બુધવાર, 6 મે, 2015

ગુણવત્તા-સંસ્કૃતિ- ૧૦ || તપાસ વ્યર્થ નીવડી શકે છે, જો.....


# ૧૦ # જો પ્રથમ પ્રયાસે જ સહી પરિણામ મળે તે માટે રોકાણ કર્યું ન હોય, તો પછી તપાસની વિધિસરની પ્રક્રિયાઓ ગમે તેટલી વ્યાપક અને વિગતપ્રચુર હોય,તો પણ તે ઉત્પાદક સંસાધનોનો મોટે પાયે વ્યય પરવડી શકે છે.
- તન્મય વોરા
પ્રક્રિયા સુધારણા અંગેની કોઈપણ પહેલનો આશય તો એ ને એ સમસ્યા ફરી ફરીને ન થાય તે જ હોય છે. નવીનવી સમસ્યાઓને નવસુધારણા માટેની તક જરૂર ગણી શકાય, પણ જો કોઈ એક જ પ્રકારની સમસ્યા વારંવાર દેખાયા કરતી હોય તો પછી તે બંધિયારપણાની નિશાની છે.

કોઈએ બહુ જ સાચું કહ્યું છે કે "ઉત્પાદનમાં ચકાસણી માત્રથી ગુણવત્તા આવી નથી જતી; તેને તો પહેલેથી જ તેમાં ઘડવી પડે." ગ્રાહકોની ગુણવત્તા અંગેની અપેક્ષાઓને ખોળી કાઢવામાં અને પછી તેને ઉત્પાદનની ગુણવત્તામાં સતત ઢાળી દેવા કે તપાસતા રહેવા માટેનાં પગલાંઓમાં રૂપાંતરિત કરવામાં પ્રક્રિયાઓએ મદદગાર ભૂમિકા ભજવવાની છે.

ઉત્પાદન પ્રક્રિયાના અંતમાં થતી તપાસણી બહુ મોંધી પરવડી શકે છે, કારણ કે જેટલી મોડા તબક્કે સમસ્યા સામે આવે તેટલા તેના ઉકેલ વધારે ખર્ચાળ નીવડી શકે છે. વળી જો ઉત્પાદનના મૂળ પોતમાં જ ગુણવત્તાને વણી ન લેવાઈ હોય, તો પછી તપાસણી કરવી એ તો ઘોડા ભાગી ગયા પછી તબેલાના દરવાજા બંધ કરવા બરાબર છે. ઉત્પાદનમાં જે પહેલેથી જ આવરી નથી લેવાયું, તેને પછીના તબક્કાઓમાં તપાસીને સરખું કરવું એ મહદ્‍ અંશે અશક્ય છે.

ઉત્પાદન જગતમાં કોઈ પણ ભાગને મુખ્ય પ્રોડક્ટમાં જોડી દીધા પછી તેની પોતાની તપાસ થતી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આખી પ્રોડક્ટ બની ગયા પછી એક એક ભાગની તપાસ એ મૂળ મૂદ્દે જ આર્થિક તેમ જ કામગીરીની દૃષ્ટિએ સમગ્ર સંસ્થાના અસ્તિત્વ માટે જોખમ બની શકે છે.

એટલે જ "પાણી પહેલાં પાળ બાંધવી' એ બહુ સમજણભર્યો અને સરવાળે ઓછો ખર્ચાળ વિકલ્પ ગણાય છે.

એનો અર્થ એમ નથી જ કે તપાસ દરમ્યાન મહત્ત્વના પ્રશ્નો ખોળી ન શકાય. ના, સવાલ એ નથી; સવાલ એ છે કે કયા તબક્કે તપાસ કરવામાં આવે છે.

જો ઉત્પાદન પ્રક્રિયામાં શકય તેટલી આગળના તબક્કે તપાસ કરવામાં આવે તો :
o સમસ્યાના ઉકેલ ઓછા ખર્ચાળ પરવડી શકે.

o મહત્ત્વનાં જોખમોની જેટલી વહેલી ખબર પડે તેટલું પહેલેથી તેની અસર ઘટાડવાની અને શક્ય હોય તો તે જોખમ ટાળવાની પૂરી તૈયારીઓ શક્ય બની શકે.

o અને આ બધાંના કારણે, છેક છેલ્લે તબક્કે નિષ્ફળતાની શકયતાઓ ઘટી શકે.

અહીં તપાસને વધારે ફાયદાકારક અને ગ્રાહક માટે ઓછી જોખમી બનાવવા માટેની કેટલીક સરળ માર્ગદર્શિકાઓ રજૂ કરી છે. આ દરેક માર્ગદર્શિકાને જ એક પ્રક્રિયાના સ્વરૂપમાં જ જોવી જોઈએ.

o બને એટલી પહેલેથી જ ગ્રાહકની ગુણવત્તા બાબતની અપેક્ષાઓ જાણી લેવી અને સંસ્થામાં જુદીજુદી ટીમને જરૂર મુજબ તેની સમજ પાડતા રહેવું.

o ગ્રાહકની જરૂરિયાતો અંગે સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે, તેમાં થતા બદલાવો માટે તો ખાસ તૈયાર રહેવું.

o પેદાશ અને તેના ઉત્પાદનની પ્રક્રિયાની ડિઝાઇન પહેલેથી જ બહુ સર્વગાહી અને સક્ષમ સ્તરની જ રહે તેવું જ આયોજન ઘડવું.

o પેદાશમાં ગુણવત્તાની બધી જ જરૂરિયાતો આવરી લેવાતી રહે છે તે સુનિશ્ચિત કરતા રહેવા માટે જરૂરી પગલાં લેતા રહેવું.

o 'બને તેટલું વહેલું અને બને તેટલું વધારે વાર'ના ક્રમ ઉત્પાદન પ્રક્રિયામાં સ્વાભાવિકપણે સામેલ કરો.

o તપાસના દરેક ક્રમમાં તે પછીનાં નિષ્ફળતાનાં જોખમો ઘટાડી કે ટાળી શકાય તેના પર ભાર મૂકવો.

o આટલું કરવાથી, છેલ્લા તબકાઓની તપાસમાં 'ગ્રાહકને તેણે ચૂકવેલ કિંમતના પ્રમાણમાં વધારે મૂલ્ય મળ્યું કે નહીં" તેના પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ, નહીં કે 'છેલ્લે પણ મળે તો ખામીઓ શોધો' પર.
જો બહુ જ પ્રારંભના તબક્કાઓથી જ ગુણવત્તાને આવરી લઈ અને તે મુજબ તપાસની પ્રક્રિયાઓ ઘડી કાઢવામાં આવી હોય, તો તપાસ એ બહુ મહત્ત્વનું જમા પાસું સાબિત થઈ શકે છે. એમ નહીં, તો બહુ મોટો બગાડ. દરેક સંસ્થામાં ધીમેધીમે કરતાં થોડાઘણા અંશે આ વ્યય ઘૂસી તો ગયો હોય જ છે. જેમજેમ આ વ્યય ઘટાડતા જઈશું, તેમતેમ તપાસ કરતાં બને એટલા પહેલાના તબક્કામાં જ ગુણવત્તાને આવરી લેવાની સંસ્કૃતિ આપોઆપ જ વિકસતી જઈ શકે છે. ગુણવત્તાપ્રચુર કાર્યપદ્ધતિની સંસ્કૃતિની સફરનાં મંડાણ અહીંથી થવા લાગશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો