સોમવાર, 22 જુલાઈ, 2013

ઇશ્વરનાં એક અને અનેકાધિક સ્વરૂપ - દેવદત્ત પટ્ટનાઇક

વિશ્વમાં વધતાં જતાં વૈવિધ્યનાં મહત્વને અનુરૂપ, દૈવી તત્વ પ્રત્યેના આપણા અભિગમમાં પણ વૈવિધ્ય લાવવાની જરૂર છે.
૧૯મી સદીમાં વેદની ઋચાઓના અનુવાદ કરતી વખતે યુરોપના પ્રાચ્ય વિદ્યાવિશારદોના ધ્યાન પર આવ્યું કે દરેક ઋચા અલગ અલગ દેવનું આહ્વાન કરે છે. સ્વાભાવિક રીતે જ તેમણે માની લીધું કે ગ્રીક લોકોની જેમ હિંદુઓ પણ અનેકેશ્વરવાદી છે. પણ તેમણે સાથે સાથે એ પણ નોંધ્યું કે આહ્વાન કરેલ દરેક દેવને હિંદુઓ, એકેશ્વરવાદી ખ્રિસ્તીઓની જેમ, પરમ તત્વનું સ્થાન પણ આપે છે. આને કારણે તેઓ ગુંચવણમાં પડી ગયા કે હિંદુઓ અનેકેશ્વરવાદી છે કે એકેશ્વરવાદી? એ સમયમાં એકેશ્વરવાદીઓ વધારે ઉચ્ચ કક્ષાના ગણાતા હતા. તે સમયના બ્રિટીશ શાસકો  અનેકેશ્વરવાદને લગતી દરેક બાબતે ભારતીયોને નીચા જોણું કરાવવાની એક પણ તક છોડતા નહોતા.
કોઇએ વળી એમ પણ સૂચવ્યું કે હિંદુઓ અન્ય દેવોનાં અસ્તિત્વને સ્વિકારતાં એક જે દેવને ભજતા એક્શ્વરઉપાસ્યયવાદીઓ છે. આહ્વાન કરાતા દરેક દેવને ક્રમાનુસાર પરમ તત્વ તરીકે સ્થાપિત કરવાના અભિગમમાટે મેક્ષ મ્યુલરે "એકૈકાદિદેવવાદ" શબ્દ પ્રયોજ્યો. બીજી રીતે જોઇએ તો, દેવનું મહત્વ સંદર્ભાનુસાર નક્કી થાય છે. દુકાળમાં વરસાદના દેવ ઇન્દ્રનું મહત્વ હોય, તો શિયાળામાં 'સૂર્ય' દેવનું મહત્વ વધે, તો વળી ઉનાળામાં 'વાયુ' દેવનની ભક્તિ કરાતી જોવા મળે.  વેપાર ઉદ્યોગમાં અપણને જેની સાથે કામ પડે તેનું મહત્વ. જેમ જેમ આપણે તેના પર વધારે આધાર રાખતાં થઇએ તેમ તેમ તેનું મહત્વ પણ વધે. આમ મહત્વ પણ સંદર્ભ આધારીત છે.
આપણા પૂજા ઘરમાં દેવતાઓને ઇષ્ટદેવ(અંગત દેવ), ગૃહદેવ (ગૃહસ્થી, ઘરબારના દેવ), કુળદેવતા (સમગ્ર કુટુંબના દેવ), ગ્રામ્ય દેવતા (આખાં ગામના દેવ) કે વનદેવતા (જંગલના દેવ) એ રીતે વર્ગીકૃત કરતાં હોઇએ છીએ.આમ અલગ અલગ સંદર્ભમાટે અલગ અલગ દેવ હોઇ શકે છે - અંગત, વિભાગીય, ક્ષેત્રીય , બજાર-અનુસાર, વિગેરે. દરેકનું આપણાં જીવનમાં આગવું સ્થાન છે. આપણાં અસ્તિત્વને, અલગ અલગ કે સામુહિક સ્વરૂપે તેઓ પરિપૂર્ણતા બક્ષે છે.
વિશ્વના અન્ય ધર્મો, યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામમાં કોઇ પણ સંદર્ભ હોય, ઇશ્વર તો એક જ માનવામાં આવે છે.
સંસ્થાના એક જ ઉદ્દેશ્ય સાથે સેલ્સમેનથી માંડીને ડીરેક્ટર સુધી દરેકને સાંકળી લેવાની આધુનિક સંચાલન વિચારસરણીનાં મૂળ પણ એકેશ્વરવાદમાં જોઇ શકાય છે - ધર્મના એક ઇશ્વરની જેમ ઉદ્દેશ્ય એ બીનસાંપ્રદાયવાદી વાતાવરણ ધરાવતી સંસ્થામાં એક માત્ર  ઇશ્વરનું સ્થાન લઇ લે છે. આમ આધુનિક વ્યાપાર એ અનેક નહીં પણ એક માત્ર યજ્ઞનું સ્વરૂપ લ ઇ લે છે, જેના અગ્રણી યજમાનની ભૂમિકામાં રહે છે, અને બીજાં બધાં તેને મદદ કરે છે.
૧૯મી સદીમાં જ્યારે ભારતીય વિદ્વાનોએ હિંદુ ધર્મ વિષે ફરીથી લખવાનું શરૂ કર્યું, ત્યારે હિંદુ ધર્મ એકેશ્વરવાદી પણ છે તેમ સાબિત કરવામાટેનાં શાહી દબાણથી સુપેરે પરિચિત હતા. તેમાં ઉપનિષદની  અદ્વૈત વેદાંત ફિલૉસોફી હાથવગી થઇ રહી.એક જ દૈવી સિધ્ધાંતનાં અસંખ્ય દેવી દેવતાઓ સ્વરૂપ જ હતાં.હિંદુ જો અનેકેશ્વરવાદી છે , તે સાથે તેટલો જ એકેશ્વરવાદી છે. જોકે, આને કારણે લોકોને ગુંચવાડો થાય છે.  શું ગણેશ કૃષ્ણ કરતાં જૂદા છે?  So is Ganesha different from Krishna? એક લાક્ષણીક હિંદુ જવાબ હશે, "હા, ના, તેનો આધાર તો આપણે ક ઇ દ્ર્ષ્ટ્થી જોઇએ છીએ તેના પર રહેલો છે!" આવો જવાબથી કદાચ ગુસ્સો ન થાય, પણ અકળામણ તો થાય.હા, જે લોકો એકેશ્વરવાદના ઢાંચાના પક્ષમાં છે તેમને આવો એકૈકાદિદેવવાદી દ્રષ્ટિકોણ અકળાવનારો  જણાય ખરો. તે નર્યો તર્કવાદ, કે  કદાચ ઢોંગ પણ જણાય. પરંતુ, વિશ્વમાં વધતાં જતાં વૈવિધ્યનાં મહત્વને અનુરૂપ, દૈવી તત્વ પ્રત્યેના આપણા અભિગમમાં પણ વૈવિધ્ય લાવવાની જરૂર છે. તે બાહ્ય હોય કે પછી આંતરિક, મૂર્ત હોય કે અમૂર્ત,કે હોય એકવચન કે બહુવચન કે પછી હોય પુલ્લિંગ કે સ્ત્રીલિંગ. કે, મહાન તામિલ કવિ, નામ્મ્લવર, કહે છે તેમ, "બંનેની વચ્ચે."
સનડે મિડડેની 'દેવલોક' પૂર્તિમાં જૂન ૦૯, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, One or many faces of Divinityલેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જૂન ૧૮, ૨૦૧૩ના રોજ Articles, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુલાઇ ૨૨, ૨૦૧૩ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો