બ્લૉગની ઓળખ



જુલાઈ, ૨૦૧૧માં મેં મારી વ્યાવસાયિક કારકીર્દીની પહેલી ઈનિંગ્સ પૂરી થયેલી ડિક્લેર કરી. ૩૮ વર્ષની એ સફર દરમ્યાન સાવ એકડૅથી મંડાણ કરવાના પ્રોજેક્ટ્સ કે પ્રોજેક્ટ શરૂ થયા પછીના સમયની માવજત કે પછી તેની વિકાસ વૃધ્ધિની ક્ષિતિજો આંબવા જેવી અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તકો મળતી રહી. સાવ લઘુ એકમથી લઇને મધ્યમ કક્ષાનાં અને પછી તો ઘણા મોટાં સ્તરનાં એન્જિનિયરીંગ એકમોમાં મૅનેજમૅન્ટનાં લગભગ દરેક પાસાંસાથે પણ કામ કરવાના અનુભવો પણ મળ્યા. કદી પણ ન ખેડાયેલી કેડીઓ ચાતરવાના અનેક પ્રસંગોમાં સરિયામ નિષ્ફળતાઓને પણ પચાવવાના પાઠ પણ ભણવા મળ્યા. એ સમય બહુ પડકારોની વચ્ચે વીતતો રહ્યો.

જો કે એ સમય દરમ્યાન કુટુંબ સાથેની પળોને માણવી, ૧૯૪૦થી ૧૯૭૦ના દાયકાના મધ્ય સુધીનાં ફિલ્મ સંગીતની મજા લેવી, બીનવ્યાવાસાયિક ધોરણે ફોટોગ્રાફી કે શતરંજ જેવા શોખને છૂટો દોર આપવો કે હું જે કંઇ વાંચુ, વિચારૂં તેને લેખનનાં સ્વરૂપે વ્યકત કરવું જેવી મારી અંગત પસંદગીઓ પર સાવ નહીંવત જ ધ્યાન આપી શકાયું.

જુલાઇ ૨૦૧૧ પહેલાં હું જે કંઇ કરી રહયો હતો તે જ કરતા રહેવું હોત તો મારે ઔપચારિક નિવૃત્તિવિષે કંઇ કરવાપણું નહોતું. પરંતુ, મારી તેમ જ મારાં કુટુંબીજનોની ઘણા સમયથી એવી ઇચ્છા હતી કે હવે પછીથી જે કંઇ વર્ષો મળ્યાં છે તે સમયની કોઇ અન્ય પાબંદીમાં બંધાયા સિવાય આનંદથી સાથે જીવીએ. મને પણ મારી પાસે નિવૃત્તિને કારણે ફાજલ થયેલ સમયને મારા શોખને લગતી પ્રવૃત્તિઓથી, જરાપણ કંટાળ્યા વગર, ભરી દઇ શકાય છે કે કેમ તે ચકાસી જોવાનો મોકો જોઇતો હતો.

આમ કરવા માટે, જીવનની હવે પછીની બીજી ઈનિંગ્સમાં પ્રાથમિકતાનો ક્રમ ઉલટાવી નાખવાનું લક્ષ્ય નજર સામે રાખ્યું છે. આ માટે જરીરી માર્ગદર્શિકાઓ આ મુજબની બની રહે છે:
·         કારકીર્દીની પ્રાથમિકતાઓને અનુરૂપતા પ્રમાણે  વ્યસ્ત બની જવાને બદલે (અ)મારી પસંદની પ્રાથમિકતાઓ પ્રમાણે સમયનું આયોજન:

o   માનસીક સતત સતર્કતા જાળવી રાખવામાટે અત્યારસુધી અડધા પડધા કેળવાયેલ શોખને કારકીર્દી જેટલી જ ગંભીરતા અને ખંતથી નિપુણતાની કક્ષાએ પહોંચાય તે રીતે વિકસાવવા

o   રોજીંદી દીનચર્યા અને ખોરાકમાં શારીરીક જોમ અને તંદુરસ્તીને પ્રાધાન્ય આપવું

                                                             જેવી માર્ગદર્શિકાઓને અનુસરશે.
મારા શોખ પૈકી કથા અને બીન-કથા સાહિત્યનાં વાંચન વિષે,અને ૧૯૭૦ પહેલાંનાં હિન્દી ફિલ્મ ગીતો,ગુજરાતી ગીતો, ગઝલ અને ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળતા, જે વિચાર આવતા તે અંગેની પ્રતિક્રિયાઓને વ્યક્ત કે અવ્યક્ત વિચારનાં સ્વરૂપમાં મુકવાની  કક્ષાસુધી મારી પ્રવૃત્તિઓ પહેલી ઈનિંગ્સ દરમ્યાન મર્યાદીત રહી હતી. સામાન્યતઃ, અહીં રજૂ થનાર લેખોના વિષયો મૅનૅજમૅન્ટ વિષયના સાંપ્રત લેખો, શ્રી દેવદત્ત પટ્ટનાઇકના હિન્દુ પૌરાણિક વિષયો પરથી મૅનૅજમૅન્ટ વિષયના સાંપ્રત લેખો કે અન્ય કોઇ બીનપારંપારીક લેખોના અનુવાદપર આધારીત હશે.
વેબ ગુર્જરીની સંપાદકીય ટીમમાં, અને વિકિસ્ત્રોતની પ્રવૃત્તિઓમાં નિયમિતપણે અક્ષરાંકન અને ભુલશુદ્ધિનાં કામમાં, યોગદાન પણ મારી રોજિંદી પ્રવૃત્તિઓનો મહત્ત્વનો હિસ્સો બની ગયાં છે.  Linked In, Google +  અને Indiblogger જેવાં સમુદાયોનો પણ હું સભ્ય છું.
અને તેમ છતાં,
"કેવાં રૂડાં ઉપવનો વળી ગાઢ, ઊંડા,      The woods are lovely, dark and deep..
કિંતુ દીધાં વચન, તે સહુ પાળવાના;       But I have promises to keep,
થંભ્યા વિના-
આ યોજનો અવિરતે બસ કાપવાના!      And miles to go before I sleep,
આ યોજનો અવિરતે બસ કાપવાના-      And miles to go before I sleep,
થંભ્યા વિના…"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો