રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013

ખુલ્લા દરવાજાનો ઉટપટાંગ કોયડો - દેવદત્ત પટ્ટનાઇક

મોટા ભાગનાં લોકો માને છે કે આચાર વિધિ વિધાનોથી માન્યતાઓ બદલી શકાય છે;                                  પરંતુ તેમ થતું નથી હોતું

કડક હાથે કામ લેનાર યુરોપીઅન પછી, મેં નવા મુખ્ય સંચાલક અધિકારી તરીકે હોદ્દો સંભાળ્યો છે. સહુથી પહેલાં તો મેં ખુલ્લા દરવાજાની નીતિ અમલમાં મૂકી. લોકો મારી સાથે મુક્તપણે સવાદ કરીને પોતાની સમસ્યાઓ મારી સાથે વહેંચી શકે અને તેમ કરવાથી ઑફિસમાં થોડું હળવાશભર્યું વાતાવરણ બની રહે તેમ મારો આશય હતો. પણ બહુ થોડા સમયમાં જ આ નીતિ મને જ ભારી પડવા લાગી. વરીષ્ઠ સંચાલકો હક્કપૂર્વક મારી ઑફિસમાં આવવા લાગ્યા, વચ્ચેના સ્તરના સંચાલકોને દરેક વાતમાં મંજૃરી જોઇતી હતી, તો વળી તેનાથી નીચેના સંચાલકો તો 'કેમ છો'નો ટહુકો કરવા પણ આવી જતા. મારી પાસે મારાં મહત્વનાં કામ માટે સમય નહોતો રહેતો, સંસ્થાકીય અધિક્રમની સાંકળમાં વિચ્છેદ પડવા લાગ્યો, જેને પરિણામે બીન-ઉત્પાદકતાનો માહૌલ બનવા લાગ્યો. હવે આ બધું મારે ફરીથી ઠેકાણે કેમ લાવવું? મારે લોકોની સાથે બરછટતાથી પેશ નથી આવવું, કે ન તો તેમનાં મેણાં સાંભળવાં છે કે 'યે ભી સીઇઓ બન કે બદલ ગયા!'.
તિરૂપતિ દેવસ્થાનમમાં આપણે જોઇએ છીએ કે મંદિરના દરવાજા ક્યારેક ખુલ્લા અને ક્યારેક બંધ હોય છે.દરવાજા પર, આમ તો વિષ્ણુ જેવાજ દેખાતા પણ નહોર ધરાવતા એવા બે દ્વારપાળ, જય અને વિજય, હંમેશ પહેરો ભરતા દેખાશે. આ રીતની ઝીણવટ ભરી વ્યવસ્થાવાળાં દ્વારતંત્રની તે વળી શી જરૂર પડી?  એ દર્શાવે છે, મહદ અંશે તો દ્વાર બધાં માટે, હંમેશ, ખુલ્લાં જ છે, પરંતુ અંદર સિંહાસન પર બિરાજમાન વ્યક્તિના સમયને માન આપીને જ.
તમારે પણ આવી જ કંઇક દ્વારતંત્રની વ્યવસ્થા વિચારવી જોઇશે. તમે ખુલ્લો આવકાર ધરાવનાર વ્યક્તિ તરીકે રજૂ થવા માગો છે તે સ્વીકાર્યું, પણ પોતે શું છે, પોતાને શું જોઇએ છે, પોતાની ટીમ ક્યારે - ક્યાં હોવી જોઇએ તે જેને ખબર છે ,પોતાની ટીમને નક્કી કરેલ માર્ગ પર સિધ્ધિઓ મેળવી શકે તેમ સામર્થ્યવાન થવા ઇચ્છતા એવા ઉપરી , અને અગ્રણી, છો તે તો દેખાડવું જ પડશે ને. ઉઘાડાં પડેલાં બારણાં માત્રથી  આવો સંદેશ સંચારિત નથી થતો
ખુલ્લા દરવાજો, ખુલ્લી કેબિનો, પારદર્શીતા વગેરે બધું સિધ્ધાંતોમાં તો બહુ જ સારૂં લાગે છે. તે બંધીયાર વિચારધારાઓ, બંધ બારણે ખીચડી પકવતી મિટીંગ અને ગોપનીયતાની સંસ્કૃતિને પ્રતિકારે છે તે પણ સ્વીકાર્યું. પરંતુ બંને કોઇ ચોક્કસ સાધ્યમાટેનાં સાધનો છે, અને જો સાધ્ય જ સિધ્ધ ન થતું હોય, તો સાધન પણ બદલવું જ પડે. સહુથી પહેલાં તો તમારે એ બાબતે સ્પષ્ટ થવું પડશે કે તમે શું નિર્ધાર્યુ છે.તમે તમારી જાતને કઇ રીતે રજૂ કરવા માગો છો?  હા, એ તો નક્કી જ છે કે તમે બધાં માટે સુગમપણે ઉપલબ્ધ છો .પણ તમે સાવ ખરા અર્થમાં સાવે સાવ સુગમ છો ખરાં? એમ ન હોવું એ એટલું ખોટું પણ નથી.કોઇ એક થોપી બેસાડેલ 'આદર્શ નેતૃત્વ ઢાંચા"માં ફસાઇ ગયેલ તમારાં વ્યક્ર્તિત્વને 'મુક્ત' કરો. જો યોગ્ય સંભાળ ન રખાય ને તો આવા ઢાંચાઓ ક્યારેક જોખમી બની જાય છે.
દેખીતું લાગે છે કે, તમારે મન અસર છોડી જતી છાપ મહત્વની જણાય છે. તમે તમારા, કડક હાથે કામ લેતા એવા પૂર્વગામી યુરોપીયન કરતાં અલગ દેખાવા માગો છો. ખુલ્લાં બારણાંઓની નીતિ વડે તમે સુગમપણે જેને પહોંચી શકાય તેવા અગ્રણી હોવાની છાપ છોડવા માગો છો. અને હવે જો તમે બારણાં બંધ કરો તો 'બદલ ગયે'ની છાપ પડવાનો તમને ભય છે.તમારે કોઇ એક ચોક્કસ રીતે દેખાવાની છાપ છોડવી છે.પરંતું, તમે ખુદ શું છો, તે વિશે વિચાર્યું છે ખરૂં? તમને શું સાનુકુળ જણાય છે? ઉઘાડા દરવાજાની નીતિનાં પરિણામો તમને માફક નથી આવ્યાં તેવું તો જણાઇ રહ્યું છે, પણ અલગ દેખાવા માટે કરીને તમે તેને અપનાવેલ.
લોકોને તો એવી વ્યક્તિ નેતા તરીકે જોઇએ જે તેમણે શું કરવું જોઇએ તે કહી શકે અને તે સિધ્ધ કરવામાં મદદરૂપ પણ થાય. બારણાં ઉઘાડાં રાખવાનો તમારો આશય એ હતો કે લોકો તમારી પાસે તેમના વિચારોની સ્પષ્ટતા કરવા માટેની ચર્ચા કરવા આવતાં,  કે પોતાના અભિપ્રાય આપવામાં, કે મદદ માગવામાં અચકાય કે ડરે નહી. ઉઘાડો દરવાજો એ માનસીક સ્થિતિનું ભૌતિક સ્વરૂપ છે. પણ જો એ માનસીક સ્થિતિ જ જો અસ્તિત્વમાં ન જણાતી, તો ઉઘાડા દરવાજા કોઇ અર્થ ન સારી શકે. લોકોને સંભાષણો કહેતાં રહેવાથી તેમની માન્યતાઓ બદલી નથી શકાતી. આચાર વિધિ વિધાનો એ માનસીક સ્થિતિનું નિરૂપણ છે. મોટા ભાગનાં લોકો માને છે કે આચાર વિધિ વિધાનોથી માન્યતાઓ બદલી શકાય છે;પરંતુ તેમ થતું નથી હોતું. તેનાથી માત્ર ખોખલી કાર્યવાહીઓ થતી રહે છે, જેને લોકો એટલા સારૂ અનુસરે છે કે તેમની પાસે કોઇ અન્ય વિકલ્પ નથી.
તમારે બારણાં ખુલ્લાં રાખવાં ઉપરાંત, પોતાને એ સવાલ પૂછવો જોઇએ કે, " શામાટે લોકો મારી કૅબિનમાં દાખલ થાય છે?" તેમને આવકારો જરૂર, પણ એટલું જરૂર ચકાસી લો કે તેઓ માત્ર સમય પસાર કરવા જ આવેલ  છે (પોતાનું કામ પૂરૂં કર્યું હોય અને થોડી નવી વાત કરીને તાજગીની શોધમાં આવ્યાં હોય તો વાંધો નહીં, પણ તે તમારા સમયના ભોગે તો ના પોસાય ), કે પછી કોઇ વિષય પર અનુમતિ લેવી છે (જો તેમના અધિકારક્ષેત્રમાં તે ન હોય તો જ, પણ જવાબદારીમાંથી છટકવા કે નિર્ણય લેવામાં લાગતા ડરની સામે સલામતી ખાતર જ હોય, તો જરા પણ નહીં), કે પછી માત્ર તમારા હોદ્દાને કારણે તમારી સાથેની ઘનીષ્ઠતા સાબિત કરવી છે (આ તો સાવ પોકળ ચાંપલુશી જ થઇ!). લોકો સાથે વાત કરી અને ખુલ્લા દરવાજાની નીતિની પાછળનાં તમારાં કારણો અને આશય સ્પષ્ટ કરી દેવાનો સમય પાકી ગયો છે - મંદિરમાં જવાની છૂટ છે - જીવનના નવા અર્થની અવિરત શોધ માટે જરૂરી ઉર્જાના સ્ત્રોતને નવપલ્લ્વિત કરવા માટે, જેથી પાછા ફરીને પોતાનાં કામમાં બમણા ઉત્સાહ અને જોશથી લાગી જવાય.
*      ETની 'કૉર્પોરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં જુન ૦૭, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Open Door Conundrum  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઇ ૩૦, ૨૦૧૩ના રોજ ARTICLES, BLOG, LEADERSHIP, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  સપ્ટેમ્બર ૦૮, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો