એક જ અવાજ નુડલ્સ પણ
વેંચે, સીમેંટ પણ વેંચે કે પછી પ્રવાસન કે સખાવત વેંચે એ વાત
મારા મગજમાં ઘુમરાયા કરે છે. ઘરડાં થતાં જતાં સુપરસ્ટારની ખેંચાવેલી રાખેલી
ચહેરાની ચામડી વડે પોતાનાં સરી જતાં યૌવનને વળગી રહેવાની કોશીશોને કારણે આ વિચારોની પાછળના વિચારો પેદા થતા હતા.
કુદરત (પ્રકૃતિ)માં
દરેકનું મહત્વ છે. દરેક સજીવ પ્રાણી પોતાની રીતે આગવું છે. દરેક માટે પોતાની એક
ચોક્કસ જગ્યા છે . પ્રાણીની શારીરીક લાક્ષણિકતા અનુસાર, શિકાર અને શિકારીની
ખોરાકની સાંકળ કે કયાં બળવાનનાં આધિપત્ય સામે કયાં નબળાંએ ઝૂકી રહેવું જેવી
અધિશ્રેણીઓ બને છે. સામર્થ્યવાનનું મહત્વ એ છે કે તે ટકી રહે છે, અને નબળાનું મહત્વ એ છે કે તે બીજાંને ટકી રહેવામાં મદદ કરે છે.
આમ, કુદરતને કોઇ વહાલું દવલું નથી. કોઇને પણ ખાસ ગણીને ચલાતું નથી. શિકાર પકડી
પાડવો હોય તો શિકારીએ શિકાર કરતાં વધારે ઝડપથી ભાગવું પડે; પણ જો શિકાર વધારે
ઝડપથી ભાગી શકે, તો તે દિવસ પૂરતી તે પોતાની જાન બચાવી પણ શકે. જે
દિવસે સબળું જરા પણ ઢીલું પડ્યું, એ દિવસે એની જગ્યા લઇ લેવા પાછળ કોઇ ઊભું જ છે.
કુદરતમાં કોઇ અધિશ્રેણીઓ કાયમી નથી હોતી. હમેશાં ચાલતાં રહેતાં પરિવર્તનમાં કોઇ જ
બાહેંધરીખત નથી ધરાવી શકતું.
માનવ નજરે
સામર્થ્યવાનને વિશિષાધિકારી તરીકે જોવામાં આવે છે. જો કે આ ભેદ કુદરતી નથી, પણ એક સાંસ્કૃતિક ભેદ પાડવામાં આવ્યો છે. માનવી કુદરતની નબળાંની સરખામણીમાં
સબળાંને તરફેણ કરવાની રીતને અનુચિત સમજે છે. સંસ્કારીતા એક એવા ન્યાયોચિત સમાજની
રચના કરવા માગે છે જેમાં નબળાં લોકોને પણ અધિકાર મળે. પણ સાંકૃતિક કે સામાજિક કે
વાસ્તવિક સંસ્કારીતા વ્યક્તિગત સ્તરે કલ્પાયેલ વાસ્તવિકતાનાં બ્રહ્માંડ પર અંકુશ
નથી મેળવી શકતી.
દરેક વ્યક્તિ પોતાની
જગ્યાએ બ્રહ્મ છે, જે દરેકને ખાસ બની રહેવું છે.બીજાં પર આધિપત્ય ન
કરવું હોય તો પણ પોતાના આગવાપણાંને કારણે તેને મહત્વ જોઇએ છે. પછી ભલેને એ તફાવત
ગુણાત્મક હોય, કે માત્ર સંખ્યાબળનો હોય; એ તફાવત સ્પષ્ટપણે
માપી શકાય તેવો હોય કે પછી માત્ર પોતાના ખયાલોમાં કલ્પી લીધેલો હોય. તફાવત પડે તે
મહત્વનું છે.
હિંદુ ધર્મમાં એટલા
સારૂં જ અનેક દેવી દેવતાઓ છે: દરેકને પોતાની લાક્ષણિકતાઓ છે. આપણને સતત કહેવાતું
રહે છે કે બધા દેવીદેવતાઓમાંનો ઇશ્વર તો
એક જ છે, એ બધાં તો તે સત્યનાં અલગ અલગ સ્વરૂપ છે. અને તેમ
છતાં દરેક દેવી દેવતાને પોતપોતાના અલગ અલગ,ચોક્કસ પ્રકારનાં પાન
અને ચોક્કસ પ્રકારના ખોરાકના, ભોગ છે: શિવને કાચું દૂધ અને રાંધ્યા વગરનો આહાર અને બિલીપત્ર ચડાવવામાં આવે
છે, જ્યારે કૃષ્ણને તુલસીનાં પાનની સાથે ગોળ-ઘીમાં રાંધેલ
અન્ન અને માખણ ધરવામાં આવે છે. બધાંની સાથે જૂદી જૂદી રીતે વ્યવહાર કરવો કાર્યક્ષમ
ન પરવડે, પણ દરેક દેવી દેવતાનાં આગવાપણાંને એનાથી બહુ
અસરકારકપણે સ્થાપિત કરી શકાય છે.
માટે જ કોઇ દેવી
દેવતા્નું અસ્તિત્વ તેનાં સાથીદાર કે
સંતાન કે સેવક કે મિત્ર કે પ્રાણી-વનસ્પતિ કે દ્રવ્યોની પારિસ્થિતિક તંત્ર
વ્યવસ્થા વિના સંભવ નથી. તેમ જ તેના થકી, કંઇ પણ એકલપંડે ટકી
શકે તેમ નથી તેની પણ યાદ આપણને અપાવે છે.
આપણે એક બધાં જ એક જાળનો હિસ્સો છીએ, જેમાં કોઇ એક દેવી કે
દેવતા સંદર્ભ અનુસાર વધારે કે ઓછું મહત્વનું બનતાં રહે છે. તેમનું મહાત્મ્ય એ
સંદર્ભ છે ત્યાં સુધી જ રહે છે. ફરીથી તેમની જરૂર પડે નહીં ત્યાં સુધી,આખરે, તો દરેક દેવી દેવતાનું પૂજાને અંતે પાણીમાં વીસર્જન
થવાનું તો છે જ.
આપણે જે કંઇ છીએ તે
માટે આગવું સ્થાન મેળવવાનું તો આપણને ગમે છે, પણ તે મહત્વ માત્ર ખપ
પૂરતું જ રહે છે તે કઠે છે. બ્રહ્મ તરીકે આપણે બીજાં કરતાં વધારે મહત્વનું તો થવું
છે, પણ એ મહત્વ શાશ્વત હોય તો કામનું. અને એટલે જ આપણે
સમાજ અને સંસ્કારીતાની રચના કરી છે. આપણે આપણા વ્યવસાયમાંથી નિવૃત તો નથી થવું, પણ નિવૃત ન થવા માટેનાં
ધરખમ સબળ કારણો ધરતાં રહેવું છે; એવી ફિલ્મો અને જાહેરાતોમાં કામ કરતાં રહેવું છે કે જે વધતાં જતાં વૃધ્ધત્વ છતાં દરેક સપ્તાહાંતમાં સો સો કરોડના વકરા ઉસેડીને
આપણું પહેલા નંબરના સુપરસ્ટાર તરીકેનું સ્થાન બરકરાર બનાવી રાખે.
'મિડ ડે'માં ઑગસ્ટ ૨૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત
થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Celebration of uniqueness,લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૪, ૨૦૧૩ના રોજ Indian Mythology • Myth Theory • Ramayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૪, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો