બુધવાર, 31 મે, 2017

સુધારણાનાં પરિણામો દેખાવાંઅનુભવાવાં જોઇએ

તન્મય  વોરા
આજૂબાજૂ નવું નવું જોઈને બાળક નવું નવું શીખે છે. શીખ્યા પછી એ તેની ચકાસણી જરૂર કરશે. જે કોઈ અનુભવ તેને પસંદ પડશે તે શીખેલું તે ફરી ફરી વાર કરશે. મોટાં થઇને પણ આપણે આમ જ કરતાં હોઇએ છીએ. જે વાત, વસ્તુ કે બ્રાંડ સાથેનો આપણો અનુભવ સકારાત્મક તેનો ફરી ફરીને અનુબહવ કરવાનું આપણે પસંદ કરીએ છીએ. જે વાત આપણને વ્યક્તિગત સ્તરે લાગૂ પડે તે આપણને, આપણાં કાર્યસ્તળ પર, આપણી સંસ્થાના સંદર્ભમાં પણ લાગૂ ન પડે એમ તો અપેક્ષા ન કરાય ! એમાં પણ જ્યારે વાત હોય સુધારણા કર્યક્રમ વડે કરનારાં કંઈક પરિવર્તનની હોય જેમાં કંઈક અંશે આપણે પહેલાં અનુભવ્યું નથી એવું કોઈ પરિણામ આપણે લાવવા માંગતાં હોઈએ, ત્યારે બીજી કોઈ અપેક્ષા તો ન જ રખાય ને ? સુધારણા કાર્યક્રમ સાથે જેમને લાગે વળગે છે તેવાં લોકોની કાર્યક્રમ માટેની મન અને વિચાર એમ બન્નેથી સ્વીકૃતિ ત્યાં સુધી શક્ય નથી બનતી જ્યાં સુધી તેમણે જાતે એ બાબતનો અનુભવ નથી કર્યો.


પોતાની કાર્ય પધ્ધતિ સુધારવા માગતા સંચાલકે ખાસ યાદ રાખવું જોઇએ કે  સકારાત્મક પરિણામો દ્વરા એ સુધારણા કાર્યક્રમ જાતે બોલવો જોઈએ.સુધારણા કાર્યક્રમના ફાયદાઓ લોકોને સમજાવો, લોકોને તેમાં સામેલ કરો, તેમના હાથમાં કંઇક ને કંઇક નિયમન સોંપો અને જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ આપસી વિશ્વાસ વધારતા જાઓ. આપણા નવા કાર્યક્રમને લોકો ઝડપથી સ્વીકારી લે તેમ કરવામાં આપણે ઘણી વાર વધારે પડતાં પ્રશિક્ષણ કે વધારે પડતાં બોધ ઉપદેશ આપવાની જાળમાં ફસાઈ જતાં હોઈએ છીએ.તો બીજે છેડે સુધારણા સાથે સંકળાયેલાં અગ્રણીઓ અનુપાલન પર જ પહેલેથી ભાર આપવા લાગી પડે છે. લોકો અનુપાલન કરશે, પણ કમને. એટલે સુધારણા કાર્યક્રમ તેનાં ધાર્યાં પરિણામ લાવવામાં ક્યાં તો સફળ નહીં રહે, અથવા ધાર્યા કરતાં બહુ વધારે મહેનત કરવી પડશે કે પછી એ સુધારો લાંબા ગાળે ટકી ન રહે.
સુધારણા કાર્યક્રમના ફાયદા લોકોને સીધાજ દેખાતા કરવા માટેના કેટલાંક સરળ સૂચનો આપ સૌની વિચારણા માટે અહીં રજૂ કર્યાં છે :
સુધારણા માટેનો હેતુ સ્પષ્ટ કરો :
પોતાની સમસ્યાનું નિરાકરણ શી રીતે આવશે એ જાણવામાં લોકોને દિલથી રસ હોય છે. સુધારણાની જરૂરિયાત નક્કી કરો અને તેના હેતુ સાથે બધાં સાથે સંવાદ ગોઠવીને એ વિષે અન્યોન્ય સ્વીકૃતિ પ્રસ્થાપિત કરો.જો એ શક્ય ન બને તો, કમ સે કમ, આ કાર્યક્રમ ન અમલ કરાય તો તેનાં પરિણામો શું આવશે તેની બધાં સાથે ચર્ચા કરો. એ ચર્ચામાં સફળતાના શક્ય ફાયદાઓ અને આમને આમ ચાલુ રહેવામાં પડવાની મુશ્કેલીઓનું તટસ્થ વિવરણ બધાં સાથે વહેંચો. પરિવર્તનની જરૂર સ્વીકારવા માટે આ બે બાબતોની સમજ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
સુધારણા માટેનાં લક્ષ્ય નક્કી કરો :
સુધારણા માટે એક વાર મહદ અંશે સ્વીકૃતિ સધાય એટલે પછી જૂદા જૂદા તબક્કે શું શું લક્ષ્ય સિધ્ધ કરવાં રહેશે તે નક્કી કરો.પ્રગતિની સમીક્ષા કરવાની પધ્ધતિ પણ નકી કરી લો. એ મુજબ સમયે સમયે પ્રગતિની સમીક્ષા કરતાં રહો. સમીક્ષાનાં પરિણામો અને નિર્ણયો પણ બધાં સાથે વહેંચો.આ આખી પ્રક્રિયામાં તમારા સહિત લાગતાં વળગતાં દરેકને સામેલ કરો. અગ્રણી તરીકે તમે તમારાં વર્તન વડે તમારી ટીમ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડી શકશો.
એક વાર સામેલ કર્યા બાદ લોકોને મુકત રાખો :
સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામં લાગતાં વળગતાં બધાંને સામેલ કર્યા બાદ,જેમને જે જવાબ્દારી સોંપાઈ છે તે મુજબ અમલ કરવા માટે છૂટો હાથ આપો.પોતનું જ્ઞાન, અનુભવ અને નિર્ણય શક્તિ કામે લગાડવાની લોકોને પૂરેપૂરી તક આપો. લોકોને જેટલું સ્વતંત્રપણે કામ કરવા મળશે તેટલું સુધારણા પ્રક્રિયાને ચલાવવા માટેનું પ્રેરક બળ જમા થશે. બધાં પોતપોતાના અનુભવો એકબીજા સાથે વહેંચશે, અને એ રીતે ટીમ વધારે અનુભવ સમૃધ્ધ થશે તે બોનસ ગણવું.
જરૂર પડે ત્યાં મદદ કરો અને સગવડો કરી આપો :
જ્યારે નવો સુધારણા કાર્યક્રમ અમલ કરવામાં આવે ત્યારે લોકોએ નવા નવા અખતરા પણ કરવા પડશે. એવા સમયે તેમને એ માટે પીઠબળ પૂરૂં પાડો. જરૂર પડે ત્યારે સાથે પણ ઊભાં રહો. જે કંઇ અગવડો પડે કે અડચણો આવે તેને દૂર કરવામાં સંન્નિષ્ઠ મદદ કરો.આમ કરવાથી ટીમને પોતાનાં ધ્યેય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં સગવડ થશે.
પરિણામોની જાણ કરતાં રહો :
સારાં કે નબળાં, જે હોય તે, પરિણામો બધાં સાથે વહેંચો. સફળતાઓની નાની નાની ઉજવણી કરો અને નિષ્ફળતાઓમાંથી ટીમ શીખ લેતી રહે તેવું વાતાવરણ પૂરૂં પાડો. પરિણામોની બધે વ્યાપક ચર્ચાઓ થાય આને તેમાંથી સંચાલક ટીમને યોગ્ય પ્રતિભાવો પણ મળતા રહે તે ખાસ જોજો. પરિણામોને સંસ્થાનાં પ્રવર્તમાન કામકાજ સાથે સાંકળેલ રાખો.
લક્ષ્ય બધાંએ જ સ્વીકારવું જરૂરી નથી :
ઉપર મુજબનું બધું કર્યા પછી પણ કોઈક ખૂણે કંઇક નાની મોટી અસહમતિ રહી જાય તેમ બની શકે છે. એ અસહમતિ શુધ્ધબુદ્ધિથી  અસહમત રહેવાની સહમતિ પણ હોઈ શકે કે પછી કેટલાકની ઊંડી  ઊંડી અસલામતી જેવાં પરિબળોમાંથી જન્મતી સંશયવૃત્તિમાંથી પેદા થતી અસહમતિ પણ હોય. ૧૦૦ % સહમતિ તો એક બહુ આદર્શ પરિસ્થિતિ જ ગણી શકાય જે મોટા ભાગે શક્ય નથી બનતી જોવા મળતી.જ્યાં શક્ય છે ત્યાં ત્યાં સહમતિ સાધી શકાય અને એ માટેનું સકારાત્મક વાતાવરણ સર્જાયેલું રહે એ મહત્ત્વનું છે.થોડા અંશનો સંશય વધારે સબળ બનવા માટેની પ્રેરણા બને તેમ કરવાથી વધારે પડતા વિશ્વાસને કારણે થતી ભૂલોને પણ નીવારી શકવાનો ફાયદો ઉઠાવી શકાય છે.અસહમતિ અસહકારમાં ન પરિણમે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈશે. સુષુપ્ત અસહમતિ ઘણી વાર ઓચિંતી મોટી સમસ્યા તરીકે બહાર આવી પડે છે. એટલે વાતાવરણને નીરાશાજનક ન કરે ત્યાં સુધી અસહમતિ જાહેરમાં વ્યક્ત થતી રહે તે ઈચ્છનીય ગણી શકાય.


નોંધ:  નેટ પરથી લીધેલ અહીં મૂકેલ તસવીર પ્રતિકાત્મક છે.


અસલ અંગ્રેજી લેખ, Improvement: Show Them The Results,  પરથી થયેલ ભાવાનુવાદ

Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો