સોમવાર, 10 ફેબ્રુઆરી, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: જેસ્સૅ લીન સ્ટૉનર : ૩: વ્હીટની જોહ્નસન



જ્યાં જ્યાં 'શા માટે?' વસે છે, ત્યાં આગળ વધવાના માર્ગ ખૂલતા રહે છે - વ્હીટની જોહ્નસન

શાળાનાં પહેલાં જ વર્ષમાં ભણતા મારો દીકરો, લગભગ, દર અઠવાડીયે કહેતો રહે છે કે "શાળાએ જવાનો શું અર્થ છે? આ [કોઇ એક 'નીરસ'] (વિષય) તો હું ક્યારે પણ વાપરવાનો છું નહીં.". આ સવાલનો જવાબ તો એ કઇ કારકીર્દી પસંદ કરશે તેમાં છૂપાયેલો છે. જો કે મારી સામી દલીલ કંઇક આવી રહે છે - "આ બધા વિષયો કદાચ વાપરવાના ન બને, પરંતુ તેમાંના કેટલાક વાપરવાનો વારો આવે પણ ખરો. તે જે હોય તે, પણ શાળામાં સારા ગુણ મળ્યા હશે, તો સારી કૉલેજમાં પ્રવેશ મળશે અને વળી, આ બધી આવડત સુખી જીવન તરફ દોરી જાય છે." જે દિવસે હું બહુ જ નાઇલાજ, કે બહુ જ ચીડાયેલ હોઉં છું, ત્યારે આકરાં (કે ઉતાવળાં) થઈને હું કહી બેસું છું કે " બસ, હું કહું છું ને, એટલે કરો." એ ઘડીએ અફસોસ વ્યકત કરતાં મોટેથી વિચારૂં છું કે, "પોતાનાં ભવિષ્યમાં શું રહેલું છે તેની દીર્ઘદૃષ્ટિ એને કેમ નથી થતી?"

પોતાના બહુ જ વિચારોત્તેજક લેખ - 'દીર્ઘ દૃષ્ટિની જરૂર તો છેક છેલ્લે પડે/ The Last Thing You Need Is Vision” -માં જૅસ્સૅ લીન સ્ટૉનર 'દીર્ઘ દૃષ્ટિ બહુ ચવાઇ ગયેલ છે' એવા વિચારને ફંફોળે છે. તે એવું માનતાં નથી, પરંતુ એવું છે કે નહીં તે વિષે મને તો વિચાર કરતાં કરી મૂકેલ છે. સ્વપ્ન અને વિચ્છેદને લગતાં મારાં બધાં જ કામમાં હું શોધખોળ આધારીત અભિગમ - જ્યારે કોઇએ પણ રમત માંડી ન હોય, કે પછી જ્યારે ખેલની શરૂઆતથી તેનો અંત દૃષ્ટિગોચર ન થતો હોય, ત્યારે સીધો રસ્તો તો એ જ છે કે રમવાનું શરૂ જ કરી દો - પર બહુ જ ભાર મૂકું છું. એટલે અંતિમ બિંદુ સમાણી દીર્ઘ દૃષ્ટિ વિષે મારે કંઇ લખવાપણું રહેતું નથી.

મારી આ દેખીતી બે-મોઢાળી વાતથી શું હું પણ દીર્ઘ દૃષ્ટિ બહુ ચવાઇ ગયેલ છે તેમ માનું છું? વાટાઘાટોના નિષ્ણાત જીમ કૅમ્પ અબ્રાહમ લિંકન અને તેમના જનરલ યુલીસીસ એસ. ગ્રાંટ સાથે સરખામણી કરવા સૂચવે છે. સમવાય દેશને કોઇ પણ ભોગે બચાવવો એ લિંકનનું દિવ્યદર્શન હતું. સમવાય તંત્રનાં સૈન્યના વડા તરીકે ગ્રાંટ લિંકનનાં દિવ્યદર્શનને, કોઇ પણ અચકાટ વગર, અનુસરતા રહ્યા. "પરંતુ એક રાષ્ટ્રપ્રમુખ તરીકે ગ્રાંટ નિષ્ફળ રહ્યા. તે ખોટી સલાહોને અનુસરતા રહ્યા, ખોટા નિર્ણયો લેતા રહ્યા, કારણકે મહદ્‍ અંશે તેમને ખબર જ ન હતી કે તેઓ શા માટે રાષ્ટ્રપ્રમુખ છે અને તેઓ શું સિદ્ધ કરવા માગે છે." એક કહેવતમાં સાચું જ કહ્યું છે કે જ્યાં દીર્ધ દૃષ્ટિ નથી, ત્યાં અકાળ અંત નિશ્ચિત છે.

રેડસ્ટેમ્પનાં સ્થાપક, એરીન ન્યુકીર્ક આ વિરોધાભાસની સાથે બાથ ભીડવા માટે એક બહુ જ સરસ કેસ સ્ટડી રજૂ કરે છે. તેમનાં પહેલાં બાળકના જન્મ પછી અને તેમના પિતાની તબિયતનાં ભયંકર નિદાન પછી તેઓ એટલી હદે વ્યસ્ત થઇ ગયાં કે જેમને તેઓ ચાહતાં હતાં તેમનાથી જ તેઓ વિમુખ થતાં ગયાં. પોતે કલ્પેલ દુનિયામાં જીવવા માટે કરીને તેમણે, ૨૦૦૪માં, ખાસ પ્રસંગો માટેના ઉચ્ચ-કક્ષાનાં કાર્ડ્સ સાથેની એક ઓનલાઇન સ્મૃતિપત્ર સંદેશ સેવા ચાલુ કરી. પણ જેમ જેમ તેમના વ્યાપારનો વિકાસ થતો ગયો અને જેમ જેમ તેઓ સુંદર કાગળ અને કાર્ડ્સ પર વધારેને વધારે ધ્યાન આપતાં ગયાં તેમ તેમ તેમનું સ્વપ્ન ધુંધળું થતું ગયું - તેઓ હવે સંબંધો ને બદલે પત્રવ્યવહારના સાધનસરંજામ પર વધારે ધ્યાન આપતાં હતાં. પરંતુ મોબાઇલ ટેક્નૉલોજીના આવ્યા પછી, ૨૦૦૮-૦૯માં જ્યારે તેમણે લોકો એકબીજાં સાથે વધારે સરળતાથી સંપર્ક કરી શકે તેના પર ફરીથી ધ્યાન કેન્દ્રીત કર્યુ, ત્યારે રેડ સ્ટેમ્પ માત્ર પત્ર વ્યવહાર દ્વારા જ અન્હીં પણ ઇ-મેલ, ફેસબુક, ટ્વીટર કે ટેક્સ્ટ સંદેશાઓનાં સરળ માધ્યમ તરીકે પુનઃસ્થાપિત થયું. રેડસ્ટેમ્પને આંત્રપ્રેન્યૉર સામયિકે, હમણાં થોડા સમય પહેલાં, ૧૦૦ તેજસ્વી કંપનીઓમાં પ્રથમ સ્થાનથી નવાજીત કરેલ છે.

એક વાર આપણને આપણા બૃહદ ઉદ્દેશની સમજ પડી જાય, એટલે ત્યાં સુધી પહોંચવાના તો ઘણા માર્ગ મળી રહે છે. ઉદાહરણ તરીકે એક એકલા અટૂલા ઇ-મેલ સંદેશની સફરનો દાખલો જ જોઇએ. આપણે મોકલેલ પ્રત્યેક ઇ-મેલ નાનાં નાનાં પૅકેટ્સમાં વિભાજીત થઈ જાય છે. આ બધાં પૅકેટ્સ એ સંદેશના એક જ માર્ગ પર પણ વહન કરે કે તેમાનો કોઇ પણ માર્ગ ન પણ લે. અંતે, જ્યારે ઇ-મેલ મેળવનારને તેમનો ઇ-મેલ સંદેશ મળી જાય તો પેલાં પેકૅટ્સ કયા રસ્તે આવ્યાં હતાં તે મહત્વનું નથી રહેતું. અથવા તો અમર ભીડેના કહેવા મુજબ, સફળ વ્યાપાર-ધંધાઓ પૈકીના ૭૦ % પ્રારંભની વ્યૂહરચના કરતાં કંઈક અલગ જ વ્યૂહરચના અનુસરતા જોવા મળતા હોય છે.

જનરલ ગ્રાંટને કેમ આમ થઇ રહ્યું છે તેની ખબર હતી. પરંતુ ઉદ્દેશને સુસ્પષ્ટ કરવો આસાન નથી. જ્યારે એરીન ન્યુકીર્કે 'શા માટે' પર ધ્યાન કેન્દ્રીત કર્યું, ત્યાર પછીથી તેમને 'કેમ કરવું' તેના રસ્તા મળી આવ્યા. સ્વપ્ન સેવવું અને વિ્ચ્છેદ કરવો એ આપણો જન્મસિદ્ધ હક્ક છે તેવું લોકો માનતાં થાય એવા મારા વ્યાવસાયિક પ્રયત્નોને કારણે મને પણ થોડા સમય પહેલાં જ આ સમજાયું- કેમ કરવું એનાં કરોડો ઉપાયો કે અસંખ્ય રસ્તાઓ છે, છે જરૂર બહુ જ થોડાં 'શા માટે'ની. આપણને જ્યારે એ 'શા માટે' સમજાઇ જાય છે, ત્યારે હવે વૈતરૂં લાગવાને બદલે દર્શન સ્પષ્ટ થઇ રહે છે. વિના લક્ષ્યની રઝળપાટને બદલે આપણે હવે આપણાં શીખવાના ઉર્ધ્વગામી માર્ગની શરૂઆત જોવા માંડીએ છીએ. એક વાર 'શા માટે' સમજાય, તો 'કેમ કરવું' આપોઆપ સમજાવા લાગે છે.


                                                                      ********

અંગત વિચ્છેદની મદદથી નવીનીકરણ ધપાવવા વિષે વ્હીટની જોહ્નસન એક અગ્રણી ચિંતક છે. તેઓ ક્લૅટ્ન ક્રાઇસ્ટેનસૅનની નિવેષક પેઢી રોઝ પાર્ક એડ્વાઇઝરનાં સહ-સ્થાપક છે. તેઓ TEDxનાં વક્તા, Dare, Dream, Do: Remarkable Things Happen When You Dare to Dream નાં લેખિકા અને હાવર્ડ બીઝનેસ રીવ્યુનાં નિયમિત યોગદાતા છે. તે ઉપરાંત અન્ય વ્યક્તવ્યો અને કન્સલ્ટીંગનાં ક્ષેત્રે પણ તેઓ વ્યસ્ત છે. લિંક્ડઇન પર તેમનો સંપર્ક અહીં કરી શકાય છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૧૦, ૨૦૧૪.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો