રવિવાર, 6 ઑક્ટોબર, 2013

પૂત્રનો ઉદય - દેવદત્ત પટ્ટનાઇક

હું મધ્યમ કક્ષાની ઑટૉ પાર્ટ્સની કંપની ધરાવું છું, જેમાં મારા પુત્રને હું મારાં માર્ગદર્શન હેઠળ દાખલ કરવા માગું છું. તેની કામ કરવાની પધ્ધતિ મારાથી સાવ જૂદી છે. પરંતુ મારૂં માનવું છે કે ભારતમાં ઉદ્યોગ-વેપાર કેમ ચલાવવો તે બાબતે હું તેને હજૂ પણ માર્ગદર્શન પૂરૂં પડી શકું તેમ છું. તેણે શ્રેષ્ઠ કક્ષાની મૅનેજમૅન્ટ વિદ્યાસંસ્થામાં પોતાનું ભણતર પૂરૂં કર્યું છે. તેને જોઇતી સ્વતંત્રતા અને મારાં માર્ગદર્શન વચ્ચે, કોઇ જાતના વિસંવાદ સિવાય, સંતુલન કેમ કરીને જાળવવું? આપણાં પુરાણોમાંથી આ બાબતે કંઇ શીખવા મળી શકે?
સહુથી પહેલાં તો આપણે કેટલાક મૂળભૂત સવાલોના જવાબ મેળવીએ: તમારા પૂત્રને શ્રેષ્ઠ મૅનેજમૅન્ટ સસ્થામાં જ ભણવા શા માટે મોકલ્યો? તમને એમ હતું કે તમે જે કંઈ નહીં શીખવી શકો તેવું કંઇક ત્યાં
શીખવાડશે? તમારૂં માનવું હતું કે તમારે જે કંઇ શીખવાડવાનું હતું તેમાં ઉમેરો કરે તેવું તેને ત્યાં શીખવાનું મળશે? તમારા હિસાબે, અત્યારે જે કંઈ તેને શીખવા મળ્યું છે તે તમારાં જ્ઞાનની જગ્યા લઈ શકશે? જો શ્રેષ્ઠ મૅનેજમૅન્ટ સંસ્થામાં તેને ઉત્તમ વ્યાવહારીક પધ્ધતો જ શીખવાડવામાં આવી હોય, તો હવે સમસ્યા શું છે?

સામાન્યતઃ પુરાણો મુજબ દરેક પ્રાણીમાં , ઓછી વધારે માત્રામાં, ત્રણ લાક્ષણિકતાઓ કે ગુણ હોય છે: તમસ, રજસ અને સત્ત્વ. તમસ પ્રકૃતિવાળિ વ્યક્તિ ન તો બહુ વિચરે કે ન તો કંઇ અર્થઘટનો કરે; એવી વ્યક્તિઓ અનુકરણ કરતી રહે અને કોઇ જાતના સવાલ વગર જ અનુસરતી રહે છે. રજસ પ્રકૃતિને કારણે આપણે હંમેશ ભયના ઓથારમાં જીવીએ, અને આપણા દૄષ્ટિકોણથી જ બધું જોઈએ. આપણા ફાયદા માટે જ અનુસરીએ કે દોરવણી પૂરી પાડીએ. સાત્વિકતામાં આપણે પરિવર્તન પામીએ છીએ, કારણકે આપણે બીજાં વિષે વિચારીએ છીએ અને કોઇ પૂર્વશરત વગર જ નેતૃત્વ સંભાળીએ છીએ.

જ્યારે તમે તમારા દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યો, ત્યારે તમે 'તમસ' કક્ષામાં હતા (બધાં જ હોય છે!) કે રજસ કક્ષામાં ('મને તેને કારણે ફાયદો છે') કે સત્ત્વ કક્ષામાં ('તેને પણ ફાયદો થશે અને મને પણ ફાયદો થશે') હતા? જો સત્ત્વ કક્ષમાં હશો, તો તમારા કરતાં જે કંઇ નવું શીખ્યો હશે તેનું અવલોકન કરતા રહીને, તમે તમારા દીકરા પાસેથી હોંશે હોંશે, શીખવા તૈયાર હશો. એ સંવાદોને પરિણામે બજારોનાં પરિબળોના પ્રવાહો વિષે તમારા બન્નેના વિચારોની, તેમ જ તમારા અને તેના વિચારોના તફાવતોની, ચર્ચાઓ થશે. એ ચર્ચાઓ ઉપનિશદોના સમય માં થતી, આપસી અને એકબીજાંને સધિયારો કરતી, ચર્ચાઓ જેવી હશે.

પરંતુ, તમને તો એની વિચારધારા અને તમારી વિચારધારામાં પહેલેથી જ વિસંવાદ દેખાય છે. કેમ? તેની કાર્યપધ્ધતિ કારગત જણાય છે કે નથી જણાતી? માત્ર એ તમારાથી અલગ છે, એટલા માટે કરીને તો તમે તેને નકારી નથી રહ્યા ને? મહાભારતમાં કહોડે તેના પૂત્ર, અષ્ટાવક્રને, બધાં અંગ વાંકાં થઇ જ્વાનો શ્રાપ આપ્યો હતો, માત્ર એટલા માટે કરીને કે પૂત્રએ તેનાં વેદનાં અર્થઘટનને પડકાર્યું હતું. કહોડાને તેના પૂત્રના દૃષ્ટિકોણમાં ધમકી દેખાતી હતી. માત્ર અલગ હોવાને કારણે પોતાના પૂત્રનો વિરોધ કરી રહેલ કહોડા તો તમે નથી ને! જો તમારા વિચારો તેના પર લાદવાના પ્રયત્ન કરશો તો એ તમારો વિરોધ કરશે. એ હવે તમને એક ડર તરીકે, એક પડકાર તરીકે જોવા લાગશે, પરિણામે એ તમારી અવગણના કરવનું શરૂ કરી દેશે. અથવા તમને સાંભળવાનો ડોળ કરશે, પણ છેલ્લે કરશે પોતાનું ધાર્યું જ.

જે શિક્ષણને તમે પુરસ્કૃત કર્યું, તે તમારી ધારણાથી ભલે ગમે તેટલું અલગ નીવડ્યું હોય, તમારી વ્યાપાર પધ્ધતિઓને કદાચ ન પણ સ્વીકારતું પણ હોય, પણ તેમ છતાં એ શિક્ષણ હેઠળ તૈયાર થયેલ તમારા પૂત્રને એક અન્ય વ્યક્તિ હોવાને નાતે માન તો આપવું ઘટે. ધીરે ધીરે, તમારે તેને સમજાવવું પડે કે તમે આ વેપાર એ પ્રકારનાં શિક્ષણ સિવાય જ, પોતાની આપસૂઝથી ઊભો કરેલો છે. એણે જે મૅનેજમૅન્ટ શિક્ષણના પાઠ ભણ્યા છે તે દેશી જ્ઞાન અને અભિગમને શી રીતે વધારે સક્ષમ અને વ્યાપક બનાવી શકે તે દિશામાં તમારે તેની સાથે કામ કરવું જોઈએ. હાલમાં જણાતાં અંતર છતાં બન્ને એક બીજાનાં પૂરક બની શકે છે, બન્ને વચ્ચે વિસંવાદ જ હોય તેવું જરૂરી થોડું જ છે!

*      ET ની કૉર્પૉરેટ ડૉસ્સીયર પૂર્તિમાં મે ૧૭, ૨૦૧૩ના પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, The rising of the son  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑગસ્ટ ૧૭, ૨૦૧૩ના રોજ articles  indian mythology  leadership,  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ઓક્ટોબર ૬, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો