પૃષ્ઠો

બુધવાર, 29 જાન્યુઆરી, 2025

શાળાના દિવસો સાથે જોડાયેલી મારી રામાયણની યાદો - દેવદત્ત પટ્ટનાઈક

ત્રીસ વર્ષ પહેલાં, આ વર્ષે, મેં ચેમ્બુરની અવર લેડી ઓફ પર્પેચ્યુઅલ સક્કર (હા, મને તેની ઉપરના દરેક  ટુચકા યાદ છે) હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો. અનિલ કપૂર અને શંકર મહાદેવનની શાળા પણ આ જ હતી. જેમ હું હંમેશા લોકોને કહું છુંરામાયણની મારી સૌથી જૂની યાદો, ઘરે નહીં, પણ અહીં છે.

મને યાદ છે કે અમારા શિક્ષકને જટાયુની પાંખો તૈયાર કરવામાં મદદ કરવા માટે અમે કબૂતરના પીંછા એકઠાં કરતા હતા. મને યાદ છે કે જે કિંમતી સફેદ ચાકનો અન્યથા શિક્ષકો બ્લેકબોર્ડ પર ઉપયોગ કરતા હતા તેનો ઉપયોગ કરીને સારી રીતે પોલિશ કરેલા ભુખરા રંગના પથ્થરની ભોંય પર દેખાય એવી  ત્રણ રેખાઓ દોરવા કરવા માટે સંઘર્ષ કરતા લક્ષ્મણને જોયા હતા. મને યાદ છે કે જ્યારે રાવણે સીતાને ઉપાડી લીધી હતી ત્યારે અમે બધા છોકરાઓએ હોબાળો મચાવી દીધો હતો કેમકે સીતા છોકરીના પોશાક પહેરેલો એક છોકરો હતી.

આ શાળાના નાટકો દરમિયાન, અમે મંચના ભયને દૂર રાખીને સંસ્કૃતિ વિશે અને રિહર્સલ, કોસ્ચ્યુમ, મેકઅપ અને સેટ ડિઝાઇન વિશે શીખ્યા. તેની પાછળ શ્રીમતી ગુલવાડી, શ્રીમતી લોબો, શ્રીમતી પિન્ટો, શ્રીમતી કુટિનો, શ્રીમતી આચાર્ય, શ્રીમતી જોન, શ્રીમતી ફિલિપ્સ, શ્રીમતી પરેરા, શ્રીમતી કાદરીથી લઈને શ્રી જ્યોર્જ, શ્રી દુબે, શ્રીમતી ગેર્સેપ, ફાધર મૌરિસ અને બીજા ઘણા બધા (ઘણો સમય થઈ ગયો એટલે નામોની યાદશક્તિ ઝાંખી પડી ગઈ છે) જેવાં અમારા શિક્ષકોનો ઉત્સાહ અને પરિશ્રમ પણ હતો. 

હા, ઈસુના જન્મ પરના નાટકમાં મેં ભરવાડ તરીકે પણ ભાગ લીધો હતો. બધાનું ધ્યાન ખેંચનારી મધર મેરીની ભૂમિકા ભજવવા માટે પસંદ ન થવાથી મને રાહત (કે પછી નિરાશા?) થઈ હતી. મેં ક્યારેય આ નાટકો વિશે સાંપ્રદાયિક અથવા રાજકીય દ્રષ્ટિએ વિચાર્યું ન હતું. મારી જાણકારી મુજબ કોઈએ પણ એવું વિચાર્યું ન હતું. કોઈ પણ ધર્મનિરપેક્ષ હોવા બદલ સંકોચ નહોતું અનુભવતું.

એ કેવા નિર્દોષતાના દિવસો હતા?
બાબરી મસ્જિદ પહેલાના તે દિવસો હતા, જ્યારે શાળાની આસપાસ શેરીઓમાં બેનરો જનતા પાર્ટીના એક સુબ્રમણ્યમ સ્વામીની જીતની જાહેરાત કરતા હતા. હા, એ જ સુબ્રમણ્યમ સ્વામી, જે પછીથી ભાજપ સાથે હતા, રાજ્યસભામાં પણ હતા એમને જમણેરી ટીકાખોરો ખૂબ પ્રેમ કરે છે.

શાળામાં જ મેં પહેલી વાર હિન્દુત્વ શબ્દ શીખ્યો. તે એક સ્થાનિક રાજકારણી દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધા હતી. શું તે ભાજપના સ્વર્ગસ્થ હશુ અડવાણી હતા? ચોક્કસપણે નથી. વિવિધ શાળાઓના બધા સહભાગીઓએ હિન્દુ ધર્મ, સહિષ્ણુતા, વિવિધતામાં એકતા વિશે વાત કરી હતી: મને યાદ છે કે મેં હિન્દુત્વને હિન્દુ ધર્મ માટેનો હિન્દી શબ્દ માની લીધેલો. હું કેટલો ખોટો હતો.

મને નવાઈ લાગે છે કે અમારી શાળામાં રામાયણ હજુ પણ એ જ નિર્દોષતા અને ઉત્સાહથી શીખવવામાં આવતું હશે? મને એ પણ નવાઈ લાગે છે કે શું બાળકોને લિંગ, ધર્મ, જાતિ અથવા જાતિના રાજકારણનો પનારો પાડ્યા  વિના રામ અને રાવણ, સીતા અને શૂર્પણખાની ભૂમિકા ભજવવાની છૂટ મળતી હશે? શું વડીલોના દુર્વ્યવહાર, નિંદા અને ક્રોધ છેવટે આપણે આપણા બાળકોને કહેલી વાર્તાઓમાં ઘૂસી જાય છે? શું આપણે હવે વાર્તાઓને રાજકીય રીતે વધુ યોગ્ય બનાવવા માટે સંપાદિત કરીએ છીએ? શું હવે સેન્સર બોર્ડ પણ શાળા નાટકોનું નિરીક્ષણ કરે છે?

એક મિત્રએ મને કહ્યું કે કેવી રીતે કર્ણની વાર્તા તેના ભત્રીજાને કહેતી વખતે, કુંતી તેના પુત્રને છોડી દે છે તે વૃતાંત વર્ણવવામાં તે અચકાતી હતી. તેથી, તેણે વાતને એક સર્જનાત્મક વળાંક દીધો: માતા કપડાં ધોતી હતી ત્યારે બાળક સાથેની ટોપલી 'આકસ્મિક રીતે' ખોવાઈ ગઈ. ભત્રીજાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું, "તમે કેમ ખોટું બોલી રહ્યા છો, માસી?" અને પછી ઉમેર્યું, "મને ખબર છે કે તે પરિણીત નહોતી એટલે તેણે તેના બાળકને જવા દીધું હતું." શું તેનો ભત્રીજો જે કહી રહ્યો હતો તેનો અર્થ તે સમજી શકતો હતો? ​​કે પછી પુખ્ત વયના લોકો તેને કંઈક બીજામાં રૂપાંતરિત કરે તે પહેલાં વાર્તા ફક્ત સીધી સાદી એક વાર્તા જ હોય છે ?

  • મિડ - ડેમાં ૧૨ જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Ramayana in OLPSનો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૯ જાન્યુઆરી ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો