બુધવાર, 28 જાન્યુઆરી, 2015

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પાંચમો - ગુચ્છ ૪

#216 – બીબાઢાળપણાંની શક્તિ ઓળખીએ
| ડીસેમ્બર ૭, ૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ

image

થોડા દિવસ પહેલાં હું વ્યાવસાયિક કારણોસર ઑસ્ટીન ગયો હતો. શહેરના વ્યાપારકેન્દ્ર સમા વિસ્તારમાં આવેલી હોટેલ ડ્રાઇસ્કીલમાં જવા માટે મેં ટેક્ષી લીધી. રાત પડી ગઇ હતી, ઠંડી પણ સરખી હતી, લાગતું હતું કે આગલે દિવસે વરસાદ પણ પડ્યો હશે. શહેર તરફ જવાનો ટ્રાફીક પણ વધારે હતો, એટલે સામાન્ય રીતે લાગે તેના કરતાં થોડો વધારે સમય લાગ્યો. ટેક્ષીચાલક, ઓસ્કર, બહુ મળતાવડો હતો, એટલે અમે અનેક દિશાઓમાં ફંટાતી વાતોએ ચડ્યા. તેમાંની એક તો બીબાંઢાળપણાંની શક્તિની ઉત્કૃષ્ટ નમૂનાસ્વરૂપ હતી - એ વાત મારા શબ્દોમાં :

‘ઑસ્ટીન આવતાં પહેલાં મેં ઘણાં શહેરોમાં ટેક્ષી ચલાવી હતી.એક શહેરમાં મોટાભાગે હું એરપોર્ટથી લોકોને લાવવા મૂકવા જવાનું કામ કરતો હતો. એરપોર્ટ જવાના ઘણા રસ્તા મને ખબર હતા, જેમાંનો ધોરી માર્ગ પરથી થઇને જતો એક રસ્તો ટુંકો તો નહોતો. પણ મોટા ભાગનાં લોકો એ જ રસ્તે જવાનું પસંદ કરતાં. જો કે મારાં મુસાફરોના પૈસા બચી શકે તે માટે હું અન્ય વિકલ્પ પણ તેમને હંમેશાં જણાવતો રહેતો હતો. પહેલો વિકલ્પ હતો ધોરી માર્ગ પરથી જવાનો જેમાં છ સાત ડૉલર વધારે ખર્ચ થાય. બીજો વિકલ્પ હતો એક અંદરનો રસ્તો લેવાનો, જેમાં થોડો ખર્ચ ઓછો થાય, પણ સમય વધારે લાગી શકે.

પછીનાં પાંચ વર્ષમાં કંઇ જ ફરક નહોતો પડ્યો. ૯૯% લોકો હંમેશાં ઓસ્કરને, ક્યાંય આઘાપાછા થયા વિના, રસ્તાનાં સંકેત ચિહ્ન પ્રમાણે જ જવાનું કહેતા. "ટેક્ષીચાલકોનો ભરોસો નહીં" એ આ કિસ્સાની બીબાઢાળ તકિયા કલમ હતી.’

આપણાં રોજબરોજનાં જીવનમાં , કદાચ આપણી જાણ બહાર, કંઇકને કંઇક તો બીબાઢાળપણે બનતું રહેતું હોય છે.જ્યારે આ બીબાઢાળપણાં વ્યાપક બની જાય છે, ત્યારે તે 'સત્ય' બની રહેતાં હોય છે. તે સિવાય બીજું કંઇ થાય પણ શું?

હવે પછી જ્યારે કોઇ બાબતે આપણે અમુક "અચૂક " 'એક સરખો જ' અભિપ્રાય આપવા લાગીએ, ત્યારે આ બીબાઢાળપણાંનો પ્રભાવ કામ કરી રહ્યો છે એમ કહી શકાય. આમાંથી આમ તો છટકવું મુશ્કેલ છે, એટલાં બધાં બીબાં આપણી આજૂબાજૂ પ્રવૃત્ત રહેલાં જ હોય છે.તેમાંના મોટા ભાગનાં તો આપણી સંસ્કૃતિમાં એવાં વણાઇ ગયાં હોય છે કે એ આપણી 'નજરે' પણ કદાચ ન ચડે.

બીબાઢાળપણાં વિષે જાગૃત રહેવું અને તેને સમજવું એ પોતે જ બહુ મોટો વિજય છે. એ પ્રક્રિયા શરૂ કરવા માટે આપણાં મિત્રોની સાથે આ બાબતે વાત કરવાની શરૂઆત કરવી જોઇએ - જેમકે તેઓ એ વિષે શું માને છે, તેમનાં પર તેની શી અને કેવી અસરો થતી રહી છે. તે જ રીતે તેમને એ પણ પૂછી શકાય કે આપણા પર પણ તેની શું અસર જણાય છે.

તેમના પ્રતિભાવોમાં ઘણી નવાઇ પમાડે એવી સામગ્રી મળી રહેશે, તે જ એક બીબાઢાળ બાબત બની રહેશે !

Photo courtesy: happyjumpfrog on Flickr

#217 – ઇશારાઓની ભાષા સમજવાની ક્ષમતા કેળવીએ
| જાન્યુઆરી ૧, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

'પૃષ્ઠસ્મરણિકા' જેવી, બહુ જ, સામાન્ય વાતનો જ દાખલો લઇએ. આપણે જે પુસ્તક વાંચતાં હોઇએ ત્યાં છેલ્લે જ્યાં અટક્યા હોઇએ તે પાનાં પર તરત જ જવાનો એ એક સરળ માર્ગ છે. આમ બહુ સામાન્ય દેખાય, પણ તેનો ઉપયોગ બહુ કામનો છે. વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ક્યાં તો એ પાનાંનો ખૂણો વાળો કે જેટલાં પુસ્તક વાંચતાં જોઇએ એ બધાંનાં પાનાંનો નંબર યાદ રાખો - દેખીતી રીતે, બંને વિકલ્પ પસંદ કરવા જેવા નથી. બીજા શબ્દોમાં કહીએ તો પૃષ્ઠસ્મરણિકા આપણને મદદે આવતો એક ઇશારો છે. ૧. કચરા પેટી પર નામપટ્ટી
નવાં વર્ષનાં સપ્તાહાંતે ઑસ્ટીનમાં મારે બરસાના ધામ જવાનું થયું હતું. ત્યાંની કચરા પેટી ધ્યાન ખેંચે જ :
image

બે પ્રકારની કચરા પેટી જોવા મળે છે - એક સોડાનાં ડબલાં માટે અને બીજી પ્લાસ્ટીક્ની શીશીઓ માટે , ત્યાં મળતાં પીણાંઓ આ બે પ્રકારે વેંચાય છે. કચરા પેટી પર બહુ જ સ્પષ્ટપણે દેખાય એમ બંને પ્રકારની નામપટ્ટી લગાડેલ છે, એટલે કયા પ્રકારની વસ્તુ ક્યાં નાખવી તે બહુ જ ચોક્કસ પણે ખબર પડે જ.

આ નામ પટ્ટી જોયા પછી લોકો શું કરે ?


ઠાઠથી, અવગણે.

હા, વાંચવાનું ચૂકવાનું કારણ એ કે લોકોને પોતાના સ્માર્ટફોન પર આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે તે વાંચવામાં વધારે રસ છે ! આજનાં જગતમાં આડે રવાડે ચડી જવાના તો કેટલાય માર્ગ ખૂલા પડ્યા છે - એની વાત પછી ક્યારેક. પણ મૂળ વાત એ કે નામપટ્ટી ઉપરાંત બીજો પણ કોઇ ઇશારો જરૂરી છે.

આ ફોટોગ્રાફ ધ્યાનથી જોશો તો કચરા પેટી સાથે એક પેટી સાથે ખાલી ડબલું અને બીજાં સાથે પ્લાસ્ટીકની શીશી લટકાવેલી જોવા મળશે. આ પ્રયોગ કામયાબ રહ્યો છે ખરો ? મારી ઉત્સુકતાએ મને પેટીનાં ઢાંકણાં ઊંચાં કરી અંદર ડોકિયું કરવા પ્રેર્યો. વાહ, ડબલાંવાળી પેટીમાં એક પણ શીશી નહોતી અને શીશીવાળી પેટીમાં એક પણ ડબલું નહોતું. ૨. તૂટફૂટની સામે વીમો
અહીં ફોટામાં BMWના ડીલરની ઑફિસમાં નાણાં વિભાગના સંચાલકનું ટેબલ દેખાય છે.
image

 હા, તમારી ધારણા સાચી છે - કૉફી ખરેખર ઢોળાઇ નથી, પણ એવું જ દેખાય તેવું કંઇ ચોંટાડ્યું છે. એ એક ઇશારો છે કે અકસ્માત કોઇની પણ સાથે, ક્યારે પણ થઇ શકે છે. એક વાર ઇશારો સમજાઇ જાય પછી, નાણાં વિભાગમાં કામ કરતાં લોકો માટે તમને વીમો લેવા સમજાવવું સહેલું બની જાય.
આ પ્રકારના વ્યૂહાત્મક સંકેત આજની બહુ જ આડે અવળે ધ્યાન ખેંચતી દુનિયામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
આપણાં પોતાનાં જ કામકાજની દુનિયા તરફ નજર કરીએ. ક્યાં કયાં નવા સંકેતોની જરૂર છે જે આજુબાજુ ભટકતાં ધ્યાનને મુખ્ય વિષય તરફ કેન્દ્રીત કરવામાં મદદ કરી શકે ?

#218 – પદાર્થપાઠ #૨ તરફ નજર કરતાં રહીએ
| જાન્યુઆરી ૧૨, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

image
 (ઓળખાણની જરૂર નથી એવા) રીચાર્ડ બ્રૅન્સન તેમનાં શરુઆતનાં દિવસોની એક વાત તેમનાં પુસ્તક Business Stripped Bareમાં કહે છે.


લગભગ બધાંને ખબર છે કે રીચાર્ડ બ્રૅન્સને તેમની વ્યાવસાયિક કારકીર્દી “Student”નામક એક સામયિક શરૂ કરીને ચલાવીને કરી હતી. એક દિવસ, એક બહુ જ મોટાં પ્રકાશનગૃહ,IPC,નાં પૅટ્રિસીઆ લૅમ્બર્ટે તેમને “Student” ખરીદી લેવા ૮૦,૦૦૦ પાઉન્ડ વત્તા તંત્રી તરીકે ચાલુ નોકરીની દરખાસ્ત મૂકી. થોડો સમય વિચાર્યા પછી, રીચાર્ડે આ દરખાસ્ત સ્વીકારી લેવાનું નક્કી કર્યું.

તે પછી તરત, રીચાર્ડ IPCનાં નિયામક મંડળ સમક્ષ પોતાની દીર્ઘદર્શન રજૂ કરવા ગયા, જેમાં Student Holidays, Student Travel Agency, Student Record Shops, Student Health Clubs અને વિદ્યાર્થીઓ માટેની એક એરલાઇન પણ સામેલ હતાં.

બીજે દિવસે રીચાર્ડને કહેણ આવ્યું કે નિયામક મંડળે તેમનો નિર્ણય બદલ્યો છે, અને હવે પેલી દરખાસ્ત પાછી ખેંચી લેવાઇ છે.

થોડાં વર્ષો બાદ, પૅટ્રીસીઆએ રીચાર્ડને પત્ર લખી જણાવ્યું કે તેમના એ દિવસના એ નિર્ણય માટે આજે બધાં એકબીજાંને કેટલાં કોસે છે - એ વર્ષોમાં રીચાર્ડનું ‘વર્જીન’ વ્યાપાર જગત કેટલાંય ક્ષેત્રોમાં પોતાનું નામ કરી ચૂક્યું હતું.
આના પરથી ઘણા પદાર્થપાઠ શીખવા મળે છે. પદાર્થપાઠ #૧માં કંઇક આટલું, (પણ માત્ર આટલું જ નહીં) હોઇ શકે:
૧. તક એક જ વાર મળતી હોય ચે - તેને ઝડપી લો
૨. સમય અને ભરતીઓટ કોઇની રાહ નથી જોતાં
૩. ગમે તેટલી વિચિત્ર કેમ ન દેખાતી હોય , તો પણ તકને પારખતાં શીખો.
આવું તો ઘણું ઉમેરી શકાય. પણ આપણી કલ્પનાના ઘોડા છુટ્ટા ફરવા માંડે, તે પહેલાં જ જેને ખરો પદાર્થપાઠ (#૨)કહી શકાય તેને રીચાર્ડ બ્રૅન્સન, ઉમેરે છે:
મને લાગે છે મારી સાથે કામ ન કરવાની બાબતે તેઓ સાચાં હતાં. IPC એ પ્રકાશનના વ્યવસાયમાં હતાં અને છે. એ લોકો પ્રસ્થાપિત પ્રકાશક હતાં જ, એટલે ભલેને ગમે તેટલો પ્રતિભાશાળી કેમ ન હોય, પણ કોઇ છોકરડો તેમણે બીજું શું શું કરવું જોઇએ તે શેનો કહી જાય ! તેમને પોતાના રૂમમાં બારીએ બારીએ ભટકાતી ભમરીની જેમ વારંવાર લટકાવેલો ચહેરો રાખીને ફરતા મારા જેવાની તો સાવ જ જરૂર નહોતી. અને હું તો તે જ બની રહ્યો હોત.
ભૂતકાળ તરફ નજર કરતાં તરંગે ચડી જવાનું વલણ રહે છે. જો IPC એ તે દિવસે રીચાર્ડ બ્રૅન્સનનાં દીર્ઘદર્શન સાથે તે દિવસે સહમતિ દર્શાવી હોત અને તેને ટેકો પણ આપ્યો હોત, તો પણ IPC વર્જીનની કક્ષાએ પહોંચ્યું હોત કે કેમ તે તો સવાલ રહે જ છે. પણ, તેના પરથી શક્ય ચિત્ર કલ્પીને પદાર્થપાઠ #૧ જરૂર રજૂ કરી શકાય. મારી દૃષ્ટિએ એ થોડું ઉતાવળું ગણાય. આવા તો કેટલાય પ્રેરણાત્મક પદાર્થપાઠ આપણને કેટલાય સન્માન્ય વક્તાઓ સમજાવે જ છે. તેઓ તેમની રીતે સાચા પણ છે, પણ ખરા પદાર્થપાઠ તો સપાટીથી નીચે ઊંડાણમાં જવાથી મળે છે. ખરી શોધ કરવાની રહે છે એ પદાર્થપાઠ #૨ની.....

યથા યોગ્ય આંતરછેદનો પ્રભાવ
| માર્ચ ૧૨, ૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ 
બજારમાં આગવાં વ્યક્તિત્ત્વની જરૂરિયાત વિષે તો આપણને ખબર જ છે. તેનાથી ઊંધું છે જણસ બની રહી સરેરાશ બની રહેવાના શિકાર થઈ રહેવું. સરેરાશ થવાની સીધી અસર છે - આપણાં - મૂલ્યનો હ્રાસ થવો. બીજા અનેક ઉપલ્બધ વિકલ્પો જેટલું જ મૂલ્ય જો આપણે પણ લાવી શકતાં હોઈએ, તો આપણને કોઇ વધારે દાદ પણ શા માટે આપે?
એક સરેરાશ ભીડભાડથી બીજા પ્રકારની ભીડભાડ તરફ

ચાલો, માન્યું કે આપણે આ દલીલ સાથે સહમત છીએ અને ભીડમાંથી અલગ પડવા માંગીએ છીએ. વિશિષ્ટ થવા માટે આપણે કોઇને કોઇ પગલાં પણ લઇએ છીએ.
જેમ કે (આ માત્ર ઉદાહરણો જ છે):
  • એમબીએ કે એવા કોઇ અભ્યાસક્ર્મમાં જોડાઇએ
  • જાહેર વકત્વયની કળાના પાઠ શીખીએ
  • મ્યુઝિક ગ્રુપ કે યાહુ કે ગુગલ જેવાં વેબ ગ્રુપમાં જોડાઇએ
  • આપણી નિયમિત પ્રવૃત્તિ ઉપરાંત કોઇ સામાજિક સેવામાં યોગદાન આપીએ.
આમ, 'અલગ પાડી આપતી' કેટલીય પ્રવૃત્તિઓ નજર સમક્ષ આવશે. એમબીએ જેવા અભ્યાસક્ર્મને કારણે જે લોકો પાસે એવાં શિક્ષણનું ભાથું નથી તેમના કરતાં તો જરૂર જુદાં પડી અવાય. પણ એ તો એક ભીડમાંથી નીકળીને બીજી ભીડમાં ખોવાઇ જવા બરાબર પરવડી શકે છે.

કેમ એમ?
કારણ કે, હવે આપણી સરખામણી બીજાં એમબીએ પ્રશિક્ષિત લોકો સાથે થવા લાગશે!

આમ ભીડમાંથી ડોકું ઊંચું કરીને કે હાથ ઊંચા કરીને ધ્યાન ખેંચવા લાયક પગલાં લાંબે ગાળે મદદરૂપ નથી પરવડતાં. એમાં પણ બીજાં કરતાં કંઈક વધારે સારૂં કર્યું હોય, તો ટુંકા ગાળે થોડો ઘણો ફાયદો કદાચ રહે. પણ ટુંકા ગાળાઓના તાપણાંથી શિયાળાની લાંબી ઠંડી ઊડતી નથી!

આ તો હતા ત્યાં જ પાછા આવી ગયાનો તાલ થયો. તો હવે તેમાંથી બહાર કેમ આવવું?


એક ઉકેલ: યથોચિત આંતરછેદ પર હોવું.

આજની આ વાતના સંદર્ભમાં આંતરછેદ એટલે બધાં જ યોગ્ય ઘટકોનું એ રીતે ભેગું થવું, જે યોગ્ય સમયે યોગ્ય લોકો પર જરૂરી પ્રભાવ પાડવામાં મદદરૂપ થાય.

જેમકે, જો તમે માર્કેટીંગના વ્યવસાયમા હો, તો તમારા માટે યથોચિત ઘટકોનું એક બીજાં પર ફેલાતાં જે સર્વસામાન્ય પ્રભાવક્ષેત્ર આંતરછેદ કંઇક આવા હોઈ શકે :
• વાતની અર્થસભર રજૂઆત કરવાની આવડત;
• રચનાત્મકતા
• કંઈ પણ નવું કરી શકવાની આગવી સૂજ
• ટેક્નોલોજીમાં નોંધપાત્ર સ્તરનું સાતત્યપૂર્ણ કૌશલ્ય

image
 આવાં ઘટકોનાં સંયોજનથી યોગ્ય સમયે યોગ્ય સંદર્ભમાં પ્રસ્તુત થવાની શક્યાતઓ ઉજળી બને છે, અને તેમાં પણ આ વિષયો પાટે લગાવ હોય તો તેમાં જહૂ ઊંચા સ્તરની કાબેલીયત સિદ્ધ કરવા આપણે આપણી પોતાની આગવી યોજના પણ ઘડી અને અમલ કરી શકીએ તો વધારે સારૂં.

એ પછીનું પગલું છે આ સંયોજનનો ઉચિત સમયે બહુ જ આગવી રીતે પ્રયોગ.

આનો અર્થ એમ થાય કે આપણે આપણાં ધ્યેય તરફની એકાગ્રતા ગુમાવી રહ્યાં છીએ ? ના, આપણે માત્ર એ ધ્યેયના સંદર્ભમાં ઉચિત આંતરછેદ તરફ વધારે ધ્યાન આપી રહ્યાં છીએ.
આ અંત નથી. સમયની સાથે દુનિયા બદલતી રહે છે, એટલે તે પરિવર્તનોની સાથે યથોચિત આંતરછેદ સંદર્ભ પણ બદલતા રહેશે.આવતી કાલે જે આંતરછેદથી વિશિષ્ટતામાં આગળ રહી શકાય તેમ હશે તે આજના આંતરછેદ કરતાં જરૂરથી અલગ જ હશે. આપણે હંમેશ નવાં નવાં સંયોજનો , નવાં નવાં કૌશલ્યો અને નવા ધ્યાનકેન્દ્રિત કરવા માટેનાં ક્ષેત્રો ખોળતાં જ રહેવું રહ્યું. એક વાર જો આ કળા હસ્તગત કરી શકાઈ હોય, તો તેનો વારે ઘડીએ પ્રયોગ કરવાની જરૂર નથી રહેતી. પણ હા, સમયાંતરે સમગ્ર સંભવિત બાહ્ય પરિસ્થિતિના શકય સંદર્ભમાં આત્મનિરીક્ષણ તો કરતાં રહેવું જ જોઇએ.

વિશિષ્ટ થવા સામેનો પ્રતિરોધ, તેનો તણાવ અને બે ઘોડા પરની સવારી
| એપ્રિલ ૨, ૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ


દરેક વ્યક્તિ મનથી તો બધાંથી અલગ તરી આવવા માગતી જ હોય છે. પ્રતિરોધના તણાવની શરૂઆત ત્યાંથી જ થવા લાગે છે.

પ્રતિરોધ અને તેનો તણાવ

જ્યારે આપણે બધાંથી 'અલગ તરી આવવાની' પ્રક્રિયામાં હોઇએ છીએ ત્યારે હજૂ આપણે એ બધાંનો એક ભાગ જ હોઇએ છીએ. એમનામાંના એક હોઇએ અને તે સાથે તેમનાથી અલગ તરી આવવાની કોશીશ કરતાં હોઇએ છીએ ત્યારે ચારે બાજૂથી બહુ જ પ્રતિરોધ પેદા થતો હોય છે. image


આપણે જેમાંના છીએ તેમનાથી જ આપણે વિશિષ્ટ થઇ કંઇક અલગ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

તે સમયે પેદા થતા સ્વાભાવિક તણાવને જો સહન કરવાની આપણી તૈયારી ન હોય, તો આપણે ક્યારે પણ વિશિષ્ટ બનવાના પ્રયાસમાં સફળ નહીં બની શકીએ.

ચાલો, માની લીધું કે આપણે એ રૂપાંતરણ કરવામાં સફળ રહ્યાં અને બધાંથી અલગ સ્થાન ઊભું કરી શક્યાં, પણ વાત આટલેથી અટકતી નથી. એમ માનવું તે પણ ભૂલ જ છે. ખરૂં કામ તો હવે જ શરૂ થાય છે.

બે ઘોડા પરની સવારી

બધાંથી અલગ તરી આવવા માત્રથી એમનાથી આપણે ચઢિયાતાં નથી બની જતાં. આપણે જેમનાથી અલગ તરી આવ્યાં , તેમાંના બીજાં કોઇ સંગીત, અન્ય કળાઓ, રમત-ગમત, સાહિત્ય જેવાં આપણે કલ્પ્યાં પણ ન હોય એવાં અન્ય ક્ષેત્રમાં ચઢિયાતાં હોય એમ પણ બને. આ વાત યાદ રાખવાથી પહેલે પગથીએ જ આપણા અહં પર નિયમન અખત્યાર કરી શકાય છે. image

સારા એવા સમય સુધી હવે 'અલગ તરી રહેવા'ના અને 'બધાંની સાથે રહેવા'ના બે ધોડા પર સવારી કરવાના પડકારને ઝીલવાનો રહે છે. આવું કેમ ? આપણે એ લોકોમાંનાં જ છીએ અને ખાસા સમય સુધી એમાંના જ રહેવાનાં છીએ. કંઇ પણ આપમેળે તો સિધ્ધ નહીં કરી શકાય. શરૂઆતના તબક્કામાં તો આપણે એ સહુનો સાથ મેળવવો જ પડશે, અને એવો સાથ તો જ મળે જો એમને એમ જણાય કે આપણે એમનામાંનાં જ છીએ.

એ સંક્રાંતિકાળમાં આપણે એ બે ઘોડા પર સવારી કરવાની કળામાં નિપુણ થવું રહ્યુ, નહીંતર વળી બીજા પ્રકારના તણાવના શિકાર બની રહેશું.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ પાંચમો - ગુચ્છ ૪ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૨૮. ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો