શનિવાર, 14 ડિસેમ્બર, 2013

પચાવવાની શક્તિ - દેવદત્ત પટ્ટનાઇક


એક દિવસ, એક વિદ્યાર્થી ગુરૂ પાસે આવ્યો, અને કંઇક અંશે ફરિયાદના સુરમાં બોલ્યો, "તમે મને સિદ્ધાંતો તો બહુ શીખવાડ્યા પરંતુ તેમના પ્રાયોગીક અમલનું તો કાંઇ જ શીખવાડ્યું નથી." ગુરૂએ બહુ જ શાંત ચિત્તે જવાબ આપ્યો, "મેં તો તને બહુ જ ઘણું શીખવાડ્યું છે. તેમાંથી કેટલું પુસ્તકીયા સિદ્ધાંતો પરવડે છે કે કેટલું વાસ્તવિક જીવનમાંના પ્રયોગો પરવડે છે, એ તો તારી શક્તિ અને ક્ષમતા પર નિર્ભર છે. તેજસ્વી લોકો માટે જેટલું પણ કાંઇ સિદ્ધાંતમય છે તે બધું જ જીવનમાં ખરેખર અમલ કરી શકાય છે, જ્યારે સામાન્ય લોકો માટે તો જે ખરેખર કરી શકાય તેમ છે તે પણ પોથીમાં પડેલા સિદ્ધાંતો પરવડે છે." આમ શીખવાની જવાબદારી ગુરૂ પાસેથી ખસીને વિદ્યાર્થીને માથે આવી ગઈ છે.

મોટા ભાગે આપણે કેળવણીને એક-માર્ગી રસ્તા તરીકે જોતાં હોઇએ છીએ - ક્યાં તો શિક્ષક શીખવાડે જે ક્યાં તો વિદ્યાર્થી શીખે. અને તેથી જ એક સમયે જે પ્રશિક્ષણ વિભાગ તરીકે ઓળખાતું હતું તે હવે શિક્ષણ વિભાગ તરીકે ઓળખાય છે. પહેલાં કહેવાયેલા વિકલ્પમાં, જવાબદારી પ્રશિક્ષકની હતી, જ્યારે બીજા કિસ્સામાં, હવે જવાબદારી વિદ્યાર્થીની બની રહે છે, અને પ્રશિક્ષકની ભૂમિકા સરળતાપ્રદાતા તરીકેની બની રહે છે. પરંતુ વિદ્યાપ્રાપ્તિ એટલી સરળ નથી, તે તો દ્વિ-માર્ગી રસ્તો છે.

આપણે જ્ઞાનને ખોરાક સાથે સરખાવી શકીએ. ગુરૂ તો કોઇ પણ પ્રકારનાં ભોજન પીરસે. ગુરૂની આવડત મુજબ, ભોજનની ગુણવત્તા સારી પણ હોય કે ઠીકઠીક પણ હોય. પરંતુ આપણે જે ખાઈએ છીએ તે તો આપણી જીભના સ્વાદ પર આધાર રાખે છે. અને તેમાંથી આપણે કેટલું ગ્રહણ કરી શકીએ છીએ તે તો આપણી પાચન શક્તિ પર આધાર રાખે છે. આમ આપણે કેટલું શીખીએ છીએ તે ગુરૂ કેટલું પીરસે છે અને આપણે કેટલું ગ્રહણ કરી શકીએ છીએ તેના પર આધાર રાખે છે.

રજૂઆતોની ગુણવત્તા સુધારવા માટે કહેવાય છે કે - એક જ સંદેશો રાખવો; દરેક સ્લાઇડ પર શબ્દો કરતાં ચિત્રોનો વધારે ઉપયોગ કરવો; તમારે જે કહેવું છે તે કહો અને કહ્યા પછી ફરીથી કહો કે તમે શું કહ્યું. પરંતુ તેમ છતાં તમે જે સંદેશો કહેવા માગતાં હતાં તે જ સંદેશો સામી વ્યક્તિએ ગ્રહણ કર્યો છે, તેની કોઈ ખાત્રી નથી.આ બધી સલાહમાં પ્રત્યાયન સંબંધે એક મહત્વની વાત ભૂલાઇ જાય છે, અને તે છે પ્રાપ્તકર્તાનો મનોભાવ. તેને સાંભળવામાં રસ છે ખરો? તે પ્રતિકૂળ અવસ્થામાં તો નથી ને? તેનું ધ્યાન બીજે કશે વહેંચાયેલું તો નથી ને? તે વધારે ધ્યાન આપે એ માટે કોઇ ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે? આ બધાંમાં વક્તાની કોઇ ખાસ ભૂમિકા છે?

ઉપનિશદીય પદ્ધતિમાં સામ સામે શીખવાડાતું. ઉપનિશદ એટલે આવ, મારી બાજુમાં બેસ. ગુરૂ અને શિષ્ય બાજુ બાજુમાં બેસે અને કોઇ એક વિચાર વિષે ચર્ચા કરે. ગુરૂ પોતાના શબ્દોની કાળજીભરી પસંદગી શિષ્યનાં બુદ્ધિ અને લાગણીનાં સ્તરના આધારે કરતા. ગુરૂ જે શીખવાડે તેને ગ્રહણ કરીને શિષ્યનું સ્તર ઊંચું જતું. તો ગુરૂ પણ પોતાની માહિતિ અને જ્ઞાન પ્રસારની પદ્ધતિઓમાં સુધારાઓ કરતા રહીને પોતાનો વિકાસ કરતા. આમ, આ પદ્ધતિમાં, બંનેનો વિકાસ થતો.

જ્યારે કોઈ બીજું આ સંવાદમાં જોડાય છે ત્યારે આ ચોક્કસ વ્યવસ્થાપર અવળી અસર થાય છે. જેમ જેમ વધારે લોકો સંવાદમાં જોડાતાં જાય, તેમ તેમ સંવાદ 'લઘુતમ સાધારણ અવયવ'ને સંતોષવાનો પ્રયત્ન કરવા લાગે છે, જેમ કે,એકની સામે અનેક જેવાં જાહેર ભાષણો. આવી પરિસ્થિતિમાં આપણે બહુ જ સામાન્ય વિચારો, અતિ સરળ રીતે બધાં શ્રોતાઓને મૂળભૂત સ્તરે સમજણ પડે તે રીતે સંચાર કરી શકીએ છીએ.

એટલે જ આપણા દેશની જ્ઞાન પ્રસારની પુરાતન પદ્ધતિમાં એકની સામે એકની વ્યવસ્થા જ જોવા મળે છે, એકની સામે અનેકનો ઉપયોગ તો ભાગ્યેજ થતો જોવા મળશે. જનકને સમજાવવાનું છે તે અષ્ટાવક્ર તેને એકલાને જ સમજાવે, ત્યારે કોઇ બીજું હાજર ન હોય. કૃષ્ણ ગીતાનો પાઠ અર્જુનને એકલાને જ કરે છે, પાંચે પાંડવોને સાથે નથી બેસાડતા. શક્તિને તંત્રો સમજાવતી વખતે શિવ એકદમ એકાંત જ માંગે છે. એવું કહેવાય છે કે જો કોઇ પક્ષી કે માછલી પણ આ સંવાદ સાંભળી જાય તો તેને ઠપકો મળે છે, કોઇની વાત સાંભળી જવા માટે નહીં, પણ એટલા માટે કે તેમની આ વાત સમજી શકવાની શક્તિ કે ક્ષમતા ન હોવાને કારણે, તેઓ આ વાતને આગળ કોઈ જગ્યાએ કહેતી વખતે ખોટું કે વિકૃત સ્વરૂપ આપી બેસવાનો ભય રહે છે.

આ એક મુખ્ય કારણ છે કે જેને લીધે ગુરૂઓ દિક્ષાનો આગ્રહ રાખતા; તેઓ શિષ્યોની પસંદગી બહુ જ કાળજીપૂર્વક કરતા અને તેમને તેનાથી વધારે કાળજીથી કેળવતા. જેથી તેમના વિચારોનાં પ્રવાહનમાં કોઇ જ કચાશ ન રહે.ગુરૂ એ કોઇ ઘેટાં બકરાંના ગોવાળ નથી, તે પોતે પણ એક મનુષ્ય છે જે બીજાં મનુષયને પોતાની શક્તિ ઉજાગર કરવામાં સહયોગ કરી રહ્યા છે. તે જ રીતે પ્રશિક્ષક કે સરળતાપ્રદાતા પણ કોઇ ખાલી વાસણમાં જ્ઞાન ઠાલવી નથી રહ્યાં, તેઓ પણ તેમની સંસ્થા તેમની પાસેથી જે અપેક્ષા રાખે છે તેને ગ્રહણ કરવા અને આત્મસાત કરવામાં સહયોગીઓને મદદ કરતાં હોય છે. સાથે સાથે તેમનાં પોતાના કરારને પણ તેઓ જરૂરી ન્યાય કરવા માટે પ્રયત્નશીલ રહેતાં હોય છે.

*       ET ની કૉર્પોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં ઑક્ટોબર ૧૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 
v  અસલ અંગ્રેજી લેખ, The ability to digest, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટોબર ૨૩, ૨૦૧૩ના રોજ Indian MythologyLeadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૧૪, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો