![]() |
સાંદર્ભિક તસવીર - નેટ પરથી
એક દિવસ, ઋષિ ભૃગુ વૈકુંઠની મુલાકાતે જઈ ચડ્યા.ત્યાં તેમણે વિષ્ણુને નિદ્રાધીન જોયા. વિષ્ણુ તેમનાં પત્ની સાથે એટલા ભ્રાંત્ચિત્ત હતા કે વિષ્ણુનું ઋષિ તરફ ધ્યાન જ ન ગયું. તેથી ઋષિને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે વિષ્ણુની છાતી પર લાત મારી. વિષ્ણુએ શાંતિ જળવાય એટલા માટે માફી માંગી, પરંતુ જ્યારે તેમના પતિએ કંઈ ખોટું નહોતુંકર્યું ત્યારે લક્ષ્મીજીને તેમના પતિનું આટલું ક્ષમાપ્રાર્થી વર્તન ગમ્યું નહીં.
તેમની વધારે પડતી
શાંતિપ્રિયતાથી નારાજ થઈને, લક્ષ્મીજી વૈકુંઠ છોડીને
પૃથ્વી પર આવી અને મહારાષ્ટ્રના કરવીરપુરા, જે હવે કોલ્હાપુર
કહેવાય છે, માં આશ્રય મેળવ્યો.
લક્ષ્મીજીએ સ્થાનિક લોકોને વચન આપ્યું કે જ્યાં સુધી તેમની પૂજા કરવામાં આવશે
ત્યાં સુધી તેમના જીવનમાં સમૃદ્ધિ રહેશે. વિષ્ણુ તેમની પત્નીની પાછળ પૃથ્વી પર
આવ્યા, પરંતુ લક્ષ્મીજીએ વૈકુંઠ
પાછા ફરવાનો ઇનકાર કર્યો. તેથી વિષ્ણુ ભગવાન દક્ષિણમાં તિરુપતિ ટેકરીઓ પર રાહ જુએ
છે, જેથી લક્ષ્મીજી શાંત થાય અને
પોતાનો વિચાર બદલી શકે. આ વાર્તા આંધ્રપ્રદેશના લોકપ્રિય વૈષ્ણવ મંદિરને
મહારાષ્ટ્રના આ શાક્ત મંદિર સાથે જોડે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જટિલ છે અને
ઇતિહાસ અને રહસ્યના સ્તરો છતી કરે છે.
મહાલક્ષ્મી શબ્દ હિંદુઓ માટે
હાથમાં અનાજ અને સોનાથી ભરેલો વાસણ પકડીને દૂધના સમુદ્રમાંથી નીકળતા કમળ પર ભવ્ય
રીતે બેઠેલાં, સફેદ હાથીઓની સુંઢો તેમના પર
પાણી વરસાવતી હોય એવાં સંપત્તિની દેવીની છબીઓને ઉજાગર કરે છે. છતાં, કોલ્હાપુરમાં આ દેવી ખૂબ જ અલગ લાગે છે. સ્થાનિક લોકો તેમને અંબા-બાઈ, અથવા માતા તરીકે ઓળખે છે, અને તેમનાં સ્વરૂપ અને પૂજા
યુદ્ધનાં દેવી અને રાજાઓનાં આશ્રયદાતા દુર્ગાને
રજૂ કરે છે.
મંદિરમાં જે દેવીની પૂજા થાય
છે તે ચંચળ નસીબનાં દેવી છે કે શક્તિનાં અદ્્ભૂત દેવી છે, તે શોધવા માટે, ફક્ત એ તપાસવાની જરૂર છે કે
સામાન્ય રીતે ગર્ભગૃહની સામે મૂકવામાં આવેલ, દેવી સાથે સંકળાયેલ
પવિત્ર પ્રાણી કયું છે. જો તે હાથી હોય, તો દેવી લક્ષ્મી છે; જો તે સિંહ હોય, તો દેવી દુર્ગા છે.
કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં, તે સિંહ છે (જેમ કે તે
મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં છે), તેને શક્તિ, યુદ્ધ અને રાજવી દેવી તરીકે મજબૂત રીતે સ્થાપિત કરે છે. દર વર્ષે, નવરાત્રિ અને દશેરાની ઉજવણીના ભાગ રૂપે, સ્થાનિક મરાઠા લોકો
દેવીને રીઝવવા માટે બકરીનું બલિદાન આપે છે, કારણ કે દેવીને 'ગરમ' અને 'ઉગ્ર' માનવામાં આવે છે. તેમના
હાથમાં એક વિશાળ ગદા, ઢાલ, એક પાત્ર અને એક ખાટું ફળ છે, જે પ્રતીકો સામાન્ય રીતે
લક્ષ્મી સાથે સંકળાયેલા નથી. મોટાભાગના મંદિરો દેવતાઓ પૂર્વાભિમુખ હોય છે, જ્યારે અહીં દેવીનું મુખ પશ્ચિમ તરફ છે. પશ્ચિમ દિશા સમુદ્રના દેવ, લક્ષ્મીના પિતા વરુણ સાથે સંકળાયેલી છે. વર્ષમાં બે વાર, માર્ચ અને સપ્ટેમ્બરમાં, ત્રણ દિવસ માટે, અસ્ત થતા સૂર્યનો પ્રકાશ બારીમાંથી દેવી પર પડે છે અને ભક્તો આ દેવીને જોવા
માટે ભીડ કરે છે. દેવી જે મહારાષ્ટ્રીયન શણગારથી શણગારેલાં છે, ખાસ કરીને લાક્ષણિક ચંદ્ર આકારની નાકની વીંટી, જે આપણને યાદ અપાવે
છે કે, યોદ્ધા હોવા છતાં, તે પત્ની પણ છે, તેથી માતા છે.
લક્ષ્મી કે દુર્ગા? વિષ્ણુ કે શિવની પત્ની, કે સ્વતંત્ર વ્યક્તિત્વ? શાકાહારી પ્રસાદ કે રક્તનું બલિદાન? વ્યવહારુ 'જીવંત' હિન્દુ ધર્મ બધી સૈદ્ધાંતિક
સીમાઓને અવગણે છે. કોલ્હાપુરના પ્રાચીન મંદિરની દિવાલો પર કોતરણી જોવાથી વસ્તુઓ
વધુ ગુંચવણભરી બને છે. આ કોતરણીઓમાં જૈન ઋષિઓની આકૃતિઓ જોવા મળે છે. ઇતિહાસકારો એ
વાત તરફ ધ્યાન દોરે છે કે આ પ્રદેશના કેટલાક પ્રાચીન રાજાઓ, જેમ કે શિલાહાર રાજવંશ, જેમણે એક હજાર વર્ષ પહેલાં આ
પ્રદેશ પર શાસન કર્યું હતું, તે જૈન હતા. તેઓ આ
પ્રતિષ્ઠિત દેવીને તેમનાં રક્ષક દેવી પદ્માવતી તરીકે જોતા હતા.દેવીનાં આ સ્વરૂપને
તીર્થંકરોનું રક્ષણ કરતાં યક્ષિણી તરીકે જોવામાં આવતી હતી. આ યક્ષિણીને સામાન્ય
રીતે કોલ્હાપુરની મહાલક્ષ્મીની જેમ બહુમુખી સર્પ નીચે બેઠેલાં જોવામાં આવે છે.
પદ્માવતી નામનો અર્થ 'કમળ પર બેઠેલી' થાય છે. તે હિન્દુ દેવી લક્ષ્મીનું પણ એક નામ છે. તેથી સ્વાભાવિક રીતે, જ્યારે હિન્દુ રાજાઓએ જૈન રાજાઓનું સ્થાન લીધું, ત્યારે જૈન દેવી
હિન્દુ દેવી બન્યાં, જે હજુ પણ રક્ષક છે પરંતુ
હવે તીર્થંકરો સાથે નહીં, પરંતુ વિષ્ણુ સાથે જોડાયેલાં
છે. શું દેવીને પહેલાં બકરાનું બલિદાન આપવામાં આવ્યું હતું? શું કોઈ એવો સમય હતો જ્યારે
દેવીને કોઈ પુરુષ દેવતા સાથે જોડવામાં આવતાં ન હતાં? આ પ્રશ્નોનો જવાબ
કોઈ આપી શકતું નથી, કારણ કે ઇતિહાસ ૧,૨૦૦ વર્ષથી વધુ જૂનો છે, અને મર્યાદિત લેખિત દસ્તાવેજ
તરીકે, ભૂકંપ અને આક્રમણોથી બચી ગયો
છે. હકીકતમાં, આજે બધા જવાબો શાકાહારવાદ
અને પિતૃસત્તાનાં સમકાલીન રાજકારણમાં ફસાયેલા છે.
પરંપરાગત રીતે, ભારતના દરેક ગામમાં એક ગ્રામદેવતા અને એક ગ્રામદેવી હતા. પિતૃસત્તાક પૂર્વગ્રહને
ધ્યાનમાં રાખીને ઘણા વિદ્વાનો એવું માને છે કે પુરુષ દેવતા રક્ષક છે અને સ્ત્રી
દેવતા ફળ આપનાર છે. પરંતુ જેમ આપણે કોલ્હાપુરની મહાલક્ષ્મીની પ્રતિમામાં જોઈએ છીએ, એવું નથી હોતું. અહીં દેવી પોષક (તેના હાથમાં ફળ અને પાત્ર છે) અને રક્ષક (તેના હાથમાં ગદા અને ઢાલ પણ છે) બંને છે.
સિંહો પર સવારી કરતી અને
યુદ્ધમાં રાજાઓને મદદગાર બનતાં યુદ્ધ દેવીઓની કથાઓ ફક્ત હિન્દુ પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ દૂરના
મેસોપોટેમીયાની પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. મેસોપોટેમીયાની
પૌરાણિક કથાઓમાં ઇશ્તાર જેવી દેવી છે જે યુદ્ધમાં યોદ્ધાઓ-નાયકઓ-રાજાઓને મદદ કરે છે. હવે અફઘાનિસ્તાન અને
ઈરાન તરીકે ઓળખાતાં દક્ષિણ એશિયામાં જોવા મળતાં સિંહ પર સવારી કરતાં દેવીની સૌથી જૂની કોતરણીઓમાંની આકૃતિઓની ઓળખ કુષાણ રાજાઓની સંરક્ષક દેવી, નાના, તરીકેની છે. બે હજાર વર્ષ પહેલાં, કુષાણ સામ્રાજ્ય મથુરા સુધી વિસ્તરેલું હતું અને કેટલાક વિદ્વાનોના મતે, તેઓએ ભારતમાં સિંહ પર સવારી કરતી યુદ્ધ દેવીનો વિચાર રજૂ કર્યો હતો, જે વિચારનું હિન્દુ કટ્ટરપંથીઓ
દ્વારા ખંડન કરવામાં આવતું રહ્યું છે.
કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર મહારાષ્ટ્રના
ઉસ્માનાબાદ જિલ્લામાં તુલજા ભવાનીનું મંદિર સાથે બહુ ગાઢપણે સંકળાયેલું છે. દંતકથા છે કે દુર્ગાનું સ્થાનિક સ્વરૂપ, ભવાની, શિવાજીના સ્વપ્નમાં પ્રગટ થયાં હતાં અને શિવાજીને તલવાર ભેટમાં આપી હતી તેમજ સત્તરમી સદીમાં મુઘલોની તાકાતને પડકારવા અને હિન્દુ મરાઠા
રાજ્યની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. છત્રપતિ શિવાજીના મૃત્યુ પછી, તેમના બે પુત્રો, સંભાજી અને રાજારામ, વચ્ચે ઉત્તરાધિકારના વિવાદને કારણે ભોંસલે રાજવી પરિવાર બે ફાંટાઓમાં વહેંચાઈ ગયો. જે ફાંટો સતારામાં સ્થાયી થયો તેણે તુલજા ભવાનીના મંદિરને પુરસ્કૃત કર્યું હતું અને કોલ્હાપુરમાં સ્થાયી થયેલ ફાંટાએ અઢારમી સદીમાં મહાલક્ષ્મીના
મંદિરની પુનઃસ્થાપના કરી. (મુઘલ આક્રમણકારોથી તેનું
રક્ષણ કરવા માટે મૂર્તિને છુપાવીને રાખવામાં આવી છે). ભારતીય પુરાણકથાઓમાં સ્પષ્ટ છે કે સિંહ-સવાર દેવીની કૃપા વિના, કોઈ રાજાનું અસ્તિત્વ નથી.
- મુંબઈ મિરર માં ૧૦ જુલાઈ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The faces of Mahalakshmi નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨ જુલાઈ ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો