બુધવાર, 18 ફેબ્રુઆરી, 2015

નર્તકી જવાબ વાળે છે - દેવદત્ત પટ્ટનાઇક

imageજ્યારે જ્યારે હું મહાત્વાકાંક્ષી કે અસ્તાચળ ભણી જઈ રહેલી એમ બંને પ્રકારની તારિકાઓને આજકાલ ફિલ્મોમાં બહુ ચગેલ આઈટેમ સોંગ કરતાં જોઉં છું, કે 'સશકિતકરણ' પ્રાપ્ત મહિલાઓને પોતાની કામુકતાનું પ્રદર્શન કરતી કે પોતાની જાતને બજારની જણસ બનાવી દેતી કે તેમનાં દૈહિક આકર્ષણો અને તેમની ઇશ્કી નજરો વડે પુરૂષોને ટટળાવતી અને પોતાનાં આમંત્રણને સ્વીકારવાના પડકારો કરતી જોઉં છું, ત્યારે મને એ ચહેરાઓની પાર દેવદાસીઓ અને નર્તકીઓના ચહેરા દેખાય છે, જે નૃત્યકળામાં ખરેખર નિપુણ હતી, પરંતુ તેની મજાક મશ્કરી કરી ચોખલિયા સમાજે તેમને 'વેશ્યા' કહીને ઠુકરાવી દીધી હતી. જ્યારે નૃત્યનાં એક પાસાંને અવગણીને બીજાં પાસાંને મહત્ત્વ આપીએ ત્યારે આવું જ થાય.

૧૯મી સદીમાં કોઇક સમયે નૃત્યમાંથી કામુકતા અને વિષયાસક્તિને દૂર કરવાના સક્રિય પ્રયાસ થયા. નૃત્યને હવે આધ્યાત્મિકતા અને ઈશ્વર સાથેનાં સાયુજ્ય સાથે સાંકળવામાં આવ્યું. નારી સાથે કે શારીરીક ચેષ્ટાઓ સાથે સંકળાયેલાં કંઇ પણને શંકાની નજરે જોતા સમાજ સુધારકોની આલોચક નજરોમાંથી બચાવવા માટે એ એક જ માર્ગ રહ્યો હતો. હા, એટલે નારી પ્રેમથી ઉપર ઉઠીને ગાઇ શકે કે નૃત્ય કરી શકે, પરંતુ કારણ કે કંઇ પણ જણાવવા માટે ઉપયોગ તો અંગભંગિઓનો જ થતો એટલે ઇચ્છાઓના નિગ્રહ માટે દરેક શબ્દ કે શબ્દસમૂહ કે દરેક મુદ્રાને રૂપકાત્મક બનાવ્યા સિવાય છૂટકો નહોતો. આમ તેના પ્રેમીને એ અંતરના દૈવી સ્વરૂપે અવાજ દેવા લાગી. જે પ્રેમ તેને શારીરીક રીતે પીડે તે હવે તેના રસને જગાડનાર ભૌતિક વ્યક્તિ ન બની શકે; તે તો કોઇ અમૂર્ત ખ્યાલ જ હોવો જોઇએ.

રસ ? હા, રસ. પણ લાળ કે પરસેવઓ કે યોનિમાંથી ઝરતાં પ્રવાહી કે વીર્ય જેવાં શારીરીક રસ નહીં, પણ લાગણીના કે બૌદ્ધિક કે આધ્યાત્મિક રસ હોવા જોઇએ. ખરેખર તો વાચકના મનમાં તાદૃશ્ય ચિત્ર પેદા થાય તેવા આ શૃંગારીક શબ્દો લખતી વખતે પણ મને મારી શિક્ષા રોકે છે. સીધે સીધા સંદર્ભોને બદલે આપણે સાંકેતિક કે સૂચિત પરિભાષાને વાપરવાનું પસંદ કરીએ છીએ.

પરંતુ જ્યારે ૧૫મી અને ૧૮મી સદીની વચ્ચે લખાયેલ,ભલેને અનુવાદિત હોય, તેલુગુ, તમિળ કે કન્નડ પદમ વાંચીએ છીએ, ત્યારે સમજાય છે કે હંમેશ આવો કોઇ ભેદ હતો જ નહીં. દાર્શનિકના અપવાદના રૂપમાં ભૌતિક નહોતું મનાતું. અન્નમાચાર્ય કે ક્ષેત્રય્યા જેવા વિદ્વાન પુરૂષોએ લખેલાં આ ગીતોમાં સુર સ્ત્રીઓના હતા જે મંદિરનાં દેવીદેવતાઓને સમર્પિત દેવદાસીઓ ગાતી. આ ગીતોમાં દેવીદેવતાઓને, મોટાભાગે તેમને છેતરી, તેમનું હૃદયભંગ કરેલા કે તેમને બદલે કોઇ બીજાંને પ્રેમ કરતા કે થોડા દિવસો બીજી સાથે વીતાવતા પ્રેમી કે ગ્રાહક કે પતિના રૂપે જોવામાં આવેલ છે. આમ એક સ્વરૂપે આ ગીતો ભક્તના દેવીદેવતા માટેના વિરહ કે ભાવના કે તડપનાં પ્રતિકાત્મક રૂપ હતાં. તે સાથે એ દેવદાસીનાં વાસ્તવિક જીવન, જેમનાં દાનધનથી મંદિરો ટકી રહ્યાં હતાં એવા પૈસાદાર આશ્રયદાતાઓ સાથેના સંબંધોને પણ ચરિતાર્થ કરે છે. એ આશ્રયદાતાઓ પર તેનો પતિ તરીકે ખરા અર્થમાં કોઇ હક્કદાવો નહોતો, કારણ કે એ સંબંધ તો તેનો મંદિરનાં દેવીદેવતા સાથે જોડી દેવામાં આવ્યો હતો. કળાનું આ ભૌતિક સ્વરૂપ જરા પણ ઉતરતું કે નિમ્ન નહોતું મનાતું; તો દાર્શનિક સ્વરૂપ શુદ્ધ કે સાચું સ્વરૂપ પણ નહોતું મનાતું. એ બંનેનું સંયોજન અદાકારીનાં જાદુને વ્યકત કરતું હતું.

એક સમયે સદર કચેરી તરીકે ઓળખાતાં દેવદાસી નૃત્યને, મદ્રાસ પ્રેસીડંસીમાં ખ્રીસ્તી મિશનરીઓ અને સમાજ સુધારકોના ઉગ્ર વિરોધને પરિણામે, પાછળથી વધારે સભ્ય 'ભારત નાટ્યમ'ની પહેચાન મળી (મારા ઘણા ઇતિહાસકાર મિત્રોનું કહેવું છે કે આ શબ્દપ્રયોગ એક સદી પહેલાં અસ્તિત્વમાં નહોતો). આને કારણે શ્રોતા વૃંદ હવે કામુકતા અને વિષયાસક્તિની તડપ પૂરી કરવા માટે સીને પરદાના કૅબરૅ કે કોઠા પરના મુજરા કે ઝાડની આસપાસ નાયક સાથે મોજમસ્તી કરતી કરી નાયિકાનાં નૃત્યોમાં જોવા તરફ આકર્ષાણું, જેનું અંતિમ સ્વરૂપ બારમાં આઇટેમ ડાન્સ કરતી ઉન્નત આત્મવિશ્વાસ છલકાવતી, કાયાનાં કામણ વેરતી યુવતીમાં આવીને અટક્યું જણાય છે. અહીં પ્રેમીને દૈવી ભક્તિ સાથે સાંકળવાનો કોઇ જ આયામ નથી. શારીરીકતાની અસ્વીકૃતિની સાથે સાથે આપણે તત્વાર્થનું સમગ્ર અન્વેષણ પણ નકારી બેઠાં છીએ.
clip_image001 'મિડ ડે'માં નવેમ્બર ૩,૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ
  •  અસલ અંગ્રેજી લેખ, The Nautch Girl Strikes Back વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૭, ૨૦૧૪ના રોજ • Myth TheorySociety ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૧૮, ૨૦૧૫




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો