત્વનાં કામો' કહો છે તે ઉત્સાહવર્ધક વાતો લોકોને શક્તિ પૂરી પાડે છે, તેના થકી તેઓમાં એક વિશ્વાસનો સંચાર થાય છે કે તેઓ તેમનાં ધ્યેય સિધ્ધ કરી શકવા સમર્થ છે.બધાં જ પાસે 'શક્તિ' હોય તેમ જરૂરી નથી, મોટા ભાગનાં લોકોને બાહ્ય સ્ત્રોતો દ્વારા મળતી શક્તિ 'દુર્ગા'ની જરૂર પડતી જ હોય છે. પ્રેરણાનાં ચાલક બળ તરીકે બાહ્ય સ્ત્રોત કદી આંતરિક સ્ત્રોતને તોલે તો ન જ આવે, પણ તે તો ચાલી જાય.એક અગ્રણી તરીકે તમારે તેમની જરૂરીયાતોને સમજવી રહી, તેને માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવી રહી, કે જેથી તમે જે ઇચ્છો તેમ લોકો કરે.

ક્રોધ એ તો લાચારીની નિશાની છે. તમે લાચાર એટલા સારૂ છો કે તેમનાં મનમાં ચાલી રહેલા આ અદ્રશ્ય ગતિવિધિઓ તમને નથી દેખાતી.તેઓ તમારી અપેક્ષાઓની પૂર્તિ (તમારા માટે 'લક્ષ્મી' પેદા કરતાં રહેવું) કરે એમ તેમ તમે ઇચ્છો છો, પણ તમારા બુમબરાડા, તમારાં દ્વારા કરાતાં અપમાનો એવું વાતાવરણ ખડું કરે છે જેમાં કંઇ જ નીખરી નથી ઉઠતું. જ્યાં સુધી કોઇ અન્ય વિકલ્પ નથી મળતો, ત્યાં સુધી જ ડર કામ કરાવી શકે છે. તે પછી,…. લોકો છોડીને ચાલતી પકડે છે.

  • ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં, માર્ચ ૨૯, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો