બુધવાર, 16 ઑગસ્ટ, 2017

ગ્રાહક એક માત્ર દેવ નથી - દેવદત્ત પટ્ટનાઈક




હિંદુ ધર્મમાં જે કંઇ કે કોઈને જૂઓ તો એ કોઈ દેવ કે દેવતા હશે. એટલે પથ્થરને કે ગાયને કે ઝાડપાન ને વ્યક્તિને પૂજાતાં જોવાં મળવું એ બહુ અસંભવ નથી. વીરો અને શહીદોનાં મંદિરો ને પાળીયાઓ તો ભલે ઠેર ઠેર જોવા મળે, પણ રાવણ કે દુર્યોધન જેવા નામચીનોનાં પણ મંદિરો છે.

૧૯મી સદીના યુરોપીઅન પૌવાર્ત્યવિદો અને ૨૧મી સદીના ઘણાક ભારતીયોના મત મુજબ પૂર્વ-ધાર્મિક લોકોની આ એક પ્રકારની આદિમ મનોવૃતિ છે. આ પ્રકારની ભલી માન્યતાનાં મૂળમાં એ પૂર્વધારણા છે કે અનેકેશ્વરવાદ કરતાં એકેશ્વરવાદ ચઢિયાતો છે. આ પ્રકારની ભલમનસાઈ વિશ્લેષણને દુર્બોધ બનાવી નાખે છે.

દરેક વસ્તુ કે વ્યક્તિને દેવત્વથી નવાજવામાં બધાંમાં કંઈને કંઈ આગવાપણું છે એ પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયાસ છે. દરેકનું કંઈને કંઈ મહત્ત્વ ન હોય એમ ન બને. કુદરતમાં કોઈનું કોઈ માટે તો મહત્ત્વ હોય જ છે. આને કારણે વૈવિધ્યનાં ગુણગાન શક્ય બને છે.

'ગ્રાહક એ ભગવાન છે' એ સૂત્રની પાછળ એકેશ્વરવાદની મનોવૃતિ કામ કરે છે. એટલે જે કંઈ કરો તે ગ્રાહકને ખુશ રાખવા કરો. પણ ચાલાક વિશ્લેષકની નજરે એમાં માલીકીઅંશધારકના ફાયદા ચડ્યા વગર નથી રહેતા.આમ પુરવઠાકારોને ઓછામાં ઓછું ચુકવણું કરીને કે કર્મચારીઓ પાસે થોડું વધારે કામ ખેંચાવી લઈને તેમની પાસેથી વધારાના લાભ ખંખેરી લેવામાં આ સૂત્ર હાથવગું બની રહે છે.આ મનોવૃતિ એમ માની લે છે કે તેમનાં ઉત્પાદનો કે સેવાઓ કે ગ્રાહકના સંતોષના અનુભવોમાં ઉત્તરોત્તર સુધારા કરવા પાછળનું કંપનીનું એક માત્ર લક્ષ્ય ઉપભોગતા જ છે.

યજ્ઞ શરૂ કરનાર યજમાન, તેની વિધિવિધાનોમાટે કામ આવનાર પંડિત, તેના માટે કુંભ કે ઈંટો કે વાસણકુસણ કે પાથરણાં કે મડપ વગેરે પૂરા પાડનાર કારીગર કે મજૂર કે હોમ માટેનાં ઘીદૂધ કે ખાધાખોરાકી પૂરાં પાડનાર ગોપાલક કે ખેડૂત અને અદૃશ્યપણે વિધિઓમાં હાજર રહેતા દેવતાઓ જેવાં તેની સાથે સંપર્કમાં આવનાર દરેકને કંઈકને કંઇક લાભ મળે એ વૈદિક વિચારધારામાં યજ્ઞનો હેતુ રહેતો. જૂદા જૂદા હિતધારકો વચ્ચે વિનિમયનું માધ્યમ યજ્ઞ પૂરૂં પાડતો. આમ દેવીદેવતાઓને તો કંઈક મળતું પણ તેમની પૂજાઅર્ચના કરનારને પણ કંઈક સામે મળતું.બધાંને કંઈકને કંઈક મળી રહેતું. આ સર્વમાં યજ્ઞ સાથે સીધા સંપર્કમાં આવનાર જ નહીં તેના પ્રભાવની પાર રહેલાં પ્રેત, પશુ અને વાતાવરણની સીમાપારની કુદરતને પણ કંઈક મળી રહેતું. દરેક દરેકને ગણતરીમાં લેવાતાં. યજમાન કહેવું રહેતું કે 'સર્વે સુખીના ભવતુ'.

એ જ રીતે વેપાર ઉદ્યોગની નીસ્બત પણ માત્ર ગ્રાહક સુધી જ મર્યાદીત નથી. કર્મચારીઓ, પુરવઠાકારો, વેપારીઓ અને સમાજ તેમ જ કંપનીની પરિસ્થિતિતંત્રવ્યવસ્થા જેવાં અનેક પરિબળોની કંપની પર, અને સામે પક્ષે કંપનીનાં કામ અને નિર્ણયોની આ પરિબળો પર, અસર પડતી હોય છે. આ બધાંને પણ ધ્યાનમાં લેવાતાં જ રહેવા જોઈએ. હિદુ ધર્મની ભાવનાથી જોઈએ તો દરેક હિતધારક દેવતા છે.સંસ્થાએ લાંબે ગાળે સફળ બની રહેવા માટે તેની સાથે સંપર્કમાં આવનાર દરેક હિતધારક સાથેના સંબંધોમાં સંપોષિત થવું જોઇએ તેમજ સામે પક્ષે એ હિતધારકોની સમૃદ્ધિ પણ સંપોષિત બની રહે તેમ કરવું જોઈએ.

જો આપણે સમ્રુદ્ધિને સીમિત છે તેમ માનીએ તો, ગણિતિક રીતે જોતાં જેની પાસે તે આવે તે બીજાંની પાસેથી ઓછી થઈને જ આવી શકે. આ સંદર્ભમાં બન્ને પક્ષે સમૃધ્ધિ સંપોષિત બની રહે એ વાત ઘણી મુશ્કેલ બની રહે છે. ગ્રાહક કે માલીકીઅંશધારકોને કંઇક ફાયદો થવો હશે તો વેપારી કે કર્મચારી કે કોઇ અન્ય હિતધારકના ભાગે કંઇક તો સહન કરવાનું આવવાનું જ છે. મોટા ભાગનાં લોકો પણ આમ જ માની લેતાં હોય છે, જેમાંથી નાને કે મોટે પાયે, ભૌતિક કે અન્ય સ્વરૂપે, ક્યારેક ક્યારેક કે સતત, શોષણનું ચક્ર ફરવા લાગે છે. આ મનોવૃત્તિની એક આડપેદાશ રૂપે, મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે અંદર અંદર ફાયદા વહેંચી લેવાની વૃત્તિ એવી વિચારધારા પણ જોર પકડે છે. પરિણામે સમૃધ્ધિને દૂષણ તરીકે પણ જોવાનું ચાલુ થઈ જાય છે. બીજાના હક્ક પર તરાપ માર્યા સિવાય સમૃદ્ધ ન જ થવાય, તે સિવાય સમ્રુદ્ધિ પેદા ન જ થઈ શકે એવી વિચારસરણી પર ઘર કરવા લાગે છે. જો વ્યક્તિને તેની ક્ષમતા સાબિત કરવા માટેનું ઉચિત આહવાન કરવામાં આવે તો દરેક વ્યક્તિમાં કંઈને કંઈ મહત્ત્વનું પ્રદાન કરવાની શક્તિ હોય જ છે એ માન્યતા પણ ક્ષીણ થતી જાય છે. બધામાં હવે દેવતા દેખાવાનું બંધ પડવા લાગે છે. માણસમાંની માણસાઈ જ ન જોવાની વૃત્તિ હાવી થવા લાગે છે.

એકનો ફાયદો બીજાને ભોગે થાય એવાં વિષચક્રની દૃષ્ટિએ નહીં પણ એકના ફાયદામાંથી બીજાનો ફાયદો અને એમાંથી ત્રીજાનો ફાયદો એમ મૂલ્યવૃદ્ધિ ચક્રની દૃષ્ટિએ એકબીજાનાં હિતને જોવાનો સમય પાકી ચૂક્યો છે. ગ્રાહક ખુશ હશે તો ક ર્મચારીઓને તેનું શ્રેય મળશે, સંતુષ્ટ કર્મચારી સંસ્થાનાં પુરવઠાકારો માટે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરશે અને સરવાળે કંપની તેમનાં ગ્રાહકોને હજૂ વધારે સારાં ઉત્પાદનો કે સેવાઓ આપવા સક્ષમ બની રહેતી રહેશે. દરેક પક્ષે ફાયદો જ હશે. ગ્રાહક પણ ખુશ, કર્મચારી પણ ખુશ, પુરવઠાકાર પણ ખુશ,આખી સાંકળની દરેક કડી ખુશ. આખરે તો કોઈ પણ સાંકળ તેની સૌથી નબળી કડીથી વધારે મજબૂત નથી હોતી. આમ આ યજ્ઞમાં જે યજમાન છે તે દેવતા પણ છે અને જે દેવતા છે તે યજમાન પણ છે.


  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ Customer is not the Only God, નો અનુવાદ

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૬ ઓગસ્ટ, ૨૦૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો