મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

વિલીયમ વર્ડ્સવર્થનાં કાવ્ય "We Are Seven [અમે સાત છીએ]" નું રસવિવરણ

ચુંટેલાં કાવ્યોનું રસવિવરણ - લેખકઃ વલીભાઇ મુસા

"ચુંટેલાં કાવ્યોનું રસવિવરણ" શ્રેણીમાં William Wordsworth [વિલીયમ વર્ડ્સવર્થ]નાં કાવ્ય ‘We Are Seven’ ["અમે સાત છીએ"]ને રજૂ કરી રહ્યો છું.

પ્રિય વાચક, અસલ અંગ્રેજીમાં કાવ્ય અહીં ક્લીક કરીને વાંચી શકાશે.

આપણે કાવ્યના મુદ્દાસરના ટૂંકસારથી શરૂઆત કરીશું અને ત્યાર પછી જ આપણે કાવ્યનું વિવરણ કે વિવેચન જોઇશું.

નાનકડી ઝૂંપડીમાં રહેતી માત્ર આઠ વર્ષની એક બાળકી સાથે કવિને કબ્રસ્તાનમાં ભેટો થઇ જાય છે. તેણી એટલી બધી નજુક છે કે પોતાની બાલ્યાવસ્થામાં તે મૃત્યુ વિષે સાવ અજાણ છે. કવિ તેને પૂછે છે, ‘તમે કેટલાં ભાઇબહેન છો ? કવિ તરફ આશ્ચર્યભરી નજરે જોઈ રહેતી બાળકી જવાબ આપે છે, ‘કેટલાં વળી ? અમે બધાં મળીને કુલ સાત છીએ!”

કવિના સવાલો આગળ વધે છે, ’ક્યાં છે એ બધાં?’

‘બે તો રહે છે કોનવે (Conway)માં અને બે ગયાં છે દરિયે, મારી એક બહેન અને એક ભાઇ એમ એ બે તો સૂતાં છે, આ કબ્રસ્તાનમાં અને હું અહીં રહું છું મારી મા સાથે. આમ અમે કુલ સાત છીએ.’ કબરમાં દટાઇ ચૂકેલાં એક ભાઇ અને એક બહેનને પણ તે જાણે કે તેઓ જીવતાં હોય તેમ તેમને કુલ સાતની સંખ્યામાં ગણાવી દે છે!

હવે કવિ એ બાળકીને સમજાવે છે કે તેનાં મૃત્યુ પામેલાં બંને ભાઇબહેનને તેણે હાલ જીવતાં ભાઈભાંડુમાં ન ગણાવવાં જોઇએ. કવિ સમજાવતાં કહે છે કે,” મારી વ્હાલી ટબુડી, તું તો દોડાદોડ કરે છે, તારા શરીરના અવયવો ચેતનવંતા છે. હવે જો તારાં બે ભાંડુડાંને કબરમાં સુવાડી દેવાયાં હોય, તો હવે તમે પાંચ જ ગણાઓ.”

પરંતુ, એ ભોળી બાળકી તો પોતાના કથનને સાચું ઠેરવવા કંઇ કેટલીય નીચે મુજબની દલીલો કરતી રહે છે :

    - હરિયાળીમાં એક બીજીની નજીક જ આવેલી બન્ને કબરો તો તેની ઝૂપડીમાંથી જોઇ શકાય છે.

    - એ કબરોની બાજૂમા બેસીને, તે કેટલીય વાર મોજાં અને રૂમાલને ગુંથતી હોય છે અને તેમના છેડાને ગડી વાળીને ઓટતી રહેતી હોય છે, તો વળી ક્યારેક તે તેમને ગીત પણ સંભળાવતી હોય છે. .

     - તેઓ પણ જમવામાં પોતાને સાથ આપશે એમ માનીને તે કેટલીયવાર સાંજનું વાળુ પણ ત્યાં કરતી હોય છે.

    - પહેલાં તો તેની બહેન જેન (Jane) ગુજરી ગઇ હતી, ત્યારે તે પોતે અને તેનો ભાઇ જહોન (John) તેણીની કબર પાસે રમતાં હતાં.

   - થોડા સમય પછી, જહોન પણ ગુજરી ગયો અને તેની કબરને જેનની કબરની અડોઅડ જ બનાવવામાં આવી હતી.

બાળકીનાં આ સ્પષ્ટ વિધાનો સાંભળીને પણ કવિ તો તેમનો સવાલ દોહરાવે જ જાય છે, પણ બાળકી તો “અમે સાત જ છીએ” શબ્દોમાં એટલા જ વિશ્વાસથી જવાબ વાળે છે. કવિ પણ પોતાની દલીલ આગળ આપતાં ફરીથી કહે છે કે એ બન્ને તો મૃત્યુ પામ્યાં છે અને તેઓ સ્વર્ગમાં છે; પણ તેમના પ્રયત્નો સફળ થતા નથી. બાળકી તો પોતાની ’અમે તો સાત, સાત ને સાત જ છીએ’ ની પોતાની માન્યતામાં અફર રહે છે.

પહેલી નજરે આ કાવ્ય તેની સરળતા અને પ્રવાહિતાની દૃષ્ટિએ એક બાળકાવ્ય જ જણાઈ આવે, પણ અહીં સચ્ચાઈ અને જૂઠાણાનું દલીલબાજી દ્વારા કવિ અને કાવ્યના બાળકીપાત્ર વચ્ચે વાક્યુદ્ધ ખેલાય છે. કવિ પોતાના પક્ષે વાસ્તવમાં તેઓ પાંચ જ ભાંડુરાં છે તેમ સાચું ઠરાવવાં પ્રયત્ન કરે છે, પણ બાળકી તો ‘અમે સાત જ છીએ’ એવા પોતાના કથન ઉપર અડગ રહે છે. કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે જીવિત કોઈપણ જણ, પ્રેમ અને લાગણીના મજબૂત તંતુના બંધનને કારણે, પોતાના મૃત પ્રિયજનને કદાપિ ભૂલી શકતું નથી હોતું. જીવિત વ્યક્તિ પોતાના મૃત સ્નેહીને જીવતું જ માને છે. પ્રસ્તુત કાવ્યમાં પેલી નાની બાળકી જાણે તો છે જ કે તેનાં ભાઇબહેન હવે જીવિત નથી. તેણી એ પણ જાણે છે કે તેમનું ભૌતિક સ્વરૂપ દૃશ્યમાન નથી, આમ છતાંય તેણી પોતાની યાદદાસ્તમાં તેમને જીવંત જ અનુભવે છે.

જીવન અને મૃત્યુ તો કુદરતનાં સત્યો છે. કોઈપણ વ્યક્તિ આ સત્યને નકારી શકે નહિ, અને આપણે તેમને કેવી રીતે નકારી પણ શકીએ જ્યારે કે આપણે આપણી આસપાસ કેટલાંય નવાં બાળકોને જન્મતાં સાંભળતા હોઈએ અને એ જ પ્રમાણે કોઈપણ ઉંમરનાં ઘણાં લોકો વિશ્વભરમાં અવસાન પણ પામતાં હોય ! જૂનાં જાય અને નવાં આવે એ તો દુનિયાનો ઘટનાક્ર્મ છે. આપણે જ્યાં સુધી મૃત્યુ પામીએ નહિ, ત્યાં સુધી આપણું જીવન એ જીવન છે અને એ પણ સનાતન સત્ય છે કે કોઈ એક દિવસે જીવનનો અંત પણ અવશ્ય આવવાનો જ છે. મૃત્યુ પશ્ચાત્ શું થાય છે તેની તો આપણને પાકી ખબર નથી; પણ, પાછળ જીવતાં રહી ગએલાં સગાંઓ પર મૃત્યુ પામેલાંની થોડે ઘણે અંશે, શું અસર થાય છે તે, દેખીતી રીતે તો આપણે જાણીએ જ છીએ.

મિત્રો,’અમે સાત છીએ’ કાવ્યનું વિવરણ તો અહીં પૂરું થાય છે; પણ દરેક વખતની જેમ હું તમને મોરિઅન હૉવર્ડ (Morion Howard) નું એક અવતરણ આપવાનું નહી ચૂકું. “જીવન એ એકદમ ટૂંકા ધાબળા સમાન છે. જો તેને જરા વધારે ઉપર ખેંચીએ તો પગનાં આંગળાં બળવો કરતાં હોય તેમ ઊઘાડાં થઈ જતાં હોય છે, અને જો તેને થોડો વધારે નીચે ખેંચીએ તો ખભામાંથી ઠંડીનું લખલખું નીકળી જતું હોય છે; પરંતુ ખુશહાલ લોકો તો પોતાના ઢીંચણ ઊંચા ખેંચી લઈને રાતની હુંફને માણી લેતા હોય છે.”

આશા રાખું છું કે આ વિવરણ આપને ગમ્યું હશે.

- વલીભાઇ મુસા

v  મૂળ લેખ (188) Expositions of Chosen Poems – 2 (We Are Seven)  શિર્ષક હેઠળ ૨૮ મે, ૨૦૧૦ના રોજ અને અનુવાદ (૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય) શિર્ષક હેઠળ ૨૬મી મે,૨૦૧૩ લેખકની વેબસાઇટ, William’s Tales (Bilingual Multi Topic Reads) પર, પ્રકાશીત થયેલ.

v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   ઓગસ્ટ ૨૭,, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો