સોમવાર, 13 જાન્યુઆરી, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય- જેસ્સૅ લીન સ્ટૉનર :૧ : કેન બ્લૅન્ચર્ડ


અમેરિકાઃ વિભાજીત ઘરનાં પુનઃજોડાણ માટેનાં નેતૃત્વનું દીર્ઘદૃષ્ટિ દર્શન - કેન બ્લૅન્ચર્ડ



છેલ્લાં કેટલાંક વર્ષોથી, કોઇ પણ રાત્રિ ભોજનગોષ્ઠી દરમ્યાનની વાતચીત હરી ફરીને એ વાત પર આવી જતી જોવા મળી છે કે વૉશિંગ્ટનમાં જે કંઇ બની રહ્યું છે તે કેટલું નિરાશાજનક છે. આ બધી જ ચર્ચાઓમાં, હાલના પ્રમુખની નેતૃત્વ કાબેલિયત વિષે નહીં, પણ રાજકીય ત્તંત્રવ્યવ્સ્થા સામે ફરિયાદના સુર રેલાતા રહેતા હોય છે. આપણા ઇતિહાસના સમગ્ર કાળ દરમ્યાન આપણે કદાચ આટલા પ્રશ્નોનો સામનો નથી કરવો પડ્યો - પરંતુ તેમનાં નીરાકરણની દિશામાં કોઇ નક્કર પ્રગતિ થઈ રહી હોય, એવું જણાતું નથી.
વોશિંગ્ટનની તંત્રવ્યવસ્થામાં ફેરફાર કરી શકવા બાબતે વિચાર કરતાં, મને અચાનક જ જણાયું કે અન્ય બીજી સંસ્થાઓમાં જે ઘટક સામાન્યતઃ જોવા મળે તે વોશિંગ્ટનમાં જોવા નહોતું મળતું. આ ઘટક છે: દિલોદિમાગને ઝકડી રાખે તેવું દીર્ઘદૃષ્ટિ દર્શન.
આપણા દેશ માટે દિલોદિમાગને ઝકડી રાખે એવાં દીર્ઘદૃષ્ટિ દર્શનની તાતી જરૂર છે.
દીર્ઘદૃષ્ટિ દર્શન ભાવિનું એવું ચિત્ર છે જે લોકો માટે અનુસરવા માટેનું કારણ બની રહે એવો જુસ્સો પ્રેરે છે. સ્પષ્ટ દીર્ઘદૃષ્ટિ કે ધ્યેય વિનાની સંસ્થા એ કિનારાઓ વગરની નદી જેવી છે જે કોઇ દિશામાં આગળ ગયા સિવાય બંધિયાર બની રહે છે.
મારાં સહયોગી જૅસ્સૅ લીન સ્ટૉનર પાસેથી જાણવા મળ્યું કે ચિત્તાકર્ષક દીર્ધદૃષ્ટિ દર્શન આપણને આપણી - આપણાં મહત્વનાં ધ્યેયની - ઓળખ  કરાવે છે, આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ - આપણાં ભાવિનું ચિત્રણ - તે જણાવે છે, અને એ દિશામાંની આપણી સફરમાં શું (કયાં મૂલ્યો) મદદરૂપ થશે તે સમજાવે છે.
હવે આપણે આ ચિત્તાકર્ષક દીર્ઘદૃષ્ટિ દર્શનનાં આ ઘટકોને એક પછી એક વિગતે જોઇએ અને તેમને વોશિંગ્ટનમાંની પરિસ્થિતિની સાથે સાંકળીએ.
એક દેશ તરીકે આપણે કયો 'વેપાર' કરી રહ્યાં છીએ તે જાણીએ છીએ?
મહત્વનું ધ્યેય આપણાં અસ્તિત્વનું કારણ જણાવે છે. બીજા શબ્દોમાં, આ સવાલનો જવાબ છે "કેમ?" - નહીં કે આપણે 'શું', કરવા માગીએ છીએ. તો, અમેરિકાનું ધ્યેય શું છે? : - આપણે લોકશાહીનો આદર્શ બનવા માગીએ છીએ?;  કે પછી મુક્ત વ્યાપારના આદર્શ  અમલ કરતી એક ધમધમતી આર્થવ્યવ્સ્થા બની રહેવા માગીએ છીએ?;  એ બધું આપણા ધ્યેયમાં આવરી લેવાવું જોઇએ?; ‘આપણાં નાગરીકોનાં જીવન સ્તર વિષે શું?’ એ આપણાં ધ્યેય સૂત્રમાં ક્યાં બંધબેસે છે?  - મારાં માનવા મુજબ, અત્યારે આપણે એક દેશ તરીકે આપણાં ધ્યેયમાં સ્પષ્ટ નથી જણાતાં.
અમેરિકાનું ભાવિ ચિત્ર શું છે?
ચિત્તાકર્ષક દીર્ઘદૃષ્ટિ દર્શનનું બીજું ઘટક છે ભાવિનું ચિત્ર. ભવિષ્યમાં જે થાય જ એમ આપણે જે કંઇ ઇચ્છીએ છીએ તે આજે ન પણ દેખાતું હોય એમ પણ બને. આજે આપણે જે કંઇ કરી રહ્યાં  છીએ તે બહુ જ સારી રીતે કરીએ, તો શું પરિણામ આવી શકે? અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, નહીં કે તે મેળવવાની પ્રક્રિયા પર. આપણાં અંતિમ ધ્યેયનું ચિત્ર ધુંધળું ન હોવું જોઇએ - આપણાં મનમાં તો આપણે જે જોવા માગીએ છીએ તે ચિત્ર  બહુ જ સુરેખ હોવું જોઇએ.
આપણા દેશનું ભાવિ ચિત્ર કેવું દેખાય છે? અમેરિકા કઇ દિશામાં આગળ ધપી રહેલ છે? એ માટે 'સારું કામ' કોને કહી શકાય તે પણ સ્પષ્ટ હોવું જોઇએ. મારૂં માનવું છે કે વર્તમાન નેતૃત્વ પાસે આમાંના કોઇ સવાલોના સ્પષ્ટ જવાબ  છે નહીં.
આપણી પાસે એક દેશ તરીકે કોઇ સ્વીકૃત મૂલ્યો છે ખરાં?
ચિત્તાકર્ષક દીર્ઘદૃષ્ટિ દર્શનનું ત્રીજું ઘટક છે - અમલમાં મૂકાતાં, સ્પષ્ટ, ચોક્કસ મૂલ્યો, જે આપણી હવે પછીની સફરની દોરવણી કરે. આ બહુ જ મહત્વનું ઘટક છે.
આપણા ધ્યેય અને ભાવિ ચિત્રની સિદ્ધિ વિષે આપણે જેમ જેમ વધારે પ્રયત્નો કરતાં જઈએ છીએ તેમ તેમ, તે સફરની દીવાદાંડી સ્વરૂપ, આપણાં મૂલ્યોનું મહત્વ વધતું જાય છે."મારે કયા પ્રકારનું જીવન જીવવું?" અને "કેમ", જેવા સવાલોના જવાબ આ મૂલ્યો પૂરા પાડે છે. મૂલ્યોનું વિવરણ સ્પષ્ટ હોવું જોઇએ જેથી આપણી વર્તણૂક એ મૂલ્યોને અનુરૂપ છે કે નહીં તે બહુ જ સહેલાઇથી દેખાઈ આવે. જો મૂલ્યોના અમલમાં સાતત્ય ન હોય તો તે માત્ર શુભાષયો બની રહે છે. સંસ્થાનાં લોકોનાં અંગત મૂલ્યોનો પણ તેમાં પડઘો પડવો જોઇએ જેથી લોકો સંસ્થાનાં મૂલ્યોનું સ્વાભાવિકપણે વહન કરે.
વૉશીંગ્ટનમાં બેઠેલા આપણા નેતાઓની વર્તણૂકને દિશા સુચન આપતાં રહે તેવાં કાર્યાન્વીત મૂલ્યો કયાં હોઇ શકે? મને કોઇ જ સ્વીકૃત મૂલ્યો નજરે નથી ચડી રહ્યાં.  આપણા રાજનેતાઓને તેમનાં અંગત મૂલ્યો કે શુભાષયો કદાચ હશે. પણ, જ્યાં સુધી તે સરકારનાં બૃહદ ચિત્રમાં ઠોસ સ્વરૂપે મૂર્ત ન થાય ત્યાં સુધી તો તે દીવાદાંડી બની શકવાની ગરજ તો ન જ સારી શકે. મારી દૃષ્ટિએ તો આપણા દેશને દોરવી રહેલાં વર્તમાન મૂલ્યો એવાં પૈડાં સમાન છે જેના તરફ ત્યારે જ તેને ઉંજણ પૂરવા પુરતું ધ્યાન અપાય જ્યારે, અને જો, તે ચીચુડાટ કરે. આપણી ભાવિ સફરને આપણાં દીર્ધદર્શનમાં, સર્વસ્વીકૃત અને ઇચ્છીત એવાં ધ્યેય તરફ દોરી જાય તેવાં કાર્યમૂલક મૂલ્યોની તાતી જરૂર છે.
ચિત્તાકર્ષક દીર્ધદૃષ્ટિ દર્શન ચિરઃપ્રસ્તુત બની રહે તે માટે આપણી રોજબરોજની જીવનશૈલીને તેનાં ત્રણે ય ઘટક - ધ્યેયનું મહત્વ, ભાવિનું સુરેખ ચિત્ર અને સ્પષ્ટ મૂલ્યો- દોરવતાં રહે તે જરૂરી છે.
આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડૉ. માર્ટીન લ્યુથર કિંગ, જુનિયર,નું બહુ જ ખ્યાત વ્યકત્વય - મારૂં એક સ્વપ્ન છે- જેમાં સમાનતા અને સ્વતતંત્રતા વિષે તેમનું દર્શન અને માન્યતાઓ એકદમ સ્પષ્ટ ઉભરી આવે છે.  "તેમની ચામડીના રંગ પરથી નહીં પણ તેમનાં ચારિત્ર્યના આધારે બાળકોનું મૂલ્યાંકન થશે"માં તેમનાં ભાવિ ચિત્રમાં બંધુત્વ, સન્માન અને સ્વાતંત્ર્યનાં, અમેરિકાના સ્થાપક  મૂલ્યોને અનુરુપ એ બહુ જ સુરેખ ચિત્ર ઉભરી રહેલ છે માર્ટીન કિંગનું આ દર્શન તેમનાં જીવન પછી પણ લોકોને પ્રેરણા આપી રહ્યું છે કારણ કે તે બહ જ ઉદાત્ત ધ્યેયને ઉજાગર કરે છે અને લોકોનાં જીવનની અપેક્ષાઓ અને સ્વપ્નો સાથે પડઘાય છે.
અમેરિકાનાં મુખ્ય રાષ્ટ્રીય ધ્યેયો કયાં છે?
જો આપણું દીર્ધદૃષ્ટિ દર્શન સ્પષ્ટ અને ચિત્તાકર્ષક હશે, તો જ લોકો જેના પર એકાગ્ર થઈ શકે એવાં ધ્યેયો પ્રસ્થાપિત થઈ શકશે.. આપણા રાષ્ટ્રપ્રમુખ, ધારાકીય પાંખની મદદથી, રાષ્ટ્રીય ધોરણે અપનાવી શકાય તેવાં મહત્વનાં ધ્યેય નક્કી કરે અને તે ધેય સિદ્ધ કરવામાટેની યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કરે તે આપણને સહુને બહુ જ પસંદ પડે એવી વાત છે. જો આપણાં નેતૃત્વ પાસે સ્પષ્ટ, સ્વીકૃત દીર્ઘદૃષ્ટિ દર્શન હશે તો જેના પર બધાંનું ધ્યાન કેન્દ્રીત થઈ શકે તેવાં ધ્યેયો જરૂરથી પ્રસ્થાપિત કરી શકાય. અને તે પછી તે ધ્યેયની સિદ્ધિમાટે તેઓ નાગરીકો સુધ્ધાં સહુનાં યોગદાન અને સાથ માગી શકે.
જો લોકો પાસે બૃહદ ધ્યેય ન હો, તો સ્વાભાવિક જ છે કે તેઓ પોતાનાં અંગત ધ્યેયને સિદ્ધ કરવા પ્રયત્નશીલ બની રહેશે. વોશિંગ્ટનમાં અત્યારે કંઇક આવું બની રહ્યું છે. તેને કારણે, આપણા દેશના પ્રશ્નોનાં સમાધાન શોધવા કરતાં બંને પક્ષને પોતાના હાલના ઉમેદવારો ફરીથી ચુંટાય તેમાં વધારે રસ જણાય છે.

આપણાં વ્યક્તિગત જીવનમાં કે કંપનીઓનાં રોજબરોજનાં સંચાલનમાં કદાચ કૅન બ્લૅન્ચર્ડ જેટલી અસર બીજું કોઇ નથી કરી શક્યું.  બહુ મળતાવડા, બહુ માંગમાં છે તેવા લેખક,વક્તા, વેપાર-ઉદ્યોગના કન્સલટન્ટ એવા બ્લૅન્ચર્ડ તેમના મિત્રો, સહયોગીઓ અને અસીલોમાં બહુ જ ઉંડી સૂઝ ધરાવતા, પ્રભાવશાળી અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ તેરીકે તેઓ જાણીતા છે. 


સ્પેનન્સર જ્હોન્સન સાથે 'વન મિનિટ મેનેજર\ The One Minute Manager ' અને જૅસ્સૅ લીન સ્ટૉનર સાથે ફુલ્લ સ્ટીમ અહેડઃ અનલીશ ધ પાવર ઑફ વિઝન \ Full Steam Ahead: Unleash the Power of Vision' જેવાં ત્રીસથી પણ વધારે પુસ્તકો તેમણે લખ્યાં છે.  પચીસથી વધારે ભાષાઓમાં, આ પુસ્તકોની ૧૮૦ લાખથી વધારે નકલો વેંચાઈ ચૂકી છે.૧૯૭૯માં, સૅન ડીઍગો, કેલિફોર્નીયામાં, તેમનાં પત્ની માર્ગી બ્લૅન્ચર્ડની સાથે શરૂ કરેલ આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ અને કન્સલટીંગ કંપની, કૅન બ્લૅન્ચર્ડ કંપનીઝના તેઓ સહ-સ્થાપક અને મુખ્ય સ્પીરીચ્યુઅલ ઑફિસર છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો