બુધવાર, 15 નવેમ્બર, 2017

સહયોગાત્મક નેતૃત્વનો પાયો

- તન્મય વોરા
જ્યારથી માણસ સમુહમાં રહેતાં શીખ્યો હશે ત્યારથી તેણે જાણ્યેઅજાણ્યે નેતૃત્વની કળા પણ પોતાનામાં ખીલવવાનું શીખવા માંડ્યું હશે. જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ એકબીજા સાથે સહયોગ કરીને સમુહમાં કામ કરવાનું પણ મહત્ત્વ વધતું ગયું. યંત્ર યુગના વિકાસની સાથે તેણે સમુહમાં રહીને મશીનો વડે બહુ મોટાં ધ્યેય સિધ્ધ કરવાની શક્યતાઓ જોઈ. ક્યાંક સમજાવટથી, ક્યાંક સાથીઓનાં કામ પર નજર રાખતા રહીને, તો ક્યાંક દબાણથી કામ કરતાં કરતાં એકબીજા સાથે સહયોગ  કરવા માટેનાં નવાં નવાં પરિમાણો પણ તેની સમક્ષ ખૂલવા લાગ્યાં.આ તબક્કે નેતૃત્વ એટલે પ્રભાવ પાડવાની, નિયમન કરવાની સત્તા એવો પર્યાય પણ પ્રચલિત થવા લાગ્યો.  કારખાનામાં સત્તાની વહેંચણી સંસ્થાના માળખામાં ઉતરતા ક્રમમાં થઈ. નીચેના એક સ્તરે તો માણસ અને મશીન વચ્ચે બહુ ફરક પણ નહોતો રખાતો. મશીનોમાં જેમ જેમ યાંત્રિક સ્વસંચાલન વધારે ને વધારે જટિલ, વધારે ઉત્પાદક અને વધારે અભિજાત્યપૂર્ણ થતું ગયું તેમ માણસની જરૂરિયાત  વિષેનાં પરિમાણ પણ બદલવા લાગ્યાં. શ્રમ વિભાજને એક બાજૂ મશીનની સરખામણીમાં માણસનું મહત્ત્વ ઓછું કર્યું તો બીજી બાજૂ હવે લગભગ કોઈ કામ સમુહ સિવાય નહોતું થતું.
માહિતી યુગના વિસ્ફોટમય વિકાસે તો આ બાબતે નાટકીય ફેરફારો કરી નાખ્યા. સમુહ હવે નાના થતા જવાની સાથે ભૌગોલિક રીતે ક્યાંય ક્યાંય ફેલાઈને એકજૂથ બની કામ કરવા લાગ્યા. સમુહમાં જૂદી જૂદી વ્યક્તિઓની નિપુણતાના એક એકની વ્યક્તિગત નિપુણતાની સાથે સમુહની નિપુણતાના સરવાળાને બદલે અસરકારક સામુહિક નિપુણતાની ઘાતાંકીય ગુણાકારમાં મૂલ્યવૃધ્ધિની જ વાત હવે થવા લાગી છે. હવે ફરી એક વાર મશીનની આભિજાત્ય જટિલતાની સાથે માનવીય નવોન્મેષનાં સમીકરણો મંડાવાનાં શરૂ થવા લાગ્યાં છે.મશીન, માણસ અને મટીરીયલના ત્રિકોણની મટીરીયલવાળી ત્રીજી બાજૂનાં સ્થાને હવે જ્ઞાન ગોઠવાઈ ગયું છે.
માનવસર્જિત બુધ્ધિમતાના હવે પછીના સમયમાં માત્ર  માણસ માણસ વચ્ચે જ નહીં પણ માણસ, મશીન અને માનવસર્જિત બુધ્ધિમતા વચ્ચે સહયોગના હિસાબ માંડવાના રહેશે.આજના સમયમાં, કોઈ પણ ક્ષેત્રમાં સંપોષિત સફળતા માટે રચનાત્મક સહયોગ એ પાયાની જરુરિયાત બની રહેલ છે. આ માટે એ ટીમના અગ્રણી પાસે તેનાં દીર્ઘદર્શનમાં સહયોગનું મહત્વ આલેખવાની ક્ષમતા ન હોય તો સફળતાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. અગ્રણીએ હવે પછી આવનાર તબક્કામાં કયા પ્રકારના સહયોગની જરૂર પડશે તે આગોતરા જોવાનું અને તે માટે પોતાને તથા પોતાની ટીમને સક્ષમ કરતાં રહેવાનું પણ કરતાં રહેવું પડશે.
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મૅરી પાર્કર ફૉલેટે મૅનેજમેન્ટની કરેલ વ્યાખ્યા આજના સંદર્ભમાં પણ હજૂ એટલી જ પ્રસ્તુત છે. તેઓનું કહેવું છે – મૅનેજમૅન્ટ એટલે લોકો દ્વારા કામ કરાડાવવી શકવાની કળા'. આ વ્યાખ્યાનાં હાર્દને સહયોગી નેતૃત્વમાં વણી લેવામાં આવે છે અને પછી તેનાથી પણ આગળ વધવાનું રહે છે. સહયોગી નેતૃત્ત્વ વિવિધ પ્રકારનાં લોકોની જૂદાં જૂદાં સ્તરની અને જૂદા જૂદા વિષયની ક્ષમતાઓને એક મંચ પર લાવે છે, તેમને એક દીર્ધદર્શનનાં સૂત્રથી જોડે છે અને તેમને ધ્યેયસિધ્ધિ માટે જરૂર મુજબનું પારિસ્થિતીકીતંત્ર પૂરૂ પાડે છે.
બીજાં માટે માન અને તેમના માટેની પરવા, અસમાન સક્ષમતા ધરાવતી વ્યક્તિઓ  અને એ બધાનું એકબીજામાં ધ્યાન આપવામાં મદદરૂપ થાય તેવા સંવાદ જેવાં પરિબળો  સહયોગી નેતૃત્ત્વના પાયામાં છે.
આપણે હવે આ બાબતે વિગતે વાત કરીએ  -
લોકો માટે માન:
અસરકારક સહયોગ માટેનું પહેલું પગલું છે લોકોને કંપનીમાં ચલ ખર્ચ પાડતું એક સંસાધન ન ગણવાં. કંપનીના આધારસ્તંભ સમી એ અસ્કયામત મૂળતઃ જીવતું જાગતું માનવબળ છે. લોકો કામ કરવા આવતી વખતે પોતાનું આત્મસન્માનભાવનાપ્રધાન કૌશલ્યો, બૌદ્ધિક ક્ષમતા અને સમૃદ્ધ અનુભવ પણ તેમની સાથે જ લઈને આવે છે. એ લોકોને અપેક્ષા રહે છે કે એમના પર વિશ્વાસ રાખવામાં આવે,તેમની સાથે સંવાદ થાય, તેમને પ્રેરણા મળતી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થતો રહે તેવું વાતાવરણ મળે. The Outstanding Organizationપુસ્તકનાં લેખિકા કૅરન માર્ટિનનું કહેવું છે કે 'સંસ્થા એ એક યંત્ર નથી, મૂળતઃ તે હાડચામનાં લોકોથી ધબકતું એક જીવંત તંત્ર છે.' લોકો માટે માન હોવું તેનો અર્થ એ કે અગ્રણીને પોતાનાં લોકોમાં રસ હોય, લોકો સાથે કામ કરવું તેને પસંદ હોય, તે લોકોને સાંભળે, કામની મુશ્કેલીઓની આંટીઘૂંટીમાં લોકોને જરૂરી દોરવણી પૂરી પાડે, તેમની સમસ્યાઓનાં સમાધાન કરે અને તેમના વિકાસમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે. લોકો માટે માન હોવું એટલે કામનાં ઉત્તરદાયિત્વની સાથે બાંધછોડ કર્યા વગર લોકોને જરૂરી સ્વયતત્તા આપવું. આજના સમયનો અગ્રણી લોકોના વિચારો અને કામ કરવાની રીતના મતભેદને સુધારણાની તકનાં સ્વરૂપે જૂએ એ પણ સર્વસ્વીકૃત અપેક્ષા તરીકે પ્રથાપિત થઈ ચૂકેલ છે.
કાર્યનિર્વાહક્ષમતા:
સહયોગ કદી પણ કાર્યનિર્વાહક્ષમતાની જગ્યા ન લઈ શકે. એક વ્યક્તિ તરીકે નેતામાં જો કામ માટેની ભૂમિકા અદા કરવા માટે આવશ્યક વ્યક્તિગત કૌશલ્ય અને ક્ષમતા ન હોય, તો પછી ટીમ ગમે એટલી કાર્યક્ષમ હોય, પણ નેતા ન તો અસરકારક સહયોગનું વાતાવરણ ટકાવી શકે કે ન તો ટીમની આંતરિક સમસ્યાઓનું સંતોષકારક સમાધાન કરી શકે. અસરકારક નેતાએ પોતાનાં  તકનીકી કૌશલ માત્રથી સંતોષ માની ન લેવો જોઈએ. નેતાની કામ કરવા માટેની તત્પરતા  પણ જરૂરી છે. તે ઉપરાંત, લાંબા ગાળાની વ્યૂહરચના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં તે અને ટીમનાં સભ્યો એકબીજા સાથે કેટલી હદે બંધ બેસે છે તે પણ અગ્રણીએ કરવાનાં આયોજનનાં ગણિત માટે મહત્વનું પાસું છે. ટીમના નેતા માટે જરૂરી છે કે તે જાણે કે ટીમનાં સભ્ય એકબીજા સાથે શી રીતે સંવાદ સાધી શકશે  અને ટીમના સભ્યોના વ્યક્તિગત તેમ જ સામૂહિક પ્રશ્નોનાં સમાધાન કરવા માટેનો  અભિગમ અપનાવે. નેતાની કાર્યનિર્વાહક્ષમતાનું બીજું એક મહત્ત્વનું પાસુ છે તેની વ્યક્તિગત નૈતિકતાનાં મૂલ્યો. નેતાનાં વાણી, વિચાર અને વર્તનમાં વ્યક્તિગત સ્તરે કેટલી એકરૂપતા છે તે તેની નૈતિકતાનો પાયાનો માપદંડ છે. અસરકારક નેતાએ એક સહયોગાભિમુખ ટીમ માટે જરૂરી એવું પરસ્પર વિશ્વાસનું વાતવરણ શક્ય એટલું જલદી ઊભું કરી લેવું રહે.
અન્યોન્યને સાંકળી રાખતો સંવાદ:
સહયોગાભિમુખ ટીમ માટે જો પરસ્પરનો વિશ્વાસ પાયાની ઈંટ છે તો  ટીમની અંદરઅંદર થતો રચનાત્મક સંવાદ તેને જોડતું તત્ત્વ છે. ટીમ વચ્ચે જેટલો વારંવાર સંવાદ થતો રહે તેટલી જ આપસી સ્પષ્ટતા અને દીર્ઘદર્શન અંગેની સ્પષ્ટતા વધે છે, એકબીજા સાથે આઈડીયા વધારે વહેંચાતા રહે છે, એકબીજાએ જે શીખ્યું તે એકબીજા સાથે વહેંચવામાં કે એકબીજાની સમસ્યાઓની સ્પષ્ટતા વધારવામાં કે તેનાં સમાધાન  શોધવામાં સરળતાનું વાતાવરણ ઊભું થાય છે. સહયોગાભિમુખ વાતાવરણમાં નેતાના સંવાદ  જેટલા વધારે પારદર્શી હોય અને ટીમની સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ પ્રત્યે સંવેદનશીલ હોય તેટલી ટીમ વધારે સબળ બને છે. ભવિષ્ય અંગેના વિચારોનું નિરૂપણ એટલું સ્પષ્ટ અને પ્રોત્સાહક હોય કે ટીમમાં ઉર્જા સંચારિત થતી રહે. ટીમના સંવાદ ટીમની વિચારસરણી અને આનુષાંગીક પગલાંઓ તેમ જ તેમની સમસ્યાઓના સમાધાનનો અભિગમ  ટીમનાં લાંબા ગાળનાં લક્ષ્ય અને દીર્ઘદર્શન સાથે હંમેશાં સુસંગત બની રહે તે મહત્ત્વનું છે. સંવાદ એ માત્ર બોલાતા શબ્દો નથી પણ વણબોલાયેલા શબ્દો અને એકમેકની પ્રવૃતિઓની ભાષા છે.
ફોટોગ્રાફ: ખીજડીઆ પક્ષી અભ્યારણ્યમાં દરિયાઈ કીચડીયાઓનો સમુહ: તન્મય વોરા



Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો