બુધવાર, 25 જૂન, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ઉપનિષદના દૃષ્ટિકોણથી માનવ સંબંધોનું દિવ્યકરણ

 

સ્વામી શુદ્ધિદાનન્દ[1]

માનવી સહજપણે સામાજિક પ્રાણી છે. માનવ જીવનની તંદુરસ્તી માનવ માનવ વચ્ચેના આપસી, જટિલ, સંબંધોની સ્વસ્થતા પર નિર્ભર છે.

માનવ સંબંધોને સામાન્ય રીતે માનવ જાતના ભૌતિક દૃષ્ટિકોણની અને આત્મા તરીકે આધ્યાત્મિક દૃષ્ટિકોણના બે પ્રકારોમાં વહેંચી નાખવામાં આવે છે.

માનવ જાતનો ભૌતિક દૃષ્ટિકોણ અને તેની અસરો

મોટા ભાગનાં માનવીઓ તેમનાં રોજબરોજનાં જીવનમાં એ જ માન્યતામાં જીવે છે કે તેઓ તન, મન, બુદ્ધિ, અહં અને લાગણીઓનો સમૂહ છે. આપણે જન્મથી જ આ દૃષ્ટિકોણથી ઘડાઈએ છીએ અને આપણને તેમ જ બીજાંઓને પણ આ જ દૃષ્ટિકોણથી જોવા જ ટેવાયેલાં છીએ. દુનિયાને આ નજરોથી જોવાતા પાશ્ચાત્ય દૃષ્ટિકોણને માનવ જાતના 'ભૌતિક દૃષ્ટિકોણ' તરીકે ઓળખવામાં આવે છે. આ દૃષ્ટિકોણની ખાસ નોંધપાત્ર વિશેષતા સ્વાર્થ છે. સ્વાર્થીપણાની ઘણી અસરો પૈકી મુખ્ય અસર છે દુઃખ. સ્વાર્થના પાયા પર રચાતા બધા સંબંધો શરૂમાં શરૂમાં, દેખીતી રીતે, બહુ મીઠા લાગે છે, પણ લાંબા ગાળે તે પીડાદાયક જ નીવડે છે. સ્વાર્થનું બીજું લક્ષણ છે સ્નેહબંધન અને દ્વેષભાવની વળગણ સમી લાગણી. જ્યારે સંબંધ સ્વાર્થની પુર્તિ કરતો ન જણાય ત્યારે તે ભાંગી પડવાના અંતિમ સુધી પણ જતો રહે છે. 

સ્વાર્થ આધારિત માનવ સંબંધો

હિંદુ પુરાણોમાં આ વિષય આમ તો બહુ જ ચર્ચા થયેલી જોવા મળે છે. એ બધી ચર્ચાઓના અર્ક સમો એક દાખલો બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ યાજ્ઞવલ્કય અને તેમનાં પત્ની મૈત્રેયી વચ્ચેના સંવાદરૂપે જોવા મળે છે.

ભારતમાં શાસ્ત્રોનું એવું વિધાન છે કે દરેક માણસ જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આથી યાજ્ઞવલ્ક્યે પોતાની પત્નીને કહ્યુંઃ

પ્રિયે! આ રહ્યું મારું ધન અને બધી સંપત્તિ; હું હવે જાઉં છું.તેણે જવાબ આપ્યોઃમહારાજ! જો ધનથી ભરેલી આખી પૃથ્વી મને મળે તો તેથી શું મને અમૃતત્વ પ્રાપ્ત થશે?’ યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યોઃના, એ નહીં થાય; તું પૈસાદાર થઈશ, એટલું જ. પણ ધન આપણને અમૃતત્વ આપી શકતું નથી.તેણે પૂછ્યુંઃજેનાથી મને અમૃતત્વ મળે તે પ્રાપ્ત કરવા માટે હું શું કરું? જો તમે જાણતા હો તો કહો.યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યોઃતું સદૈવ મને પ્રિય રહી છે; અને આ પ્રશ્નથી તું મને વધારે પ્રિય બની છે. ચાલ, હું તને તે કહું. પ્રથમ તું તે શ્રવણ કરી લે, ત્યાર પછી તેના ઉપર મનન કરજે.

પછી યાજ્ઞવલ્ક્યે કહ્યુંઃ

પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ કરતી નથી, પણ આત્માને માટે તે પતિને ચાહે છે, કારણ તે આત્માને ચાહે છે. પત્નીને માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે આત્માને માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે. કોઈ પણ માણસ બ્રાહ્મણને ચાહે છે તેનું કારણ એ બ્રાહ્મણ છે માટે નહીં, પણ તે આત્માને ચાહે છે તેથી તે બ્રાહ્મણને ચાહે છે. કોઈ પણ માણસને ક્ષત્રિય તે ક્ષત્રિય છે માટે પ્રિય નથી, પણ તેને આત્મા વહાલો છે તેથી તે પ્રિય છે. તેમજ જગતને તે જગત છે માટે કોઈ ચાહતું નથી, પણ આત્માને ચાહે છે માટે તે જગતને ચાહે છે. આ જ પ્રમાણે દેવો તે દેવો છે માટે પ્રિય નથી પણ આત્મા પ્રિય છે માટે દેવો પ્રિય છે. વસ્તુ તે વસ્તુ છે માટે પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે માટે તેને વસ્તુ પ્રિય છે.

आत्मा वा अरे श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः

માટે આત્માનું શ્રવણ કરવું જોઈએ, તેનું મનન કરવું જોઈએ અને તેનું નિદિધ્યાસન (ધ્યાન) કરવું જોઈએ. હે મૈત્રેયી! જ્યારે આ આત્મા વિશે શ્રવણ કરાય છે, આ આત્મા જોવાય છે, આ આત્માનો અનુભવ થાય છે, ત્યારે બધું જાણી શકાય છે.પછી આપણને શું પ્રાપ્ત થાય છે? આપણી પાસે વિચિત્ર તત્ત્વજ્ઞાન ઊભું થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે દરેક જાતનો પ્રેમ એ શબ્દના હલકામાં હલકા અર્થમાં સ્વાર્થપરાયણતા છે; હું મને ચાહું છું માટે હું બીજાને ચાહું છું; એ બની શકે નહીં. આધુનિક કાળમાં એવા તત્ત્વજ્ઞો છે, જેઓ એમ માને છે કે પોતાનો આત્મા એ જ આ જગતનું એક માત્ર પ્રેરકબળ છે. આ સાચું છે તેમજ ખોટું પણ છે. પરંતુ આ આત્મા તો પાછળ રહેલા સાચા આત્માનો પડછાયો માત્ર છે. તે ખોટો અને ખરાબ એટલા માટે દેખાય છે કે તે ક્ષુદ્ર છે. વિશ્વરૂપ આત્મા માટેનો અનંત પ્રેમ અલ્પ દેખાવાનું કારણ એ છે કે તે એક નાના અંશ દ્વારા દેખાય છે. પત્ની પતિને ચાહે છે ત્યારે પણ તે જાણે કે ન જાણે પણ આત્માને માટે જ તે પતિને ચાહે છે. જગતની અંદર અભિવ્યક્ત થવાથી એ સ્વાર્થીપણા જેવું દેખાય છે, પરંતુ આ સ્વાર્થીપણું ખરી રીતે તો આત્માનો જ એક અલ્પ અંશ હોય છે. જ્યારે કોઈ પ્રેમ કરે ત્યારે તે આત્મા દ્વારા જ પ્રેમ કરી શકે છે. આ આત્માને જાણવો જોઈએ. આત્માને જાણવા અને ન જાણવામાં તફાવત શો છે? જેઓ આત્મા શું છે તે જાણતા નથી તેઓનો પ્રેમ સ્વાર્થી છે; જે લોકો એ આત્મા છે એમ માનીને ચાહે છે તેઓનો પ્રેમ સ્વાર્થરહિત છે, તેઓ જ્ઞાની છે.જે બ્રાહ્મણને આત્માથી અલગ જુએ છે તેની ઉપર બ્રાહ્મણ વિજય મેળવે છે. જે ક્ષત્રિયને આત્મા સિવાય અન્યરૂપે જુએ છે, તેની ઉપર ક્ષત્રિય વિજય મેળવે છે, જે જગતને આત્મા સિવાય બીજા રૂપે જુએ છે, તેની ઉપર જગત વિજય મેળવે છે; જે દેવોને આત્મા સિવાય બીજા રૂપે જાણીને તેમને ચાહે છે તેની ઉપર દેવો વિજય મેળવે છે; જે સર્વ વસ્તુને આત્મા સિવાય અન્ય તરીકે જાણે છે તેની પાસેથી સર્વ વસ્તુ ચાલી જાય છે. આ બ્રાહ્મણો, આ ક્ષત્રિયો, આ દુનિયા, આ દેવો, જે કંઈ અસ્તિત્વમાં છે તે બધુંય આત્મા છે.પ્રેમ એટલે શું તે યાજ્ઞવલ્ક્ય આ રીતે સમજાવે છેઃ

જ્યારે જ્યારે આપણે કોઈ પણ વસ્તુમાં વિશિષ્ટતા જોઈએ છીએ ત્યારે ત્યારે આપણે તેને આત્માથી જુદી પાડીએ છીએ. હું કોઈ સ્ત્રીને પ્રેમ કરવા મથું છું; જ્યારે તે અમુક સ્ત્રી બની જાય છે, ત્યારે તે આત્માથી ભિન્ન બને છે, તેને માટેનો મારો પ્રેમ શાશ્વત નથી રહેતો પણ તે શોકમાં પરિણમે છે. પણ જેવી તે સ્ત્રીને હું આત્મા તરીકે જોવા લાગુ તેવો જ તે પ્રેમ પૂર્ણ બને છે અને તેથી કદી મારે સહન કરવું પડશે નહીં. આ જ પ્રમાણે બધી વસ્તુઓ વિશે છે. જેવા તમે વિશ્વમાં કોઈ વસ્તુમાં આસક્ત બનો છો અને તેને સમગ્ર વિશ્વથી એટલે કે આત્માથી અલગ પાડો છો કે તુરત પ્રત્યાઘાત ઊભો થાય છે. આત્માથી બહાર જે કશાને આપણે ચાહીએ, તેને પરિણામે શોક અને દુઃખ આવવાનાં. આત્મામાં અને આત્મા તરીકે બધાનો ઉપયોગ કરીએ તો કોઈ દુઃખ કે પ્રત્યાઘાત આવશે નહીં. પૂર્ણ આનંદ આ છે. આ આદર્શને કેમ પહોંચવું? જે રીતથી આ સ્થિતિને આપણે પહોંચીએ તે રીત યાજ્ઞવલ્ક્ય બતાવે છે. આ વિશ્વ તો અનન્ત છે. આત્માને જાણ્યા સિવાય આપણે પ્રત્યેક વસ્તુને આત્મા તરીકે કેવી રીતે જોઈ શકીએ? ‘જ્યારે નગારાથી આપણે દૂર હોઈએ ત્યારે તેના અવાજને આપણે પકડી શકતા નથી, તેને આપણે કાબૂમાં રાખી શકતા નથી; પણ જેવા આપણે નગારા પાસે પહોંચીને તેના પર હાથ મૂકીએ કે તરત આપણે અવાજને કાબૂમાં લઈ શકીએ છીએ. જ્યારે શંખનો અવાજ કરવામાં આવે છે ત્યારે આપણે શંખની નજીક ન હોઈએ ત્યાં સુધી તેના અવાજને પકડી શકતા નથી, કાબૂમાં લઈ શકતા નથી; પણ જ્યારે આપણે શંખની નજીક આવીને તેને પકડી લઈએ છીએ, ત્યારે તે અવાજ આપણા કાબૂમાં લઈ શકાય છે. જ્યારે વીણા વગાડાતી હોય તે વખતે આપણે વીણા પાસે આવીએ ત્યારે આપણે એ કેન્દ્રે પહોંચીએ છીએ કે જ્યાંથી એ ધ્વનિ નીકળે છે. જેમ કોઈ લીલું ઇંધન બળતું હોય ત્યારે ધુમાડો અને જુદી જુદી જાતના તણખાઓ નીકળે છે, તે જ પ્રમાણે આ મહાન વિરાટમાંથી જ્ઞાન નિઃશ્વસિત પેઠે નીકળ્યું છે; બધુંય તેનામાંથી જ બહાર આવ્યું છે; જાણે કે બધું જ્ઞાન તેણે પોતાના નિઃશ્વાસથી બહાર કાઢ્યું હોય તેવું લાગે છે. જેમ બધાં જળ માટે સમુદ્ર એ એક જ આખરી સ્થાન છે, બધા સ્પર્શ માટે ત્વચા એ એક માત્ર કેન્દ્ર છે, બધી ગંધ માટે નાક એ એક માત્ર કેન્દ્ર છે, બધા સ્વાદ માટે જીભ એ એક માત્ર કેન્દ્ર છે, બધાં રૂપ માટે આંખ એ એક માત્ર કેન્દ્ર છે, બધા શબ્દો માટે કાન એ એકમાત્ર કેન્દ્ર છે, બધા વિચાર માટે મન એ એકમાત્ર કેન્દ્ર છે, બધા જ્ઞાન માટે હૃદય એ એકમાત્ર કેન્દ્ર છે, બધાં કામ માટે હાથ એ એકમાત્ર કેન્દ્ર છે, જેમ મીઠાનો ગાંગડો દરિયાના પાણીમાં નાખવાથી ઓગળી જાય છે અને આપણે તેને પાછો મેળવી શકતા નથી, તેમ હે મૈત્રેયી! આ વિરાટ આત્મા નિત્ય, અનંત છે; બધું નિત્ય, અનંત છે; બધું જ્ઞાન તેનામાં છે. સમગ્ર વિશ્વ તેમાંથી ઉત્પન્ન થાય છે અને પાછું તેમાં મળી જાય છે. ત્યારે પછી જાણવાનું કે મરવાનું કે મૃત્યુની સ્થિતિ કશું રહેતું નથી.એ પરથી આપણને જણાય છે કે આપણે બધા જાણે કે ઈશ્વરના તણખારૂપે આવ્યા છીએ અને જ્યારે તમે તેને જાણશો ત્યારે તમે તેમાં પાછા જઈને તેની સાથે એક થઈ જશો. આપણે જ એ વિરાટ છીએ.

આ સાંભળીને જેમ બધા લોકો ડરી જાય તેમ મૈત્રેયી પણ ડરી ગઈ. તેણે કહ્યુંઃમહારાજ! અહીં જ આપે મને ભ્રમણામાં નાખી દીધી. હવે દેવો નહીં હોય તેમ કહી આપે મને ડરાવી દીધી; સઘળાં વ્યક્તિત્વો અલોપ થઈ જશે. કોઈ જાણવા યોગ્ય, પ્રેમ કરવા યોગ્ય કે અધિકારપાત્ર રહેશે જ નહીં. આપણું શું થશે?’

મૈત્રેયી! હું તને મૂંઝવણમાં નાખવા માગતો નથી અથવા આ વિષય અહીં જ બંધ કરીએ. સંભવ છે કે તને ડર લાગશે. જ્યાં બે હોય ત્યાં એક જણ બીજાને જુએ, એક જણ બીજાને સાંભળે, એક જણ બીજાને આવકારે, એક જણ બીજા વિશે વિચાર કરે, એક જણ બીજાને ઓળખે; પણ જ્યારે તે બધું જ આત્મા બની જાય ત્યારે કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને આવકારે અને કોણ કોને ઓળખે?’ શોપનહોરે આ એક વિચાર પકડી લીધો હતો અને પોતાના તત્ત્વજ્ઞાનમાં તેનો પડઘો પાડ્યો હતો. જેનાથી આ વિશ્વ જણાય છે, તેને શાથી જાણવો? જ્ઞાતાને કેમ કરીને જાણવો? કયા ઉપાયથી આપણે જ્ઞાતાને જાણી શકીએ? એ કેમ બની શકે? કારણ કે તેમાંથી અને તેની દ્વારા જ આપણે બધું જાણીએ છીએ. કયાં સાધનથી આપણે તેને જાણી શકીએ? કોઈ સાધનથી નહીં, કારણ તે પોતે જ એ સાધન છે.

અત્યાર સુધી વિચાર એ છે કે આ બધું એક જ અનંત આત્મા છે; જેના કોઈ પ્રકારના વિભાગ નથી અને જેના કોઈ અંશો નથી, તે જ સાચું વ્યક્તિત્વ છે. આ નાના નાના વ્યક્તિત્વના વિચારો ઘણા હલકા અને ભ્રામક છે. પરંતુ વ્યક્તિત્વની દરેક ચિનગારીમાં અનંત છે અને તેની દ્વારા જ અનંત પ્રકારો દેખાય છે. બધું જ એ આત્માની અભિવ્યક્તિ છે. તેને કેમ પામવો? યાજ્ઞવલ્ક્ય જેમ કહે છે તેમ તમારે પ્રથમ આ સિદ્ધાંત અમલમાં મૂકવો કેઆ આત્માનું પ્રથમ શ્રવણ કરવું.આ પ્રમાણે તેણે આ સિદ્ધાંતની રજૂઆત કરી. પછી તેણે તર્ક દ્વારા તેનું સમર્થન કર્યું અને અંતમાં તેણે બતાવ્યું કે જેને જાણવાથી સઘળું જણાઈ જાય છે, તેને કેમ કરીને જાણવો અને છેલ્લે એનું ધ્યાન કરવું જોઈએ. વ્યષ્ટિ અને સમષ્ટિના દાખલા લઈને તેઓ પોતપોતાની વિશિષ્ટ રીતે કેમ ચાલ્યા કરે છે અને એ આખી યોજના કેવી સુંદર છે, તે તેમની તુલના દ્વારા બતાવે છે.આ પૃથ્વી પ્રત્યેક પ્રાણી માટે ખૂબ આનંદદાયક અને સહાયક છે અને આ જગતમાં બધાં પ્રાણીઓ પણ પૃથ્વીને ખૂબ સહાય કરે છે.આ બધા તે સ્વયંપ્રકાશ આત્માની અભિવ્યક્તિઓ છે.આ જે આનંદ છે તે તેના હલકામાં હલકા અર્થમાં પણ પેલા આત્માનું પ્રતિબિંબ છે. જે કંઈ સારું છે તે તેનું જ પ્રતિબિંબ છે; જ્યારે તે પ્રતિબિંબ અંધકારરૂપ હોય ત્યારે તે અનિષ્ટ કહેવાય. ઈશ્વર બે નથી. જ્યારે તેનો આવિર્ભાવ ઓછો હોય છે ત્યારે તેને અંધકાર કે અશુભ કહેવામાં આવે છે, જ્યારે તે વિશેષરૂપે પ્રગટ થાય છે ત્યારે તેને પ્રકાશ કહેવામાં આવે છે. ફેર એટલો જ છે કે શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો જોઈએ છીએ કે જેને આપણે સારી માનીએ છીએ પણ તે ખરેખર ખરાબ હોય છે; અને કેટલીયે એવી ચીજો જોઈએ છીએ કે જે ખરાબ જણાય છે પણ ખરી રીતે સારી હોય છે. વિચારોનું કેવું પરિવર્તન થાય છે! વિચાર કેવો ઊંચે ને ઊંચે જાય છે! જેને આપણે એક વખત ઘણું સારું લેખતા હતા તેને હવે આપણે તેટલું સારું લેખતા નથી. આમ સારું અને ખરાબ બંને માત્ર વહેમો છે, તેમનું અસ્તિત્વ નથી. તફાવત કેવળ માત્રાનો છે. આ સઘળી આત્માની જ અભિવ્યક્તિ છે; તે જ બધામાં પ્રકટ થાય છે. માત્ર જ્યારે તેનું આવરણ વધારે ઘેરું થાય છે ત્યારે તેને આપણે અશુભ કહીએ છીએ. જ્યારે તે વધારે પાતળું હોય છે ત્યારે તેને શુભ કહીએ છીએ. જ્યારે બધુંય આવરણ ચાલ્યું જાય ત્યારે તે સર્વોત્તમ બને છે. આમ આ જગતમાં જે કંઈ છે તેનું આ દૃષ્ટિથી મનન કરવું જોઈએ કે જેથી તે બધાને આપણે સારા તરીકે જોઈ શકીએ, કારણ કે તે જ શ્રેષ્ઠ છે. જેમ અશુભ છે તે શુભ પણ છે અને તેનું સર્વોચ્ચ અથવા મધ્યવર્તી બિન્દુ તે સત્ય છે. તે ખરાબ પણ નથી અને સારો પણ નથી; તે સર્વશ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે. સારું ઘણુંય હોય છે; ખરાબ પણ ઘણુંય હોઈ શકે; પણ સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે. સારા અને ખરાબ વચ્ચે માત્રાનો તફાવત રહ્યા કરશે પણ સર્વશ્રેષ્ઠ તો એક જ છે અને જ્યારે આછાં આવરણો વચ્ચેથી આ શ્રેષ્ઠ તત્ત્વને આપણે જોઈએ છીએ ત્યારે આપણે તેને જુદી જુદી જાતના શુભ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ઘેરાં આવરણોમાંથી જોઈએ છીએ ત્યારે તેને અશુભ કહીએ છીએ. શુભ અને અશુભ એ વહેમના જુદા જુદા પ્રકાર છે. તેઓ આ વિવિધ પ્રકારના દ્વૈતભ્રમમાં અને તરેહતરેહના વિચારોમાં વ્યાપી રહેલા છે; એ શબ્દો માણસોનાં હૃદયમાં ઘર કરી બેઠાં છે, સ્ત્રીપુરુષોને તેમણે ડરાવી દીધાં છે અને ભયંકર જુલમગાર તરીકે તેઓ ત્યાં પકડ જમાવી બેસીને આપણને વાઘ જેવા હિંસ્ર બનાવે છે, જે આપણે મૂર્ખાઈભર્યા વિચારોને આપણા બાળપણથીસારા અને નરસા બંનેનેસ્વીકારી રહ્યા છીએ, તેને પરિણામે જ આપણામાં બીજા પ્રત્યેનો સઘળો તિરસ્કાર ઉત્પન્ન થાય છે. માનવજાત વિશેની આપણી આંકણી તદ્દન ખોટી થાય છે; આ સુંદર સૃષ્ટિને આપણે નર્ક જેવી બનાવી દઈએ છીએ. જો આપણે સારા-નરસાની ભાવનાઓને છોડી દઈએ તો તે સ્વર્ગ જેવી બને છે.

આ પૃથ્વી સર્વ પ્રાણીઓ માટે આનંદમય (શબ્દશઃ અનુવાદ કરીએ તોમધુમય’) છે અને સર્વ પ્રાણીઓ આ પૃથ્વી માટે મધુમય છે. તે બધાં એકબીજાને મદદ કરે છે અને આ બધી મધુરતાપૃથ્વીમાં રહેલા તે જ્યોતિર્મય અમર તત્ત્વસ્વયં આત્માની છે.આ મધુરતા કોની છે? તેના સિવાય મધુરતા ક્યાં સંભવે? આ એક મધુરતા જુદી જુદી રીતે પ્રગટ થયા કરે છે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં માનવમાં મધુરતા છે, – પછી ભલે તે સંતની હોય કે પાપીની હોય, ભલે તે દેવની હોય કે ખૂનીની હોય, ભલે તે શરીર, મન કે ઇન્દ્રિયોની હોયતે બધી તેની જ છે. ભૌતિક ભોગવિલાસ પણ તે જ છે, માનસિક સુખોપભોગ પણ તે જ છે, આધ્યાત્મિક આનંદોપભોગ પણ તે જ છે. તેના સિવાય બીજું કશું કેમ હોઈ શકે? પરસ્પર લડતા હજારો દેવો અને દાનવો કેમ હોઈ શકે? કેવાં બાલિશ સ્વપ્નો! જે કંઈ અધમ ભૌતિક આનંદ છે તે પણ તે જ છે, શ્રેષ્ઠ આધ્યાત્મિક આનંદ પણ તે જ છે. તેના સિવાય કોઈ મધુરતા નથી. આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય કહે છે. જ્યારે તમે એ સ્થિતિએ પહોંચો અને બધી વસ્તુઓને એક આત્મદૃષ્ટિથી નિહાળો, જ્યારે તમે દારૂડિયાના દારૂ પીવાના આનંદમાં પણ તે જ મધુરતા દેખો, ત્યારે તમને સત્ય મળ્યું છે; ત્યારે જ સુખ શું છે તે તમે સમજી શકશો, શાંતિ શું છે, પ્રેમ શું છે, તે તમે સમજી શકશો. પણ જ્યાં સુધી તમે આવા મિથ્યા ભેદભાવ કરશો, આવા બાલિશ, મૂર્ખાઈભર્યા વહેમો રાખશો ત્યાં સુધી બધાં પ્રકારનાં દુઃખો આવશે. પણ તે અમર, જ્યોતિર્મય આત્મા પૃથ્વીમાં વસે છે, આ બધી મધુરતા તેની જ છે! અને તેની જ મધુરતા શરીરમાં છે. આ શરીર જાણે કે ધરતી જેવું છે અને શરીરની બધી શક્તિઓની અંદર, શરીરના બધા ભાગોમાં તે જ છે. આંખો જુએ છે, ત્વચા સ્પર્શનો અનુભવ કરે છે; આ બધા આનંદો શું છે? એ શરીરની અંદર સ્વયં પ્રકાશિત આત્મા છે. આ જગત કે જે બધાં પ્રાણીઓ માટે આટલું મધુર છે અને બધાં પ્રાણીઓ જે જગતને માટે આટલાં મધુર છે, તે બધાં આ સ્વયં પ્રકાશિત આત્મા છે. આ અમર તત્ત્વ સૃષ્ટિમાં આનંદ સ્વરૂપે છે. આપણામાં પણ તે આનંદરૂપ છે, તે બ્રહ્મ છે.હવા બધા માણસો માટે મધુમય છે અને બધાં પ્રાણીઓ હવા માટે મધુમય છે. પણ જે સ્વયં પ્રકાશિત અમરતત્ત્વ હવામાં છે તે જ આ શરીરમાં છે. તે સઘળાં પ્રાણીઓમાં જીવનરૂપે પોતાને અભિવ્યક્તિ કરે છે. સૂર્ય બધાં પ્રાણીઓ માટે મધુમય છે; બધાં પ્રાણીઓ સૂર્ય માટે મધુમય છે. સૂર્યમાં જે સ્વયં પ્રકાશિત તત્ત્વ છે, તેને આપણે વિવિધ પ્રકાશરૂપે પ્રતિબિંબિત કરીએ છીએ. તેના પ્રતિબિંબ સિવાય બીજું શું હોઈ શકે? તે શરીરમાં છે અને તેનું પ્રતિબિંબ આપણને પ્રકાશ દેખાડે છે. ચંદ્ર બધા માટે મધુમય છે અને બધા ચંદ્ર માટે મધુમય છે, પણ ચંદ્રનો આત્મા તો તે સ્વયં પ્રકાશિત અમરતત્ત્વ છે. આપણામાં મન તરીકે તે પોતાને પ્રકટ કરે છે. વિદ્યુત આટલી સુંદર છે અને વિદ્યુત માટે બધું સુંદર છે; પણ તે સ્વયં પ્રકાશિત અને અમરતત્ત્વ વિદ્યુતનો આત્મા છે અને આપણામાં પણ તે છે, કારણ કે બધું બ્રહ્મ છે. આત્મા સર્વ પ્રાણીઓનો રાજા છે.આ વિચારો મનુષ્યો માટે ઘણા ઉપયોગી છે; તે ધ્યાન માટે છે. દાખલા તરીકે પૃથ્વીનું ધ્યાન કરો અને એમ જાણો કે પૃથ્વીમાં જે છે અને જે આપણામાં પણ છે, એ બન્ને એક જ છે. શરીરને પૃથ્વીની સાથે એકરૂપ બનાવો અને તેની પાછળના આત્મા સાથે આપણા આત્માને એકરૂપ કરો; હવામાં જે આત્મા છે અને મારામાં જે આત્મા છે તે એક જ છે એમ માનો. તે બધાય એક જ છે, માત્ર વિવિધરૂપે પ્રકટ થયેલા છે. આ એકત્વનો અનુભવ સર્વ ધ્યાનનું અંતિમ લક્ષ્ય છે.[2]

આ સમગ્ર ચર્ચાના સારાંશ રૂપે એટલું જણાય છે કે બધુ આપણને પ્રિય લાગવા મંડે છે કેમકે તે આપણા 'સ્વાર્થ'ને પોષે છે. માટે 'સ્વ'નાં ખરાં સ્વરૂપને સમજવું અને ખોળી કાઢવું જરૂરી છે. 'સ્વ'ની ખરી ઓળખ થકી જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ય બને છે.

સ્વનો ખરો અર્થ

દુનિયામાં બધું જ 'સ્વ'ને કારણે અર્થપૂર્ણ છે, પણ 'સ્વ'નો ખરો અર્થ તન મન બુદ્ધિ અને લાગણીઓનો ગૂંચવણભર્યો સમૂહ નથી. જો બરાબર તપાસ કરવામાં અને પૂછપરછ કરવામાં આવે તો જાણવા મળશે કે 'સ્વ'નો ખરો આત્મન્, ચેતનાનો પ્રકાશપુંજ, છે. બ્રહ્માંડના સર્વ દ્રવ્યનું અસ્તિત્વનું કારણ આત્મન્ છે. આત્મન્ વિના આખું બ્રહ્માંડ 'શૂન્ય' બરાબર છે. એટલે સમજવાનું એ છે કે દરેક જીવ, અજન્મા, અમર, અપરિવર્તનીય, શાશ્વત અને હંમેશાં સ્વર્ગીય સુખમય અને પરિપૂર્ણ આત્મન્ જ છે.

માનવ સંબંધનું દૈવીકરણ

જ્યાં સુધી માનવીને ભૌતિક નજરોથી જોઈશું ત્યાં સુધી માનવ સંબંધનું દૈવીકરણ શક્ય નથી. એટલે માનવી વિશે આપણે 'આધ્યાત્મિક દૃષ્ટિકોણ' કેળવવો જોઈશે. માનવી હાડમાંસનું માળખું નથી પણ હકીકતમાં આત્મન્ છે. જ્યારે આપણે બધામાં આત્મન્ જોવા લાગીશું ત્યારે આપણા સંબંધોનું દૈવીકરણ શક્ય બનશે. 

ઈશોપનિષદનો પહેલો જ શ્લોક કહે છે, આ આ ધરતી પર હલનચલન કરતાં આ બધામાં આત્મન્ છવાયેલ છે.'

જ્યારે આપણે દુનિયાને ઉપરછલ્લી દૃષ્ટિથી જોઈએ છીએ ત્યારે આપણને બધું જ અનાત્મ - ભૌતિક - કળાય છે. પણ જ્યારે ઉંડાણમાં જઈને જોઈશું તો એ જ બધું ભૌતિક હવે આધ્યાત્મિક દેખાશે. એ કક્ષાએ પહોંચવાથી બધું દૈવી, આત્મન્, દેખાશે. આત્મન્ દરેકની અંદર વસેલો 'સ્વ' છે. શંકરાચાર્ય કહે છે તેમ જે માનવી આ જોઈ શકે છે તે પ્રબુદ્ધ બનીને બધામાં દૈવી 'સ્વ' - આત્મન્ - જોવા લાગે છે.

દૈવી દૃષ્ટિકોણનો પ્રભાવ

જ્યારે એકબીજામાં દૈવત્વ જોવાનું શક્ય બને છે ત્યારે પહેલું પરિણામ એ આવે છે કે સ્વાર્થ અને કોઈને માટેનું ખેંચાણ દૂર થાય છે. એ તબક્કે આપણી એકબીજા સાથે લોહીના સંબંધથી કે દૈહિક આકર્ષણથી કે અન્ય કોઈ સ્વાર્થી કારણ કે સંકુચિત આશયથી જોડાવાને બદલે આત્માના બંધનથી જોડાઈએ છીએ.  જ્યારે સંબંધો દૈવત્વના આધાર પર રચાય છે ત્યારે પછી શોક કે વિવાદને સ્થાન નથી રહેતું. માનવ સંબંધનું આ દૈવીસ્વરૂપ બીજાઓ માટે સ્વાર્થવિહિન સેવાના સ્વરૂપે જોવા મળે છે જેમાં સામે કોઈ વળતરની અપેક્ષા નથી હોતી. માનવ જીવનના આધ્યાત્મિક દૃષ્ટિકોણને પરિણામે શારીરિક દૃષ્ટિથી જોવાતા ભતિક સંબંધો ખુબ જ અર્થપૂર્ણ, પરિપૂર્ણ અને ઉન્નત અનુભૂતિમાં પરિવર્તિત થઈ રહે છે.

આટલી ચર્ચાને અંતે એ ખાસ નોંધ લેવી જોઈએ કે માનવ જીવનમાં શ્રેષ્ઠત્વ માનવ વ્યક્તિત્વનાં બિનભૌતિક પાસામાંથી જ આવે છે. ભૌતિક પાસું તો માનવ જીવનનાં અવિનાશી પરિમાણને પામવાની એક બારી છે. હિંદુ ધર્મનો સમગ્ર વિશ્વને આ સૌથી મહાન સંદેશ છે. આ વિવેકવિચારનાં સિંચનની શરૂઆત શાળેય ભણતરથી જ કરી શકાય.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Shuddhidananda ના મૂળ અંગ્રેજી લેખ Divinising Human Relationships: A Perspective from Upnishads નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] સ્વામી શુદ્ધિદાનન્દ માયાવતી સ્થિત અદ્વૈત આશ્રમના અધ્યક્ષ છે. આ આશ્રમનું પ્રકાશન શાખા કેન્દ્ર કોલકત્તામાં છે.

[2] સંદર્ભઃ યાજ્ઞવલ્કય અને મૈત્રેયી (ફેબ્રુઆરી ૫, ૧૯૮૬)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો