શુક્રવાર, 31 જુલાઈ, 2015

નવરાશની બે પળનું મહત્ત્વ


-          રવિ કુમાર || રૂપાંતર અને રજૂઆત : અશોક વૈષ્ણવ

 આ વાત છે એક તરવરિયા, ઉત્સાહી, નયવયુવાન કઠિયારાની. આખો દિવસ એને પોતાનું કામ, કામ ને કામ જ. નવરાશની બે પળ પણ તેને સમયનો બગાડ લાગતી. આસપાસ કામ કરતા, મોટે ભાગે તેનાથી ઘણા મોટા, કઠિયારાઓ કામ કરતાં કરતાં થોડી ગપસપ કરી લે, બપોરના જમવાના સમયે પાછા કામે ચડવામાં થોડી ઢીલ કરતા દેખાય, તે આ જુવાન કઠિયારાને જરા પણ રૂચતું નહીં.
આમ દિવસો વીતતા રહ્યા. આપણો કઠિયારો જૂએ કે મહિનાને અંતે પોતે જેટલું લાકડું કાપતો, લગભગ એટલું જ લાકડું પેલા વાતોડિયા કઠિયારાઓ પણ કાપતા - કેટલાક તો ઘણું વધારે પણ કાપતા હતા. એની નજરમાં કોઈ ભૂલ થતી હતી? પેલા કઠિયારાઓ ચોરીછૂપીથી ક્યાંક ઓવરટાઇમ કરી કાઢતા હતા? પોતે એક મિનિટ પણ બગાડ્યા વગર કામ કરે, અને પેલા લોકો કામના સમય દરમ્યાન સમય બગાડતા દેખાય તો પણ પોતાનું અને એ લોકોનું ઉત્પાદન સરખું કેમ? તેમની પાસે વધારે ઉત્પાદકતાની કોઈ કરામત હતી?

બીજા દિવસથી હવે આપણા જુવાન કઠિયારાએ હજૂ વધારે જોશથી કામ કરવાનું શરૂ કરી દીધું. મહિનાને અંતે જોયું, તો હતા ઠેર ને ઠેર ! એના ચહેરા પર હવે મુંઝવણના ભાવ ચિંતાની કરચલીઓમાં બદલતા જતા હતા. આ જોઈને એક બુઝુર્ગ કઠિયારાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે, "આવ, પાણી પીતાં પીતાં બે ઘડી વાતો કરીએ". જુવાન કઠિયારાએ તો ઘસીને ના પાડી દીધી, પાણીના બે ઘૂંટડા પીધા ન પીધા, અને પહેલાં કરતાં પણ વધારે જોશથી કુહાડી ચલાવવા લાગ્યો.

એ જોઇને બુઝુર્ગ કઠિયારો ધીમેથી હસ્યો અને લાગણી ભર્યા અવાજમાં કહ્યું,'ધાર તેજ કર્યા વિના કુહાડીના ગમે એટલા ઘા કરો, લાકડું કપાશે ક્યાંથી ? આમ ને આમ કુહાડીઓ ઝીંકતો રહીશ તો ક્યાં તો થાકી જઈશ ને ક્યાં તો લાકડાં કાપવાનું જ મૂકી દઈશ.'

હવે આપણા જુવાન કઠિયારાને મનમાં ઝબકારો થયો. જ્યારે જ્યારે તેના અનુભવી સાથીદારો ગપસપ કરતા બેઠા દેખાતા હતા ત્યારે વાતો કરતાં કરતાં પણ તેમના હાથ તો કુહાડીની ધાર સજતા જ રહેતા હતા. એમ વાત છે ! એટલે જ દેખીતી ઓછી મહેનત કરવા છતાં તેમની ઉપજ વધારે રહેતી હતી !

જુવાન કઠિયારાના ચહેરા પરની કરચલીઓ હળવી થતી જોઈ, પેલા બુઝુર્ગે વાત આગળ ચલાવી, 'કૌશલ્ય અને આવડતની સાથે સાથે સૂઝ ભળે તો જ ઉત્પાદકતા વધે. કામ કરતાં કરતાં બે ઘડીની નવરાશને અમે હવે પછીનાં કામ કરવા માટે જરૂરી આયોજન માટે, તેમ જ પોતાની અને પોતાનાં સાધનોની સારસંભાળ કરી લેવા માટે પણ, વાપરી લઈએ છીએ. એટલે જ, સરવાળે, વધારે ઉત્પાદન કરવા છતાં પણ અમારી પાસે સમય બચે છે.'

જીવનમાં મળતી બે ઘડીની નવરાશનો ઉપયોગ પોતાનાં જીવનના ભવિષ્યના પડકારો ઝીલવા માટેની સજ્જતા,દક્ષતા અને કુશળતાને વધારવામાં કરી લેવાથી એ બે પળ બહુ મીઠી થઈ પડે છે.

જાણીતા મેનેજમૅન્ટ વિચારક અને લેખક સ્ટીફન આર કૉવી તેમનાં બહુખ્યાત પુસ્તક The 7 Habits of Highly Effective Peopleમાં Sharpen the Sawને સફળ અને અસરકારક વ્યક્તિઓની સાતમી ટેવનું સ્થાન આપે છે. કુહાડીની ધારને સજ્જ કરવાને તેઓ આપણી જાત સમી આપણી સૌથી મહામૂલી મૂડીની સારસંભાળ રાખવાની ટેવની સાથે સરખાવે છે. આપણાં જીવનનાં ભૌતિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક એવાં ચારે ચાર પાસાંઓમાં પોતાની જાતને તાજી રાખતા રહેવા માટે સમય ફાળવવો જ જોઈએ. આમ કરવાથી પોતાને વધારે સફળ બનાવતી છ અન્ય ટેવોને પણ કામે લગાડવા માટેનું બળ મળતું રહે છે. clip_image008

The 7 habits of highly effective people વિષે વધારે માહિતી આ વિડિયોમાં જોવા મળશે.


સાભાર સૌજન્ય :
આ લેખ માટેનો પ્રેરણા સ્ત્રોત શ્રી રવિ કુમારનો લેખ जीवन में छोटे अवकाश का महत्व છે.

clip_image010શ્રી રવિ કુમાર સ્પેનિશ અને લેટિન અમેરિકન અભ્યાસના જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના બી.એ., એમ.એ. અને એમ.ફિલ. છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ ઈન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ફોરેન ટ્રેડની વિદ્યાશાખાના સભ્ય તરીકે સેવાઓ આપ્યા પછી ૨૦૧૪માં તેમણે હિંદી સેન્ટરની સ્થાપના કરી. અંગ્રેજી <> હિંદી, સ્પેનિશ <> અંગ્રેજી અને પોર્ચુગીઝ <> અંગ્રેજીમાં અનુવાદક અને દુભાષિયા તરીકેના નિષ્ણાત તરીકે તેઓ આપણા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે તત્કાળ દુભાષિયા તરીકે સેવાઓ આપતા રહ્યા છે.
Indian Translators Associationના તેઓ સ્થાપક સભ્ય છે અને એ સંબંધે તેઓ International Federation of Translators જેવી આંતરરાષ્ટ્રીય સસ્થાઓ સાથે પણ સક્રિય પણે કામ કરીને ભારતીય ભાષાઓનાં સ્થાનીયકરણ અને અનુવાદનાં ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
Role of Translation in Nation Building, Joy of Translating Indian Literature, Theoretical and Empirical Approaches to Translation, Machine Tools and Translation Processes જેવાં પુસ્તકોનાં સંપાદન કરવા ઉપરાંત તેઓ નિયમિતપણે સંશોધન પત્રો અને વ્યકત્વયો પણ રજૂ કરતા રહે છે.

શ્રી રવિ કુમારનું ઈ-મેલ સરનામું : ravi@hindicenter.com