બુધવાર, 25 જાન્યુઆરી, 2017

ભારતમાં સંશોધન




સંશોધન અને વિકાસ વિષય પર સમયે સમયે બહુ ચર્ચાઓ થતી રહી છે. ઇન્ફોસીસના સ્થાપકો પૈકી એક, અને હાલમાં ઇન્ફોસીસ સાયન્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, એસ ડી શીબુલાલે તાજેતરમાં ફર્સ્ટપૉસ્ટ.કોમ પર ત્રણ ભાગમાં લખેલ લેખમાં આ વિષય પરનાં તેમનાં મંતવ્યો રજૂ કર્યાં છે, જેનો સંકલિત અનુવાદ અત્રે રજૂ કરેલ છે.

આગવી સ્થાનિક સમસ્યાઓના ઉપાયો સ્થાનિક સ્તરે જ શોધવા રહ્યા
આજના વૈશ્વીકરણના યુગમાં કોઈ પણ અર્થતંત્રએ પોતાની સ્પર્ધાત્મક સરસાઈ ઊભી કરવા માટે, અને તે પછીથી એ સરસાઈ ટકાવી રાખવા માટે, સંશોધન અને વિકાસ એક મહત્ત્વનું પરિબળ છે. આમ તો તેની કુલ વસ્તીની મોટા ભાગની ટકાવારી યુવાન હોવા છતાં, વિજ્ઞાન અને એન્જિનીયરીંગ જેવાં શિક્ષણનાં ક્ષેત્રોમાં બહુ મોટી સંખ્યામાં યુવાનો શિક્ષણ લેતા હોવા છતાં ગુણવત્તાસભર સંશોધનમાં ભારતનું સ્થાન બહુ પાછળ જોવા મળે છે. વળી વિકસિત દેશોમાં સંશોધન માટે વધારે સારૂં વાતવરણ મળતું હોવાથી ભારતનું પ્રતિભાશાળી યુવા ધન એ દેશો તરફ ઘસડાઈ જતું રહ્યું છે.

Representational image. Wikimedia Commons
મૂળભૂત સંશોધન માટે સંસાધનો, સમય અને માળખાંગત સુવિધાઓ જેવાં અનેક પરિબળોનું મહત્ત્વ ઘણું છે. અનુકરણીય આદર્શ પાત્રોનો અભાવ અને સંશોધન માટે નાણાંની ઉપલ્બધિ પર બાબુશાહીનાં નિયંત્રણો ભારતમાં સંશોધનના વિકાસ માટે મોટા અંતરાયો છે. તે ઉપરાંત સંશોધન માટે જરૂરી ઉદ્દીપક સમાન અન્ય દેશો સાથે જરૂરી સહયોગનાં ક્ષેત્રે પણ પણ અત્યાર સુધી વિદેશી નાણાં વિનિમય અંગેની સરકારની નિયંત્રક નીતિઓએ પણ સંશોધન માટે જરૂરી વાતાવરણ વિકસવા નથી આપ્યું. ભારતની શિક્ષણ વ્યવસ્થાની વાણિજ્યિક ઉદ્દેશોને મહત્વ આપતી પરંપરાગત પ્રચલિત ચાલને કારણે યુવાનોના બુનિયાદી મનોવિચારમાં વૈજ્ઞાનિક મિજાજ અણવિકસિત રહી ગયો છે.બાલ્યાવસ્થામાં ઉત્સુકતાને પ્રજવાળતી પ્રશ્નો પૂછવાની વૃતિને પરીક્ષામાં વધારે ગુણ લાવવાની પ્રવૃતિએ કુંઠિત કરી નાખી છે.
આ ઘેરાં કાળાં વાદળોની કિનારે હવે કેટલાંક આશાવાદી કિરણો જરૂર ફૂટી રહ્યાં છે. સરકારી સંશોધન સંસ્થાઓમાં થતાં કામને ખાનગી ક્ષેત્રની પહોંચમાં મૂકવાં, સ્ટાર્ટ-અપ ઉપક્રમોને શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં સંસ્થાકીય માળખાં સ્વરૂપે સેવન વ્યવસ્થા (Incubator support) ઊભી કરવી, છેલ્લાં થોડાં વર્ષોમાં અંતરીક્ષ સંશોધન પ્રયોગોમાં ભારતને મળેલી વિશ્વસ્તરની સફળતા જેવી ઘણી પહેલો નવો આશાવદ જન્માવી રહી છે. તેમ જ વિદેશો કરતાં ભારતમાં કામ કરવાને કારણે મળતી ખર્ચની સ્પર્ધાત્મક સરસાઈને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે તેમનાં સંશોધન એકમોમાટે ભારતમાં રોકાણ કરવા લાગવાને કારણે કાર્યોપ્રયોગી સંશોધનમાં આકર્શક કારકીર્દીનોની તકો વધવા લાગી છે. એક સર્વેક્ષણ અનુસાર એન્જિનીયરીંગ, બાયોટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું આઉટસોર્સીંગ બજાર આ દાયકાના અંત સુધીમાં ૪૨ બીલીયન ડોલર્સ જેટલું થવાની સંભાવનાઓ છે. હજૂ વધારે સકારાત્મક વાતાવરણ મળે તો આ પ્રકારની કાર્યોપ્રયોગી સંશોધન પ્રવૃત્તિ અન્ય ક્ષેત્રોમાં હજૂ વધારે ઊંચાં શિખરો આંબી શકે છે.
ઘણા બધા પડકારોની સામનો કરી રહેલાં આપણાં ઉભરતાં અર્થતંત્ર માટે સંશોધન અને વિકાસનું મહત્ત્વ શું હોવું જોઈએ તે કહેવાની કોઈ જરૂર ન હોવી જોઈએ. આપણી પેદાશોએ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવા માટે અર્થતંત્રમાં નવી ટેક્નોલોજીઓ અને પેદાશોનો સતત પ્રવાહ  વહેતો રહેવો જરૂરી છે.આ માટે વિજ્ઞાનનાં ક્ષેત્રે થતું સંશોધનમાં રોકાણ પૂરતું નથી, પરંતુ નવીનીકરણને પોષતાં રહે તેવાં અનેકવિધ અમૂર્ત સુક્ષ્મ રોકાણો પણ મહત્ત્વનાં બની રહે છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે તેમ જ વ્યાપાર ઉદ્યોગ એકમો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પણ સકારાત્મક સંવાદ ચાલતો રહે તે જરૂરી છે. દરેક ક્ષેત્ર સંશોધન અને વિકાસને લગતાં પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં જે કામ કરે તે એકથી બીજામાં સરળતાથી ફલિત થવાં જોઈએ.
સંશોધન અને વિકાસ અર્થતંત્રના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે?
આદમ સ્મિથ અને બીજા ઘણા અર્થશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિક સંશોધન અને આર્થિક વિકાસ વચ્ચેનો સીધો સંબંધ પ્રતિપાદિત કરી આપેલ છે. હાલના મોટા ભાગના વિકસિત દેશોના વિકાસ પાછલ તે દેશોએ કરેલ સંશોધન અને વિકાસ પર આપેલ ભાર એક મહત્ત્વનું પરિબળ હતું તે સ્વીકૃત થઈ ચૂક્યું છે.
૨૦૦૦-૨૦૦૯ના સમયગાળા માટે ૬૬ દેશોના કરાયેલ એક અભ્યાસમાં એવું ફલિત થતું જોવા મળ્યું કે ઉચ્ચ અને મધ્યમ સ્તરની આવક ધરાવતા દેશોમાં સંશોધન અને વિકાસ માટે થયેલ રોકાણની અર્થતંત્રના વિકાસ પર સાનુકૂલ અસર હતી જયારે મધ્યમથી નીચી આવકના સ્તર ધરાવતા દેશોનાં અર્થતંત્રો પર કોઈ ચોક્કસ અસર નહોતી જોવા મળતી.( Procedia - Social and Behavioural Sciences). ઓછી આવકવાળાં અર્થતંત્ર માટે બીજે થયેલ સંશોધનનો નાવીન્યપૂર્ણ કાર્યોપ્રયોગિક ટેક્નોલોજીનો અર્થતંત્રમાં વિકાસજનક  અમલ ટુંકા ગાળે વધારે ફાયદાકારક હોઈ શકે, પરંતુ એ વિકાસના દરને લાંબા ગાળે ટકાવી રાખવા માટે મૂળભૂત સ્તરે થતાં સંશોધનમાટે સાનુકુળ વાતવરણ મહત્ત્વનું છે.

Representational image. Flickr
સંશોધન પાછળ થતાં ખર્ચ અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધને જોડતા પ્રયોગાત્મક પૂરાવાઓની સાથે કયાં ક્ષેત્રમાં સંશોધન થઈ રહ્યાં છે અને તે પૈકી કયાં સંશોધનો નાવીન્યપૂર્ણ ટેક્નોલોજીઓ અને તેમાંથી ઉત્પાદન થતી પેદાશો કે સેવાઓ કે પ્રક્રિયાઓમાં રૂપાંતરિત થઈ રહ્યાં છે તે પણ આપણે જોવું રહ્યું.વૈજ્ઞાનિક પ્રકાશનોની સંખ્યાની દૃષ્ટિએ ભારત સૌથી આગળ ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે. પરંતુ આ જ્ઞાનનું રૂપાંતર આર્થિક વિકાસમાં થઇ રહ્યું છે કે નહીં તે જોવાનું રહે છે, જેમકે જીપીએસ (GPS) ટેક્નોલોજીનાં વાણિજ્યિક ઉપયોગ વડે ઉબેર કે ઓલા જેવી ટેક્ષી સેવાઓ જતે દહાડે જાહેર પરિવહનની પહોંચની એક સબળ ભાગીદાર બની શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ જીપીએસ ટેક્નોલોજી આજથી લગભગ એક શતક પહેલાં આઈન્સ્ટાઈને વિકસાવેલ સાપેક્ષતાના સિધ્ધાંતમાં વાપરેલ સૂત્રોમાંથી ફલિત થયેલ છે.
એવું પણ બને છે કે જે દેશે જે ક્ષેત્રમાટે કંઈ સંશોઘન કર્યું હોય તેનો વધારે સારો લાભ કોઈ બીજાં ક્ષેત્રમાં કે કોઈ બીજા દેશમાં લેવાતો હોય. જીપીએસ ટેક્નોલોજી મૂળભૂત રીતે અવકાશમાં મૂકાયેલ કૃત્રિમ ઉપગ્રહોની મદદથી પૃથ્વી પરની હિલચાલ પર નજર રાખવાના આશયથી થયેલ હતો પણ તેનો વધારે વ્યાપક ઉપયોગ સામાન્ય વ્યવહારોમાં વધારે થઈ રહ્યો છે. આ કારણે કદાચ ખાનગી ક્ષેત્ર સંશોધન પાછળ બહુ રોકાણ કરવા ઉત્સુક ન હોય તેમ થતું હોય તેમ બની શકે છે. પરંતુ કોઈ પણ દેશમાટે તો એક યા બીજાં ક્ષેત્રમાં વિકાસ થવાનો ફાયદો તો થાય જ છે.
નવપરિવર્તનથી ધબકતાં અર્થતંત્રનાં પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓની તંત્રવ્યવસ્થા મહત્ત્વની છે.
નવપરિવર્તન અર્થતંત્રમાં જ્ઞાનનું પેદાશો, સેવાઓ અને પ્રક્રિયાઓમાં રૂપાંતર થતું રહે છે, જે આર્થિક વિકાસના દરની માત્રાને કૂદકેભુસકે આગળ વધારવાનું, વધારે ને વધારે રોજગારીની તકો અને સારી ગુણવત્તાવાળાં જીવનસ્તર માટેનું  ચાલક બળ પૂરૂં પાડે છે.નવપરિવર્તન માટેની પરિસ્થિતિઓની તંત્રવ્યવસ્થામાં ઘણાં પરિબળો અને સંસાધનો કામે લાગીને નવપરિવર્તનને પોષતું વાતાવરણ ઊભું કરે છે. આ પ્રકારની તંત્રવ્યવસ્થા કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, કારીગર પ્રતિભાઓ અને આ બધાને લગતા જ્ઞાન સ્ત્રોતો એકબીજાં સાથે સંકળાઇ જતા જોવા મળે છે. જેમ કે આઈટી ક્ષેત્ર માટેનાં કેન્દ્ર તરીકે અમેરિકામાં જેવું સ્થાન સિલિકોન વેલીનું છે તેવું ભારતમાં બેંગલુરુનું સ્થાન છે
સામાન્યતઃ નવપરિવર્તન પરિસ્થિતિ તંત્રવ્યવસ્થાનાં બે પાસાં હોય છે: મૂળભૂત સંશોધનનાં બળથી પ્રવેગમાન બનતું જ્ઞાન અર્થતંત્ર અને બજારના પ્રવાહોથી બળ પામતું વાણિજ્યિક અર્થતંત્ર.જ્ઞાન અર્થતંત્ર માટે જરૂરી નાણાંના એક અગત્યના સ્રોત રૂપે વાણિજ્યિક ક્ષેત્રમાંથી થતો નફો એ બન્ને અર્થતંત્રોને જોડતી કડી બની રહે છે.

Representational image. Wikimedia Commons
આપણા દેશમાં સંસ્થાકીય પ્રયાસોનું ચાલક બળ હજુ પણ, જૂદા જૂદા સમયે સંશોધન અભિગમ ધરાવતી સરકારી, જાહેર કે ખાનગી ક્ષેત્રમાંની, વ્યક્તિઓ રહેવાને કારણે તંત્રવ્યવસ્થા માળખાંકીય ઉદ્દીપક તરીકે વિકસી નથી. જ્યાં સુધી આ પ્રકારની માળખાંકીય વ્યવસ્થા વિકસે નહીં ત્યાં સુધી નાણાંની ઉપલબ્ધિ, સગવડોનાં માળખાં અને પરિવર્તનના દરને અનુરૂપ લવચીકતા માટે આવશ્યક એવી  ત્રિવિધ ભૂમિકા સરકારે ભજવવી રહી.
મૂળભૂત સંશોધનનાં વાણિજ્યિક ફળ મળવાના તબક્કામાં પહોંચતા ઘણી વાર દાયકાઓ લાગી જતા હોય છે. આ કારણસર ભારત જેવાં વિકાસશીલ અર્થતંત્ર માટે પાયાનાં ક્ષેત્રનાં સંશોધન માટે નાણાંનો પ્રાથમિક સ્ત્રોત તો સરકાર જ રહેવાની. બંગલાઓનાં ગરાજમાંથી પેદા થતાં નવપરિવર્તન સાહસોની કહાનીઓ ગમે એટલી રોમાંચક લાગે, પણ તેના કારણે મૂળભૂત કે વાણિજ્યિક સંશોધન માટે ઉપયુક્ત સગવડોનું અગત્ય બીલ્કુલ ઓછું ન આંકી શકાય. માળખાંકીય સગવડોમાં બૌધિક માલીકી હક્કોમાટેની સરળ વ્યવસ્થા મૂળભૂત તેમ જ વાણિજ્યિક એમ બન્ને કક્ષાનાં સંશોધનો માટે જરૂરી શરત ગણાવી જોઈએ. સંશોધન સંસ્થાઓ અને વાણિજ્યિક સંસ્થાઓ વચ્ચે જ્ઞાન હસ્તાંતર માટેનો સંવાદ લવચીક અદાથી ચાલે તો જ જ્ઞાન હસ્તાંતર દ્વિપક્ષી બની રહે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનાં સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવી રહેલ માળખાંકીય પ્રકલ્પોનાં મૉડેલ્સની પારદર્શી સફળતા  મૂળભૂત સંશોધન અને વાણિજ્યિક નવપરિવર્તન માટેના હસ્તાંતર માટેનું વાહક બની શકે તેમ છે.
૨૧મી સદીનાં આવનારા દશકોમાં, વિકાસશીલ દેશોની સ્પર્ધા છતાં પણ ભારતે જો પોતાનાં બહુમતી યુવાધન અને પિરામીડનાં સૌથી નીચેનાં સ્તરનાં લોકોનાં કલ્યાણ માટે જો સંશોધનનાં બળથી પરિચાલિત અર્થતંત્ર તરીકેની જવાબ્દારીનું વહન કરવું હશે તો સરકારે માત્ર ખાનગી ક્ષેત્ર પર આધાર ન રાખીને, અને ખાનગી ક્ષેત્રે માત્ર સરકારી પ્રયાસો પર જ મદાર રાખીને, બેસી રહેવું નહીં પોસાય. ભારતનું અર્થંતંત્ર અંગદકુદકો લગાવવાની ઐતિહાસિક ઘડીઓ ગણી રહ્યું છે ત્યારે આ ખેલનાં દરેક પાત્ર માટે તેમની ભૂમિકા સુપેરે ભજવી આવતીકાલનાં ભારતનો પાયો નાખી શકવાનો યુગપ્રવર્તક મોકો હાથવેંત છે. આશા કરીએ આ મોકો આપણે નહીં ખોઈએ... 

સૌજન્યઃ

મૂળ અંગ્રેજીમાં 'ફર્સ્ટપૉસ્ટ'માં પ્રકાશિત થયેલ લેખ:

Research in India -

Part 1: Local solutions needed to deal with unique problems

Part 2: Does R&D hold the key to fuelling economic development?

Part 3: Ecosystems are the key to nurturing an innovation economy

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો