બુધવાર, 11 ફેબ્રુઆરી, 2015

ગુણવત્તા-સંસ્કૃતિ- ૭ || ઉત્પાદકતા અને ગુણવત્તા

# # ગુણવત્તા પર નજર રાખ્યા સિવાય માત્ર ઉત્પાદકતા પર નજર રાખવી એ તો ધસમસતી ટ્રેનની દિશાની ચિંતા કર્યા વિના માત્ર તેની ઝડપ માપતા રહેવા બરાબર છે.
- તન્મય વોરા
એફ૧ કાર રેસીંગ સ્પર્ધામાં સ્પર્ધક સામે કારની ગતિ અને દિશા એમ બંને પર નજર રાખવાનો પડકાર બહુ જ મહત્ત્વનો બની રહે છે. બહુ જ ગતિમાં જઈ રહેલી કાર જરા સરખી પણ દિશા ચૂકે, તો કાર ટ્રેકની આડશો સાથે ભટકાઈ જવાનો ડર મોઢું ફાડીને ઊભો જ હોય છે. 'ગતિ'ને 'દિશા'સાથે સાંકળી લેવાય, તો જ "વેગ" પેદા થઈ શકે.

મૅનેજમૅન્ટનો એક બહુ જ ખ્યાત નિયમ છે કે, "જે માપી નથી શકાતું, તે 'સુધારી' પણ નથી શકાતું.’ પણ માપદંડો અને માપણીનાં પરિણામોનાં કોષ્ટકો પર વધારે પડતું ધ્યાન સંસ્થાની તંદુરસ્તી માટે, ક્યારેક, નુકસાનકર્તા પણ નીવડી શકે છે. આમ થઈ શકવા માટેનાં કેટલાંક કારણો:
  • સંસ્થાના ધ્યેય સાથે સુસંગત ન હોય, તેવાં પરિણામો મપાઈ રહ્યાં હોય.
  • માત્ર આંકડાઓ પર નજર રાખવામાં પરિણામોની, અપેક્ષિત તેમજ અનઅપેક્ષિત, ગુણાત્મક (ખાસ કરીને લાંબા ગાળાની) અસરો ધ્યાન બહાર રહી જતી હોય.
  • માપણીનાં પરિણામોને એક માત્ર આધાર ગણીને બધા જ નિર્ણયો લેવાતા રહે, પણ આપણા વ્યવસાય / વ્યાપારના અન્ય ચલ કે અજ્ઞાત પરિબળોની તો ગણત્રી જ થઈ રહી હોય
ટૅક્નોલોજિ કે વ્યવસાયના ઘણા સંસાધન સંચાલકો ગુણાત્મકતાને ધ્યાનમાં લીધા સિવાય આંકડાનું ગણિત મંડાય તેવાં કોષ્ટકો પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, જેમ કે દરરોજના કામના કલાકો (નહીં કે પ્રાથમિકતા મુજબનાં કયાં કામો થયાં); દરરોજનાં કેટલાં મોડ્યુલ્સ પૂરાં કર્યાં (પણ એ મોડ્યુલ્સની ગુણવત્તા મપાઈ નથી અથવા તો સમાંતરે મહત્ત્વ નથી અપાયું); દરરોજ કેટલા કૉલ્સ થયા ( નહીં કે નક્કી થયા મુજબની કેટલી મહત્ત્વની માહિતી એકઠી કરી શકાઈ). આ યાદી તો લંબાવ્યા જ કરાય. આપણો ઉદ્દેશ તો આ ઉદાહરણોની મદદથી 'તો પછી શું કરવું'નો જવાબ ખોળવાનો છે. અહીં સમજવાની વાત તો એ છે કે મોટી માત્રામાં આંક્ડાઓનું મંથન ચાલી રહ્યું હોય, તો બધું સમુસુતરું ચાલે છે તેમ સમજી ન શકાય.

કોઈપણ પ્રક્રિયાની કાર્યદક્ષતા માપવા માટે કોષ્ટક માંડવાં જરૂરી છે, પણ પૂરતાં નથી. સંસ્થાની ગુણવત્તા પ્રક્રિયાઓ કોઈપણ કામની આંકડાકીય માત્રાની સાથેસાથે ગુણાત્મક મૂલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવતી હોય તે જરૂરી છે. આ કેમ કરી શકાય તેના ત્રણ મહત્ત્વના દિશાસૂચકો આ રહ્યા:

૧. અસરકારક સંચાલન પર પણ નજર રાખે તેવો મિશ્ર અભિગમ :

ઉત્પાદનનાં ક્ષેત્રે કેટલાં નંગ બન્યાં એ ઉત્પાદકતાનો મહત્ત્વનો આંક હોઈ શકે, પણ (જ્ઞાન-વિશ્વમાં) જ્યારે કાચો માલ માનવમગજ (બુદ્ધિ કે અનુભવ) હોય ત્યારે આંકડાઓની સાથે બહુ જ ઉપયોગી એવી ગુણાત્મક બાબતોને પણ કોષ્ટકોમાં આવરી લેવાથી ઉપાદકતા અને ગુણવત્તા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકાય. જ્ઞાનવિશ્વની જેમ જ ઉત્પાદન ક્ષેત્રમાં પણ "સારું" ('કેટલું' અને 'કેવું') સંચાલન કાર્યદક્ષ તેમ જ અસરકારક ઉત્પાદકતા માટેની પહેલી ચાવી છે.

૨. ગુણવત્તા એ પ્રક્રિયામાં પાછળથી આવેલા વિચારનું પરિણામ ન હોય, પણ પ્રક્રિયા ઘડતરમાં પહેલેથી જ આવરી લેવાયેલ ઘટક હોય :

ગુણવત્તા ઘટના બની ગયા પછી આવતા વિચારોમાંથી નથી પરિણમી શકવાની. પ્રક્રિયાનાં ઘડતરના દરેક તબક્કે જે તે તબક્કાની ગુણવત્તા તેનાં અન્ય આંકડાકીય પરિમાણોની સાથેસાથે સંકળાયેલી રહેવી જોઇએ. આમ જ્યારે કામગીરીની સિદ્ધિ માટે જે કોઈપણ માપણી થશે, તેમાં ગુણવત્તા ધ્યાનનાં કેન્દ્રમાંથી હટી નહીં જાય. પ્રક્રિયાઓ સંસ્થાની સંસ્કૃતિનાં ઘડતરમાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. એટલે પ્રક્રિયાનાં ઘડતરના સમયે જ તેમાં ગુણવત્તાના સંદર્ભ આવરી લેવાની કોઈપણ કામમાં એક આંખ તો ગુણવત્તા પર રાખવી એ સંસ્થાની સંસ્કૃતિ બની રહી શકે છે. જ્યાંજ્યાં જરૂર હોય, ત્યાં પ્રકિયાની માપણીમાં સાથે કામ કરી રહેલાં લોકોનો એકમેક પરનો વિશ્વાસ, પ્રતિબધ્ધતા કે પ્રેરણા જેવાં પરિમાણો પણ આવરી લેવાતાં રહે તે પણ આવશ્યક બની રહે છે.

૩. મદદ થાય તેમ માપીએ, ભાંગતોડ થાય તેમ નહીં :

કોષ્ટકો એ દિશાસૂચક યંત્ર નથી. આપણે આગળ વધવા માટે આગળ તરફની દિશામાં જાતે ચાલવું પડે. કોષ્ટકો આંકડાની મદદથી કામગીરીનાં મુલ્યાંકનનું વલણ બતાવી શકે, પણ ઉપરાંત એ પરિણામોનું અર્થઘટન કરવું પડે, વૈકલ્પિક જણાતી શક્યતાઓનું આકલન કરવું પડે, એ બાબતે નિર્ણય લેવો પડે અને લીધેલા નિર્ણયનો અમલ પણ કરવો તો પડે જ. આ તબક્કે વ્યક્તિઓનું નહીં, પણ માત્ર પ્રક્રિયાઓનું જ આકલન થઈ રહ્યું છે તેમ સુનિશ્ચિત કરવું (અને બીજાં લોકો પાસે કરાવવું) એ પ્રક્રિયા સંચાલકો માટે એક મહત્ત્વનો પડકાર બની રહે છે. કોષ્ટકોના આધાર પર પુરસ્કારોની વહેંચણી કરવાથી લોકોને ભૂલોમાંથી શીખવાની તક નથી મળતી. જે લોકો ભૂલો નથી કરતાં, તેમને નવું શીખવાની તક છીનવાઈ જવાને કારણે વિકાસના માર્ગ પર અટવાઈ જવાની પણ દહેશત રહે છે. આમ જો લોકોનો વિકાસ અટકી જશે, તો સંસ્થાના લાંબા ગાળાના વિકાસ પર પણ અવળી અસર તો થશે જ.

પ્રક્રિયાઓ "ગતિ" પણ વધારી શકે અને "વેગ" પણ વધારી શકે. નક્કી આપણે કરવાનું છે કે પ્રક્રિયા પાસે આપણે શું કરાવવું છે.

અસલ અંગ્રેજી લેખ, Quality #7: Productivity and Quality પરથી વેબ ગુર્જરીના "ગુણવત્તા સંસ્કૃતિ" પેટા વિભાગ પર ૧૧ જુલાઇ, ૨૦૧૪ના રોજ પ્રકાશીત થયેલ અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો