ગુરુવાર, 19 એપ્રિલ, 2012

બે વચ્ચે સંતુલન - દેવદત્ત પટ્ટનાઇક

વિષ્ણુને બે પત્નીઓ હતી -  શ્રી-દેવી અને ભૂ-દેવી.શ્રી-દેવી એ અમૂર્ત સંપત્તિની દેવી છે જ્યારે ભૂ-દેવી એ ભૌતિક સંપત્તિની દેવી છે. કોઇ કોઇ  મંદિરોમાં સરસ્વતી કે લક્ષ્મીને પણ વિષ્ણુની પત્નીનું સ્થાન આપેલ જોવા મળે છે.સરસ્વતી એ મોક્ષ-પત્ની તરીકે બૌધ્ધિક સુખ આપે છે તો લક્ષ્મી એ ભોગ-પત્ની તરીકે ભૌતિક સુખો આપે છે. શિવને પણ બે પત્ની છે- ગૌરી અને ગંગા,એક તેમના ખોળામાં તો બીજાં તેમની જટામાં બિરાજમાન છે, એક પર્વતોની જેમ ધીરગંભીર છે તો બીજાં નદી જેવાં ચંચળ.કૃષ્ણને પણ બે પત્ની છે, રુકિમણિ અને સત્યભામા, એક ગરીબ [પિતાને ઘરેથી નાસી આવ્યાં હતાં] અને શરમાળ હતાં,અને બીજાં સમૃધ્ધ [પિતાની સંમતિથી,ખુબ દહેજ સાથે આવ્યાં હતાં] અને જાજવલ્યમાન.મુરુગનને પણ બે પત્ની છે, દિવ્ય દેવસેના,દેવોની પૂત્રી તો બીજાં વાલી, જંગલના આદિવાસીઓની પૂત્રી. ગણેશની બે પત્નીઓ, રિધ્ધિ અને સિધ્ધિ, એક સંપતિનું પ્રતિક  તો બીજાં વિદ્વતાનું.આના પરથી એવું તારવી શકાય કે બે પત્નીઓ બે વિરૂધ્ધ વિચારધારાનાં પ્રતિક છે જેને 'પતિ' સંતુલીત કરે છે.પતિના બન્ને પક્ષને ખુશ રાખવાના પ્રયત્નોએ તો કેટલીય રમૂજી કથાઓને જન્મ આપ્યો છે.

દેવીઓને બે પતિઓ સાથે કદી બતાવવામાં નથી આવ્યાં[પિતૃપ્રાધાન્ય?]. પરંતુ પુરી,ઑરિસ્સામાં સુભદ્રાની બે બાજૂએ બે ભાઇઓ, ચાલાક ગોપાળ કૃષ્ણ અને સાદા ખેડૂત બલરામ.તો ઉત્તરમાં વાઘપર સવાર શેરાવાલીની બાજૂમાં,બુધ્ધિમાન અને આજ્ઞાંકિત, વીર હનુમાનઅને બીજી બાજૂએ, આનંદી અને ડરામણા,બટુક ભૈરવ પહેરો ભરે છે.દક્ષિણ ભારતમાં દેવીમા દ્રૌપદી અમ્માના બે રક્ષક પૈકી એક છે પાયદળનો હિન્દુ સૈનિક અને બીજો છે [આપણાં સંપૂર્ણ બીનસાંપ્રદાયિક રાષ્ટ્રને શોભે તેમ]મુસ્લિમ ઘોડેસવાર.આમ ફરી એક વાર આપણે બે વિરૂધ્ધ પ્રભાવને મા કે બહેન સંતુલીત કરતાં હોય તેમ જોઇએ છીએ.

વ્યવસાયમાં પણ સંતુલન મહત્વની ભૂમિકા ભજવે છે.માર્કેટીંગને ટીમે વેચાણની ટીમને સંતુલીત કરવી પડે છે, તો ફાયનાન્સ ટીમ માનવ સંસાધન ટીમને સમતોલે છે.પાછળ રહીને ટેકો આપતી ટીમ આગળ રહીને કામ કરતી ટીમને સમતોલ કરે છે. માર્કૅટીંગ ટીમ માંગ પેદા તો કરે છે પણ તેને આંકડાકીય પરિમાણ નથી આપી શકતી કારણ કે તે વધારે તાત્વિક અને લાંબા ગાળાનું વિચારે છે,જ્યારે વેચાણ ટીમ તાત્કાલિક, પાર્થિવ પરીણામો આપે છે, પણ લાંબા ગાળાની માંગની ખાત્રી નથી આપી શકતી કે નથી એ માંગ પેદા કરી શકતી. ફાયનાન્સ ટીમ પ્રક્રિયાઓ અને રોકાણપરનાં વળતર અને ઑડીટનાં પગેરાં પર કેન્દ્રીત હોય છે, જેથી કંપની વ્યક્તિ નિરપેક્ષ બની જાય છે. માનવ સંસાધન ટીમની એ જવાબદારી બની રહે છે કે તેઓ વ્યક્તિગત સ્પર્શ પાછો લઇ આવે.બૅક-ઍન્ડ ટીમ માલનો પૂરતો જથ્થો અને પુરવઠો જાળવે છે,પરંતુ હસતાં મોઢે વેચાણ અને સેવા એ આગળ રહેલી ટીમની જવાબદારી છે. નેતૃત્વ સંચાલકો એ પતિ /બહેન કે માનૉ પાઠ ભજવવાનો રહે છે જેમણે વિરોધાભાસીપત્નીઓ/ ભાઇઓ/દીકરાઓને સંતુલીત કરવાના રહે છે.

જો કે આ એટલું સહેલું નથી. જાદવએ તેની કારકીર્દીની શરૂઆત કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપનીમાં વેચાણ પ્રતિનિધિ તરીકે કરી હતી. તે ઍરકંડીશન્ડ ઑફિસોમાં બેસીને તાત્વિક અને આકડાશાહી રીપૉર્ટમાં રચ્યા પચ્યા રહેતા માર્કૅટીંગના સહયોગીઓને બહુ પસંદ નહોતો કરતો.તેને ખાસ તો વાંધો એ હતો કે ખરૂં વેચાણ તે કરતો હતો જ્યારે વધારે પગાર પેલા લોકો મેળવતા હતા. આજે તે રીટૅલ શૃંખલાનૉ મુખ્યપ્રબંધક છે. તે તેનો મોટા ભાગનો સમય તેના વેચાણ અને આગળના ભાગમાં કામ કરતા કર્મચારીઓ જોડે જ પસાર કરે છે. તે તેની માર્કેટીંગની ટીમ જોડે બહુ અધીરો થઇ જાય છે, વારંવાર તેમને વેચાણ કેન્દ્રોમાં જઇને ગ્રાહકો સાથે વધારે સમય વીતાવવાનું કહેતો રહે છે.તેથી તેની માર્કેટીંગ ટીમ ત્રિમાસીક લક્ષ્યો અને આજનાં વેચાણની મર્યાદીત વ્યૂહ રચનાત્મક દ્રષ્ટિવાળી થઈ ગઇ છે. કંપનીમાં વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ધરાવનાર કોઇ જ ન હોય તેવી પરિસ્થિતિ થઇ ગઇ છે. મુખ્ય પ્રબંધક જ આજનાં વેચાણથી ખુશ છે, પરંતુ આવતીકાલના પડકારો વિષે તેને કંઇજ ખબર નથી. આ પરિસ્થિતિ તેની કંપની, તેમ જ તેની કારકિર્દી,માટે સારી ન કહેવાય.જ્યારે એક પત્ની/ભાઇ/દિકરાને જ અન્ય વિરોધાભાસી સમતોલ કરનાર બળના ભોગે મહ્ત્વ મળતું રહે, ત્યારે ત્યારે આમ જ થતું હોય છે.

·         ૨ માર્ચ, ૨૦૧૨નાં  ETનાં કૉર્પૉરૅટ ડૉઝીયરમાં પ્રસિધ્ધ થયેલ..
  • મૂળ લેખ Balancing the Other  નો અશોક વૈષ્ણવ, અમદાવાદ,દ્વારા અનુવાદ