રવિવાર, 5 ફેબ્રુઆરી, 2012

સર્જનાત્મકતા વિષે ઑશૉની પાંચ આંતરસૂઝ - તન્મય વોરા


આલેખથી જ ગુણવત્તાને સાંકળી લેવાનાં હાર્દમાં સર્જનાત્મકતા સમાયેલ છે.સૂચનાઓના અમલ કરનાર લોકો ભાગ્યે જ કંઇ નવું કરી શકતા જણાતા હોય છે.આમ હું સર્જનાત્મકતા - બીનપરંપરાગત રીતે કંઇપણ કરવાની ક્રિયા,એવું અર્થપૂર્ણ કંઇ કરવું જે તમને, અને તેથી દુનિયાને, બદલી નાખે - વિષે વધુ વિચારવા પ્રેરાયો.પરંપરાગત માન્યતા મુજબ [ઔદ્યોગિક વિશ્વમાં] ચિત્રકાર, કવિ અને એવા અન્ય કળાકાર જ સર્જક હોય તેમ માનવામાં આવતું. જ્ઞાન વિશ્વમા, દરેક વ્યાવસાયિકને સર્જનાત્મક - - બીજાઓને જે દેખાય નહીં તેવાં વલણો પારખવાં,સર્જન કરીને પહેલ કરવી - થવાની તક [અને જરૂર] રહે છે. સર્જનાત્મકતાવિષે હું વિચાર કરતો હતો તે સમયે જ ૨૦મી સદીના આધ્યાત્મિક ગુરૂ ઑશૉનું ખૂબ જ સરસ પુસ્તક "સર્જનાત્મકતા - આતરશક્તિઓને છૂટ્ટી મૂકો" મારા હાથે ચડ્યું.એ પુસ્તક મેં ખુબ જ રસપૂર્વક વાંચ્યું, અને તેમાંથી મને કેટલીક જાગરૂક કરે તેવી આંતરસૂઝ હાથ લાગી. તેમાંની કેટલીક અહીં પ્રસ્તુત છેઃ

અહં સર્જનાત્મકતાનો શત્રુ છેઃ જ્યારે તમે જે કંઇ કરી રહ્યા હો તેમાં તમને મજા પડતી હોય, કારણ કે તે પોતાનાં આગવાં કારણોસર તમારામાટે મૂલ્યવાન છે, ત્યારે તમે તમારી સર્જનાત્મક્તાની ચરમ સીમાએ હો છો. જ્યારે તમે પ્રસિધ્ધિ મેળવવા [તમારા અહંને પોષવા]કંઇપણ કરો છો, ત્યારે તમારી સર્જનાત્મકતા કુંઠીત થઇ જતી હોય છે. બાહ્યસ્વિકૃતિની આપણી જરૂરીયાત આપણને નવું સ્વિકારતાં,મુક્ત મને વિચારતાં અને જીજ્ઞાસુ થતાં રોકે છે.
સર્જનાત્મક્તા વિરોધાભાસ છે. તમે જેટલી સર્જનાત્મક થવા કોશીશ કરશો તેટલા જ તમે ઓછા સર્જનાત્મક થશો. સર્જનાત્મક થવાના તમારા સભાન પ્રયત્નો જ તમારા સર્જનાત્મક થવાને આડે આવે છે, કારણકે સર્જનાત્મકતા તો મુક્ત વહેણ છે. મેં આગળ લખ્યા મુજબ  અંતરાયો જ આપણને સર્જનાત્મક બનાવે છે - ખરેખર તો પ્રવાહની સાથે વહેવું, કામસાથે રહેવું, કામમાં રહેવું તે સર્જનાત્મકતાની ચાવી છે. પુસ્તક કહે છેઃ "તમે શું કરી રહયા છે તે મહ્ત્વનું નથી, મહત્વનુ તો એ છે કે તમે તે કઇ રીતે કરી રહ્યા છો. અને અંતે તો મહત્વનું એ છે કે તમે જાતે કરો છો કે તે [કોઇ દ્વારા]થવા દો છો."
સર્જનાત્મકતા એટલે ભૂતમાંથી મુક્ત થવું. ભૂતકાળ પર વધારે પડતો આધાર તમને  સર્જનાત્મક થતાં રોકે છે. સર્જનાત્મક વ્યક્તિ વર્તમાનમાં રહે છે, સંદર્ભ સમજે છે અને બધી શક્યતાઓ જોઇ શકે છે.ઑશૉ સાચું જ કહે છે કે "બુધ્ધિમતાને પ્રવૃતિમય કરવા માટે વધારે માહિતિની નહીં, પણ વધારે ધ્યાનમગ્નતાની જરૂર છે.તમને દિમાગની ઓછી અને દિલની વધારે જરૂર પડશે."
સર્જનાત્મકતા એ આંતરરમત છે. તે તમારા વિષયપ્રત્યેના લગાવમાંથી સ્ફૂરે છે. એ સ્ફૂરે છે તમારી અભ્યાસમાટેની લગન, અજમાયશ કરવાની હિંમત અને કામ કરતાં કરતાં શીખવામાંથી. ઑશૉ કહે છેઃ"જો તમારૂં કામ તમારી પ્રેમની કહાણી હશે તો તે સર્જન બની રહેશે. સર્જનાત્મકતા એટલે તમે કરી રહ્યા છે તે પ્રવૃતિમાં તમારી ગુણવત્તાનું પ્રદાન. તે એક અભિગમ છે, એક આંતરીક દ્રષ્ટિકોણ છે. તમે જે કંઇપણ કરો તે જો આનંદથી કરો, પ્રેમથી કરો, તો તે નવસર્જન છે."
સર્જનાત્મકતા બહુ ઝીંદાદીલી માંગે છે. કારણકે બીનપરંપરાગત રીતે કંઇ કરવું એટલે જોખમ ખેડવું, નિષ્ફળ થવાની તૈયારી રાખવી અને તેમાંથી કંઇ નવું શીખવું. ઑશૉ નોંધે છે કે જેવી તમને પ્રસિધ્ધિ અને માન [બાહ્ય સ્વિકૃતિ]મળવા લાગે છે કે તમે નિષ્ફળ જવાના ભયથી પ્રયોગ કરતા બંધ થઇ જાઓ છો.

અને અંતેઃ

સર્જનાતમકતા એટલે કોઇએ પહેલાં કદી પણ ન કર્યું હોય તે કરવું નહીં - પરંતુ, મારા મત મુજબ તો તે છે ખુબ જ પ્રેમથી , આનંદથી અને રસપૂર્વક કંઇ પણ કરવું. જો દુનિયા તેને સ્વિકારે તો તમે તેનો આભાર માનજો.નહી તો, તેની પોતાની મજા અને આનંદ તો છે જ.સર્જનાત્મક થવું તે [એ દ્રષ્ટિએ]નીજાનંદ છે!

n  QAspire પર શ્રી તન્મય વોરાએ ૮મી જાન્યુઆરી,૨૦૧૨ના પ્રસિધ્ધ કરેલ મૂળ લેખ 5 Insights on Creativity from Oshoનો અશોક વૈષ્ણવ, અમદાવાદ દ્વારા કરાયેલો અનુવાદ