મંગળવાર, 17 જૂન, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૭

#181 – જરૂરિયાત સિવાય મિત્રોને યાદ કરીએ
| ઑગસ્ટ ૨૪, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ
એટીએમ વિષે વિચાર કરો? આજે એટીએમ યાદ આવ્યું હતું ? રોકડા પૈસા ઉપાડવા ન હોય ત્યાં સુધી તો કદાચ એટીએમ ભાગ્યે જ યાદ આવે ! સવાલ એ નથી. ખરી ચિંતા તો ત્યારે છે જ્યારે પૈસા ઉપાડવાની વાત સિવાય પણ એટીએમ યાદ આવ્યે રાખે. ચલો, ત્યાં સુધી પણ બહુ વાંધો નથી, કારણકે એટીએમ પણ આપણને દિવસ રાત યાદ કર્યા કરે તેમ આપણે માનતાં નથી (હા ! હા !)
પણ વાત જો મિત્રોની હોય, તો પરિસ્થિતિ કંઇક જૂદી જરૂર બની રહે. મિત્રો એ કંઇ એટીએમ નથી કે જરૂર પડ્યે સેવામાં હાજર. કમનસીબે, વાસ્તવિક દુનિયામાં ઘણાં લોકો મિત્રોની સાથે એટીએમ જેવો જ વ્યવહાર કરે છે.
આપણે એવી બે પરિસ્થિતિઓ વિષે વિચારીએ જેમાં લાંબા સમયથી સંપર્ક ન થયો હોય તેવા મિત્રની વાત હોય.
પરિસ્થિતિ ૧ :
ઘણા લાંબા સમયથી જેની જોડે વાત નથી થઇ એવી વ્યક્તિ, એકાએક આપણો સંપર્ક કરે છે અને બાળપણના ભેરૂઓ જેવી આત્મિયતાથી વાત કરે છે. વાત વાતમાં, વચ્ચે તે એક વિનંતિ પણ મૂકી દે છે, પણ વાત એ રીતે કરે છે કે આ જે વાત થઇ રહી છે તેનો મુખ્ય આશય એ વિનંતિ નથી. આપણને સમજ તો પડી જ જાય છે, પણ તેમ છતાં તેમણે જે માગી હતી તે મદદ પણ કરીએ જ છીએ. પછી? તે વ્યક્તિ ફરીથી લાંબા સમય માટે ઓઝલ થઇ જાય છે. ફરી જ્યારે બીજી જરૂરિયાત પડી, ત્યારે હાજર.
પરિસ્થિતિ ૨ :
પરિસ્થિતિ લગભગ ઉપર મુજબની જ છે, વ્યક્તિ બદલી ગઇ છે. લાંબા સમય પછી જ તે વ્યક્તિએ પણ વાત કરી છે, પણ વાત કરવાનું કારણ તમને રસ પડે એવી એક તક છે. એ વ્યક્તિએ તેને પરિચિત ઘણાં લોકોમાંથી એ તક બાબતે તમારી સાથે વાત કરવાનું પસંદ કર્યું છે. એ તકનો લાભ તમે ઉઠાવો કે ન ઉઠાવો, એ વ્યક્તિ લાંબા સમય માટે ઓઝલ પણ થઇ જશે, પણ જેવી બીજી તમને રસ પડે એવી તક નજરે ચડશે, એટલે ફરી હાજર.
હવે, આપણી કોની સાથે મિત્રાચારીનો સંબંધ બાંધવાનું પસંદ કરીશું ?
જો આપણાં મિત્રો આપણી સાથે એટીએમની જેમ વ્યવહાર ન કરે તેમ આપણે ઇચ્છતાં હોઇએ, તો આપણાં મિત્રો સાથે આપણો વ્યવહાર પણ એ પ્રકારનો ન જ હોવો જોઇએ.
મદદ ન માંગવી એમ મારૂં નથી કહેવું. હકીકત તો એ છે કે મદદની જરૂર તો આપણને પણ પડી શકે છે કે આપણાં મિત્રને પડી શકે છે. મુશ્કેલી માત્ર "જરૂર" પડ્યે જ "મિત્રો"ને યાદ કરવા પૂરતી જ છે.
આ સાપ્તાંહાતથી જ શરૂઆત કરીશું ? લાંબા સમયથી જેમનો સંપર્ક છૂટી ગયો છે તેમાંના કેટલાંક મિત્રોનો સંપર્ક કરીએ - ફોન કે ઇ-મેલ કે જે કોઇ યોગ્ય સાધન ઠીક લાગે તેનાથી. આ સંપર્કમાં તેમને લાયક કોઇ તક - કોઇ પુસ્તક, કે કોઇ મિત્ર સાથે મુલાકાત, કોઇ જૂનો ફોટૉગ્રાફ કે પછી તેમને હાલમાં ઉપયોગી થાય તેવી વાત, કંઇ પણ - ની વાત ભળે, તો તે વળી નફામાં.

#182 – એવી વ્યવસ્થા ગોઠવીએ કે મદદ માટે ઊંચી ક્ક્ષાની જ વિનંતિઓ આવે
| સપ્ટેમ્બર ૯, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ
એકદમ સરળ ભાષામાં આપણે દરરોજ શું શું કરીએ છીએ તેની વાત કરીએ તો જણાશે કે,
      આપણે
૧. જે કરવું હતું તે જ કરીએ છીએ, કે પછી
૨. જે બીજાં ઇચ્છે તે કરીએ છીએ, કે પછી
૩. જે કરવું જ પડે છે તે કરીએ છીએ.
પહેલા કિસ્સામાં, તો બહુ સ્પષ્ટ છે કે લગામ કોના હાથમાં છે, કઇ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવું એ આપણી મુનસફી અને આપણે કેળવેલાં સ્વ-શિસ્તનો સવાલ છે.

બીજા કિસ્સામાં, બધો આધાર છે આપણી પાસે કેવા કેવા પ્રસ્તાવો આવે છે તેના પર. જો કાયમ 'ઘીસી-પીટી' બાબતોને લગતી જ વાતો આવતી રહેતી હોય, તો તેનું કારણ કદાચ આપણી એ પ્રકારની ઓળખ હોઇ શકે ! કે પછી જો લોકો માટે જે બહુ મહત્વનાં હોય, તેવાં કામોની જ વાતો આવતી રહેતી હોય, તેનો અર્થ છે કે તમારૂં પણ એક આગવું મહત્વ છે.

છેલ્લા ત્રણ મહિનામાં આવેલા પ્રસ્તાવો પર નજર કરીએ -
૧. એ પૈકી કેટલા પ્રસ્તાવ 'ધીસ્યા-પીટ્યા' કક્ષાના હતા ?
૨. કેટલા પ્રસ્તાવ 'ખરેખર મહત્વ'ના ગણી શકાય ?
૩. પ્રસ્તાવોનાં કામ પૂરાં થયે કેટલા ટકા તમને એક સાવ નવી જ , ઊંચી, કક્ષાએ લ ઇ જશે?
૪. કેટલા ટકા પ્રસ્તાવો તમારાં હીરને ચમકાવી કાઢશે ?
૫. કેટલા ટકા પ્રસ્તાવો તમારી અંગત છાપને વિસ્તારશે ?
૬. કેટલા ટકા પ્રસ્તાવો તમારાં સબળાં પાસાં તરફના છે, અને તેને હજી વધારે પ્રબળ બનાવશે ?
આ બધા સવાલોના જવાબો કોઇ બીજાંને નથી આપવાના. પ્રસ્તાવોની ગુણવત્તાનું મૂલ્યાંકન આપણે જ કરવાનું છે.

જો આપણી તરફ આવતા રહેતા (કે ન આવતા) પ્રસ્તાવો અંગે જો આપણે અસંતુષ્ટ હોઇએ, તો આવતા ત્રણ મહિનામાં એ અંગે શું કરી શકાશે ?

#183 – બીજાંની ક્ષમતા વધારવાની આપણી ક્ષમતા વધારીએ
| સપ્ટેમ્બર ૨૬, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ

મારૂં ચોક્કસ માનવું છે કે લોકો પાસે અવનવા વિચારો કે તકોની કમી નથી હોત, પણ તેમને અમલમાં મૂકવા માટે જરૂરી શારીરીક કે ભૌતિક ક્ષમતા મર્યાદીત હોય છે. પોતાનાં અરમાનોને પૂરાં કરવાનાં જોશને જો કોઇ વધારાની ક્ષમતા વડે અમલ કરી શકવાની શક્તિનું ઇંધણ પૂરૂં પાડી આપે તો તેનાથી વધારે રૂડું શું હોય ? પણ, આપણી યુવાનીમાં બીજાંઓની ક્ષમતા વધારવાનું કામ બહુ ભારી પડી શકે છે, કારણ કે એ ઉમરે આપણી પાસે પણ સંબંધો કે કૌશલ્યો કે બજારમાંની એક પ્રબળ છાપ જેવાં સંસાધનોનો હજૂ તોટો હોય. કમનસીબે, એવાં કેટલાંય લોકો હશે, જેઓ પોતાની કારકીર્દીના એકાદ દાયકા પછી પણ બીજાંઓની ક્ષમતા વધારવા માટે પોતાની ક્ષમતામાં ખાસ વધારો નથી કરી શક્યાં હોતાં. તેઓ સંન્નિષ્ઠપણે મદદ કરવા ઇચ્છતાં હોય, પણ અસરકારક મદદ પૂરી પાડવાની તેમની ક્ષમતા જ બહુ મર્યાદીત પરવડે.

આ એક ઉદાહરણ જૂઓ. આપણું કોઇ ખાસ, કંઇક બહુ મહત્વનું, કામ કરવા માગે છે. તેમાં સફળતાની કિંમત તે વ્યક્તિ માટે, ધારો કે, એક લાખ રૂપિયા છે. પહેલી વાત તો એ કે જો તમે તેમ ને મદદરૂપ થ ઇ શકો તેમ છો એમ એમને ખબર જ ન હોય, તો તો તેઓ તમારી મદદ માગવા વિષે (કદાચ) વિચારશે જ નહીં. પણ, ધારો કે તેઓ એમ માને તો છે જ કે તમે તેમને મદદ કરી શકો તેમ છો, તેમને મદદ કરવામાં બજારમાં તમારી 'હાલની ક્ષમતા' મોટો ભાગ ભજવી શકે છે. જો આપણી ક્ષમતા ઓછી હશે, તો મદદરૂપ થવામાં વધારે મહેનત પડશે. જેમ જેમ ક્ષમતા વધતી જશે, તેમ તેમ તેમને મદદ કરવું ઓછું ભારી પડતું જશે. એ પણ યાદ રહે કે આપણાં એ મિત્ર માટે એ પરિયોજના સફળતાથી પાર પાડવાની કિંમત રૂ. એક લાખ છે, તે માટે આપણે જે મદદ કરવાનાં છીએ તેની જહેમત સાથે તેને કોઇ જ સંબંધ નથી. એનો અર્થ એ કે જેમ જેમ આપણી ક્ષમતાનાં બજાર મૂલ્યમાં વધારો થતો જશે , તેમ તેમ આપણે ઓછે ને ઓછે ખર્ચે લોકો માટે વધારે મહત્વની પરિયોજનાઓમાં મદદરૂપ થતાં થઇ જશું.

આપણે જો યોગ્ય લોકોને મદદરૂપ થયાં હશું, તો આપણે ભલે ને કોઇ ખાસ મહેનત ન કરી હોય, પણ તેમને જે રીતની મદદ ફળી તે માટે તેઓ આભારી રહેશે.એક વાર આમ થવાનું શરૂ થશે, એટલે બીજાંઓ કરતાં તમારૂં મહત્વ વધતું જશે.

ટૂંકમાં, બીજાંઓને અસરકારક પણે મદદરૂપ થવાની આપણી 'વર્તમાન ક્ષમતા'નાં બજાર મૂલ્ય પર નજર કરતાં રહીએ.આપણને મળતા મદદના પ્રસ્તાવોની ગુણવત્તા પરથી આપણી ક્ષમતાનાં મૂલ્યનો ક્યાસ કાઢી શકાશે. એક વાર આપણી હાલની સ્થિતિનો વાસ્તવિક ચિતાર આપણી સમક્ષ આવી જાય, એટલે આવતાં થોડાં વર્ષોમાં હજૂ વધારે ઊંચાં સ્તરે પહોંચવા માટે શું કરી શકાય તેના માટે વિચાર કરવા લાગી જવું જોઇએ. આ બાબતે જે વિચાર્યું હોય તેને પૂરાં શિસ્ત સાથે અમલમાં મૂકવાથી, ટૂંક સમયમાં જ, તેનાં જાદુઇ પરિણામો દેખાવા લાગશે !

#184 – ગળણાંઓને ધ્યાનપૂર્વક સમજીએ
| ડીસેમ્બર ૧૧, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ
ગયા અઠવાડીયે મારે એક સંભવિત રોકાણકારને એક સંભવિત પ્રકલ્પમાં રોકાણ કરવા અંગે મળવાનું થયું. પહેલાં વાકય પછી જ તેમણે કહી દીધું કે "રાજ, એ વિષે વધારે સાંભળવું નથી. અમને તેમાં રસ નથી."
એ પછી અમારે બીજી કંપનીઓ વિષે પણ વાત થતી રહી, જેમાની એક કંપનીમાં તેમને સારો એવો રસ પડ્યો. એ બાબતે અમારે બીજો અરધો કલાક વાતચીત થઇ.

અમારા લાંબા સમયના સંબંધને કારણે એ રોકાણકાર એકથી વધારે વિક્લ્પ બાબતે વાત કરવા તૈયાર થયા હતા. સારાં નસીબે ચોથા ક્રમે જે દરખાસ્ત હતી તે તેમના સુધી પહોંચી શકી.

જો કે સામાન્ય રીતે આમ થતું નથી. મારે જો તેમની સાથે જૂના સંબંધો ન હોત, તો મને વધારાની દરખાસ્તો રજૂ કરવાની તક જ ન મળી હોત.વાસ્તવિક જગતમાં, આપણને આપણો વિચાર રજૂ કરવાનો, મોટા ભાગે, એક જ મોકો મળે છે.એક મોકામાં એ વિચાર સામની વ્યક્તિના "સારો વિચાર" પાર કરવા માટેનાં ગળણાંમાંથી પસાર થઇ શકવો જોઇએ. જો એમ ન બન્યું, તો પછી વધારાની મહેનત વ્યર્થ બની શકે છે.
ઉપરોક્ત ઉદાહરણમાં, બહુ ચોખ્ખું દેખાય છે કે મેં પૂરતી પૂર્વતૈયારી કરી નહોતી. જો હું તૈયાર થઇને આવ્યો હોત, તેમની સાથે પહેલી ત્રણ દરખાસ્તો વિષે વાત કરવાની જરૂર નહોતી. એ ત્રણ વિષે ચર્ચા, એમના અને મારા સમયનો, બચાવી શકાય, તેવો વ્યય હતો.

આજની ઝડપથી આગળ ધસતી જતી દુનિયામાં લોકોને તેમની સાથે નિસ્બત ન હોય તેવી બાબતો વિષે વાત કરીને સમય ખરાબ કરવામાં રસ નથી હોતો. એટલે તો વધારાની માહિતિને રોકી પાડવા માટેનાં ગળણાંનું આવરણ લગાવી દેતાં હોય છે. તમારે મન ભલે ને કોઇ વાત સોનું હોય, તેઓ માટે તે કચરો હોઇ શકે છે. આને કારણે શક્ય છે ઘણી વાર તેમના કાન સુધી "ખરેખર" સારા વિચાર ન પણ પહોંચતા હોય. પણ કાંકરા સાફ કરી નાખે તેવાં ગળણાંને લગાડવાથી કોઇ કોઇ ઘઉંના દાણાને પણ ખોઇ બેસવા જેટલી કિંમત તો તેમણે ચૂકવવી રહી ! એ લોકો "બહુ જ સારી તક" ખોઇ બેસશે એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણો મકસદ તો હોવો જોઇએ કે આપણો વિચાર તેમના કાન સુધી પહોંચે જ. અને એમ કરવા માટે સામેની વ્યક્તિનાં ગળણાંના આવરણને સમજવું આપણા માટે મહત્વનું બની રહે છે.

સામેની વ્યક્તિનાં ગળણાંને સમજવાં શી રીતે ?

અહીં જણાવેલ એક કે બીજા રસ્તા અપનાવવાથી શરૂઆત કરી શકાય :
* તેમનાં બ્લૉગ કે એ પ્રકારનાં લખાણો વાંચીને
* તેમને ઓળખતાં લોકો સાથે ચર્ચા કરીને
* તેમની જીવન ઝરમર વાંચીને
* તેમની સાથે સીધી જ વાત કરી લઇને
અથવા તો, સીધી ભાષમાં વાત કરીએ તો
* બીજાં વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી તેમના રસરૂચિના વિષયો બાબતે જાણવા પાછળ સમય આપીને……

#185 – આપણી શૂન્યમી છાપ પ્રત્યે ધ્યાન આપીએ
| એપ્રિલ ૬, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ

આજના લેખનું શ્રેય,મારા મિત્ર રવિ ચર, મ્યુઝીંગ્સ ઑફ ઇન્ફર્મેશન સીક્યુરીટી,ને છે. આભાર રવિ.
clip_image001
૧. સારી શૂન્યમી છાપ ન પડે તો કદાચ પહેલી છાપ પાડવાની તક જ ન મળે. કહે છે ને કે 'પહેલી છાપ મૂકી જવા માટે બીજો મોકો નથી મળતો'. આજે પણ આ વાત સાચી છે, પણ એને હજૂ સારી રીતે રજૂ કરી શકાય તે રીતે સુધારવાની જરૂર છે ખરી:

૨. જબરદસ્ત પહેલી છાપની મદદથી શૂન્યમી છાપનો રકાસ ભૂંસી શકાય ખરી.
આ શૂન્યમી છાપ એટલે શું?

શૂન્યમી છાપ એટલે તમારી સાથે વાત કર્યા વગર જ કરી લેવાતાં મૂલ્યાંકનમાંથી તમારી ઊભી થતી છાપ.

એ તે વળી કેમ થતું હશે ? ક્યાંક્થી ખાંખાંખોળાં કે કોઇ પાસેથી સાંભળેલ (અસમર્થિત) વાતો કે વેબ પર ક્યાંક કંઇ વાંચ્યું હોય તેનાથી ઊભી થતી છાપ. જેમ કે તમારાં નામથી ગુગલ કે ફેસબુક કે લિંક્ડઈન કે ટૅક્નોક્રૅટી જેવાં સામાજિક માધયમો પર કરેલ ખાંખાંખોળાં દરમ્યાન "તમે જે કહ્યું" કે "તમારા વિષે જે કહેવાયું" તેમાંથી જે માહિતિ મળી હોય તેના પરથી ઊભી થતી છાપ. અને આ સિવાય તમારા વિષે બીજે જે કંઇ કહેવાતું હોય તે કાને પડેલ હોય, તો છાપ થોડો વધારે રંગ પકડીને શૂન્યમી છાપ બની જતી હોય છે.

આપણને ગમે કે ન ગમે, એ શૂન્યમી છાપ તરફ હવે ધ્યાન આપવું એ આપણી જવાબદારી બની રહે છે.જો આ દિશામાં દેખાવ નબળો પડે, તો પહેલી છાપ છોડવાની તક જ ન મળે એમ પણ બને. પણ જો નસીબ પાધરૂં હોય, અને પહેલી છાપ છોડવાની તક મળે, તો ભૂલાય નહીં કે લોકો આપણને શૂન્યમી નજરનાં ચશ્માંથી નિરખી રહ્યાં છે.

આમ પરિસ્થિતિ ગમે તે હો, આપણી શૂન્યમી છાપ તરફ ધ્યાન તો આપવું જ રહ્યું.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જૂન ૧૮, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો