મંગળવાર, 24 જૂન, 2014

મૃત્યુનો જન્મ - દેવદત્ત પટ્ટનાઇક



કહે છે કે તારાઓ બનતા રહે છે અને નાશ પામતા રહે છે. ગ્રહોનું પણ તેવું જ છે. તેવું જ વળી પ્રકાશનું પણ છે. પણ, શું ખરેખર તેમનો નાશ થાય છે ખરો? મૃત્યુ પામવા માટે જીવંત રહેવું પડે, જીવવાની ખેવના સેવવી પડે, ભયથી આઘા થવું પડે, સંરક્ષણ અને પોષણ મેળવવું પડે. જ્યારે મૃત્યુનો અહેસાસ થાય, તેનો ડર લાગે, ત્યારે જીવનનો આરંભ થાય છે. મૃત્યુના જીવલેણ બાહુપાશમાંથી બચવાની ભરપૂર કોશીશ અસ્તિત્વ - વસ્તુ નહીં, પ્રાણી -દ્વારા કરાઇ. પછી એ સમુદ્રની ઊંડાઇઓ કે તેની સપાટી પર તરતાં, સૂર્યપ્રકાશ ને પાણીમાટે હવાતીયાં મારતાં, વિષાણુ હોય, કે એક જ કોશથી પણ નાનાં અમીબા હોય, પ્રજનન દ્વારા બેવડાઇને પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાની તક પણ બમણી કરવા મથે છે.
સૂક્ષ્મ જીવાણુઓનો જીવન માટેનો સંગ્રામ આપણે નજરે જોઇ નથી શકતાં.સૂર્ય તરફ વિકસતા છોડ આપણે જોઇએ છીએ.  પાણીના સ્ત્રોત તરફ ફેલાતાં તેમનાં  મૂળિયાં અને પાંદડાઓથી લચી પડેલ ડાળીઓ વડે અસ્તિત્વને ટકાવવાની તેમની ખેંચતાણની સાથે, કોઇ પ્રાણી કે પક્ષી જ્યારે તેની ડાળી કે ફૂલ કે ફળ કે પાન કે આખુંને આખું થડ ખેંચી કાઢતું હોય ત્યારે તે ત્યાંથી ભાગી નથી શકતાં તે પણ જોઇએ છીએ. પોતાના વપરાશને તે મૂકપણે સહન કરે છે, એ આશામાં કે બીજમાંથી ફરી વાર તે પુનઃસ્થાપિત થશે.
ભૂખમરાથી બચવા પ્રાણીઓ ખોરાક ખાય છે. શિકારીના હાથે મોતથી બચવા તે ભાગી છૂટવા મથે છે. વધારે ને વધારે ખોરાક મેળવવા માટે તે હરીફાઇ પણ કરે છે. એક સાથે ધણ કે ટોળાંમાં રહીને તેઓ મૃત્યુને દૂર રાખવાની કોશીશમાં રહે છે. અસ્તિત્વ ટકાવવા માટે તેઓ સ્થળાંતરો પણ કરે છે. એકબીજાંના ભક્ષ્ય બનવાનો તેમનો ક્રમ પણ જીવનને લંબાવવાનો જ યત્ન છે.  કેમેય કરીને જીવનને કંઇક અંશે લંબાવવા કે મૃત્યુને કંઇ પાછું ઠેલવા માટે કરીને બધાં જ સજીવ પ્રાણીઓ સંવનન કરે છે, તેમ જ સ્વરૂપ પણ બદલતાં રહે છે. કુદરતમાં દેખાતું સઘળું વૈવિધ્ય મૃત્યુને વશ ન થવાના તેના કૃતનિશ્ચયમાંથી જ પેદા થાય છે.
જીવન અણમોલ છે તે ખરૂં, પણ જીવન છે શું? માનવ આવ્યાં પહેલાં આ બાબતે કોઇ વિચાર પણ નહોતો કર્યો. પૃથ્વીની વય જો એક દિવસની ગણીએ, તો માનવને તો તેના પર પગ મૂક્યે એક મિનિટ જ થઇ છે, ડાયનોસૉરને ૧૦ મિનિટ અને નર કે નારી જા તિના ઉદયને લગભગ ૬ કલાક  થયા છે. સૂર્યોદય પહેલાં, વહેલી સવારે, મૃત્યુનો જન્મ વીસેક કલાક પહેલાં થયો છે. આપણા પછીની દુનિયાનો કાલ્પનિક ચિતાર આપણી સમક્ષ ખડો કરી મૃત્યુ વિષે વિચારતાં આપણને ત્રીસેક સેકંડ થઇ હશે. આપણે તેનાથી ભયભીત થઇ ગયાં.
તોફાનો કે શિકારીઓ આપણે મારી ન નાખે, કે આપણે પોતે જ અંદરોઅંદર કપાઇ ન મરીએ, તેટલા માટે કરીને આપણે ખેતરો ઘડી કાઢ્યાં, શહેરો અને બજારો  ઊભાં કરી દીધાં. મૃત્યુએ આપણને સભ્ય થવાની ફરજ પાડી. આ મારૂં અને પેલું તારૂં એમ મિલ્કતના વિચારને વહેતો કરીને, આપણે શારીરીક રીતે મૃત્યુ પામ્યા પછી પણ, એ મિલ્ક્તનાં ઓઠાં હેઠળ આપણે આપણાં અસ્તિત્વના આભાસને લંબાવ્યો. એમ કહો કે, મિલ્કત વડે આપણે અમરત્વ પામવાનું આપણું સપનું પૂરૂં કર્યું.
મૃત્યુને સમજવવા આપણે કહાણીઓ કહી, આપણાં મૃતકોમાટેનાં સ્મારકો રચી, તેમને પર્યટકો માટે આકર્ષણોમાં ફેરવી નાખ્યાં. મૃત્યુને વધારે સહ્ય કરતી, વારસા , સ્વર્ગ કે પુનઃજન્મની કથાઓ પણ આપણે પ્રચલિત કરી. જીવનને વધારે ઇચ્છનીય બનાવતી વાતો પણ આપણે વહેતી કરી. મૃત્યુએ આપણી નજરમાં ઈશ્વર, શયતાન, આત્મા, અન્ય યોનિઓનાં નિવાસીઓને ખડાં કરી આપ્યાં. મોત તો યુવાન કે સુંદર કે શક્તિશાળી, કે સંત કે બાળક, કોઇને પણ છોડતું તો છે નહીં, એટલે મૃત્યુએ આપણને સમાનતા ભણી વિચારતાં કર્યાં. મૃત્યુએ આપણે સામેની વ્યક્તિની આંખમાં, અર્થવિહિન,અમાન્ય જીવન જીવવાનો ભય પણ દેખાડી આપ્યો. ભયભીત કે નિરાશ લોકોને પ્રેમ કે સાંત્વના આપવાનું પણ આપણને મૃત્યુએ શીખવાડ્યું. મૃત્યુએ અંતની એવી તારીખ છાપી નાખી જે ભલભલી સંજીવનીઓ પણ ભૂંસી નથી શકતી.
જ્યાં સુધી મૃત્યુ ફરીથી જન્મ લેવાનું અને જીવનને ફરીથી ધબકતું કરવાનું નક્કી ન કરે ત્યાં સુધી, એક વાર તો જે કોઇ પેદા થયું છે તે બધાંનો નાશ નક્કી જ છે. ફરીથી  તારકભસ્મ થવું જ રહ્યું.

  •  'મિડ ડે'માં ઑગસ્ટ ૨૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁજૂન ૨૪, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો