શનિવાર, 19 મે, 2012

મારી પત્ની દેડકી છે -- દેવદત્ત પટ્ટનાઇક

દેડકાંઓ અને મેંઢક વરસાદ, પ્રજનનક્ષમતા અને થોડે અંશે ચાઇનીઝ ફૅંગ શુઇ કળાના નમુનાઓ (સિક્કાના ઢગલાપર દેડકાનાં નિશાન સારાં નસીબને આકર્ષે છે તેવું માનવામાં આવે છે)સાથે સંકળાયેલ છે પરંતુ ભારતીય પૌરાણિક શાત્રોમાં તેને બહુ મહત્વ મળતું દેખાતું નથી. મને બે બહુ દુર્લભ સંદર્ભ જોવા મળ્યા છે.બન્ને કિસ્સાઓ દેડકી-રાણીઓના છે,જે દંતકથાઓમાંની દેડકી રાજકુમારીઓની જેમ દિલની વાતને અનુસરવાને કારણે મનુષ્ય દેહ ધારણ કરે છે.

એક કથા મુજબ એક વાર શિવજી એ દાનવ-રાજા રાવણને પૂછ્યું કે તેને શું જોઇએ છે. રાવણે કહ્યું,"મારે તમારી પત્નીસાથે લગ્ન કરવાં છે." શિવજી તો ભોળાભટક તપસ્વી હતા,એટલે તેમણે તો હા ભણી દીધી.શિવજીનાં સંગિની શક્તિને એમાં શિવજીનો દોષ ન દેખાયો કારણકે તે સમજતાં હતાં કે આ રાવણે તેમનાં ભોળપણનો ફાયદો ઉઠાવ્યો છે.એટલે હવે આમાંથી મારગ પણ તેમણે જ કાઢવો રહ્યો. તેમણે એક દેડકીને દરિયાઇ અપ્સરાનું રૂપ આપી દીધું. રાવણે તે અપ્સરાને જોઇ અને માની લીધું કે તે જ પાર્વતીજી છે.તે સિવાય બીજી કોણ કન્યા આવા હિમાચ્છાદિત કૈલાસ પર શિવની સાથે રહેતી હોય? તે તેને લંકા લઇ ગયો અને તેને રાણી બનાવી.મંડુક પરથી તે મંદોદરી તરીકે ઓળખાઇ. તેને હંમેશાં એ વાતનું આશ્ચર્ય રહ્યું કે તે શા માટે હંમેશા ચોમાસાની શરૂઆત સમયે જ, જ્યારે મહાકાય મેંઢકો પણ મહેલનાં તળાવમાં મોટે મોટેથી ડ્રાંઉ ડ્રાંઉ કરતા હોય, ત્યારે જ તેને આકર્ષવામાટે વધુ ઉત્સુક રહેતી હતી.

બીજી એક કથામાં, મહાન ધનુર્ધર અર્જુનના પૌત્ર,પરિક્ષિતની એક વિચિત્ર પત્ની હતી જેનું નામ હતું સુશોભના. તેણે તેની સાથે લગ્ન કરતાં પહેલાં જ કહ્યું હતું,"મને જળાશય ક્યારે પણ દેખાઇ ન જાય તેની તકેદારી રાખજો." પરિક્ષિતને એમ કે તેની પત્ની પાણીથી ડરે છે, તેથી તેને સારૂં જ અનુભવાય એટલે તે હંમેશાં ધ્યાન રાખતા કે તેણી કુવો કે તળાવ કે સરોવરથી હંમેશ દૂર જ રહે.પરિક્ષિતને તેની પત્નીમાટે અનહદ લગાવ હતો.તેના દરબારના શ્રેષ્ઠીઓ અને પ્રધાનોની નારાજગી વહોરીને પણ તે તેની પત્નીથી અળગો જ ન થતો. એમાં તેની રાજ્યવહીવટની જવાબદારીઓપ્રત્યે પણ તે દુર્લક્ષ સેવવા લાગ્યો હતો.

એક વાર આનંદની મસ્તીમાં તે તેણીને બાગમાં લઇ ગયો, જેની મધ્યમાં એક તળાવ હતું. સુશોભના એ તો જેવું તળાવ જોયું તેવી તે તેમાં કુદી પડી અને કદી બહાર જ ન આવી. પરિક્ષિતને તો કેટલાય ખરાબ વિચારો આવી ગયા.શું તે ડૂબી ગઇ? તેણે આખું તળાવ કોરૂંકટ કરાવડાવી નાખવાના હુકમો કર્યા.જ્યારે તળાવ સુકાઇ ગયું,ત્યારે પણ તેની પત્નીનો તો કોઇ અતોપતો જ નહોતો, હતા માત્ર દેડકાઓ.તેણે માન્યું કે કદાચ આ દેડકાઓ તેની પત્નીને ખાઇ ગયા હશે. 

તેણે સૈનિકોને દેડકાઓને મારી નાખવાનો હુકમ કર્યો.સૈનિકોએ તો દેડકાઓને મારી નાખવાનું શરૂ કરી દીધું.પણ તે દરમ્યાન દેડકાઓના રાજા આયુએ પરિક્ષિતને આ કત્લેઆમ બંધ કરવા વિનંતિ કરતાં પરિક્ષિતને અત્યાર સુધી જે રહસ્ય ખબર નહોતું તે જણાવ્યું."તમારી પત્ની મારી પૂત્રી, દેડકી કુંવરી,છે. આમ જે તે પુરૂષોને આકર્ષે છે અને પછી તેઓનો હૃદયભંગ કરે છે.મારી તમને વિનંતિ છે કે આ કતલ બંધ કરિ નાખો.જો તમે તેમ કરશો, તો હું મારી દીકરીને હુકમ કરીશ કે તે તમારી પાસે પાછી આવતી રહે અને એક પત્નીને છાજે તે રીતે તમારી સેવા કરે અને પ્રેમની આવી ક્રુર રમતો રમવાનું બંધ કરે."

પરિક્ષિત માની ગયા અને દેડકાના રાજાએ તેની દીકરીને ફરીથી મનુષ્યદેહ ધારણ કરી તેના પતિની નિષ્ઠાપૂર્વક સેવા કરવા ફરજ પાડી.સુશોભના પરિક્ષિતની પાછળ પાછળ મહેલમાં પાછી ફરી, પરંતુ તેમની વચ્ચે તે પછી પહેલાં જેવો પ્રેમ રહ્યો નહોતો.

મનુષ્ય દેહધારી દેડકાઓની આવી વાતો બાળકોને કુદરતનાં વધારે ચાહક પુખ્ત નાગરિક બનાવવામાં મદદરૂપ થાય તેવો આશય પણ કદાચ હોય.અને નહીં તો તે કોઇ ખાસ બોધ વગરની માત્ર પ્રેમ જેવી કદી ન સંતોષાય તેવી જટીલ લાગણીના આનંદ માટેની વાતો પણ હોય.

·         સન્ડે મિડ ડૅની દેવલોક પૂર્તિમાં ૨૬ ફેબ્રુઆરી,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

·              મૂળ અંગ્રેજી લેખ My wife is a frog , ૪ મૅ,૨૦૧૨ના રોજ Indian Mythology  ટૅગ હેઠળ લેખકની વૅબસાઇટ http://devdutt.com/ પર પ્રસિધ્ધ થયેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો