| એપ્રિલ ૨૦, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
ગઇકાલે મારે એક પરિષદમાં
મારે 'નેટવર્કીંગ' વિષય પર બોલવાનું હતું .
અનૌપચારીક મિલન સમયે ઘણાં લોકો આવીને મને
મળ્યાં, અને પોતાનાં કાર્ડની મારી સાથે
આપ-લે કરી. તે પૈકી ત્રણ જણાંએ તો પોતાનાં કાર્ડ ભારે ઉતાવળમાં પકડાવ્યાં, પોતે શું કરે
છે તે સમજાવ્યું-ન સમજાવ્યું કર્યું, અને પછી
ત્યાંથી બીજાંઓને કાર્ડ આપવા નાસી છૂટ્યાં. હું કોણ છું
કે મને તેમની સાથે કાર્ડની આપ-લે કરવામાં રસ છે કે કેમ તેમાં તેમને જરા સરખો પણ રસ
જણાતો નહોતો.
સામેની વ્યક્તિને રસ છે કે નહિં, તે સાંભળે છે કે ધ્યાન આપે છે
કે નહિ તેની પરવા કર્યા વગર પોતાની જાતને ધરી દેવી તેને આપણે "માથે
પડતા જવું" કહીશું.
બહુ જ કામનાં 'નેટવર્ક'માં પોતે ભળી
રહ્યાં છે’ તેવું
માનતાં લોકો, હકીકતે આ 'માથે પડવાની" કળામાં પરોવાઇ રહેલાં હોય છે. આપણે પણ જો
તે જમાતનાં સભ્ય હોઈએ, તો નુકસાન બે બાજૂએથી છે - 'નેટવર્ક'નો ખરો લાભ
તો મળતો ન હોય અને તે ઉપરાંત સામેવાળી વ્યક્તિને લાગે કે આ 'માથે પડુ'ને તો કંઈ
બહુ ગંભીરતાપૂરવક લેવાય નહીં.
આપણે કેટલાં કાર્ડની આપ-લે કરી
તેની ગણત્રી માંડવામાં નેટવર્કીંગનું કોષ્ટક નથી, પણ છે સામેની
વ્યક્તિના મનમાં 'છે તો ભવિષ્યમાં કામની વ્યક્તિ' તેવી છાપ ઊભી કરવામાં છે.
આવો, માથે પડવાનું
બંધ કરી નેટવર્કીંગ શરૂ કરીએ !
| જૂન ૧૧, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
કોઇના
માટે પણ પોતાની વિશિષ્ટતા સિધ્ધ કરવી એ સહેલું નથી, કે નથી એ એક વાર કર્યું એટલે બસ
કક્ષાનું કામ.આપણાં ખાસ કૌશલ્યને કારણે જો આપણે વિશિષ્ટ હોઇએ, અને જો તે કૌશલ્યની માંગ હોય, તો બીજાં પણ તરત જ તમારી સાથે આવી
પહોંચશે, અને એમ કરતાં કરતાં એ
વિશિષ્ટતા ભાજી-મૂળા બની રહેશે. જો તમારી વિશિષ્ટતા કોઇ પુસ્તક લખવામાં છે, અને એ પુસ્તકનાં વસ્તુની વાહ વાહ થતી
હશે તો બીજાં પણ એ જ વિષય પર પુસ્તકોની હારમાળા લગાવી દેશે.
વિશિષ્ટ
બનવું એ જીવનભરની પરિયોજના છે, જેમાં સફળતાનાં
માપદંડનાં પગથિયાં ઊંચે જ ચડતાં રહે છે. આ એક એવી હકીકત છે જેને સ્વીકારે જ છૂટકો
છે.
આપણે
જે કંઇ રજૂ કરી રહ્યાં છીએ એ જો બહુ જ આગવું હશે તો દુનિયાને તેની જાણ નહીં હોય. અને
જો આપણે જે રજૂ કરી રહ્યાં છીએ તે આગવું નહીં હોય તો ગળાંકાપ સ્પર્ધા આપણને ફેંકી
દેશે. પણ આપણી વાત જો બહુ આગવી છે,
અને
દુનિયાને તેની ખાસ જાણ નથી, તો આપણે જે કંઇ રજૂ
કરી રહ્યાં છીએ તેની ક્યાં જરૂરિયાત છે તેની જાણકારીનો પ્રસાર કરવાની જવાબદારી પણ
આપણી જ છે.
બીજા
શબ્દોમાં આપણું પડઘમ આપણે જ જોરશોરથી
વગાડવું પડશે,
અને તે સાથે સાથે આપણા દાવા સિધ્ધ કરવા આપણે
પૂરેપૂરાં સજ્જ છીએ તે પણ ગાઇ વગાડીને જણાવવું પડશે. એ તો થયું પહેલું પગલું. તેની
સાથે સાથે, એવી પ્રવૃત્તિઓ પણ
કરતાં રહેવું જોઇએ જેના થકી લાગતાં વળગતાં લોકોને ખબર પડતી રહે કે આપણા દાવાઓને
સાંભળવામાં તેમને ફાયદો છે.
ગઇ
કાલે હું નોર્થ કેરોલીના ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં મારા હાથમાં એરલાઇનનું
સામયિક હાથ ચડ્યું.ચાર્લૉટ્ટ-ડગ્લાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની, ઘણી જાહેરાતોમાંથી એક જાહેરાત નજરે ચડી
જેમાં વ્યાપાર કાર પાર્ક વેલૅ સેવા અને ફુટપાથની બાજુમાં કાર પાર્ક
કરવાની સેવાની વાત કરવામાં આવી છે. મારા ધ્યાન મુજબ અન્ય વિમાનમથકો પર આવી સેવાઓ
ઉપલબ્ધ નથી.ચાર્લૉટ્ટ-ડગ્લાસ એ જાણે છે અને આપણને આવી સેવાઓ તેમનાં વિમાનમથક પર ઉપલબ્ધ છે તેની જાણ
કરાવવા માગે છે, એટલે જેવી જરૂર પડે, જેથી એ વિમાની મથકે આવતાં જતાં કોઇ પણ
ઉતારૂને આ સેવાઓ વાપરવાનું યાદ રહે.
આ
તો બહુ સરળ ઉદાહરણ છે. આ વાતને આ એક સવાલથી આગળ ધપાવી શકાય :
મારે
જે કંઇ રજૂ કરવું છે તેની જરૂરિયાતની જાણકારી વધતી રહે એ માટે મારે શું શું કરતાં
રહેવું જોઇએ ?
| જૂન ૨૧, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
શોખ
ખાતર ભીંત ચિત્રો કરવાં હોય તો બહુ આવડત ના હોય તો પણ કદાચ ચાલી જાય. જો કે આ
ક્ષેત્રમાં પણ વ્યાવસાયિક કલાકારો છે જ. આપણે એવાં ૧% કલાકારોની વાત અહીં નથી
કરતાં. પણ બાકીનાં ૯૯% લોકો જે ભીંત ચિત્રો દોરે છે બધાં જ ઉમદા નથી હોતાં.
સવાલ
એ છે કે આપણે પણ એ ભીંત ચિત્રના લપેડા
કરવાને રવાડે ચડ્યાં છીએ ?
|
|
કોઇ
બ્લૉગ પરની ચર્ચામાં અસંબધ્ધ ટિપ્પણીઓ ઠપકારતાં રહેવું એ ભીંતચિત્રોના લપેડા કરવા
બરાબર છે.
એમેઝોન
પર પુસ્તકની સમીક્ષામાં કંઇ પણ અર્થપૂર્ણ ચર્ચા
ન કરવી એ ભીંત ચિત્રોના લપેડા કરવા બરાબર છે.
કોઇ
પણ ચર્ચામાં જોડાયા પછી બેમતલબની વાતો કર્યે
રાખવી કે બીજાં લોકો સાથે અકારણ ઝઘડ્યા કરવું
એ ભીંત ચિત્રોના લપેડા કરવા બરાબર છે.
જેમ ભીંત ચિત્રોના લપેડા કરનાર લોકો
મકાનોને નુકસાન પહોંચાડે છે, તેમ ચર્ચામાં અકારણ ઘોંઘાટનાર લોકો તે વેબ કે બ્લૉગ કે
કંપની સમુદાયને પણ નુકસાન પહોંચાડી શકે છે.
| જુલાઇ ૧૧, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
થોડે
ઘણે અંશે સફળ થયેલ કોઇ પણ વ્યક્તિની કારકીર્દીમાં
ઉતાર ચડાવના વાળાઢાળા તો જોવા મળશે જ. પ્રચાર માધ્યમો કે બહારની દુનિયા ભલે કદાચ
સફળતાનાં જ ગુણગાન ગાય, પણ એ વ્યક્તિને તો
પોતાની કારકીર્દીના હિંડોળાના ઉપર,
નીચે, નીચે, ઉપરના
ઉતાર ચડાવની તો ખબર હોય જ છે.
આવા
કોઇપણ નમૂનારૂપ આલેખમાં આધાર રેખાની આસપાસ આવા ઉપર નીચે જતા ઉછાળાઓ જોવા મળશે.
પરંતુ, એ આધારરેખામાં આપણને અનુકૂળ પડે તે રીતે
સભાનતાપૂર્વક ફેરફાર કરતા રહેવાથી બહુ મોટો ફરક પાડી શકાય છે. સીધી ભાષામાં કહીએ
તો પોતાના વિકાસમાં અપ્રમાણસરનું રોકાણ કરવાથી લાંબે ગાળે ધાર્યો ફેર પાડી શકાય
છે. દરેક
વ્યક્તિ
માટે આધારરેખામાં આ પ્રમાણે અપ્રમાણસર ફરક પાડી શકનારાં પરિબળો અલગ અલગ હોઇ શકે
છે. મારા માનવા મુજબ, મારા માટે એ પરિબળો
છે:
* પ્રબળ અંગત છાપ
* સઘન લાંબા-ગાળાના
સંબંધો
* ઊંચા સ્તરની
વિચારસરણી
* પ્રભાવશાળી
માર્ગદર્શકો અને શિક્ષકો સુધીની પહોંચ
* સતત શીખતાં રહેવાનો
અભિગમ
* મજબૂત આધ્યાત્મિક પાયો
મારી
વ્યાખ્યામાં આધારરેખા એ એવો પ્રભાવક પાયો છે જેના વડે વ્યક્તિ પ્રવર્તમાન
સંજોગોમાં બહારની દુનિયામાં મૂલ્યવાન યોગદાન કરી શકે. સાલોસાલ જેમ જેમ વ્યક્તિની
ક્ષમતામાં વધારો થતો જાય તેમ તેમ આધારરેખા પણ ઊંચીને ઊંચી ક્ક્ષાએ લઇ જતાં રહેવું
જોઇએ. અનુભવ વધે તેમ આધાર રેખા પણ ઊંચે તો જવી જ જોઇએ. સામાન્યપણે એક વર્ષના
અનુભવવાળી વ્યક્તિ જે કરી શકે તેના કરતાં બે વર્ષના અનુભવવાળી વ્યક્તિ કંઇક તો વધારે
જ કરી શકે. નીચે આપેલા આલેખમાં કોઇ પણ લાક્ષણિક વ્યક્તિની આધાર રેખામાં થતો 'સામાન્ય બદલાવ' ગણત્રીમાં લીધેલ છે. એટલે કે વર્ષો વર્ષ
આપણી ક્ષમતામાં જે સુધારો કરવાનો જ છે તે કરતા રહેવાથી અધારરેખામાં કોઇ ફરક નથી
પડતો. આસપાસની દુનિયા આપણે એટલું તો કરીશું જ એમ માને જ છે - એટલે કોઇ ખાસ
નોંધ નથી લેવાતી.
મારા
માટે જે કોઇ અંગતપણે ખાસ છે તે બધાંમાં હું મારો સમય, શકતિ, નાણાં કે બીજાં જરૂરી સંસાધનો અપ્રમાણસર
રોકવાનું પસંદ કરીશ.
આધાર
રેખા જેમ જેમ ખસતી જશે તેમ સફળતા કે નિષ્ફળતાના ચડાવ ઉતાર બહુ મહત્વના નહીં રહે
કારણ કે તે તો હવે આપણી આગવી, નવી, આધાર રેખાના સંદર્ભમાં હશે.
લાંબા ગાળાના રોકાણ અને વિકાસની
સુનિયોજિત દૃષ્ટિથી જે કંઇ કરવામાં આવશે તે ટુંકા-ગાળાના અને ચલતા-ફરતા અભિગમથી
કરવામાં આવ્યું હશે તેના કરતાં તો ઘણું જ લાભદાયી નીવડશે તે નિર્વિવાદ છે.
| ઑગસ્ટ ૧૨, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
મારા
શિક્ષક કહેતા કે મનોભાવોને સહુથી ઓછું મહત્વ મળતું રહ્યું છે. હું આ વાત સાથે
પૂર્ણતઃ સહમત છું.
મોટા
ભાગે લોકો ધમાકેદાર મૂડમાં આવવા માટે મોટો પડકાર ઝીલી લેતાં હોય છે. અને પછી જરા
સરખી ક્યાં ચૂક થઇ નથી કે તેમનો મૂડ સાતમા પાતાળે જઇ બેઠો નથી !
થોડા
સમય પહેલાં મારા એક નજીકના મિત્ર સાથે વાત થતી હતી. તેણે કહ્યું કે તેના એક
સહકર્મચારીએ કંઇક ભુલ કરી નાખી એટલે એનો મુડ ઠેકાણે નથી. આ ઘટના દિવસ દરમ્યાન બની
હતી, અને અમે તો છેક મોડી
સાંજે વાત કરી રહ્યા હતા, એટલે મને ખાત્રી હતી
કે એ ભાઇએ આ રેકર્ડ આખો દિવસ એના મનમાં વગાડી હશે, અને સરખો દુઃખી પણ થયો હશે.
ચર્ચા
કરતાં
કરતાં
જ તેને ખયાલ આવી ગયો કે ખરાબ મૂડમાં રહેવાથી કોઇને તસુ ભાર પણ અસર નથી થતી. એમાં
પોતાનાં સમય અને શક્તિની બરબાદી છે. આ એ જ સાધનો છે જેને વધારે ઉત્પાદક સ્વરૂપે
કામે લગાડી શકાતાં હોય છે.
મારૂં
એવું કહેવું નથી કે આપણે સંન્યાસીની જેમ મુડની ભરતીઓટથી અલિપ્ત રહેવું. જે લોકો
તાર્કિકપણે વિચારે છે તેઓ પણ સ્વીકારે છે કે સારા મુડનો વિકલ્પ મોટા ભાગે ભારે જ પડે છે.
માન્યું
કે ક્યાંક ગરબડી થઇ ગઇ છે, ખોટું પણ થયું છે. પણ એથી મોઢું ચડાવીને
બેસી, પોતાની જાતને વધારે
તડપાવવાથી શું વળશે ? કંઇક ખોટું થયાનો
ગેરફાયદો તો છે જ, એમાં આપણાં મનની
શાંતિ ખોઇને ઉમેરો શા સારુ કરવો ?
મને
ખબર છે કે તમારા મનમાં 'કહેવું સહેલું છે, પણ કરવું કપરૂં છે'ચાલી રહ્યું છે. હું પણ ક્યાં ના કહું
છું !
શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish
yourself’-ના લેખોનો
ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો - ગુચ્છ ૮ // અનુવાદકઃ અશોક
વૈષ્ણવ,
અમદાવાદ ǁ જુલાઇ ૧૯, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો