પૃષ્ઠો

બુધવાર, 27 નવેમ્બર, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા તાર્કિક વિરોધાભાસો - હરામ હાડકાના લોકોનો વિરોધાભાસ

હરામ હાડકાના લોકોના બંધારણમાં જ આળસ વણાયેલી હોય છે. આળસુ લોકો કામને ઠેલતા રહેતા હોય છે. પરિણામે, કામ એકઠું થતું થતું એક દિવસ પહાડ બની જાય છે અને પછી તે સહેવાય નહીં અને કહેવાય નહીં એવું બની રહે છે. આળસુ લોકો બીજાઓને કે વાતાવરણને કામ ન થવાનો દોષ દેતા ફરે છે. આળસુ લોકોને 'કરવાનાં કામ' નહીં પણ 'પોતાને ફાવે તેવાં કામ' જ કરવાં હોય છે. ખ્રિસ્તી પરંપરામાં, આળસ, કે પછી એદીપણું, એ સાત જીવલેણ પાપોમાંનું એક છે કેમકે તેનાથી સમાજને અને ઈશ્વરનાં આયોજનને નુકસાન થાય છે અને બીજાં પાપો માટે દરવાજો ખુલી જાય છે.

આળસુ હોવું એ સ્વભાવગત નથી, પણ … શરીરને સગવડ પડે તેમ કરવું એ માનવસહજ વૃત્તિ છે. યુનિવર્સિટી ઑવ બ્રિટિશ કોલમ્બીઆ, કેનેડાની બ્રેઈન બિહેવયીર લેબોરેટરીની બોઈસી ગૉન્ઝલેઝની ટીમ અનુસાર મગજ સ્વયંસ્ફુરણાથી હલનચલન કરવાની વૃત્તિ નથી ધરાવતું. તેને શાંતિથી પડી રહેવાનું ગમે છે.

આપણા યાયાવર પૂર્વજોએ દુષ્પ્રાપ્ય સંસાધનો મેળવવાની સ્પર્ધા માટે, શિકારી પાસેથી ભાગી છ્ટવા માટે કે શત્રુઓ સાથે લડવા માટે પોતાની શક્તિ બચાવી રાખવી પડતી હતી. ટુંકા ગાળાના ફાયદા સિવાયની કોઈ પણ બાબત પર પોતાની શક્તિને વેડફવાથી પોતાનું અસ્તિત્વ જ જોખમમાં આવી જવાનો ભય રહેતો. આજે જોકે અસ્તિતવ જ અટકાવી રાખવું એ પ્રાથમિકતા નથી રહી. આજે દીર્ઘદૃષ્ટિથી અને નિષ્ઠા વડે શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. તેમ છતાં આપણી સહજ વૃત્તિ તો શક્તિ બચાવી રાખવાની, દૂરગામી અને અનિશ્ચિત ફાયદાઓ કરાવે એવા કલ્પનાઓના ઘોડાઓ દોડાવવા જેવાં કામો કરવા તૈયાર ન થવાની જ રહે છે. [1]

હરામ હાડકાના વિરોધાભાસનું મૂળ આ દ્વિધામાં છે. આ વિરોધાભાસ અનુસાર જો નિયતિએ આપણા ભાગ્યની રૂપરેખા ઘડી જ કાઢેલી હોય તો , ઉદાહરણ તરીકે, માંદા પડીએ ત્યારે દાક્તર પાસે જવાનો શું અર્થ છે. નિયતિએ તબીયત સારી થશે એમ લખ્યું હોય તો દાક્તર પાસે નહીં જઈએ તો પણ તબીયત તો સારી થશે. અને જો નિયતિના નક્કી કર્યા મુજબ તબીયત ન જ સારી થવાની હોય તો પછી દાક્તરના ધક્કા ખાવાનો આમ પણ કોઈ અર્થ નથી રહેતો.

વધારે વ્યાવહારિક વિશ્વમાં, આળસુ લોકો પણ સફળ થઈ શકે એવી વિસંગતતા સંભવ ગણી શકાય. ઓછી મહેનત કરીને પણ સફળ તો થઈ જ શકાય છે. બહુ મહેનત કરવી એ સમય માગી લઈ શકે છે અને ઘણી બધી શક્તિ વાપરી નંખાવી શકે છે. સફળ લોકો તેમના સમયનો સમજપૂર્વક ઉપયોગ કરીને ઓછું કામ કરીને પણ વધારે સફળ બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કામ કરવાની આળસને પોતાના ફાયદામાં ફેરવી નાખી શકે છે.

જોકે અહીં એમ કહેવાનો કોઈ જ આશય નથી કે બધા સફળ લોકો આળસુ હોય છે. ખુબ મહેનત તો એ લોકોની સફળતાનું રહસ્ય ગણવામાં આવે છે. તેમ છતાં, હરામ હાડકાના દેખાતા લોકોની સફળતા એટલી જ રસપ્રદ બની રહેતી હોય છે.

વ્યાપાર જગતથી લઈને રાજકારણ સુધી અનેકવિધ ક્ષેત્રોમાં આ વિરોધાભાસના દાખલાઓ જોવા માટે મળી રહે છે.

આળસ અમુક લોકોમાં સ્વભાવગત હોય છે અને ધ્યેયસિદ્ધિ માટે અમુક પ્રકારની મહેનત નથી કરવી એવી અમુક લોકોની એ સમજપૂર્વકની પસંદગી હોય છે. આળસુ દેખાતા પણ ચારે બાજુ હવાતીયાં ન મારવાની ચાતુર્યપૂર્ણ સૂઝ ધરાવવાને કારણે લોકો વધારે અસરકારક એટલે નીવડી શકતાં હોય છે.

આ સંદર્ભમાં એક બહુ જાણીતો કિસ્સો યાદ કરવા જેવો છે. એક એડમિરલે સુઝાવ પેટી રાખેલી. તેમાં જે નાવિકો વહાણાનાં લોખંડને વારંવાર કલર કરવાથી કંટાળી ગયા હતા, એ લોકોએ મોકલેલા સુઝાવ પ્રમાણે એક એવું ભંડોળ રચવામાં આવ્યું જેમાથી જ્યારે જ્યારે વહાણના લોખંડના એ ભાગો વધારે ઘસાઈ જતા કે કાટ ખાઈ જતા ત્યારે તેની જગ્યાએ સ્ટેનલીસ સ્ટીલના ભાગો લગાડવાનું ચાલુ કર્યું. આમ વારંવાર કલર કામની પાછળ સમય આપવાને બદલે હવે એ લોકો એ સમયમાં લડાઈ માટે વધારે સજ્જ થવાની તાલીમ અને અભ્યાસ કરી શકવા લાગ્યા.

કેટલુંક વધારાનું વાંચન:

The Laziness Paradox: Embrace Your Weaknesses to Accomplish More

Lazy Bones. In praise of Laziness and Boredom.



[1] The Paradox of Laziness - And the art of masterful inactivity - Neel Burton M.A., M.D.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો