શનિવાર, 28 જૂન, 2014

શ્રેણી દૂરંદેશીનું મૂલ્ય :: ૧૦ : ક :: જૅસ્સૅ લીન સ્ટૉનર :: વચ્ચેની ખાલી જગ્યા પર ધ્યાન ન આપવાને કારણે આપણું દીર્ઘ દર્શન નિષ્ફળ જઈ શકે છે
એક સંમેલનમાં પડેલા નાના વિરામ દરમ્યાન પોતાનો પરિચય કરાવતાં ફણીશે મને કહ્યું કે, “થોડાં અઠવાડીયાં પહેલાં, અમારી કંપનીમાં એક લાંબી પહોળી બેઠક થઇ હતી, જેમાં અમારા પ્રમુખે તેમનું દીર્ઘ દર્શન રજૂ કર્યું હતું. તેમાં બહુ બધા ફેરફારોની વાત કરાઇ છે, જેને માટે, ઓછા કે વધારે અંશે, અમારામાંના ઘણાંને શંકાઓ હતી. પણ એક વાત તો સ્વીકારવી જ પડે કે, તેમની રજૂઆતના અંત સુધીમાં તેમણે બધાંને પોતાની વાત ગળે ઉતારી તો દીધી હતી. આખી રજૂઆત પ્રભાવશાળી તો જરૂર હતી.”

મારો પ્રતિભાવ હતો - "બહુ જ સરસ. પછીથી શું થયું ?"

“પૂર્વ ક્ષેત્રનું વેચાણ મારા હસ્તક છે. દીર્ઘ દર્શનના એક મહત્વના પ્રસ્તાવ મુજબ, વેચાણની ટીમને કેન્દ્રીય મુખ્યમથકમાંથી ખસેડીને અમારે અમારી જે પ્રોપર્ટીઝનું જે ક્ષેત્રમાં વેચાણ કરવાનું છે, ત્યાં, ગ્રાહકોની નજદીક ખસેડવાની છે. મારાં ક્ષેત્રનાં આઠ શહેરોમાં અમારી નોંધપાત્ર પ્રોપર્ટીઝ આવેલી છે, એટલે મારી વેચાણની ટીમને ત્યાં ખસેડવાની થશે.”

ફણીશ તેમનાં લોકો શું કરશે તેની વાત કરતા રહ્યા હતા, જેમાં પોતે શું કરશે તે દેખાતું નહોતું. હવે પછી્ના તબક્કામાં ફણીશ અને તેના સહયોગીઓને તેમની ભૂમિકાનાં મહત્વ વિષે સમજાવવામાં ન આવે તો, મને એ કંપની મુશ્કેલીઓમાં સરી જતી જણાઇ રહી હતી.

પોતાનાં દીર્ઘ દર્શનના અમલમાં નિષ્ફળ જવાનું એક મુખ્ય કારણ એ છે કે વચ્ચેની "ખાલી જગ્યાઓ" ઉપર અગ્રણીઓ પૂરતું ધ્યાન નથી આપતાં.

૩૦૦૦ ફૂટ ઊંચે ઊડી રહેલાં બલૂનમાંથી દેખાતાં દૃશ્ય અને જમીન પર ચાલી રહેલ રોજબરોજની ગતિવિધિઓના દૃશ્ય વચ્ચે જે ખાલી જગ્યા પડી રહેલ છે તેના પર અસરકારકપણે ધ્યાન ન આપવાથી બહુ જ સારી રીતે ઘડાયેલ દીર્ઘ દર્શન પણ નિષ્ફળ જઇ શકે છે.

૩૦૦૦ ફૂટની ઊંચાઇએથી જમીન પર જે દૃશ્ય દેખાય છે તે નજદીકથી દેખાતાં ચિત્ર કરતાં ઘણું અલગ હોય છે. "વચ્ચેની જગ્યા"એથી નજર કરવાથી ઊંચે બેસીને ઘડી કાઢેલ પરિકલ્પનાને કામની વાતની વાસ્તવિક ભાષામાં પરિવર્તીત કરવાનું શકય બને છે.
  
  
મધ્ય સ્તરની સંચાલન ટીમની મહત્વની ભૂમિકા 

મોટા ભાગે કંપનીઓમાંનાં સચાલનનાં મધ્ય સ્તરને પ્રથમ હરોળના કાર્યકર્તા અને વરિષ્ઠ સંચાલકો વચ્ચેનાં સંદેશવહન માધ્યમ તરીકે અસરકારક થવા માટે પૂરતું સજ્જ જ નથી કરાયું હોતું.

"વચ્ચેની જગ્યાઓ"ના સંદર્ભમાં, પ્રથમ હરોળનાં કર્મચારીઓને દીર્ઘ દર્શન સાથે સાંકળી લઇ, તેમની એ બાબતે શું ભૂમિકા છે અને તેને સિદ્ધ કરવામાટે તેમણે શું કરવું જોઇએ તે સમજાવવાની અને એ કર્મચારીઓને સાથે લઇ ને ચાલવાની ઘણી અગત્યની જવાબદારીઓ ફણીશે નિભાવવાની છે. રોજબરોજની પ્રવૃત્તિઓમાં દીર્ઘ દર્શન કેમ અસર કરી શકે તે સમજવામાં ફણીશે એ લોકોને મદદ કરવાની છે.

પ્રમુખની રજૂઆતનો કરિશ્મા ફણીશને કામ નહીં આવે. તે પોતે પણ એવા જ કરીશ્માઇ હોય તો પણ એ અભિગમ ઉપયોગી નહીં નીવડે. ફણીશે તો તેની પ્રથમ હરોળ સાથે સંવાદ સાધવાનો છે, તેમને આંજી નથી નાખવાનાં. 
"જાઓ" અને "ચાલો"
દીર્ઘ દર્શનના અમલની નિષ્ફળતાનું મુખ્ય કારણ " જાઓ" અને "ચાલો" વચ્ચે ફરક કરી દેતો પક્ષપાતયુકત અભિગમ છે. "વચ્ચેની એ જગ્યા"માં 'જાઓ' અને 'ચાલો'ની વચ્ચે "ભળવું" એ બહુ જ મહત્વની કડી બની રહી શકે છે.

"વચ્ચેની એ જગ્યા'ને સફળતાથી પાર કરવા માટે દીર્ધ દર્શનના અર્થને સંસ્થાનાં દરેક વર્ગનાં કર્મચારીઓને તેમનાં કામના સંદર્ભમાં સમજાવવા માટે, તેની અસરો અને પરિણામો વિષે સમજાવવા માટે તેમ જ એ દીર્ઘ દર્શનનાં ઘડતર અને અમલમાં પ્રદાન કરવા માટે ઠંડે કોઠે વિચાર કરવો જોઇએ.

જ્યારે મધ્ય અને પ્રથમ સ્તરનાં લોકો દીર્ઘ દર્શનનાં ઘડતરમાં સામેલ થાય છે, ત્યારે તેમને તેનાં અર્થઘટન બાબતે ઊંડી સમજ પડવા લાગે છે, જેને કારણે દીર્ઘ દર્શન વિષેની તેમની પ્રતિબધ્ધતા વધારે પ્રબળ બને છે. હવે તેઓ પોતાની સંસ્થાને એક નવા જ દૃષ્ટિકોણથી જૂએ છે. વળી, આને કારણે, દીર્ઘ દર્શનને વધારે પ્રબળ કરવા માટેના વિચારો પણ તેમની પાસેથી મળી શકે છે.

દરેક સ્તરનાં અગ્રણીઓએ પોતપોતાની કક્ષાની "વચ્ચેની એ જગ્યા" માટે ધ્યાન આપતા રહેવાની જવાબદારી ઉઠાવવાની રહે છે. 
 

દરેક કક્ષાના અગ્રણીઓ માટે 'વચ્ચેની જગ્યા' સાથે તાલમેલ મેળવવાના માટેના સાત માર્ગ : ૧. દીર્ઘ દર્શનમાં સુધારા વધારા કરવા માટે, તેમ જ લાગતાં વળગતાં સાથે આ બાબતે સંવાદ સાધવા માટે, લોકોનાં સૂચનો લેવાં

૨. અમલીકરણના શ્રેષ્ઠ વિકલ્પ માટે લોકો સાથે વાતચીત કરવી - તેમની રોજબરોજની પ્રવૃત્તિઓમાં શું ફરક કરવો જરૂરી છે ? તેમની પ્રાથમિકતાઓ શું હોવી જોઇએ ? તેમની નજર સામે બૃહદ ચિત્ર રહે, જે તેમની પ્રવૃત્તિઓને માર્ગદર્શન પૂરૂં પાડતું રહે વગેરે. તેમની જે પ્રવૃત્તિઓ દીર્ધ દર્શનની સાથે સંકળાયેલી ન હોય, તેમાં ક્યાં તો જરૂરી ફેરફાર કરવા , કે પછી સાવ જ તે સાવ જ બંધ કરી દેવી તે બાબતે પણ વાતચીત થતી રહેવી જોઇએ.

૩. લોકોની સાથે, બને તેટલું વધારે, મળવાનું કરતાં રહેવું. દીર્ઘ દર્શનને લોકોનાં મનમાં સ્થાન મળવામાં સમય લાગે છે. એ દરમ્યાન તેઓ ઇચ્છિત માર્ગ ચૂકી ન જાય એ માટે તેમના ઉદ્દેશ્યોની દીર્ધ દર્શનનાં સર્દર્ભે સમીક્ષા કરતાં રહેવું જોઇએ. તેમાં આવી રહેલી નાની મોટી સમસ્યાઓનાં નિવારણમાં તેમની સાથે ઊભા રહેવું.

૪. અમલીકરણમાં આવી શકે તેવા અવરોધોની આગમ ચેતવણી જાણ કરવાની ભૂમિકા ભજવવી. હાલની ઘટનાઓમાં ભવિષ્યની સંભવિત મુશ્કેલીઓનાં વલણ પારખવાં અને સહયોગીઓ સાથે તે બાબતે મુક્તપણે ચર્ચા કરવી. જેમ કે, સંસ્થાનું મધ્ય સ્તરનું સંચાલક મંડળ કે પ્રથમ હરોળ ફેરફારોને જે ઝડપથી અપનાવી શકે તે કરતાં વરીષ્ઠ સંચાલકો વધારે ઝડપે આગળ વધી રહ્યાં હોય કે પરિવર્તનને લગતી કોઇ વ્યૂહરચનામાં કોઇ એવો ફેર કરવો જે વિષે બધાં જાણતાં તો હોય, પણ ખુલીને બોલતાં ન હોય.

૫. સફળ અમલીકરણના માર્ગમાં જે અડચણો આવી શકે હોય તે ખોળી કાઢવી અને સહયોગીઓની મ્દદથી તેમનાં નિવારણમાં પ્રવૃત્ત થવું.

૬. લોકોને કયાં સંસાધનો જોઇશે, કયાં નવાં કૌશલ્ય મેળવવાં પડશે કે સહેલાઇથી આગળ વધવા માટે લોકોને શું મદદની જરૂર પડશે જે જાણવું જોઇએ.

૭. સમસ્યાઓનાં નિવારણ અંગે તેઓએ જે ઉપાયો વિચાર્યા હોય તે અંગેની તેમની ચિંતાઓને ધ્યાનથી સાંભળવી અને સાંભળવામાટે હંમશાં ઉપલબ્ધ રહેવું, કારણ કે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ અને સજ્જ હોવા છતાં પરિવર્તન લાવવું કપરૂં તો છે જ. એટલે પોતાની ચિંતાઓ કોઇ સાંભળવા તૈયાર છે અને તે બાબતે પરવા કરે છે તેમ જાણવું એ પણ બહુ મોટી હૈયાધારણ પરવડી શકે છે.