બુધવાર, 9 જુલાઈ, 2014

માનવ સંસાધનોનું કૉર્પોરેટ સામાજીક જવાબદારી સાથેનાં સહજીવનનું અનોખું સમીકરણ - કૌશલ માંકડ 
ઉપરનાં ચિત્રમાં, નાનું શું એક કાળું પક્ષી, પ્લૉવર, આફ્રિકાના મગરના દાંતમાં ફસાયેલા માંસના નાના નાના ટુકડા કાઢી આપતું જોવા મળે છે. આપણે જ્યારે શાળામાં ભણતાં હતાં ત્યારે આપણને શીખવાડાયેલું કે આ પ્રકારની ઘટનાને 'સહજીવન’ (Symbiosis) કહેવાય.
મજાની વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન, જ્યાં સુધી પેલું પ્લૉવર માંસના ટુકડા કાઢતું રહેતું હોય છે, ત્યાં સુધી એ મગર ડાહ્યો ડમરો બની શાંતિથી પ્લૉવરને એનું કામ કરવા દેતો રહે છે. મગરમચ્છના દાંત સાફ થઇ જાય છે, અને તેને દાંતને સડા સામે રક્ષણ મળે છે અને પેલાં નાનાં પ્લૉવરની ભૂખ ભાંગે છે, અને તે પણ વળી તેને અનુકુળ પડે તેવાં માપમાં કાપી કરીને તૈયાર માંસના નાના ટુકડાના સ્વરૂપે. બંને પક્ષને ફાયદો થાય તેવું સહજીવન..
કુદરતની આ વ્યવસ્થા આજનાં આધુનિક કૉપોરેટ વિશ્વને પણ કંઇક  શીખવાડી જઇ શકે તેમ છે !!!
પોતાની ચુનંદા ટીમનાં સભ્યો સાથે એક સમીક્ષા બેઠક કરીને એક બહુરા ષ્ટ્રીય કંપનીના મુખ્ય સંચાલક હવે એક પંચતારક હૉટેલમાં  એક બહુ જ મહત્વની મુલાકાત માટે જવા નીકળે છે. એ મુલાકાત છે તેમની કંપનીના એક પ્રવર સંચાલક સાથે એક અનૌપચારીક બેઠક. સામાન્ય સંજોગોમાં આવી મુલાકાતને કોઇ બહુ મહત્વ ન આપે. પરંતુ આ સામાન્ય જણાતી મુલાકાત બહુ જ ઉમદા પરિણામો સિધ્ધ કરી શકવાની સંભાવના ધરાવે છે.
કંપનીનાં મધ્ય સ્તરનાં સંચાલકો માટેનાં માર્ગદર્શનના કાર્યક્રમ હેઠળની આ પ્રકારની  બીનઔપચારિક  મુલાકાત એ પ્રવર સંચાલક કંપનીના મુખ્ય સંચાલક સાથે ખાસ પ્રકારનાં લિલામમાં જીતી ગયા હતા. ગરમા ગરમ ઈડલી, ચટાકેદાર ચટણી અને મધમઘતી કૉફીના નાસ્તા સાથે એ મુખ્ય સંચાલક અને પ્રવર સંચાલક એક કલાક માટે નેતૃત્વના પાઠનાં માર્ગદર્શનને લગતી મુક્ત ચર્ચાઓ કરવાના છે. બંને પક્ષ માટે આ એક બહુ જ અવિસ્મરણીય અનુભવ બની રહેવાનો હતો.
બહુ થોડી કંપનીઓએ તેમનાં કર્મચારીઓ સાથે સીધાં જોડાણના પુલ બાંધવા માટે આવી પહેલ આદરી છે. બહુ જ અવનવી વસ્તુઓની બોલી લગાવેલ હરાજીની એક આગવી પ્રક્રિયા દ્વારા આ મુલાકાત નક્કી કરાતી હોય છે. જુદી કંપનીઓ આ પ્રકારની પહેલને અલગ અલગ નામાભિધાન કરેલાં છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંકળાયેલાં કર્મચારીઓ માટે પેલી સ્વાદિષ્ટ ઇડલી અને ચટણીની મેળવણી જેવો જ કૉર્પોરેટ સામાજિક જવાબદારી અને માનવ સંસાધન વિકાસનો સુભગ આ સહઅનુભવ પરવડે છે.
કંપનીનાં વરિષ્ઠ સંચાલન મંડળનાં કોઇ એક સભ્ય સાથે કંપનીનાં કોઇપણ સંચાલક કર્મચારી સવારના નાસ્તા કે રાત્ર-ભોજન કે ગૉલ્ફ કે ટેનિસ કે ચેસની રમતની એક બેઠક માટેની હરાજીની હોડ લગાવી શકે છે. હરાજીની હોડમાં કર્મચારી કંપનીના કૉર્પોરેટ જવાબદારી કાર્યક્રમ માટે પોતા તરફથી ક્યાં તો કોઇ નાણાંકીય કે કોઇ બીનનાણાંકીય યોગદાનના બદલામાં તેમની પસંદના સંચાલક મંડળનાં વરિષ્ઠ સભ્ય સાથે એક કલાકની મુલાકાત જીતે છે. ઘણીવાર કર્મચારી સામાજીક કાર્યક્રમનાં સંચાલનમાં પોતાનાં રોજીંદા કામના સમય ઉપરાંત વધારાનો સમય અને / અથવા આવડત પણ હરાજીમાં લગાવી શકે તેમ પણ ગોઠવણ કરાતી હોય છે.   કંપની પણ પોતાના તરફથી કર્મચારીના યોગદાનને અનુરૂપ યોગદાન આ પહેલમાં લગાડે છે. વરીષ્ઠ સંચાલક પોતાનું જ્ઞાન અને અનુભવ સહયોગી કર્મચારી સાથે વહેંચવાની તૈયારી દાખવે છે.
સામાન્ય રીતે, આ પ્રકારના કાર્યક્રમોમાં કર્મચારી તેમ જ વરિષ્ઠ સંચાલક, કંપનીના કૉર્પોરેટ સામાજિક જવાબદારીને લગતા કે અન્ય કોઇ પણ બીનપ્રણાલિકાગત કાર્યક્રમોનાં આયોજન કે અમલીકરણ બાબતે કર્મચારીનાં યોગદાન અને કંપની વ્યૂહરચના જેવા વિષયોને આવરી લે અને કોઇ ને કોઇ નક્કર સુચનો રજૂ કરે તેવી અપેક્ષા પણ રખાતી હોય છે.
આ પ્રકારની  મુલાકાત માટેનાં કયા કયા પ્રકારનાં વિવિધ કારણોની ભૂમિકા અંગે વરિષ્ઠ સંચાલક મંડળને થતી જાણ, સંચાલન તંત્રનાં જુદાં જુદાં સ્તર સાથેનો સીધો સંપર્ક અને કર્મચારીઓનો કંપનીનાં કૉર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો (કે કોઇ પણ નવાં પરિવર્તન માટેની યોજના) માટેનો સ્વપ્રેરણા સભર, ઉત્સાહજનક,  સ્વયંસ્વીકાર જેવા અનેકવિધ પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદાઓ એ આ પ્રકારના પ્રયોગોને બહુ જ રસપ્રદ અને ઉપયોગી બનાવે છે.  બંને પક્ષ માટે આ પ્રકારનો કાર્યક્રમ એક બહુ જ ઉમદા પહેલ નીવડે છે.
કંપનીના કૉર્પોરેટ સામાજીક કાર્યક્રમ જેવી કંપનીની ખાસ પરિયોજનાઓ માટે  ઔપચારિક માધ્યમો વડે કર્મચારીઓનો  જે કક્ષાનો ટેકો મળે તે  કરતાં આ પ્રકારના પ્રયોગો દ્વારા મળતાં ઉઓગદાન ઘણાં  જ વધારે પ્રેરણાત્મક, ઉત્સાહી અને સ્વયંભુ હોય છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં  વરીષ્ઠ મડળ અને અન્ય કર્મચારીઓના એકબીજાંના દૃષ્ટિકોણને પણ એકસૂત્રથી, સીધાં જ સાંકળી શકવાનો ફાયદો તો મળે જ છે. કંપનીના વરિષ્ઠ સંચાલકોને  પણ તેમના મધ્ય સ્તરનાં સંચાલકોને જાણવા સમજવા માટેની આવી બીનઔપચારીક તક ભાગ્યે જ મળતી હોય છે.
કર્મચારીઓ સાથે સીધું જોડાણ સાધી તેમની સાથે તેમનાં સત્તાવાર નિયત થયેલાં કામ તેમ જ કંપનીના અન્ય, બિનપ્રણાલિકગત કાર્યક્રમો માટે પણ જોડાવાની તેમની સ્વૈચ્છીક પ્રેરણા બન્ને બાજૂએ ફાયદો રહે તેવું સુભગ સમીકરણ બની રહે છે - કંપની પોતાનાં કર્મચારીઓ સાથે સીધું જોડાણ પણ કરે છે અને તે ઉપરાંત કંપનીના ખાસ કાર્યક્રમોમાટે કર્મચારીનું સ્વપ્રેરીત યોગદાન પણ મેળવે છે, જ્યારે કર્મચારી પોતાનાં વરીષ્ઠ સંચાલન મડળ સામે પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવાની તક મેળવે છે તેમ જ વરીષ્ઠ સંચાલકોનાં જ્ઞાન અને અનુભવમાંથી પોતાની કારકીર્દીના વિકાસની કંઇને કંઈ શીખ પણ મેળવી રહે છે.  
આપણે આવા પ્રયોગને માનવ સંસાધન વિકાસનાં કૉર્પોરેટ સામાજીક જવાબદારી કાર્યક્રમ સાથેનાં સંયોજનનું સમીકરણ કહીશું. આજના સમયમાં કોઇ પણ સંસ્થા  માત્ર વાણિજ્યિક હેતુઓ જ ધરાવતી નથી, પરંતુ એ જે સામાજીક પર્યાવરણમાં કામ કરે છે તેનું  એક જીવંત ઘટક પણ છે. તેનાં કર્મચારીઓ કંપની સાથે લાંબા ગાળા સુધી સ્વપ્રેરણાથી ઉત્સાહીત થઇને કામ કરતાં રહે તેમાં કંપનીને જેટલો આર્થિક ફાયદો છે, તેનાથી ઘણો  વધારે ફાયદો તેની આદર્શ તેમજ જવાબદાર નાગરી્ક તરીકેની આબરૂ જમાવવાથી કંપનીને મળવાનો છે.
દેખીતી રીતે બે અલગ અલગ રીતે કામ કરી રહેલાં મનાતાં આ પ્રકારનાં બળ જ્યારે એક જ દિશામાં પોતાનું જોર લગાડે છે ત્યારે માત્ર ભૌતિક સિધ્ધિઓ તો સહેલાઇથી સર કરી શકાય છે તેટલું જ નહીં, પણ લાગણી કે માનસીક સ્તરનાં ઘણાં પરિમાણોને સવળાં કરી શકવાના સંજોગો પણ ઉજળા થઇ જતા હોય છે.. એટલે કે, વાંછીત પરિણામો તો મળે જ પણ તેની સાથે બહુ જ મુશ્કેલ લાગતાં અણકલ્પ્યાં પરિણામો પણ સિધ્ધ કરી શકવાનું શક્ય બની રહે છે.
તમને પણ આવા અવનવા પ્રયોગોનો અનુભવ થયો છે?  આ પ્રકારનાં અભિનવ પ્રયોગો અને તેનાં વાંછીત તેમક અણકલ્પ્યાં પરિણામોના તમારા અનુભવો વિષે આ મંચ પર બધાં સાથે વહેંચવા માટે આપ સહુને હાર્દિક નિમંત્રણ છે.....  • અનુવાદક : અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત