બુધવાર, 30 ઑક્ટોબર, 2013

આપણાં મૂલ્યોની મૂલવણી - દેવદત્ત પટ્ટનાઈક


હું એક મોટી કંપનીમાં માનવ સંસાધનના વિભાગના વડા તરીકે કામ કરૂં છું. અમે હમણાં જ અમારી મૂલ્યાંકન પ્રક્રિયાનું એક વૃતાંત પૂરૂં કર્યું. લગભગ બધાં જ લોકોમાં આ પ્રક્રિયા સામે બહુ રોષ અનુભવાય છે. મારાં માનવા મુજબ, પ્રક્રિયા પોતે તો ઘણી ઉપયોગી છે, પરંતુ અમારી અમલીકરણની પધ્ધતિમાં ક્યાંક કચાશ છે. પૌરાણિકશાસ્ત્રો આ વિષે કંઇ નવી દૃષ્ટિએ જોવામાં મદદ કરી શકે? શક્ય છે કે બહારના કોઈ નવા વિચારો અમારી પ્રક્રિયાને વધારે સુદૃઢ બનાવવામાં, અને સાથે સાથે કર્મચારીઓના દૃષ્ટિકોણને બદલવામાં, કંઈ ફાળો આપી શકે.

સહુથી પહેલાં તો એ નક્કી કરવાનું રહે છે કે સમસ્યા કોને છે - મૂલ્યાંકન કરનારને, કે જેમનું મૂલ્યાંકન કરાઇ રહ્યુ છે એમને?
હનુમાનનાં માતાએ એક વાર તેમને પૂછ્યું કે "સમુદ્રને પાર કરવાનો પુલ બાંધવાની, દૈત્યો સાથે લડાઈ કરવાની અને સીતાને બચાવવા રાવણને મારવો એવી બધી તકલીફો શા માટે વેઠી?  તેં એક જ વાર તારું પૂછડું ફંગોળ્યું હોત તો એક ઝાટકે બધા દૈત્યો હણાઇ ગયા હોત અને કોઇ જ જાતની તકલીફ વિના સીતાને બચાવી લેવાયાં હોત. તેં આમ કેમ ન કર્યું?"

જેના જવાબમાં હનુમાને કહ્યું: " મને કોઇએ કહ્યું જ ક્યાં હતું? તદુપરાંત, આ આખી વાત રામની છે, મારી નહીં."
આ લોકવાયકા બે મુદ્દા તરફ આપણું ધ્યાન દોરે છે. જેનું મૂલ્યાંક્ન થઇ રહ્યું છે તે (હનુમાન) જાણે છે કે તેનાં અનુપાલનનાં ગુણગાન થઇ રહ્યાં છે,  નહીં કે તેની પોતાની આવડત અને ખૂબીઓનાં. પરંતુ તેને આ વાતે મૂલ્યાંકન કરનાર (રામ) સામે  રંજ નથી કારણ કે જે રીતે એ સમજે છે તે રીતે આ આખી વાત રામનાં પરાક્રમોની છે, હનુમાનનાં પરાક્રમોની નહીં.

  જ રીતે, તમારી મૂલ્યાંકનવાળી વાતમાં કોનું અને શું મૂલ્યાંકન થઇ રહ્યું છે, એ સહુથી પહેલાં નક્કી કરવાની જરૂર છે. એ કર્મચારીનું જ માત્ર કે અલગથી થતું મૂલ્યાંકન નથી; એ તો કર્મચારીઓનું એક સંદર્ભમાં મૂલ્યાંકન છે; તે તો કર્મચારીઓને જે કરવાનું કહેવામાં આવ્યું અને તેમને એમ કરવા માટે જે સાધનો પૂરાં પાડવામાં આવ્યાં હતાં તે તેમણે સિધ્ધ કરવાનાં પરિણામો માટે પૂરતાં હતા કે નહીં  તેનું મૂલ્યાંકન છે. એટલે જો પરિણામો બરાબર ન હોય, તો સમસ્યા માત્ર કર્મચારીઓ સાથે જ છે તેમ નથી, સંસ્થાની અપેક્ષાઓ અને પૂરાં પડાયેલાં સંસાધનો પર પણ પ્રશ્નચિહ્ન ખેંચાય છે. સંસ્થા ખુદ કેટલી હદે નીવડેલ છે તે પણ આ મૂલ્યાંકન તંત્ર વડે ખબર પડે છે.
પરંતુ, આપણે મૂલ્યાંકન તંત્રને એ દૃષ્ટિએથી નથી જોતાં. આપણો આશય તો હોય છે કોને કેટલો દરમાયો બાંધી આપવો કે કોને બઢતી આપવી. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીના ખર્ચની વહેંચણીનું એક પ્રકારનું સાધન છે. તેના વડે આપણે કર્મચારીઓનો ક્યાસ કાઢીએ છીએ , તેમ જ એકબીજાંની સરખામણી કરીને કોને કેટલો દરમાયો મળવો જોઇએ તે નક્કી કરીએ છીએ. આપણે તે સંસ્થાની ક્ષમતા અને સામર્થ્યનાં મૂલ્યાંકન માટે નથી વાપરતાં. એ જેટલું હાથ નીચે કામ કરનારનું, છે તેટલું જ મૂલ્યાંકન કરનારનું, તેમ જ સમગ્ર સંસ્થાનું, મૂલ્યાંકન છે.

માલિકીઅંશધારકો અને મુખ્ય સંચાલન અધિકારીને વધારે નફો (કંપનીની સારી કામગીરી) કે વધારે સારાં બોનસ (કર્મચારીઓની સારી કામગીરી) એ બેમાંથી શું વધારે પસંદ છે તે તપાસવાથી  મૂલ્યાંકન પ્રક્રિયા તરફનો તેમનો અભિગમ સમજાઈ જશે.
એક બહુ જ સરળ કસોટી અખત્યાર કરો - જોઇ જૂઓ કે મુખ્ય સંચાલક વેંચાણમાં થતા વધારા તરફ નજર રાખે છે કે કર્મચારીઓનાં મૂલ્યાંકનની પ્રક્રિયાની પ્રગતિ ઉપર. મોટા ભાગે જોવા મળે છે કે જ્યાં સુધી મુખ્ય સંચાલકની પાછળ નથી પડવામાં આવતું ત્યાં સુધી મૂલ્યાંકનની પ્રક્રિયા સમયસર સંપન્ન નથી થતી. પણ વેંચાણનો અપેક્ષિત વધારો સિદ્ધ કરવા માટે કોઇ મુખ્ય સંચાલકની પાછળ પડવું નથી પડતુ. મોટા ભાગે તો, હિસાબી ચોપડા ખુલ્લા રાખવા, તે જ મુખ્ય નાણાં સંચાલકની પાછળ પડેલ જોવા મળશે.

આ પરથી સમજાય છે કે લોકોનું સંસ્થામાં મહત્વ કેટલું છે અને આપણે તેમને શું મહત્વ આપીએ છીએ. તેઓ સાધ્ય સિદ્ધ કરવા માટેનું એક સાધન માત્ર છે કે ખરા અર્થમાં માલિકીઅંશધારકો જેટલાં જ મહત્વનાં હિતધારકો છે?  સામાન્યતઃ, જ્યારે જ્યારે કંપનીના વિકાસની વાત થતી હોય છે ત્યારે તેમાં તેની સાથે સંકળાયેલ લોકોના વિકાસની વાત જોવા નથી મળતી. એટલે કે સરવૈયાં અને મૂલ્યાંકન તંત્રની વચ્ચે કોઇ જ સંબંધ નથી.
પણ લોકો તો કોઇ પણ સંસ્થામાં પોતાના વિકાસ માટે જોડાતાં હોય છે, નહીં કે સંસ્થાના વિકાસ માટે. આવું જાહેરમાં કોઇ કહેશે નહીં, રાજદ્વારી સંદર્ભમાં આમ કહેવું  ઠીક ન કહેવાય. આજનું આધુનિક સંચાલન તંત્ર આ બાબતનું મૂલ્ય પારખતું જણાતું નથી. આપણને બધાંને સંસ્થાની એટલી બધી પડી હોય છે કે આપણે વ્યક્તિને મહત્વ નથી આપતાં. એટલે સ્વાભાવિક જ છે કે જેમનું મૂલ્યાંકન થાય છે તેને તો અવગણના થતી જ અનુભવાય, અને એટલે તે અહેવાલ-પત્રકથી કદી ખુશ નથી જોવા મળતાં એમણે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની શ્રેષ્ઠતમ શક્ય કામગીરી કરી પણ હશે, તો પણ તેને મનને ઊંડે ખૂણે ખબર છે કે ઘંટ-આલેખ (bell curve)ના સિધ્ધાંત અનુસાર તેને બધાં સાથે, એક જ લાકડીએ હંકારીને,  એક પંગતમાં જ બેસાડાશે. જે તેને ક્યારે પણ મંજૂર નહીં રહે. એટલે પછી, માલિકીપણાંનો ભાવ ન રહે, કે હંમેશાં તેના મનમાં ભારેલો અગ્નિ જ રહે, તે તો સ્વાભાવિક જ છે ને!

*       ETની કૉર્પોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં મે ૧૦, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Appraising our values  , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર સપ્ટેમ્બર ૧૧, ૨૦૧૩ના રોજ ArticlesLeadershipRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓક્ટોબર ૩૦, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો