બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

દુર્ગાના સિંહ - દેવદત્ત પટ્ટનાઈક

imageપલાશ અને જયદીપ એકેય વાતે સહમત જ ન હોય. જ્યારે જૂઓ ત્યારે તેઓ એકબીજા સાથે દલીલો જ કરતા રહેતા હોય. તેમના બૉસ, રાજેશ,ને આ પરિસ્થિતિ બહુ માફક આવતી હતી. દરેક વાક્યુદ્ધમાં તેને બે પક્ષમાંથી કોણ સાચું તેનો નિર્ણય લેવા મળે અને પછી બે વચ્ચે સુલેહ કરાવી આપવાનો યશ પણ મળે. જો કે રાજેશ પલાશ અને જયદીપને તેમની આ કુટેવ વિષે ધ્યાન પણ દોરતા અને સુધરી જવા આગ્રહ પણ કરતા રહેતા. તેઓ તેમનાં વરીષ્ઠ સંચાલન મંડળને પણ આ બંનેની આ ખામી વિષે અને તેમના અંગત વિકાસમાં મદદરૂપ થવા તેમનામાં સુધારો કરવાના તેમના પ્રયત્નો વિષે જાણ પણ કરતા રહેતા. આ કારણે રાજેશ એક આદર્શ, માર્ગદર્શક, ટીમનાં સભ્યોનાં શ્રેય માટે ચિંતિત નેતા તરીકે ઉભરી રહેતા.

જો કે રાજેશનાં સમગ્ર વર્તનને જરા ઝીણવટપૂર્વક જોઈશું તો કંઈક જૂદું ચિત્ર પણ જોઈ શકાશે. પલાશ અને જયદીપના સદા ચાલતા રહેતા ગજગ્રાહમાં ફાયદામાં એક માત્ર રાજેશને જ રહેતા જોઈ શકાશે. ઘણી વાર તો તેમણે જ હવનમાં ઘી હોમ્યું હોય અને પછી ભડકેલી જ્વાળાઓને ઠંડી પાડી હોય તેમ પણ જણાતું. પેલા બે વચ્ચે કાયમી શાંતિ અને સમજ બને તેવું રાજેશે ક્યારે પણ કર્યું હોય તેમ તો ન જ દેખાય. પલાશ ને જયદીપ વચ્ચેનો વિવાદ બંનેની શક્તિઓને બર આવવા ન દેતી. એકબીજાં પરનાં દોષારોપણમાં કેન્દ્રિત થયેલ તેમનાં ધ્યાનને કારણે તેઓ રાજેશ માટે ક્યારે પણ ફરીફાઈનું જોખમ જ નહોતા બનતા. આમ ટીમના બીનહરીફ અગ્રણી તરીકે રાજેશનું સ્થાન સલામત બની રહેતું.

આ પ્રકારનાં રાજકારણના પ્રવાહો લગભગ દરેક સંસ્થામાં વધતે ઓછે અંશે જોવા તો મળતા જ હોય છે. આપણે આ બાબતે નારાજગી પણ પ્રદર્શિત કરતાં હોઈએ છીએ. આપણે હંમેશાં ઈચ્છીએ કે આપણું ધ્યાન, આપણાં કામ, આપણા ધ્યેય અને નીતિનિયમોનાં અનુપાલન તેમ જ પ્રયત્નોનાં ધાર્યાં પરિણામો પર જ રહેવું જોઈએ. આવું ન જ બને તે વિષેના આપણા બધા જ પ્રયત્નો છતાં પણ આવા કાવાદાવા ક્યાંક્થી ને ક્યાંકથી તેમની વરવી હાજરી પૂરાવતા જ રહેતા હોય છે. આમ કેમ થતું હશે ? એક કારણ તો એ કે આખરે આપણે સૌ માણસ છીએ. જ્યાં માણસ હોય, ત્યાં તેમનાં મન હોય અને જ્યાં માનવમન હોય ત્યાં તેમની લાગણીઓ પણ હોવાની જ. અને જ્યાં લાગણીઓ હોય ત્યાં પ્રભાવનાં વર્ચસ્વ માટેની સત્તાની સાઠમારી પણ આવી જ પહોંચે.

આજનું આધુનિક સંચાલન તંત્ર લોકોને હંમેશાં તાર્કીક, વિધેયાત્મક દૃષ્ટિએ જ જોવાનું પસંદ કરે છે. કેટલાક હુન્નરો અને ખૂબીઓ વડે જડાયેલ યંત્રની જેમ લોકો કામ કરે તેમ તે માને છે. કામ અને પરિણામ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી લોકોની નજરે આવા રાજકીય દાવપેચ નહીં ચડે તેમ આજની સંચાલન તંત્રવ્યવસ્થા માને છે. વધારે ને વધારે પ્રોફેશનલ દૃષ્ટિકોણ માટેની ખોજ તંત્રને કામ કરતાં લોકો પ્રત્યે માણસાઈના અભિગમથી વિમુખ કરવા લાગે છે. જેમ જેમ આ પરિસ્થિતિ વધારે પ્રબળ થતી જાય તેમ તેમ કામ કરતાં લોકોમાં હતોત્સાહપણાંનો ભાવ વધતો જાય એમ પણ થતું હોય છે. ક્યારેક તો તે આક્રોશનાં સ્તર સુધી પણ પહોંચી જાય છે. આમ લાંબે ગાળે સંસ્થાને નુકસાન થતું રહે છે.

સત્તાના આ બધા કાવાદાવાના મૂળમાં આપણામાં રહેલી ભયની ભાવના છે, જે આપણને સતત સલામતી (દુર્ગા)ની ઝંખનામાં રાખે છે.મંદિરોમાં દુર્ગાને સિંહ (કે વાઘ) પર સવારી કરતાં બતાવવામાં આવે છે. હિંદુસ્તાનથી લઈને છેક ચીન સુધી સિંહને રાજાશાહી દોરદમામ, અને તેના દ્વારા રાજાની સત્તા, સાથે સાંકળી લેવાતો રહ્યો છે. જ્યાં સિંહ નથી થતા ત્યાં પણ આ પ્રકારની માન્યતા તો જોવા મળતી જ હોય છે.

આ સિંહ એ આપણામાંનું પશુ છે જે હંમેશાં પોતાનાં આધિપત્ય ઝંખતું રહ્યું છે. આપણને સવાલ થાય કે સિંહને આધિપત્યની ભાવના જાગી ક્યાંથી ? કારણ કદાચ બહુ સીધું જ કહી શકાય - જેમ પ્રભાવનું ક્ષેત્ર મોટું તેમ વધારે સંસાધનો આપણી પહોંચમાં રહે, અને આપણી પાસે જેટલાં વધારે સંસાધનો એટલાં આપણે વધારે સલામત.

દરેક પલાશ કે જયદીપ કે રાજેશમાં સિંહનું આ તત્ત્વ તો છુપાયેલું હોય જ છે. એમાં રાજેશ જેવાં લોકો ઘણા વધારે પ્રભાવ પાડી દે તેવા 'આલ્ફા પુરુષ' થવા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેમને પલાશ કે જયદીપ જેવી કહ્યાગરી 'બીટા અનુયાયીઓ'ની બીજી હરોળની જરૂર પણ હોય છે. પણ જો એ લોકો ક્યાંકથી પણ ટેકો મેળવી લે તો તેનાં સ્થાનને માટે ગમે ત્યારે જોખમકારક બની રહે એ ભય પણ આ રાજેશોને સતાવતો રહે છે. એટલે તેની અમી દૃષ્ટિ મેળવવા માટે કરીને તેના અનુયાયીઓ આપસમાં ઝઘડતા રહે, પોતાના અનુયાયીઓનું ધ્યાન બીજે અટવાઈ જાય અને પોતાનું સ્થાન સલામત બની રહે, તે પરિસ્થિતિઓ તેમને માફક આવે છે

હા, આપણે પણ એમ જરૂર ઈચ્છીએ કે દુનિયાના બધા રાજેશો પૂર્ણપણે વિકસિત અને વધારે સલામત બને. પણ મોટા ભાગની સંસ્થાઓનાં વાતવરણ તેમ થવા નથી દેતાં.સંસ્થાના માળખાંઓમાં થતા રહેતા ફેરફારો, હંમેશાં ઊંચા થતાં જતાં લક્ષ્યાંકો, બહારનાં પર્યાવરણમાં થતી રહેતી ઉથલપુથલો જેવાં અનેક પરિબળોને કારણે છૂપો ડર પીછો છોડતો નથી. ડરનાં આ વાતવરણમાં આપણે સિંહ પ્રકૃતિવાળાં,આક્ર્મક સંચાલકો અને મેનેજર્સને જ કામે રાખવાનું પસંદ કરતાં હોઈએ છીએ જે પોતાની સિંહફાળ ભરીને બજારનો સિંહફાળો અંકે કરી આપતાં રહે.

પણ, મોટા ભાગે આ 'સિંહો', પોતાની આસપાસનાં બધાંને પોતાનાં હરીફ માનીને, એકબીજાની સામે જ ઘુરકીયાં કરતા રહેતા જોવા મળે છે. મૅનેજમૅન્ટ તો એમ ઈચ્છે કે આ લોકો ગાહકો કે બાહ્ય સ્પર્ધા પર પોતાનું (આક્રમક) ધ્યાન કેન્દ્રિત કરે. પણ મૅનેજમૅન્ટની કૃપાદૃષ્ટિની છાયા કોને વધારે મળે છે, કોને વધારે સારાં પદ કે જવાબદારીઓ કે ઇનામઅકરામ મળે છે એવી નજરોથી રંગાયેલ તેમનાં ધ્યાન એકબીજાં પર જ મંડરાતાં રહે છે.

આપણી ટીમનાં દરેક સભ્યોમાં છૂપાયેલ 'સિંહ' માનસને જાણવું અને સમજવું એ આમ તો સારી વાત છે. કહેવાય છે કે સિંહ બહુ બહાદુર હોય છે, શિકારનાં મનમાં તે ડર પેદા કરી નાખી શકે છે. જંગલનો તે 'રાજા' છે. પણ તે સાથે એ વાત પણ યાદ રાખવી જરૂરી બની રહે છે કે સિંહમાં પણ અંદર, ક્યાંક ઊંડે ઊંડે પણ, અસલામતીની ભાવના છૂપાયેલી હોય છે. હરીફોનો ભય તેમને પણ પરેશાન કરે છે. આ ભય જ તેમને આક્રમક શિકારી બનાવે છે.

આની સામે એમ પણ દલીલ કરી શકાય કે તો પછી 'સિંહો'ને કામે રાખવાને બદલે 'હરણાં’ને કામે રાખવાં જોઈએ. હરણ કેવાં રમતિયાળ, નમણાં, આકર્ષક હોય છે ! પણ હરણનાં ટોળાંમાં પણ સત્તાની સાઠમારી તો હોય જ છે. ધીંગાં, જબરાં હરણ પણ જ્યાં સુધી પોતાના પ્રભાવની એક સ્પષ્ટ રેખા ખેંચાઈ ન જાય ત્યાં સુધી, ઉછળી ઉછળીને, બીજાંને શીંગડાં ભરાવતાં જ રહે છે. સંસ્થાના અનેક નીતિનિયમો, મૂલ્યો કે તંત્ર વ્યવસ્થાઓ હોવા છતાં પણ શીંગડાં ઉલાળતા માનવ- બારાશિંગાઓ (કે બારાશીંગી[!]ઓ) ફૂલતા ફાલતા જ દેખાતા રહે છે.
clip_image001 ધી ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં ૧૧ નવેમ્બર, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Durga’s Lions, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૧૧, ૨૦૧૪ના રોજ Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો