સોમવાર, 14 જુલાઈ, 2014

યાત્રાળુઓનાં પાદચિહ્નો - દેવદત્ત પટ્ટનાઇક



http://devdutt.com/articles/indian-mythology/footprints-of-pilgrims.html/attachment/pandavas-climb-mountain
આપણે બેસી રહેવું કે ચાલતાં રહેવું ? ધીરજ ધરવી કે બેચેન બની રહેવું ? એક જગ્યાએ ધામા નાખવા કે ફરતાં રહેવું ? ભારી ચોમાસાંના ચાર મહિના સિવાય, સંન્યાસીને તો કોઇ જગ્યાએ એક રાતથી વધારે ન રોકાવાની જ સલાહ અપાતી હોય છે. જ્યારે ગૃહસ્થ લોકો,પોતાનાં ગામમાં પોતાને ઘરે સ્થાઇ થઇ ને રહે છે, પરંતુ જીવનમાં, કમ સે કમ, એક વાર તો યાત્રા કરવાનું તેમને પણ કહેવાતું હોય છે.
યુરોપીયન વિદ્વાનો હંમેશાં દલીલ કરતા રહ્યા છે કે એક વિચાર તરીકે ભારતનું કોઇ અસ્તિત્વ જ નથી, એ તો બ્રિટિશરોની ઉપજ છે. પાશ્ચાત્ય વિચારસરણીની જે આદત છે, તે પ્રમાણે આ સ્થૂળ સ્વરૂપની વિચારધારા છે. પણ ભારત એ તો એક પ્રાચીન પરંપરા છે, જે દરેક ભારતીય સારી રીતે જાણે છે. એ કોઇ એક રાજકીય અસ્તિત્વ પણ નથી, પણ બધાં જ યાત્રાળુઓ કે વેપારીઓને ખબર છે તેમ એક આર્થિક અસ્તિત્વ તો જરૂર છે જ. આ આર્થિક સમાજ યાત્રાળુઓના માર્ગમાં હરતાં ફરતાં, મેળાનાં સ્વરૂપે યોજાતાં બજારો છે, જ્યાં લોકો ભક્તિ કરવા માટે આવે ત્યારે ન્હાય-ધૂએ, પોતાની સાથેની વસ્તુઓનો વેપાર કરે અને અન્ય લોકો સાથે વાતચીત દ્વારા ઓળખાણ કરે. આ સમચતુર્ભુજ, મલબાર પ્લમ (સફેદ જાંબુ), આકારના જમીનના ખંડને જમ્બુ-દ્વિપ તરીકે ઓળખાયો. પર્શીયનોએ તેને હિંદ કહ્યો , કારણ કે ગ્રીક જેને સિંધુ કહે છે તેવી હિંદ નદીની પેલે પાર વસેલો એ પ્રદેશ હતો. મુખ્યત્વે ગંગા અને તેની શાખાઓ-પ્રશાખાઓ જેવી નદીઓનાં પાણીથી ફળદ્રુપ રહેતો એ દેશ  હતો. દક્ષિણમાં તે વિંધ્યની પેલે પાર પણ પ્રસરેલ છે.
યુરોપીઅન પૌવાર્ત્યવિદોની માન્યતાથી વિરૂધ્ધ, સિંધુની પશ્ચિમથી ગંગાની પૂર્વ તરફનાં લોકોનાં સ્થળાંતરોની કોઇ વાતો  પ્રાચીન તવારીખોમાં જોવા નથી મળતી, પણ પર્વતો કે નદીઓ સુધ્ધાંની ઉત્તરથી દક્ષિણ તરફની સફરની ઘણી કથાઓ જોવા મળે છે. ભાગવત પુરાણમાં કૃષ્ણનાં ગંગા કિનારેથી દક્ષિણ-પશ્ચિમમાં ગુજરાતના સમુદ્ર તટ તરફ સ્થળાંતરનું વિગતે વર્ણન છે.તો વળી, રામાયણમાં રામની અયોધ્યાથી શરૂ થતી અને દક્ષિણમાં સમુદ્રને પણ પેલે પાર સુધીની યાત્રાનાં વર્ણન જોવા મળે છે. તે જ રીતે દક્ષિણાભિમુખ ભ્રમણમાં વિંધ્ય પર્વતમાળાને કેટલાં કષ્ટ વેઠીને અગત્સ્ય ઋષિ વાળી કાઢે છે તેનાં પણ વર્ણન જોવા મળે છે. અગત્સ્ય તેમની સાથે ગંગાના પાણી ભરેલો ઘડો લઇને સફર  કરી રહ્યા હતા,જેને કાગડાએ ઢોળી નાખવાથી તેમાંથી કાવેરી પેદા થઇ. આને કારણે જ કાવેરી દક્ષિણની ગંગા તરીકે ઓળખાઇ.
શિવ ઉત્તરમાં કૈલાસ પર્વતની ટોચે રહે છે, જ્યારે તેમના પુત્ર કાર્તિકેય થોડા વિરોધ બાદ દક્ષિણમાં જઇ વસે છે, જ્યાં તેમને પર્વતમાળાઓની યાદ સતાવતી રહે છે. એટલે તેમનાં માતા, શક્તિ, હિડિમ્બ રાક્ષસ સાથે કાવડમાં બાંધીને પર્વતોનાં શિખરો દક્ષિણ ભણી મોકલે છે. આમ દક્ષિણના પરવ્તો ઉત્તરના હિમાલયનાં દક્ષિણ સ્વરૂપ બની રહ્યાં. ભારતની છેક દક્ષિણે તેના ભાવિ પતિ શિવની દક્ષિણની સફરે આવે અને તેની સાથે પરણે તેની રાહ જોતી બેઠેલી ચિરઃકૌમાર્યધારીણી કન્યાકુમારી છે. દેવો આ બાબતે આડખીલીઓ કરતા રહે છે કારણકે જ્યાં સુધી કન્યાકુમારી કૌમાર્યાવસ્થામાં છે ત્યાં સુધી જ તે ઠેઠ દક્ષિણે સ્થાયી સ્વરૂપે વિરાજમાન છે , અને એમ થાય તો જ ફળદ્રુપ, પવિત્ર ભૂખંડ પર સમુદ્રનાં પાણી ફરી વળતાં ખાળી શકાય. 
*       'મિડ ડે'માં ઑગસ્ટ ૧૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Footprints of Pilgrims,લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૧૦, ૨૦૧૩ના રોજ Indian MythologyMahabharataMyth TheoryRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૧૫, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો