સોમવાર, 11 નવેમ્બર, 2013

કૉલીન પૉવેલના ૧૩ નિયમો

કૉલીન પૉવેલે  It Worked For Me: In Life and Leadership  (જીવન અને નેતૃત્વમાં - મને તો કામ આવેલ છે) શીર્ષક હેઠળ પોતાનાં બહુ જ મૂલ્યવાન સંસ્મરણ ગ્રંથસ્થ કરેલ છે. પોતાનાં જીવનમાં બનેલી ઘટનાઓ, અને તેમાંથી તેમણે શીખેલા પાઠ, તેઓએ  અહીં રજૂ કરેલ છે. છૂટા છૂટા વાંચી શકાય તેવી, આ વાતો વાંચવામાં સરળ છે. દરેક વાત કંઇ મહત્વનો મુદ્દો કહી જાય છે. સમગ્ર પુસ્તકનું વિષય-વસ્તુ લોકો અને સંબંધો છે.
પુસ્તકની શરૂઆત તેમના ૧૩ નિયમોથી થાય છે. તે સાથે જ જીવન પર્યંત તેઓ આ નિયમોને કેમ વળગી રહ્યા તે પણ તેમાં તેમણે કહ્યું છે.
અહીં એ નિયમો, અને એ દરેક પર તેમના સંક્ષિપ્ત વિચારો, રજૂ કરેલ છે:
૧. દેખાય છે એટલી હદે હાલાત ખરાબ નથી. સવાર તો હજૂ વધારે સારી દેખાશે.
આ નિયમમાં, કોઈ આગાહી નથીં, પણ એક અભિગમ છે. કોઈ પણ પ્રકારની વિષમ પરિસ્તિતિમાં પણ મેં મારો વિશ્વાસ અને આશાવાદ બુલંદ જ રાખવાનો પ્રયત્ન કરેલ છે. પરિસ્થિતિ સુધરે જ છે. આપણે જ એ સુધારો શક્ય બનાવીશું.
. ગુસ્સો આવે તો ગળી જઈએ.
જ્યારે પણ મને બહુ જ ગુસ્સો ચડ્યો છે, ત્યારે બને એટલો જલદી તેને ગળી જવાની કોશીશ કરી છે.  હું મારૂં મારા પરનું નિયમન ખોઇ નથી દેતો.
૩. આપણા અહંને આપણી સ્થિતિના સંદર્ભનાં સ્થાનથી એટલો નજદીક ન રાખવો કે જેથી એ સ્થાન છોડવું પડે ત્યારે સાથે અહં પણ ચાલી નીકળે.
કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જે સ્થાન પકડી લઈએ છીએ, તે ભૂલ ભરેલું હોઈ શકે એવું સ્વીકારી લેવું જોઇએ. આપણો અભિપ્રાય, કે દૃષ્ટિકોણ, (અહંનું એક સ્વરૂપ) ભૂલ ભરેલ ન પણ હોય. પૂરી નિષ્ઠાથી અસહમત થવું એ પણ વફાદારી છે. તે જ રીતે પૂરી શ્રધ્ધાથી અમલ કરવો એ પણ વફાદારીની ભાવનાનું પ્રતિક છે.
૪. આ તો કરી શકાશે! તત્કાળ સંદેહવાદીઓથી ઘેરાઇ ન પડીએ.
તો વળી આપણને નક્કર પ્રતિકૂળ મત રજૂ કરનાર શુભ-સંદેહવાદીઓ અને સાથીઓના મત સંભળાય જ નહીં તેવી દિવાલો પણ ન ચણી નાખીએ.
૫. આપણી પસંદગીઓ વિષે સજાગ રહીએ.
તે મળી તો રહેશે. પસંદગી કરવામાં અધીરા બનીને ઘાંઘા થવાની જરૂર નથી.
૬. પ્રતિકૂળ હકીકતો સાચા નિર્ણયના રસ્તામાં અવરોધ ન બનવી જોઈએ.
બહેતર કક્ષાનું નેતૃત્વ ઘણે ભાગે વધારે સારી અંતઃસ્ફુરણા જ હોય છે. ઘણી વાર હકીકતોની સમીક્ષા યોગ્ય નિર્ણય તરફ અંગુલિનિર્દેશ જરૂર કરે, પરંતુ શ્રેષ્ઠ જણાતા વિકલ્પોમાંથી કોઇ એક, સાચા, વિકલ્પની પસંદગી માટે તો સજાગ અંતર્‍ચેતનાની સ્ફુરણા વધારે મહતવની ભૂમિકા ભજવે છે.
૭. આપણે કોઈ વતી પસંદગી ન કરી શકીએ.
તે જ રીતે આપણી પસંદગી કોઇ બીજાંને ન કરવા દેવી જોઇએ. છેલ્લે તો જવાબદારી આપણી જ છે. એટલે પસંદગી પર માત્ર આપણી જ મોહર હોય, જે બીજાંનાં દબાણ કે પ્રભાવમાં આવીને કરેલ પસંદગી ન  હોય તેટલું તો સુનિશ્ચિત હોવું જ જોઈએ.
૮.નાની નાની વાત તપાસતાં રહેવું જોઇએ.
સફળતાની છેલ્લી  કડી તો એ બહુ બધી, નાની નાની બાબતો જ છે. આગેવાનોને સંસ્થાની અંદર શું ચાલી રહ્યું છે એવી નાની બાબતોની અનુભૂતિ હોવી જોઇએ. અનુયાયીઓ કે સ્પર્ધાની લડાઇ લડનાર સૈન્ય તો આ નાની નાની બાબતોમાં  જ જીવે છે.આગેવાનોએ દુનિયાની અંદર નજર પહોંચતી કરવાના, ઔપચારીક અને બીનઔપચારીક, રસ્તાઓ ખોળી કાઢવા રહ્યા.
૯. યશની વહેંચણી કરીએ.
લોકોને માન્યતા / ઓળખ જોઇતી હોય છે. જેટલી જરૂર  અન્નજળની છે એટલી જ જરૂર પોતાનાં મહત્વની છે. યશ વહેંચીએ અને અપયશ આપણે માથે લઈ લઇએ. જે કંઇ ભૂલો થઈ હોય તેનાં કારણોની ચૂપચાપ તપાસ કરતાં રહીએ. આપણે જ્યારે કોઇ એક કારણ આપણી બહાર છે તેમ નક્કી કરીએ છીએ ત્યારે ત્યારે એક બહાનાંનો જન્મ થાય છે.
૧૦. શાંત ચિત્ત રહીએ. ભલાં બની રહીએ.
રણભૂમિ હોય કે કૉર્પૉરૅટ હરીફાઇનો મચ હોય, શાંત ચિત્ત ભાવનાની જેમ જ ભલમનસાઈ પણ અનુયાયીઓમાં વિશ્વાસ પેદા કરે છે અને ભરોસાને ટકાવી રાખી શકે છે. ભલમનસાઇ આપણને સામી વ્યક્તિ સાથે અન્યોન્ય માટેનાં માનનું બંધન બાંધી આપે છે. જો આપણે આપણા અનુયાયીઓની પરવા કરીશું અને તેમના પ્રત્યે  અનુકંપા ભર્યો સદ્વ્યવહાર રાખીશું તો તેઓ પણ આપણને માન આપશે અને આપણી પરવા કરશે.
૧૧.દૂરંદેશીપણું કેળવીએ.
ઉઘરાણી કરતાં જ રહેવું. આપણો ઉદ્દેશ્ય દૂરંદેશીપણાનિ અંતિમ મુકામ - પરિણામ છે. તેને કારણે દૂરંદેશીને જોશ ચડે છે, એક ચાલક બળ, એક પ્રભાવક બળ, મળી રહે છે. તે સકારાત્મક અને શક્તિશાળી હોવું ઘટે અને સંસ્થામાં શુભાષયોના ફરિશ્તા જેમ તેની અસર મહેકી રહેવી જોઇએ.
૧૨. આપણા ભય કે નનૈયાકારોની સલાહ ન લઈએ.
ભય એ માનવ સહજ લાગણી છે.એ પોતે ઘાતક નથી. આપણે ક્યારે ભયના સંકજામાં ઝડપાઇ ગયાં છીએ તેની આપણને ખબર પડી જાય, એટલું આપણે જાણી રાખવું જોઇએ. તે પછીથી ભયથી ઘેરાયેલાં હોવા છતાં આપણાં કામ આપણે સ્વાભાવિકપણે કરી શકીએ તેમ આપણે શીખી લેવું જોઇએ. અને ભય એ સર્વસામાન્ય ઘટના છે અને તેના પર નિયંત્રણ રાખી તેને અતિક્રમવો રહ્યો એમ જો ન સમજી લઈએ, તો તે આપણે જે કંઇ કરતાં હોઇએ ત્યાં જ આપણા ગાત્રો ઢીલાં કરી નાખશે. આપણે સ્પષ્ટપણે વિચારવાનું કે તાર્કીક રીતે વિશ્લેષણ કરવાનું પણ છોડી બેસીએ છીએ. હકીકતે, તો આપણે હંમેશાં તેના માટે તૈયાર રહીને તેને નિયંત્રણમાં રાખવાનો છે, નહીં કે તેનાં નિયંત્રણમાં દબાઇ રહેવાનું છે. પણ જો તેમ થવા દીધું, તો આપણો વિકાસ પણ અટકી જશે, અને આપણે કોઈને દોરવણી પણ નહીં આપી શકીએ.
૧૩. શાશ્વત આશાવાદ શક્તિનો ગુણાકાર કરે છે.
પોતામાં વિશ્વાસ, પોતાના ઉદ્દેશ્યમાં વિશ્વાસ, આપણે હંમેશાં સફળ રહીશું એવો ભરોસો, અને આપણા જુસ્સા અને વિશ્વાસને, જાહેરમાં પણ, પ્રદર્શિત કરી શવું - એવો શાશ્વત આશાવાદ શક્તિઓનો ગુણાકાર કરે છે. જો આપણે આપણા અનુયાયીઓમાં માનતાં હશું અને તેમને તૈયાર કર્યાં હશે, તો અનુયાયીઓ પણ આપણામાં વિશ્વાસ મૂકશે.

§  માઇકલ મૅક્‍‍કીન્નીદ્વારા પ્રસ્તુત, અસલ લેખ Colin Powell's 13 Rules, નવેમ્બર ૦૬, ૨૦૧૨ના રોજ, LeadingNowના LeadingBLOG  પર પ્રકાશીત થયેલ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૧૧, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો