સોમવાર, 14 ઑક્ટોબર, 2013

અધુરૂં, અ-પૂર્ણ - દેવદત્ત પટ્ટનાઈક

હું એક બહુરાષ્ટ્રીય કંપનીમાં માનવ સંસાધન વિભાગના વડા તરીકે કામ કરૂં છું. અમારા અમેરિકન બૉસ, લક્ષ-ઉન્મુખ 'તાનાશાહ' છે. કામ કરવાની ભારતીય રીતભાત કે ભારતીય બજારની સૂક્ષ્મ ખૂબીઓ તેમને ગળે જ નથી ઉતરતી. તેઓને મન તો કંપનીના નિયમો, પ્રક્રિયાઓ અને દૃષ્ટિકોણને અનુસરવું એ એક માત્ર સત્ય છે. હવે બૉસ-વિરૂધ્ધ-બીજાં-બધાં એવી પરિસ્થિતિની વાત બની રહી છે. અને આટલું પૂરતું ન હોય, તેમ તેમણે તાજેતરમાં કેટલાંક કર્મચારીઓને પાણીચું પણ પકડાવી દીધું છે. બૉસમાં મારે સહાનુભૂતિની ભાવના કેમ કરીને જગાવવી? અમારી બાકીની ટીમને મારે કેમ કરીને પરિસ્થિતિ સમજાવવી? મધ્યસ્થીના મેં બહુ બધા ઉપાયો અજમાવી જોયા છે, પણ કોઈ કારી કામયાબ નથી રહી. પુરાણકથાઓમાંથી કંઇક મદદ મળી રહેશે એવી હવે મારી આશા છે.
એ 'તાનાશાહ'નું આપણે થોડી સહાનુભૂતિથી 'દર્શન' કરીએ. એ અમેરીકન છે.તંત્ર વ્યવસ્થા, પ્રક્રિયાઓ, ઉદ્યમ અને ઔદ્યોગીકરણને જ્યાં હંમેશ મહત્વ મળ્યું છે એ પ્રકારનાં કામ કરવાનાં પ્રૉટેસ્ટન્ટ નીતિશાસ્ત્રના મુલ્કમાં તેમનો ઉછેર થયો છે.એ મુલ્કમાં કાર્યદક્ષતા અને અનુમાનક્ષમતાને બહુ જ મહત્વ મળેલ છે. એ શિષ્ટાચારનો દેશ છે. એ તો એવો 'ઉકળતો ચરૂ ' છે જેમાં બધી જ ધાતુઓએ પોતાની ઓળખ ખોઈ અને એક સામુહીક મિશ્રધાતુમાં ફાળો આપતાં રહેવાનું છે. એ એક એવો દેશ છે જે માને છે કે: જો તમે હોશીયાર છો, તો પૈસાદાર કેમ નથી?

જ્યાં કોઇ જ તંત્ર વ્યવસ્થા દેખાતી નથી, જ્યાં હવે શું થશે તેનો કોઇ જ અંદાજ નથી બાંધી શકાતો, જ્યાં શીષ્ટાચાર કે કાર્યદક્ષતાને કોઇ મહત્વ આપતું નથી દેખાતું, જ્યાં દરેક વ્યક્તિ પોતાને તંત્ર વ્યવસ્થા કરતાં વધારે સારી અને હોશીયાર સમજતી હોય અને તેથી પ્રસંગોપાત સુધારણા કરતી રહેતી હોય, એવાં ભારતમાં હવે આવી વ્યક્તિ જ્યારે આવી પડે, તો શું થાય તે તો કલ્પી જ શકાય ને! હવે પેલો અમેરિકાથી આવી પડેલ બિચારો ડરી તો જાય એ તો સ્વાભાવિક છે.

તેની દશા ગ્રીક નાયક બેલેરૉફૉન જેવી છે, જેણે કંઇક અંશે ઘેટું ,કંઇક અંશે સાપ અને કંઇક અંશે સિંહ જેવું દેખાતાં પ્રાણીને જોતાંવેંત તેને કીમૅરા દાનવ જાહેર
કરી દીધું અને તેના ટુક્ડા કરીને નાના નાના, સમજણ પડે એવા ડબ્બાઓમાં વર્ગીકરણ કરી ને મારી નાખ્યું. આપણા આ અમેરીકન બૉસ પણ આવું જ કંઈક કરી રહ્યા છે. આપણને તેમનામાં ખલનાયક દેખાય; પણ આપણે સમજીએ તો છીએ જ કે તે પોતાને નાયક સમજે છે, અને આપણને વશમાં રાખવા લાયક એક દાનવ સમજે છે.

છેવટે તે હારી જશે, અને તેથી સ્વદેશ પાછા ફર્યા બાદ બધાંને 'કીમૅરા'વાળા આ વિચત્ર દેશથી દૂર રહેવાની ભલામણ કરતો રહેશે. જેનાં પરિણામ સ્વરૂપ, આપણા દેશમાં ઓછાં વિદેશી રોકાણો થાય, અને તેથી નોકરીની ઓછી તકો, ઓછો વિકાસ એવાં કંઇક પરિણામો આવી શકે છે, એ ભારતનાં હિતમાં નથી. તમારા બૉસનાં મનમાં સહાનુભૂતિ પેદા કરવા માટે, પહેલાં તમારે તેમના માટે સહાનુભૂતિ કેળવવી પડશે. બીજાંને બદલતાં પહેલાં પોતાની જાતને બદલવી પડે. એ ખોટો છે એટલે એણે જ સુધરવું જોઇએ, એવી એકબીજાંનાં બળ માપવાની હરિફાઇમાં, તેમના અહીયાં ના રહેવાસને ફેરવી ન નાખશો. એ બદલશે એટલે અમે પણ બદલીશું એવો કોઇ વિનિમય વહેવાર અહીં નથી માડ્યો. આ તો 'તેના બદલાવમાં આપણો પણ વિકાસ છે'ની પરિવર્તન યાત્રા છે.

તમારે એ પણ યાદ રાખવું જોઇએ કે તેને (નિયામક મંડળ) ઇશ્વરે પોતના પ્રતિનિધિ તરીકે, સામાજ્યવાદીઓ અને મિશનરીઓ જેને સદીઓથી અંધાધૂધીમાં અને આપખૂદ શાસકોથી પીડિત લોકોવાળા દેશ તરીકે જોયો છે એવા ભારતને બચાવવા મોકલેલ છે. આપણી આવી છાપ હજૂ બદલી નથી, બલ્કે ભારતીય અને પાશ્ચાત્ય જાહેર સંપર્ક માધ્યમોએ તેને વધારે બળવત્તર બનાવી છે.એટલે એ તો ઇશ્વરના આદેશનું વહન કરતા દેવદૂતની ભૂમિકામાં પોતાને જૂએ છે. એટલે જેટલો વધારે તેનો વિરોધ કરશો, એટલા વધારે વિદ્રોહી તરીકે દેખાશો. એટલે, પહેલાં તો, શાંત થાઓ - એ જે માનસીક પરિસ્થિતિમાં છે તેને સમજો , અને તમારી સ્થિતિને પણ જાણો.

તેમની સાથે સંબંધનો એવો તંતુ બાંધો, જેથી એ તમારા પર વિશ્વાસ કરી શકે. એ માટે પહેલાં તમારે તેના વિચારોને આધીન થવું પણ પડે, પણ તેમ કરીને જ તેમને સમજવી શક્શો કે વૈશ્વિક દૃષ્ટિકોણને અપનાવવા અને અનુસરવા માટે ભારતીય દૃષ્ટિકોણને પણ શા માટે સમજવો અને આવરી લેવો જરૂરી છે. એ ખોટો નથી, બસ, માત્ર કંઈક અંશે, અ-પૂર્ણ છે.

*      ETની 'કૉર્પોરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં એપ્રિલ ૧૨, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, Incomplete, Not complete  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑગસ્ટ ૨૬, ૨૦૧૩ના રોજ articles  leadership,  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ઓક્ટોબર ૧૪, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો