શુક્રવાર, 20 મે, 2016

નેતૃત્વ અને પરંપરાગત માન્યતાઓ # ૪ # સમાજ્શાસ્ત્ર અને નિયમન



- ગેરી મૉન્ટી

આપણે છેલ્લે જોયું હતું કે પેલી જાતિને તો તેમની નગારાં વગાડવાની પ્રથા થકી જ સૂર્યને તેનાં ગ્રહણમાંથી અપાવવાની રીત જ સીધી,સરળ અને સલામત લાગી હતી. જાતિના મુખીયા, શમન, અને અન્ય સભ્યોને એ પ્રથા અમલ કરવાની જરૂરિયાત માટેનાં કારણો અને અસરો સ્પષ્ટ દેખાતાં હતાં. નગારાં ન વગાડવાનાં પરિણામો તેમને એટલી હદે ડરામણાં લાગતાં હતાં કે તેની વાત સુદ્ધાં કરવાનાં પરિણામો તેમને અવળાં જ દેખાતાં હતાં.એ પ્રથાને દૂર કરવાની વાત તો બહુ દૂર રહી, માત્ર તેમાં જરા સરખો પણ ફરક કરવાનું જો કોઈ કહે કે વિચારે, તો પણ મુખી તેના પર વરસી જ પડે એ તો નક્કી જ ગણવું.

આમ હવે આપણે પરંપરાગત માન્યતાઓના ત્રીજા હેતુ- સામાજિક વ્યવસ્થા, અથવા જે સમાજશાસ્ત્ર તરીકે વધારે પ્રચલિત છે -ની વાત કરવા માટે તૈયાર થ ઈ ચૂક્યાં છીએ. જોઈ શકાશે કે પેલી જાતિની જેમ જ સમાજ વ્યવસ્થા પરંપરાગત માન્યતાઓના બીજા હેતુ - આપણી આસપાસનાં બ્રહ્માડ (વાતાવરણ)ની મીમાંસા (cosmology)- સાથે બહુ નજીકથી સંકળાયેલ છે. બંનેનું એકબીજાં ભળી જવું એ સત્તા (પ્રભાવ)ના ઉપયોગો જેવા ગુલાબની સાથે તેના કાટા જેવી બાબતો પણ પેદા કરી શકે છે. સત્તા (પ્રભાવ) વિષે સીધી જ વાત કરતાં પહેલાં આપણે થોડી પશ્ચાદભૂમિકા સમજીએ.

રજકણ અને મા

માનવનાં અંગ્રેજી “human being”નું મૂળ લેટિન શબ્દ “humus”માં જોવા મળે છે, જેનો અર્થ છે 'સમૃદ્ધ ધરતી'. પોતાનાં મૂળિયાં નાખવાં, આસપાસ સ્વીકૃતિ મેળવવાની સાથે સાથે વિકસતાં જવું અને આખરે પોતાનો માર્ગ કંડારવો માનવ જીવનનું ચક્ર છે. આ માન્યતાની સૌથી વધારે પુષ્ટિ મોટા ભાગના આદિ ધર્મોમાં ધરતીને મા કહેવાઈ છે તેમાં જોવા મળે છે. (આકાશને પિતા પણ માનવામાં આવે છે, પણ તેની વાત હવે પછીના અંકમાં). આપણી આસપાસની (ધરતીની) ઘટનાઓ (બ્રહ્માંડમીમાંસા) સાથે મળીને રહેવા માટેના નિયમો (સમાજ્શાસ્ત્ર)એકબીજાં સાથે વણાઇ ગયેલ છે અને ગળથૂથી જ તેના વિષે શીખવવામાં આવતું જ હોય છે. ઘણી વાર આ તાણાવાણા એટલા ઘનિષ્ઠ રીતે વણાઈ ગયેલ છે કે તેમાંથી સાવ બારીક છિદ્ર શોધવું પણ મુશ્કેલ બને. સ્થિરતા માટે આ પરિસ્થિતિ જેટલી ઈચ્છનીય છે તેટલી જ અવરોધક્ષમ છે તે પરિવર્તન માટે. આપણાં દૂરદર્શનને તે ધુંધળું કરી નાખી શકે છે. ચાલો જોઈએ કે વેપારઉદ્યોગની બાબતોમાં આની અસરો શું છે.

ઑબી-વૅન, ડાર્થ મૌલ અને નમુનાના અભ્યાસ

ધારો કે ગ્રહણ ચાલી રહ્યું હોય ત્યારે મુખી ગામવાળાંઓને કહે કે માત્ર નગારાં વગાડવાથી કામ નહીં ચાલે, સૂર્યને પાછો લાવવા માટે તમારી પાસેનું બધું જ ભોગ ધરાવી દેવું પડશે.આવા સંજોગોમાં ગામવાળાં પર કેટલું દબાણ થાય ? હવે આ જ પરિસ્થિતિને વાસ્તવિકતાથી અવગત ઉપરી અને તેના હાથ નીચેના સહકર્મચારી વચ્ચેના સંવાદનાં સ્વરૂપમાં કલ્પના કરો, જેમાં ઉપરી તેના કર્મચારીને વધારે ને વધારે ઉત્પાદકતા માટે નાના મોટા ભોગ આપવાનું જ કહ્યા કરતા હોય. આપણા મુખીની જેમ આ ઉપરી પણ તેની સત્તા બાબતે કરેલ રોકાણને સંકોરવા માટે ભોગ કે ઉત્પાદકતા જેવાં સામાજિક સૂચનો (હુકમો)ને (ગ્રહણ કે વ્યાપારના વ્યૂહાત્મક ઉદ્દેશો) જોડે કસીને બાંધી રાખી શકે છે.

એવું પણ બને કે આ બંને અલગ રાખીને, ન્યુટનના નિયમો જેવાં તાર્કિક જ્ઞાનને સમજી અને તેનો અમલ કરવા જેટલી હિંમત દાખવનાર કોઈ મુખીની જેમ કોઈ ઉપરી પણ માન્યતાને બદલે તાર્કિક જ્ઞાન કે અનુભવને અનુસરવાનું પસંદ કરે. આમ કરવાથી તેની સત્તાના પાયાને તે જોખમમાં જરૂર નાખે છે. જો તેનો તર્ક કે તેની હિંમત સકારાત્મક પરિણામ નહીં લાવતાં રહે તો ક્યા નિયમો પાળવા અને કયા નહીં તે નક્કી કરવાની તેની સત્તા આંચકાઈ પણ જવાની શક્યતા રહે. હવે ‘તેનાં કારણો’ કે ‘તેનાં પરિણામો’નું કોઈ જ મહત્ત્વ નહીં રહે. પેલાં ગામવાળાંઓની જેમ કર્મચારીઓ પણ પોતાને અનુકૂળ મુખીની શોધની પોતાની પસંદનું ફલક વિસ્તૃત કરવા માટે મુક્ત બની રહે. તેમ પોતાના કર્મચારીઓનું પોતા માટેનું માનસન્માન જળવાઈ રહે, પોતે જે કહે તે મુજબ એ લોકો કરે એ માટે ઉપરીએ પણ નવાં કારણો ખોળી કાઢવાં પડે. આ વાતને વધુ મનોરંજક ઢંગથી સમજવા માટે સ્ટાર વૉર્સમાં ઑબી વૅન અને ડાર્થ વચ્ચે જે ખેંચતાણની લડાઈ છે તેનું ઉદાહરણ લઈએ.



ડાર્થ શુદ્ધ દાનતથી એવું માને છે કે જીવન એ એક અભ્યાસનો નમૂનો છે. કારણો અને પરિણામોનું ઓડીટ કરી શકાય અને તેમાંથી નીપજતાં તારણોથી આવનાર ઘટનાઓની આગાહી કરી શકાય. જે કોઈ આ કામ અસરકારકપણે કરી શકે તે સામાજિક વ્યવસ્થા પર પોતાની સત્તા બનાવી રાખી શકે. ઑબી વૅન ઘણો વધારે સમજુ છે. તે સ્પષ્ટપણે જોઈ શકે છે કે કેટલાક સિદ્ધ માર્ગદર્શક સિદ્ધાંતોને પૂરી સમજપૂર્વક ગ્રહણ કરવાથી, અને તે મુજબ અમલ કરવાથી કોઈ પણ (વ્યાપારઉદ્યોગ કે સંસ્થાનાં) અગ્રણી લોકોનો વિશ્વાસ જીતી લોકોને પોતાને અનુસરવા માટે તૈયાર કરી શકે છે.

બીજા શબ્દોમાં કહીએ તો જેમ જેમ (આસપાસનું વાતાવરણ - બ્રહ્માંડ)પરિસ્થિતિઓ બદલાય તે મુજબ સત્તા અને પ્રભાવનાં સમીકરણો પણ બદલાય છે. અગ્રણીએ નવી પરિસ્થિતિ અને તેને કારણે સત્તાનાં સમીકરણમાં થયેલ ફેરફાર, એ ફેરફારોનીસામાજિક વ્યવસ્થા પરની પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અસરો જેવાં પરિબળોને સમજવાં પડે. પોતાની આસપાસનાં, કે પોતાને કોઈ પણ પ્રકારે અસર કરતાં, બ્રહ્માંડીય પરિવર્તનો પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થામાં પણ પરિવર્તન લાવશે જ.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૨૦, ૨૦૧૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો