બુધવાર, 16 નવેમ્બર, 2016

નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ #૬# - ધ્રાસ્કો અને પોતાનાં મનની શંકાઓ



ગેરી મૉન્ટી
આપણને જે અને જેટલી ખબર છે એ સુપરિચિતતાના સીમાડાઓને આપણી જાતે જ પસાર કરી ચૂક્યાં છીએ. હવે? સ્માર્ટ ફોન કે કમ્પ્યુટરના પરદા સામે નજર ખોડાઈ ગઈ છે? જીપીએસ કે ગુગલ મૅપ્સમાં કંઈ નવો માર્ગ જોયા કરવાનું મન થાય છે? વૉટ્સ ઍપ્પ કે ઈ-મેલમાં કંઈક કામનો સંદેશો આવ્યો છે  કે નહીં તે જોયા કરો છો ? આંખકાન સરવાં કરીને ક્યાંક્થી થયેલી ત્યારે સાવ મતલબ વગરની લાગતી કોઈક ટિપ્પણી યાદ કરીને તેનો અર્થ શોધવા હવે મગજ કસો છો? અત્યાર સુધી નાની લાગતી બાબતો ઓચિંતી કંઈક મોટા સ્વરૂપે કેમ દેખાય છે તેના ગુંચવાડામાં છો? જો આ કે આવા, બહુ મોટાં સ્વરૂપે દેખાતી બાબતો, પ્રતિભાવો કે પ્રત્યાઘાતોએ જો તમને વિચાર કરતા કરી મૂક્યા હોય તો કદાચ તમારા પર ગ્રીક પુરાણોના દેવતા Pan નો ઓછયો પડતો જણાય છે. અંગ્રેજીમાં આ દેવતાની અસર સમા Pan-icવાળો ધ્રાસ્કો તમારાં દિલોદિમાગમાં પેઠો લાગે છે.
તમને ખાત્રી છે ?
પૅન વનને સિમાડે પણ વસતો હતો અને વચ્ચોવચ પણ રહેતો. માથાં પર શીંગડા સાથે તેનું અર્ધું ધડ બકરા જેવું હતું. તેની દોસ્તી નમણી વનદેવી (nymph) સાથે હતી અને અર્ધમાનવ-અર્ધપશુ જેવા વનદેવતા (satyr) સાથે પણ હતી. નાના સમૂહોમાં વસતાં ગામડાંઓની રોજિંદી ઘટમાળભરી જિંદગી કરતાં તેઓની જિંદગીમાં અનોખી ઉત્તેજના છવાયેલી રહેતી. કોઈ રડ્યુંખડ્યું ગ્રામ્યજન રખડતું રખડતું જંગલને સિમાડે જઈ ચડે તો પૅન છાનોમાનો તેની પાસે પહોંચી જાય અને તેને અડકે. પેલા ગ્રામવાસીનો તો જીવ તાળવે ચોંટી જાય. એમનો પોતા પરનો વિશ્વાસ હવામાં ઊડી જાય. પોતાનાં પરિચિત વાતાવરણમાં ભાગી આવવાની ઈચ્છા તેમના પર સવાર થઈ જાય. પૅન તેમને સાવાલો પૂછે - તમને ખાત્રી છે કે તમારે એમ જ કરવુંછે?  તમે કેમ માની લ્યો છો કે તમારૂં આવી નથી બન્યું? તમે કોણ છો એ તમને ખરેખર ખબર છે? તમે દિશા તો નથી ભૂલ્યા ને?
સોદો
પૅન તેમની સામે એક પ્રસ્તાવ મૂકે - તમે બહુ આગવાં છે એવો તમારો ખયાલ ભૂલીને પોતાની આગવી કેડી કંડારવાનું છોડી દ્યો, તો હું તમને તમારા ગામમાં જગ્યા કરાવી દઈશ. બહુ સુખભરી ભલે એ સ્થિતિ નહીં હોય, પણ સલામતીની ખાતરી રહેશે. પણ જો તમારી જાતે ડુંગરા ખુંદવાનો ધખારો રાખવો હોય તો જંગલપહાડોની અજાણી દિશાઓમાંથી પડઘાતાં રહસ્યો સાથે કામ લેવાની તૈયારી રાખજો.
લે, હું તો અમસ્તી મજાક કરતો હતો
આટલું સાંભળ્યા પછી પણ જો કોઈ જંગલમાં આગળ ધપવાની હિંમત દાખવે અને પોતાનો માર્ગ ખોળી લે તો અચાનક જ પૅનની વર્તણૂક્માં ફરક પડી જાય. એ હવે બહુ ઠાવકાઈથી, "આવોને, અમારી સાથે નાચગાનમાં જોડાઓ ને !" કહીને, પોતાની મિજલસમાં જોડાવાનું આમંત્રણ આપે.
વ્યાપાર-ઉદ્યોગમાં નેતૃત્વ
આજનાં વ્યાપાર-ઉદ્યોગ વિશ્વમાં કોઈને કોઈ બાબતે અસહમત થનારી વ્યક્તિના સ્વરૂપે પૅન દેખા દે છે. એક યા બીજાં સ્વરૂપે તેનો સવાલ હોય છે - 'તમે કોણ છો ?'. તેમને સામેની વ્યક્તિની તામ્રપત્ર પર લખાયેલી ઓળખની તવારીખ સાથે કે એ વ્યક્તિ કેટલું જાણે છે તેની સાથે નિસ્બત નથી.તેઓને તો રસ છે તમરી સ્વાભાવિક પ્રકૃત્તિને પડકાર કરવા માટેના તેમના સવાલનાં અભિપ્રેત આહ્વાનમાં. બીજા શબ્દોમાં કહીએ તો, તેમનો સીધો સવાલ છે કે 'તમે જે કહો છો, દેખાઓ છો એવાં અને એટલાં ખરેખર છો ખરાં?' અહીં પડકાર તમારી પોતાની માન્યતામાં જ તમારા ભરોસાની ગુણવત્તા અને સ્તર વિષે છે.
રક્ષણાત્મકતાસભર ગોળગોળ શબ્દોની ઢાલ વાપર્યા વગર પોતાના વિચારોને વળગી રહેવાની હિંમત બે કારણોસર મહત્ત્વની બની રહે છે :
૧. અગ્રણીઓએ અનિશ્ચિતતા સાથે કામ લેવાનું છે. અહીં તમારૂં ચાતુર્ય કે પાંડિત્ય પૂરતું નથી. તમે શું માનો છો અને એ બાબતે કેટલાં, ક્યારે અને શી રીતે સક્રિયપણ વર્તો છો તેના પરથી તમે કઈ દિશામાં આગળ વધશો તે નક્કી થાય છે. અને,
૨.તમે જેટલું ધારો છો તેમાંથી કેટલું સિદ્ધ કરી શકશો તેની સીમારેખા તમારી માન્યતાઓ વડે અંકિત થાય છે.

શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Leadership and Mythology #6: Panic and Self doubtનો અનુવાદ


  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁનવેમ્બર ૧૬,૨૦૧૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો