બુધવાર, 14 ઑક્ટોબર, 2015

બ્રહ્માનો શિરચ્છેદ - દેવદત્ત પટ્ટનાઈક

imageબાઈબલમાં (વિશ્વના)સર્જનહારને ઈશ્વર સાથે સરખાવાયેલ છે. હિંદુ પુરાણોમાં સર્જનહાર ઈશ્વરનો એવો હિસ્સો ગણાવાયો છે જેની પૂજા નથી થતી. આ તફાવતને આજનાં આધુનિક સંચાલનશાસ્ત્ર અને સંચાલન વિષેના ભારતીય દૃષ્ટિકોણના ફરક રૂપે પણ જોઈ શકાય.

બાઈબલીય પુરાણોમાં વિશ્વની રચના ઈશ્વરે જ કરી છે. દુનિયા તેમના નિયમો થકી જ ચાલે છે (કે પછી, ચાલવી જોઈએ). બહુ જ વ્યકિત્વવાદી ગ્રીક પુરાણો વિશ્વનાં સર્જનનાં સર્જનહારને આધીન હોવાની પરિકલ્પનાના મતમાં નથી. તેમના મત મુજબ સર્જન પોતે પોતાની સંભાળ લેવા માટે સક્ષમ છે, તેને સર્જનહારની જરૂર નથી. બસ અહીંથી જ આધુનિક સંચાલનશાસ્ત્રની સર્જનહાર (ઉદ્યોગસાહસિક)નાં તેનાં સર્જન સમા ઉદ્યોગથી અંતર રાખવાના વિચારનાં મહત્ત્વનું મૂળ જોવા મળે છે. આધુનિક સંચાલનશાસ્ત્ર સંસ્થા શરૂ કરનાર સાહસિકની વ્યક્તિગત માન્યતાઓથી પર થઈને સ્વ-બળે, વ્યવસાયિક ધારાધોરણે ચાલતી સંસ્થાને મહત્ત્વ આપે છે.

હિંદુ ધર્મમાં વિશ્વના સર્જનહાર, બ્રહ્મા,ની પણ પૂજા નથી થતી. જેની સામે પણ કોઈને ખાસ વાંધો પણ નથી, કારણકે હિંદુ ધર્મમાં પણ એક સર્જનની રચના થઈ ગયા બાદ સર્જનહારનું મહત્ત્વ નથી મનાતું. પરંતુ, વિશ્વના સંરક્ષક, વિષ્ણુ, અને સંહારક, શિવ,ની પૂજા થાય છે. તેને કારણે એવું માની શકાય કે સંચલનનાં પાશ્ચાત્ય ઢાંચાનો સંદેશ આપણાં શાસ્ત્રોમાં જોવા મળે છે. અથવા તો ભારતીય વિચારધારાને પાશ્ચાત્ય વિચારધારા સાથે આટલા પુરતી બંધબેસતી ગણી શકાય.

બાઈબલમાંના ઈશ્વર એ હિંદુ પુરાણોમાંના ઈશ્વર કરતાં સાવ અલગ જ ગણી શકાય. બાઈબલીય ઈશ્વર, ઉદ્યોગસાહસિક જેમ કોઈ નવું સાહસ ઊભું કરે છે તેમ બહારની તરફ નવું ભૌતિક વિશ્વ રચે છે. હિંદુ પુરાણોના ઈશ્વર ઉદ્યોગસાહસિકની પોતાની આંતરીક વિચારધારાની માફક વિશ્વની આંતરીક મનોશક્તિ સર્જે છે. મનોજગત વિષેનું આ મહત્ત્વ, વૈદિક, કે પછી હિંદુ કે જૈન કે બૌદ્ધ જેવી વિચારધારાને પણ પાશ્ચાત્ય સંચાલન શાસ્ત્રના પાયારૂપ બાઇબલીય કે ગ્રીક વિચારધારાથી અલગ પાડે છે. આને પરિણામે એક તરફ પાશ્ચાત્ય સંચાલનશાસ્ત્રના સિદ્ધાંતો સંસ્થા અને વિચારોને નક્કર કાર્યક્રમમાં રૂપાંતરીત પગલાંઓ પર ભાર મૂકે છે તો બીજી તરફ ભારતીય સંચાલન વિચારધારા મનોજગતમાં પ્રવૃત્ત વિચારો પર ભાર મૂકે છે. આમ મૂળતઃ ધારણા એ છે કે ઉદ્યોગ સાહસિકના વિચારોમાં જેટલી હદે પરિવર્તન થશે તેટલી હદે તેનાં દ્વારા નિર્માણ પામેલાં એકમને ચલાવવામાં ફેરફારો થવાના જ છે. આને કારણે હિંદુ સંચાલન વિચારસરણી કાર્યક્રમનાં અમલરૂપ પગલાંઓને બદલે તેને માટે કારણભૂત કહી શકાય તેવાં માનસિક વલણને વધારે મહત્ત્વ આપે છે.

આજે હવે વ્યાપાર ઉદ્યોગ તેમ લગભગ બધાં ક્ષેત્રનાં સંચાલનશાસ્ત્રના અગ્રણીઓ માનસશાસ્ત્રની ભૂમિકાને વધારે ને વધારે મહત્ત્વ આપતાં થયાં છે. માલિકી કે નૈતિકતાની કોઈ પણ કક્ષાની ચર્ચા કે વિચારમાં વધારે અડચણો માનસશાસ્ત્રને લગતી બાબતોને લગતી હોય છે. આપણે અગ્રણીઓનાં, કે પછી અનુયાયીઓનાં, મનોજગત તરફ ભાગ્યે જ ધ્યાન આપતાં હોઈએ છીએ. એક બહુ જ પ્રચલિત અને ચોક્કસ વિચારધારા પ્રમાણે તો નેતૃત્વ તો એવું કૌશલ્ય છે જે શીખી શકાય તેમ છે.પણ બહુ થોડાં લોકો સમજે કે સ્વીકારે છે કે નેતૃત્વને સત્તા અને વ્યક્તિની આગવી ઓળખ સાથે પણ એક આગવો સંબંધ છે, જે અન્ય કાર્યક્રમ અમલનાં પગલાંઓની જેમ વૈધાનિક પદ્ધતિથી માપી શકવાના દાયરામાં નથી આવરી શકાતો, અને તેથી તેનું પૂર્ણતઃ નિયમન કરવું પણ શક્ય નથી. આ માટે વ્યક્તિનાં 'ચારિત્ર્યની શક્તિ' જેવા વ્યક્તિલક્ષી અને કંઇક અંશે સંદિગ્ધ શબ્દ પ્રયોગનું ચલણ જ જોવા મળે છે. એમ માની લેવામાં આવે છે કે જે વ્યાપાર અગ્રણી પોતાની કંપનીનું બજારમાં વધારે મુડીકરણ પ્રસ્થાપિત કરી શકે તેનાં નેતૃત્વનાં ચારિત્ર્યની શક્તિ વધારે હશે. માનસશાસ્ત્રીઓ આ અભિપ્રાય સાથે સહમત ન પણ હોય.

એક મરઘી જેટલી સ્વાભાવિકતાથી ઈંડાં મૂકે છે એટલી જ સહજતાથી આપણે પણ વાસ્તવિકતાનું આપણું વ્યક્તિગત નિરૂપણ સર્જતાં જ રહીએ છીએ. એટલાં પુરતાં આપણે બધાં બ્રહ્મા જ છીએ. એ છે બ્રહ્માંડ - બ્રહ્માનું ઈંડું.તેના સર્જક હોવાને નાતે આપણે પોતપોતાની રીતે આ ઈંડાંમાં એક ખાસ સ્થાને છીએ.દેવોના રાજા ઈન્દ્ર તરીકે આપણે જીવનનાં દરેક સુખનાં હકદાર બનીએ છીએ. ઈન્દ્ર હોવાને નાતે, આ ઈંડાંમાં આવૃત મૂલ્યો અને માપની દૃષ્ટિએ આપણી આસપાસની દુનિયાનું મુલ્યાંકન પણ આપણે કરતાં રહીએ છીએ.આપણાં આવાં મહામૂલ્યાંકનની નોંધ જ્યારે દુનિયા લેતી નથી, ત્યારે આપણે અકળાઈ ઉઠીએ છીએ.આપણો ગરાસ છીનવાઈ જતો હોય તેમ વંચિતપણાની લાગણી આપણને ઘેરી વળે છે. અસુરો જ્યારે આપણાં સ્થાન પર આક્ર્મણ કરે છે ત્યારે ઈન્દ્રની જેમ જ આપણે ફરીયાદો અને રોકકળ પણ કરીએ છીએ. ઈંદ્ર જેમ પોતાની તાકાત, કે લુચ્ચાઈ,થી અસુરો સામે લડે છે તેમ આપણે પણ આપણાં પ્રતિસ્પર્ધીઓ સાથે લડીએ છીએ.કે પછી જો આપણામાં એટલી ક્ષમતા હોય તો આપણે આસપાસની સમગ્ર દુનિયા પર, પોતે નક્કી કરેલા નિયમો વડે, નિયંત્રણ ધરાવતા કુલનાયક - પિતા- દક્ષની જેમ આપણી જાતને રૂપાંતરિત પણ કરીએ છે.

આવા આપખુદ નિયમો ઘડનાર દક્ષનો ભગવાન શિવે શિરચ્છેદ પણ કરવો પડે છે, કારણ કે પોતાની અબાધ સત્તાનાં બળ થી દરેક પ્રકારની માનવીય ભૂખને અતિક્રમવામાં મદદરૂપ થવાને બદલે એ તો પોતાની ભૂખને પોષવામાં પ્રવૃત્ત થઈ જાય છે. શિવ તો એવા સંન્યાસી થવાનું અંતિમ લક્ષ્ય ધરાવે છે જેને કોઈ જ આસના વાસનાની ભૂખ રહી નથી. શિરચ્છેદ એ યોગની દૃશ્યભાષામાં દરેક પ્રકારની ભૂખ સાથે શારીરીક અને માનસિક છેડો ફાડી નાખવાનું પ્રતિક છે.

વિષ્ણુનું માનવું છે કે સંન્યાસી થવું એ હર કોઈ માટે શક્ય નથી. એ વ્યક્તિગત ઉદ્દેશ્ય જરૂર બની શકે. એ ઉદ્દેશ્યને સમાજની જરીરિયાતની પૂર્તિ કરવામાં પણ ઢાળી શકાય. એટલે પોતાના જુદા જુદા અવતારો વડે તે દક્ષ અને ઈન્દ્ર બંનેને સંતુષ્ટ કરે છે. તો વળી, સાથે સાથે સમજાવે પણ છે કે તેમણે કરેલ સર્જન - તેમની ભૌતિક અને માનસિક પ્રવૃત્તિઓ - માત્ર પોતાની જરૂરિયાતોની ભૂખ સંતોષવા માટે નથી, પણ તેના વડે અન્યોની ભૂખને પણ સંતુષ્ટ કરવી જોઈએ.

આમ બ્રહ્મા સર્જક છે કેમ કે પોતાની મહેચ્છાઓ, પ્રેરણાઓ, આકાંક્ષાઓ કે જરૂરિયાતોની ભૂખ તેનું ચાલક બળ છે. આવી ભૂખનો નાશ કરનાર એ સંહારક શિવનું સ્વરૂપ છે. તો, માનવ મર્યાદાઓને સમજીને પોતાની ભૂખને અતિક્રમીને બીજાંઓની ભૂખ સંતોષ પામવાની કક્ષા સુધી લઈ જવાની સંરક્ષક ભૂમિકા ભજવે તે વિષ્ણુ છે. એ એવા ગૃહસ્થની ભૂમિકા ભજવે છે જે રાજર્ષિની માફક સંન્યાસી બની પોતાનાં કર્મ નિભાવે છે.

પોતાની પ્રવૃત્તિઓનાં ઉપક્રમના (આજની તારીખમાં મહદ્‍ અંશે) ભૂલાઈ ચુકેલ હિંદુ દૃષ્ટિકોણ મુજબ કોઈ પણ ઉપક્રમનો ઉદ્દેશ્ય માત્ર એ ઉપક્રમનાં સર્જકની પોતાની જરૂરિયાતોની ભૂખ સંતોષવાનો નથી. એના વડે તેના ગ્રાહકો, અન્ય હિતધારકો, સમાજ, સહકાર્યકરો (કે કર્મચારીઓ) કે માલ સામાન અને સેવાઓ પૂરી પાડનારાંઓની જરૂરિયાતો પણ સંતોષાવી જોઈએ. આ ઉપક્રમનું અસ્તિત્ત્વ તેના સર્જકની ભૂખને અતિક્રમવામાં ચાલક બળ પૂરૂં પાડવાનો છે. આમ આ બંને ઉદ્દેશ્યો એક બીજાં સાથે સંકળાયેલા છે. બીજાંઓની ભૂખ સંતોષવા માટે પોતાની ભૂખને સંતોષીને જ તેને અતિક્રમી શકાય.

આધુનિક સંચાલનશાસ્ત્ર આ પ્રકારના વિચારોને આધ્યાત્મિકતાની છાપ મારી, તેમને ઉદ્યોગ સાહસનાં ઉચ્ચાલક તરીકે માનતું નથી. અને કદાચ એટલે જ, માલિકી અને નૈતિકતા જેવી બાબતો વિષે તે અવઢવમાં જણાય છે. લોભને નિયંત્રિત કરે એવી પ્રક્રિયાઓ અને સામાજિક કલ્યાણ કરવામાં મદદ કરે તેવી બાહ્ય મદદ માટેની ખોજ તેના માટે હંમેશાં આશ્વર્ય ભરેલ દાબડો જ બની રહેલ છે. હિંદુ વિચારધારા મુજબ બ્રહ્માનું શિવ અને તે પછી વિષ્ણુ સ્વરૂપમાં રૂપાંતર જ એક બહુ મોટું ઉચ્ચાલક બળ બની રહે તેમ છે. જો આપણે ખરા અર્થમાં વિષ્ણુ જેવાં વિચક્ષણ બની શકીએ તો જ, લક્ષ્મી સ્વરૂપ (ભૌતિક કે માનસિક) સમૃદ્ધિ પામી શકાય.

clip_image001 ધી ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Beheading Brahma, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૧૫, ૨૦૧૪ના રોજ Indian MythologyModern Mythmaking ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓક્ટોબર ૧૪, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો