શુક્રવાર, 19 ઑગસ્ટ, 2016

નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ # ૫ # - મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકો



ગેરી મૉન્ટી
ઘણો વિચાર કર્યા પછી જ્યારે પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે ઝંપલાવી જ દઈએ ત્યારે કેવું અનુભવાતું હશે? કેવી કેવી મિશ્ર લાગણીઓ થતી હશે? કૉઈ વાર થાય કે, 'હાશ! આખરે મારૂં ભવિષ્ય હવે હું ઘડીશ.' તો વળી ક્યારેક વિચાર ઝબકી જાય, 'બાપ રે, હવે તો મારે એકલે જ નાવ ચલાવવાની !'. આપણા જાણી તાં વાતાવરણના કિનારાઓ છોડી દીધા પછી નાવને કોઈ સુકાન નથી એવું પણ લાગવા મંડે. આ પ્રવાહી પરિસ્થિતિમાં, હવે દેખાઈ રહેલી તકોનો કેમ વધારેમાં વધારે ફાયદો ઊઠાવીને,  અસ્તિત્ત્વ માટેની ચિંતાઓને આ નવ્યસાહસનાં વાતાવરણમાં કેમ ખાળવી એ પરંપરાગત માન્યતાઓની અસરો સમજવાનો ચોથો હેતુ છે. અહીં કેન્દ્રવર્તી વિચાર પોતાનાં માનસ - પોતાનાં મનોવિજ્ઞાન -સાથે કામ લેવાનો છે. વ્યક્તિનાં માનસનું ઘડતર કેમ થયું છે તે હવે પછીની આ નવી સફરના ત્રિભેટે અગળના માર્ગ વિષે વિચારવા અને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
નેતૃત્ત્વ માટે જરૂરી સાધનો[i] ઊભાં કરવામાં આપણું માનસ પાયાનું ઘડતર કરે છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલ રસ્તા એ નવી ખોજની વણકંડારાયેલ કેડીઓ જ છે. ફ્રેડરીખ નિત્ઝ્શે તેમનાં પુસ્તક - Thus Spoke Zarathustra-માં આ બાબતે ઘણી મહત્ત્વની વાતો કહી છે. આવો આપણે જોઈએ કે તે ઉદ્યોગ, વ્યાપાર કે વ્યવસાયમાં કેમ કરીને કામ લાગે છે.
ઊંટ, સિંહ અને બાળક
વ્યાપાર ઉદ્યોગનાં જગતમાં દાખલ થતી વખતે આપણે એવાં ઊંટની જેમ વર્તીએ છીએ જે વધતાને વધતા જતા પીઠ પરના બોજને કોઈ પણ સવાલ કર્યા વિના જ પોતાની ફરજ સમજીને ઉપાડતું રહે છે. એમ કરતાં કરતાં કંઈને કંઈ પ્રગતિ તો થતી દેખાતી રહે છે. પરંતુ પરિસ્થિતિ વધારેને વધારે ગુંચવનારી પણ બનતી જાય છે.એક પરિસ્થિતિ તો એવી આવે જ છે જ્યારે પીઠ પરના બોજમાં એક જ વધારે તણખલું મૂકતાંવેંત ઊંટ ફસડાઈ પડે છે. સફરના પડાવમાં આ પહેલો ઊંબરો છે. હવે જો આગળ વધવું હશે તો કંઈક નવું કરવું પડશે.
એક સમયે સવારે ઉઠવા માટે જે મનભાવન કારણ પૂરૂં પાડતું હતું તે હવે ધીમે ધીમે એટલું કષ્ટદાયક બનવા લાગે છે કે "બસ, હવે બહુ થયું!" એમ ચિત્કારી ઊઠવાનું મન થવા લાગે છે. આ ઊંબરને વળોટી જતો ઉંટ હવે સિંહમાં રૂપાંતરિત થઈ જઈને બધાંને આશ્ચર્યમાં મૂકી દે છે.  સોનાના વરખમાં વીંટેલાં એક ત્રાજવામાં આગળ વધાવા આમ કરો કે બીજાં ત્રાજવામાં તેમ તો કર્યા વિના ચાલશે જ નહીં એમ કરીને ઊભેલ વિકરાળ આમ તો કરવું જ પડે" દૈત્ય પર હવે આપણો નવપલ્લવિત સિંહ ત્રાટકી પડે છે. બાવા આદમના સમયથી ચાલી આવેલા સફળતાના નિયમોનું રક્ષણ કરવા 'કરવું જ પડે' દૈત્ય પણ સિંહને જીવ સટોસટની લડાઈનાં રૂપમાં પ્રત્યુત્તર પાઠવે છે.
એક વાર એ દૈત્ય પર વિજય મેળવી લીધા પછી હવે નવો ઊંબરો ઓળંગવાનો થયો છે. સિંહ હવે મુક્ત છે, જે કરવું હોય તે કરવા સાવેસાવ સ્વતંત્ર. સામે હવે કોઈ જ અવરોધ જ નથી રહ્યો. સિંહ હવે એકલો ઊભો છે. હવે આગળ વધવું હશે તો ફરી કંઈક નવું કરવું પડશે.
હજૂ આગળ વધવા અને વિસ્તરવા માટે એક વધારે અસાધારણ, બહુ જ વધારે અપેક્ષાયુકત એવાં રૂપાંતરણ સિવાય કામ નહીં બને. સિંહ હવે એક બાળકનું રૂપ લે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ બાળક સ્વયંસ્ફુરણાનું પ્રતિક છે, જેની બધી જ ક્રિયાઓ એની અંદરથી જ નિપજે છે, તેને પરિણામોની પરવા નથી કે નથી તેનામાં કોઈ બળવાખોરપણું. સાથે સાથે તે ભૂતકાળના પોતાના બધા જ અનુભવોને વર્તમાન સાથે સાંકળવા બાબતે સચેતપણ છે. (આ વિચારની સમાંતર વિચારસરણી બૌદ્ધ ધર્મના થેરવાદની સાથે સંકળાયેલ ધમ્મચક્રમાં પણ જોવા મળશે. તે જ  રીતે, 2001: a Space Odyssey માં માનવ જાતની ઉત્પત્તિ અને તેનાં આખરી નિયતિ વિષેની આધ્યાત્મિક સમજને વણી લેવામાં આવી છે.)
અહીં બાળકનું જે રૂપક કહ્યું છે તે જ રીતે નીત્ઝ્શે ચક્ર બાબતે કહે છે કે 'બધું જ જશે અને બધું જ આવશે; અસ્તિત્ત્વનું ચક્ર શાશ્વતપણે ફર્યાજ કરશે...'. એમનાં રૂપકનું ચક્ર બહુ અનોખું છે. તે સ્વબળે જ ચાલે છે.તેને નથી ધક્કો મારવો પડતો નથી ખેંચવું પડતું. તે કઈ તરફ જશે તે ન જાણતાં હોવા છતાં પોતાનો પાર્ગ પોતે જ નક્કી કરે છે. ઉદ્યોગવ્યાપાર વિશ્વમાં આપણે તેને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખીએ છીએ.
તમે તો નસીબદાર છો
મારે જે ઉદાહરણ ટાંકવું છે, તે કદાચ બહુ જાણીતું પણ લાગશે અને કદાચ વધારે પડતું આપણી મૂળ વાતનું સરળીકરણ પણ.
મારા એક ક્લ્યાંટના એક કર્મચારીને જ્યારે મળવાનું થાય ત્યરે તેમની તકિયા કલમ ફરિયાદ હોય કે હું કેટલો નસીબદાર છું કે મને કલાકના હિસાબે કામ કરવાનું મહેનતાણું મળે છે, નવાં નવાં શહેરોમાં નવાં નવાં લોકો સાથે મળવાનું થાય છે. હું હંમેશાં હસીને સાંભળી લેતો. પણ પછી હવે એ વાત અમારાં કામમાં અડચણ બનવા લાગી હતી. એક દિવસે મેં તેમને કહી દીધું,'એક કામ કરો. હમણાં જ જઈને તમારા ઉપરીને કહી આવો કે તમે પણ હવે સ્વતંત્ર કન્સલટન્ટ તરીકે વ્યવસાય ચાલુ કરવા માટે અહીંથી રાજીનામું આપો છો. પછી આજે સાંજે બેસીને કૉફી પીતાં પીતાં પોતાના જ પર તમારે આખું સાહસ કેમ પાર પાડવું તેની વિગતે ચર્ચા કરીએ.' એ દિવસથી તેમની ફરિયાદનો ગણગણાટ બંધ થઈ ગયો.
'આમ કરવું પડે'ની સામેની લડાઈના તમારા પણ અનુભવો હોય કે તમારું (સ્વતંત્ર) ચક્ર ક્યાંક ઢચુપચુ થતું હોય એવા અનુભવો પણ હોય તો અહીં પ્રતિભાવ રૂપે જરૂરથી બધાંની સાથે વહેંચજો.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૧૯, ૨૦૧૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો