બુધવાર, 18 એપ્રિલ, 2018

કર્મ નવું સ્વસ્તિક છે - દેવદત્ત પટ્ટનાઈક


અર્થ સુ~અસ્તિ, બધુ સારૂં થાઓ, એમ જાણતું જોવા મળશે. હિંદુ વિધિઓમાં આ સંસ્કૃત શબ્દપ્રયોગ બહુ ઠેકાણે થતો રહ્યો છે. બાલી, ઈન્ડોનેશિયા,નાં સ્થાનિક હિંદુઓ એકબીજાનું અભિવાદન જ સુવસ્તી-અસ્તુથી કરે છે. પણ આખી દુનિયામાં કોઈ પણ શબ્દનો શું અર્થ કરવો એ પાશ્ચાત્ય જગત નક્કી કરે છે. તેમના માટે સ્વસ્તિક એટલે હિટલર તેનો જે અર્થ કરતો તે. અવતાર એટલે જેમ્સ કેમેરૂન જ અર્થ કરે તે. સ્ત્રીઓના મહેનતાણાની સમાનતા માટે, માઈક્રોસૉફ્ટના મુખ્ય સંચાલક, સત્ય નદેલાએ કર્મ પર ભરોસો કરવાનું કહ્યું તેના પર પશ્ચિમ અખબાર જગતમાં જે હોબાળો થયો એ પછીથી તો હવે કર્મનો અર્થ પણ પશ્ચિમના અખબારનવેશો કરે છે.

  •  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Karma is the new Swastika, નો અનુવાદ

શુક્રવાર, 13 એપ્રિલ, 2018

૧૦૦ શબ્દોની વાત : સકારાત્મકતાને મહત્વ આપો

તન્મય વોરા

૧૯૮૨માં, મનુષ્યનાં ક્રિયામૂલક શિક્ષણનાં માળખાંનો અભ્યાસ કરવાના આશયથી, બે બોલીંગ ટીમોની ઘણી બધી રમતોના, જુદા જુદા દ્રષ્ટિકોણથી, વિડિયો ઉતારવામાં આવ્યા. પછીથી, બન્ને ટીમોને અલગ અલગ રીતે સંપાદિત કરેલ ટૅપ બતાવવામાં આવી. એક ટીમને માત્ર તેમની ભૂલો અને બીજી ટીમને માત્ર તેમના સારા દેખાવને જ બતાવવામાં આવ્યાં. બન્ને ટીમમાં સુધારો તો થયો, પણ જે ટીમે સારા દેખાવપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, તેમાં બમણો સુધારો જોવા મળ્યો.

ભૂલો પર વધારે પડતું ધ્યાન આપવાથી દોષારોપણ,થાક કે પ્રતિકારની લાગણી વધે છે. જ્યારે સારાં પરિણામોપર ભાર આપવાથી જુસ્સો, સર્જનાત્મકતા અને ઉત્સાહ જેવી પ્રબળ લાગણીઓ વધે છે.
આપણે જેને વધારે મહત્વ આપીએ, તે જ આપણને વધારે મળે છે.

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


 

બુધવાર, 11 એપ્રિલ, 2018

અરાજકતા અને આંટીઘૂંટીઓ # ૨ # મશ્કરા આયનાઓ અને ચિત્રવિચિત્ર આકર્ષકો


ગેરી મૉન્ટી
અરાજક તંત્રવ્યવસ્થાઓ વિચિત્ર રીતે કેમ વર્તતી હશે એ વિષે આપણે આ લેખમાળાના પહેલા મણકામાં આપણે વાત કરી હતી. આવાં વર્તન પાછળનાં કારણો શું હોઈ શકે? એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે 'આકર્ષકો'.વધારે ચોક્કસપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ખાસ પ્રકારનાં ચિત્રવિચિત્ર આકર્ષકો. ચિત્રવિચિત્ર આકર્ષકોને સમજવાથી ભાવિ અનિશ્ચિતતાઓને સમજવામાં મદદ મળે છે.
આ બાબતને વિગતે જોઈએ.
આકર્ષકો
આકર્ષકો શું છે? એ એક પ્રભાવ, એક તાણ કે એક બળ છે જે પરિસ્થિતિ પર અસર કરી શકે છે.
આકર્ષકો ત્રણ પ્રકારનાં હોઈ શકે :
  • બિંદુ (Point)
  • પુનરાવર્તક (Cyclical)
  • ચિત્રવિચિત્ર (Strange)

બિંદુ આકર્ષકો તંત્ર વ્યવસ્થાને એક ચોક્કસ, પૂર્વકલ્પનીય અંતિમ બિંદુએ લાવી મૂકે છે. એક પથ્થરને ખીણની ધાર પરથી ફેંકો તો ગુરૂત્વાકર્ષ્ણના બળને કારણે તે આખરે તો નીચેની તરફ જ આવશે.
પુનરાવર્તક આકર્ષકો તંત્ર વ્યવસ્થાને ઝુલતી રાખે છે. શૈક્ષણિક કાર્યક્રમો પુનરાવર્તક આકર્ષકોનું ઉદાહરણ છે. દેશની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો હોય તો વધારે સિવિલ ઈજનેરોની જરૂર પડે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં સિવિલ ઈજનેરીની બેઠકો વધારતા જવા છતાં  એ બેઠકો પર પ્રવેશ માટે પડાપડી થાય, સિવિલ ઈજનેરોનાં મહેનતાણાંઓ વધી જાય. પછી થોડાંક વર્ષે માળખાકીય સુવિધા ક્ષેત્રમાં 'મંદી' આવે, સિવિલ ઈજનેરોના ભાવ ગગડે અને એક તબક્કે તો નવા સ્નાતકો બેકાર બની રહે. આ ચક્રનું અમુક અમુક વર્ષે પુનરાવર્તન થતું રહે છે.
ચિત્રવિચિત્ર આકર્ષકો તંત્રવ્યવસ્થાને વિકૃત કરી નાખે છે. જો તેમના પર સમયસર ધ્યાન ન આપાય તો તંત્રવ્યવસ્થાને એટલી હદે નુકશાન થઈ શકે  કે પછી એટલી હદે તે નકામી બની જાય કે તંત્ર વ્યવસ્થાનો જાણે વિનાશ થઈ ચૂક્યો હોય.

મશ્કરા આયનાઓ 
આલ્ફ્રેડ હિચકોક - Alfred Hitchcock Presentsની જાહેરાતમાં
ચિત્રવિચિત્ર આકર્ષકોનું સચોટ દૃશ્ય રૂપક મશ્કરા આયનાઓ પુરૂં પાડે છે. આપણી નજર સમક્ષ જ આપણે કેટલાં હાસ્યાસ્પદ લાગી શકીએ તે જોઈ શકાય તે તેની આગવી ખૂબી છે. (તમે દુંદાળા કેવાં લાગો? તમારૂં માથું આટલું બેડોળ હોય તો તમને તમારા વાળ ઓળવાનું મન થાય?)
રોજબરોજનાં જીવન પરની અસરો
આપણા શરીરમાં જો અચાનક જ આવા ફેરફાર થાય તો આપણું રોજબરોજનું જીવન પણ તહસનહસ થઈ જાય. એટલા માટે જ ચિત્રવિચિત્ર આકર્ષકો તરફ સમયસર જ યથોચિત ધ્યાન આપવું મહત્ત્વનું બની જાય છે. જો સમયસર ધ્યાન ન અપાય તો થનાર નુકશાનની એટલી  મોટી કિંમત ચૂકવવી પડી શકે છે જે ભરપાઈ કરવી પણ આપણી શક્તિની મર્યાદામાં ન હોય. મશ્કરા આયનામાં દેખાતું આપણું પ્રતિબિંબ જેમ આપણને અજાણ્યું લાગે છે તેમ ચિત્રવિચિત્ર આકર્ષકોને કારણે આપણી જાણીતી હકીકતો પણ સાવ અજાણ સ્વરૂપે આપણી સમક્ષ આવી શકે છે. એ નવું સ્વરૂપ હકારાત્મક, નકારાત્મક કે બંનેનું મિશ્રણ હોઈ શકે છે.
લગ્ન કે એવા જ કોઈ નિશ્ચિત સંબંધનું ઉદાહરણ લઈએ. ચિત્રવિચિત્ર આકર્ષકોને કારણે એ સંબંધમાં અચાનક જ કેવા હકારાત્મક કે પછી નકારાત્મક કે પછી બંનેની ભેળસેળ જેવા ફેરફારો થતા જોવા મળે છે ! તમને એવું નથી લાગતું?  કબાટમાંથી એક કપડું કાઢતાં બાકીનાં બધાં કપડાંનો ઢગલો કરી નાખનાર સાથે ક્યારેય હંમેશનો પનારો પડ્યો છે? ઘડી કરેલ કપડાં અસ્તવ્યસ્ત કરીને મૂકી દેનાર વ્યક્તિ તમે પણ છો? બધાં સાથે બહાર જતાં હોય ત્યારે કાયમ ઘરની ચાવી ઘરમાં ભૂલીને સ્વયંસંચાલિત તાળું મરાઈ જતું હોય એવું કુટુંબ તમારૂં છો? બધું જ બરાબર તપાસ્યું છે એની ચોક્કસ ખાત્રી અપાયા પછી પણ તમે જ્યારે વેકેશન પર જાઓ ત્યારે તમારાં પડોષી નળ ચાલુ રહી ગયો છે એવી ફરિયાદ કરતાં જ હોય છે?
રેલ્વે, ટેલીફોન્સ અને ઈન્કાર
સાવેસાવ અરાજક પરિસ્થિતિને પુનરાવર્તક - કે બિંદુ- આકર્ષક આધારિત બનાવવાથી એ પરિસ્થિતિ સાવે સાવ ખતમ થઈ જઈ શકે છે. રેલ્વે અને ટેલીફોન કંપનીઓ આ મુજબ કરી ચુકી છે. નિયમનો કે એકાધિકાર (કે અલ્પહસ્તકાધિકાર) જેવી રીતરસમો વડે વ્યાપારઉદ્યોગ એકમો વણકલ્પ્યાં, તેમ જ બેકાબૂ બાહ્ય પરિબળોને કારણે તેમનાં બીઝનેસ મૉડેલમાંનાં સર્જાતાં વમળોની અસ્થિરતાને કંઇક અંશે કાબુમાં લાવવા માટે દાવપેચ રમતાં રહે છે.  એમાં રચ્યાં પચ્યાં રહેવાને કારણે કંઈક કરતાં રહેવાની વ્યસ્તતામાં ના આભાસમાં તેઓ એટલાં ખોવાઈ જાય છે કે આ પ્રયાસોનો અંત તો નિષ્ફળતામાં જ પરિણમતો હોય છે એ તેમને દેખાતું જ નથી. ક્યારેક તો પોતાનાં હાથે કરેલાં પોતાના હૈયે જ વાગે, અર્થતંત્ર કે પછી ખરાબે ભેખડાઈ પડે એવાં એવાં પરિણામો નિપજે છે.
૧૯મી અને ૨૦મી સદીની શરૂઆતમાં દેશી રજવાડાંઓએ પોતાનાં રાજમાં મીટર ગેજને બદલે નેરોગેજ લાઈનો નાખી. એ સમયે પોતાની ટ્રેન પોતાનાં રાજમાં ફરતી જોવાનું મિથ્યાભિમાન મીટર ગેજ લાઈનને કારણે તેમનાં રાજને વ્યાપારુદ્યોગના રાષ્ટ્રપ્રવાહમાં ભળી શકવાની સંભાવના જોવા જ નહોતું દેતું. ૨૦મી સદી પૂરી થતાં તો ધોરી માર્ગોનાં સબળ માળખાંના વિકાસે આ લાઈનોને 'ભવ્ય' ભૂતકાળના લિસોટાઓની નિશાની કરી મૂકી.
૫૦-૬૦ વર્ષની પેઢીનાં ટેલીફોન ગ્રાહકોને યાદ હશે કે તમારે ઘરે ટેલીફોન ખાતાંની મંજૂરી વિના એકાદું એક્ષ્ટેન્શન ઉમેરો કે તમારી પસંદનું ઈન્સ્ટ્રુમેન્ટ પણ લગાવો તો તમારો ટેલીફોન કાપી નાખવાની ધમકીભરી નોટિસ તમને મળી જતી. ટેલિફોન એક્ષચેંજનાં ઓપરેટરનું ગજવું ગરમ રાખો તો તમારાં ટ્રંકકોલના ખર્ચામાં મસમોટી 'બચત' કરી શકાતી. ટેલીફોન ખાતું તમે બીજું ઈન્સ્ટ્રુમેન્ટ કે એક્ષટેન્શન નથી વાપરી રહ્યાં તે માટે ખાસી ઝીણી નજરથી તમારા પર ધ્યાન રાખીને ખાળે ડૂચા દેતી દેતી, પણ ટ્રંકકોલની આવક તેમના ખુલ્લા દરવાજાઓમાંથી ખાલી થઈ જતી તે તેમને દેખાતું નહીં. !
પ્રકલ્પ સંચાલનના પડકારો
ચિત્રવિચિત્ર આકર્ષકોના કારણે મૂડીવાદી અર્થતંત્રો વધારે સમૃદ્ધ થાય છે. આખો ખેલ દરેક વખતે કંઈને કંઈ નવું રજૂ કરતાં રહેવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયા આખી નવા નવા પ્રકલ્પોને ચાકળે ઘૂમતી રહે છે જેથી કરીને નવાં નવાં ઉત્પાદનો અને સેવાઓની ટુંકા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈની ધાર બની રહે. પ્રકલ્પોના ધૂમકેતુઓ પ્રકાશપુંજ વેરતા રહે, પણ તેની આસપાસ કાળાં અંધારાં પણ ઘુમરાયા કરતાં હોય છે. સંસ્થાની જૂદીજૂદી ટીમો પોતપોતાની પરિયોજનાઓનું સંચાલન આદર્શ માર્ગદર્શિકા પ્રમાણે એકદમ કાર્યક્ષમ અને અસરકારક રીતે કરી રહી હોય, પણ તેવામાં કોઈ એક કાળ ઘડીએ કોઈ અણધાર્યો હરીફ કંઈક એવા નવાં પરિવર્તનને રજૂ કરે કે માંડ્યા માંડેલા ખેલનો એકડો જ નવેસરથી ઘૂંટવો પડે. યાહૂ, ગુગલ અને ફેસબુકની સતત ખેંચમતાણ કે પછી એપલ અને સેમસંગની નવાં મૉડેલ બજારમાં મૂકવાની ચડસાચડસી આ માટેનાં નોંધપાત્ર ઉદાહરણો છે. રોકાણ પરનાં વળતરની ગણત્રીઓ પલકવારમાં ધૂળમાં રગદોળાઈ જાય છે અને એકદમ અડીખમ લાગતી પ્રકલ્પ ઈમારતનો પાયો જ હલબલી ઊઠે છે - ઘણી વાર તો આખીને આખી પ્રોડક્ટ - અને ક્યારેક તો કંપની પણ - પવનમાં તણખલાંની માફક ક્યાંય ફેંકાઈ જાય છે. 
આવી પરિસ્થિતિમાં કામ કરતા પ્રકલ્પ સંચાલકના પડકારો વિષે આપણે હવે પછીના અંકમાં વિચારીશું. જો તમે લાંબા સમયથી આ પ્રકારના ઉદ્યોગોમાં પ્રકલ્પ સંચાલક તરીકે કામ કરતાં હશો તો પગ નીચેથી એક જ ઝાટકે કોઇ જાજમ ખેંચી લે તો કેવા હાલ થાય એ તમે બરાબર કલ્પી શકશો.


શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Chaos and Complexity #2# Fun house mirrors and strange attractors નો અનુવાદ

  • અનુવાદકઃઅશોકવૈષ્ણવ, અમદાવાદǁ૧૧ એપ્રિલ, ૨૦૧૮