બુધવાર, 29 જુલાઈ, 2015

તમારો પ્રભાવ તમારા હાથમાં જ છે.

ડૉ. તન્વી ગૌતમ
clip_image002[થોડા સમય પહેલાં ડૉ. તન્વી ગૌતમ - સ્થાપક અને પ્રબંધક ભાગીદાર, ગ્લોબલ પીપલ ટ્રી -The Society of Human Resource Management (SHRM)નાં માનવ સંસાધન વિષય પરનાં સામાજિક માધ્યમો પરનાં ભારતનાં દસ ટોચનાં, અને સ્ત્રીઓમાં ટોચનાં ત્રણ, પ્રભાવકો તરીકે પસંદ થયાં. એ ઘટનાએ તેમને '(ઑનલાઈન કે ઑફ્ફલાઈન) પ્રભાવ કેમ કરીને પડે(છે)?'વિષે વિચારતાં કરી મૂક્યાં.

પ્રસ્તુત છે તેમના આ વિષય પરના મનનીય વિચારો.]
clip_image004


આપણે એવું માનવા પ્રેરાતાં હોઈએ છીએ કે પ્રભાવશાળી લોકો સત્તાવાહી હોય છે, કે પછી,જે કોઈ સવાલોના જવાબો કોઈની પણ પાસે ન હોય તે તેમની પાસે હોય, વગેરે. પ્રભાવશાળી હોવા માટે આ બધું કંઈક અંશે જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. કોઈપણ લોકોનાં નામ આવી કોઈ યાદીમાં આવી જાય એટલે તેમનાથી અંજાઈ જઈને આપણે સપાટી નીચેના પ્રવાહો તરફ નજર કરવાનું જ ભૂલી જતાં હોઈએ છીએ. પ્રભાવક તરીકે જાણીતાં થવું એ જરૂર એક મહત્ત્વનું સીમાચિહ્ન છે, પણ 'પ્રભાવ'ને 'માન્યતા' કે 'આદર' કે 'સન્માન' સાથે સરખાવી શકાય નહીં. માન્યતા કે સન્માન પ્રભાવમાં ઉમેરો જરૂર કરે, પણ તેનો પાયો તો નથી જ.

ડૉ. ગૌતમના અભિપ્રાય મુજબ પ્રભાવ માટેનાં ત્રણ મહત્ત્વનાં ઘટક આ મુજબ છેઃ

૧. ક્યાંક પણ, કોઈના પણ જીવનમાં ફેરફાર કરી શકવો: બે ઘડી યાદ કરો, કે તમારાં જીવનમાં કોનો કોનો પ્રભાવ રહ્યો છે ? મોટા ભાગે કોઈ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિને બદલે એ વ્યક્તિ માતાપિતા કે શિક્ષક કે મિત્ર જેવી તમારી સાવની નજદીકની વ્યક્તિ હશે. જે લોકોનો આપણા પરપ્રભાવ બની રહે છે તેમની સાથે આપણે, વધતા ઓછા અંશે, તાદાત્મ્ય અનુભવીએ છીએ. તેમણે આપણને નવી દિશામાં વિચાર કરતાં કે નવી જ રીતે વર્તતાં કરી મૂક્યાં હશે. આમ પ્રભાવશાળી હોવાનું એક મહત્ત્વનું ઘટક, ક્યાંક પણ, કોઈના પણ જીવનમાં ફેરફાર કરી શકવાને ગણી શકાય. ઘણી વાર બીજાંના વિચાર કે વર્તનમાં ફરક કરી શકવાની આપણી ક્ષમતાને આપણે ઓછી આંકતાં હોઈએ છીએ. પ્રભાવશાળી વ્યક્તિ તેનાં અનુયાયીઓને ઘણાં બિંદુઓએ સ્પર્શી જતી હોય છે. એમ થવા દેવું કે નહીં તે પ્રભાવકના હાથમાં છે, પછી ભલે ને એ પ્રભાવ બહુ જ નાનો પણ કેમ ન હોય.

એ પ્રભાવ માટે વ્યાપક માન્યતા મેળવવા માટે વ્યક્તિગત બ્રાંડ કે નેતૃત્વની શૈલી જેવાં પરિબળોને ચોક્કસ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી કામે લગાડવાં પડે છે. એ માટે ઓછામાં ઓછાં અમુક કક્ષાની નિષ્ઠા અને સભાન અભિગમ જરૂરી બની રહે છે.

પ્રભાવ એક વાત છે, એ પ્રભાવનો ગુણાકાર બીજી, તો માન્યતા વળી ત્રીજી જ વાત છે.

આમાંથી તમારે કઈ બાબતે હજુ વધારે કામ કરવાની જરૂર છે તે વિષે જરૂરથી વિચારજો.

૨. પ્રભાવ એ એકલદાવ નથી. બીજાં લોકો સાથે જોડાણોના ગુણાકાર કરવામાં તમારા પરિચયો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જોડાણો આપણને નવું શીખવામાં, અને એ રીતે આપણા વિકાસમાં, ફાળો તો આપે જ છે, પણ સાથે સાથે આપણાં કામના અનેક ગણા વિસ્તારમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણને એકલાને જ બધા સવાલોના જવાબ ખબર છે એમ માનીને આપણા પ્રભાવનો એ ઝડપે પ્રસાર એકલા હાથે થવો શક્ય નથી. હકીકત તો એ છે સાચો જવાબ કોઈ જ પાસે નથી. આપણી આસપાસનો સમુદાય મહત્ત્વનો બની રહે છે. કહેવાય છે જે પાંચ લોકો સાથે તમે મહત્તમ સમય ગાળો છો તેવાં જ તમે પણ થઈ જતાં હો છો. મારી દૃષ્ટિએ એવો સમુદાય છે, અગ્રણી વ્યક્તિઓમાં, એશિયાનો સૌથી વધારે પ્રચલિત ટ્વીટરચૅટ સમુદાય- #ihrchat . હું જે બહેનોની નેતૃત્વ સફરને વિવિધ કક્ષાએ લઈ જવાનું કામ કરું છે તે લોકો પણ મારો આગવો સમુદાય છે. તેમની સફરને ઘડતાં ઘડતાં હું પણ ઘણું બધું શીખું છું, અને એ રીતે મારી સફર પણ નવી કેડીઓ પાડતી રહે છે.

આપણા સમુદાયની સંભાળ રાખવાથી અને તેમના માટે કામ કરવાથી આપણા માટે જે મહત્ત્વનું છે તે બાબતે આપણો પ્રભાવ વધે છે. તેમની વાત શું છે? તમારી વાતનો સૂર શું છે? બંને વાતો એકબીજાંને ક્યાં જઈ ને મળે છે? તમારા પ્રભાવ ક્ષેત્રમાં વધારા માટેનો એક તંતુ ત્યાં જોવા મળશે.

3. અને છેલ્લે, તમારે શા માટે પ્રભાવ પાડવો છે?: લોકો તમારાં વખાણ કરતાં રહે એ માટે ?જો એમ હશે, તો એ પ્રભાવ બહુ લાંબો સમય ન પણ ટકે. બીજાંને મદદરૂપ થવાને બદલે આપણા પોતાના માટે કામ કરવું એ લાંબા ગાળા સુધી ટકી રહે તેવા પ્રભાવના પ્રસાર માટેની આદર્શ વ્યૂહરચના ન કહી શકાય.

જે સફળતા આપણને વધારે નમ્ર, વધારે ઉદાત્ત કે આપણે જે છીએ તેનું વધારે સારું સ્વરૂપ ન બનાવી શકતી હોય તો એ સફળતાનો કોઈ અર્થ નથી. તેને નિષ્ફળતા કહેવા સુધ્ધાંમાં કંઈ ખોટું નથી.

મને બહુ જ ગમતું એક કથન છે : લોકો આપણને જોઈ શકે એટલા સારુ નહીં, પણ ત્યાં પહોંચીને આપણે દુનિયાની વિશાળતા જોઈ શકીએ એ માટે સૌથી ઊંચો પર્વત ચડવો જોઈએ. હું તેમાં નાનો સરખો ઉમેરો પણ કરીશ - સાથે સાથે એ જગ્યાને બહેતર પણ બનાવીએ.

લાંબા સમય સુધી ટકી રહે તેવા પ્રભાવ માટે આપણે આપણી બહાર દૃષ્ટિ દોડાવવાની જરૂર છે. એ માટે આપણી વિચારધારામાં આમૂલ પરિવર્તન પણ લાવવું પડે. કેટલાંક લોકો માટે તે મુશ્કેલ જરૂર હશે, પણ કોઈને પણ માટે તે અશક્ય તો નથી જ.

પ્રભાવ માટે મહત્વનાં ઘટક કયાં હોઈ શકે એ વિષે તમારું શું માનવું છે ?

અહીં એક માહિતીચિત્ર રજૂ કર્યું છે, જેમાં અલગ અલગ પ્રકારના પ્રભાવ(ક) અને તેમની સાથે કેમ કામ લેવું તે બતાવ્યું છે. આશા કરીએ કે આ ચિત્ર તમને નવી દિશામાં વિચારતાં કરી મૂકશે. clip_image006


અસલ અંગ્રેજી લેખ, Want influence ? You got it !નો ભાવાનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો